તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માય સ્પેસ:હિન્દી-ચીની સામસામે...

4 મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
 • કૉપી લિંક
 • હવે ચીને એટલાં બધાં જુઠ્ઠાણાં મેન્યુફેક્ચર કરવા માંડ્યા છે, કે સત્ય અને જૂઠ વચ્ચેનો ભેદ ચીની રાજકારણીઓ ભૂલી ગયા છે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 17 સપ્ટેમ્બર, 2014ના દિવસે શી જિનપિંગના માનમાં યોજાયેલી પાર્ટીમાં આમંત્રણ મેળવવા માટેની પડાપડી હજી તો ભુલાઈ નથી, ત્યાં ચાઈના સાથેના યુદ્ધની રણનીતિઓ ઘડાવા લાગી છે! ડુપ્લિકેટ સામાન બનાવતાં બનાવતાં હવે એમણે એટલાં બધાં જુઠ્ઠાણાં મેન્યુફેક્ચર કરવા માંડ્યા છે, કે સત્ય અને જુઠ વચ્ચેનો ભેદ ચીની રાજકારણીઓ ભૂલી ગયા છે. શી જિનપિંગ જ્યારે ભારત આવ્યા, ત્યારે એમણે જાત-ભાતના વાયદા કર્યા હતા. ભારત અને ચીન સાથે મળીને ઔદ્યોગિક અને આધ્યાત્મિક વિકાસ કરશે, બે સૌથી જૂની સંસ્કૃતિઓનો સમન્વય થશે, વગેરે વચનો ચાઈનીઝ માલ જેવા જ તકલાદી નીકળ્યા. આ કંઈ આજની વાત નથી. 1962માં પણ આપણે લગભગ આવી જ સ્થિતિનો શિકાર થયા હતા. ચીન સાથેના આપણા સંબંધોનો ઈતિહાસ સમજવા જેવો છે. ભારત 1947માં આઝાદ થયું, 1948માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને રિપબ્લિક ઓફ ચાઈના 1949માં અસ્તિત્વમાં આવ્યું. એ વખતે સામ્યવાદમાંથી બહાર આવેલા ચીને આપણા તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો. એ વખતે ચીન ખૂબ નબળી રાજકીય અને આર્થિક સ્થિતિમાં હતું.

પ્રથમ વિશ્વયુદ્ધના પાંચ-છ વર્ષ પછીના સમય સુધી ચીનની રાજકીય અખંડિતતા અને પ્રશાસનિક દૃઢતા સતત ખંડિત થતી રહી. બ્રિટિશ ભારત અને જાપાન સાથે થયેલા યુદ્ધ દરમિયાન ચીનમાં બળવો થયો. જેને કારણે એમનો છેલ્લો ‘ક્વિંગ’ રાજવંશ તૂટી પડ્યો. 1912માં ચીનમાં ગણતંત્રની સ્થાપના થઈ. સુન યાત-સેન રાષ્ટ્રવાદી દળના નેતા ચૂંટાયા, પરંતુ પછીથી યુઆન શિકાઈને સત્તા સોંપવામાં આવી. એણે પોતાની જાતને ચીનનો સમ્રાટ ઘોષિત કર્યો. જોકે, પછીથી એની પાસેથી સત્તા આંચકી લેવામાં આવી. 1920 અને એના પછી ચિયાંગ કાઈ-શેક દ્વારા રાજનીતિક દળની સ્થાપના કરવામાં આવી. એ વખતે રાજધાની ‘નાનકિંગ’ને ઘોષિત કરવામાં આવી. ચીનને લોકતાંત્રિક અને આધુનિક બનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. 1937થી 1945 દરમિયાન ચીન અને જાપાનનું યુદ્ધ થયું. એ પછી રાષ્ટ્રવાદી અને સામ્યવાદીની વચ્ચે સમજૂતી થઈ. યુદ્ધ દરમિયાન એક કરોડ ચીની નાગરિક મૃત્યુ પામ્યા. 1945માં જાપાને સમર્પણ કર્યું, પણ યુદ્ધને કારણે ચીનની આર્થિક સ્થિતિ ભયાનક હતી. રાષ્ટ્રવાદી અને સામ્યવાદી વચ્ચે અવિશ્વાસ ને અસંતોષ હતો. એટલે અંદરોઅંદરની લડાઈ અને નાના-મોટા બળવા ચાલતા રહ્યા. 1947માં, લગભગ ભારતની સાથે જ સંવૈધાનિક શાસન સ્થાપિત કરવામાં આવ્યું, પરંતુ સફળ થઈ શક્યું નહીં.

1 ઓક્ટોબર, 1949ના દિવસે માઓ તુંગે ચીનને સમાજવાદી રાજ્ય ઘોષિત કરીને ‘લોકતાંત્રિક તાનાશાહી’ની સ્થાપના કરી. સૈન્યના સંઘર્ષ તો દબાવી દેવામાં આવ્યા, પરંતુ 1970માં ચીને તાઈવાન, કુઈમોય અને માઓ ત્સે તંુગ જેવા નાના-મોટા ટાપુઓમાં લોકતંત્રનો દેખાડો કરીને એમને પોતાના નેજા હેઠળ લેવાનો પ્રયત્ન કર્યો. 1978 પછી ચીન થોડુંક ઊઘડ્યું, પરંતુ ભાષા અને રાજકીય ગુપ્તતાને કારણે ચીન આખા વિશ્વ માટે એક ન સમજાય તેવી પઝલ રહ્યું. 1989માં તિઆન મેન ચોકમાં વિદ્યાર્થીઓનો બળવો કન્ટ્રોલમાં લેવા માટે ચીનની સેનાએ માર્શલ લૉ દાખલ કર્યો. 1997માં બ્રિટનના કબજામાં રહેલું હોંગકોંગ ચીનને પાછું આપવામાં આવ્યું અને 1999માં પોર્ટુગીઝના કબજામાં રહેલું મકાઉ ચીન પાસે પાછું આવ્યું. ને, 19 વર્ષમાં-2018 સુધીમાં ચીનનો જીડીપી 9.5 ટકા હતો ! આ બધું જામે કે જાદુની છડી ફેરવતાં થયું હોય એમ બની ગયું.

સામાન્ય વાચકને આપણા ચીન સાથેના સંબંધો વિશે ઝાઝી ખબર નથી, પરંતુ સત્ય એ છે કે ભારતની જેમ જ ચીન પણ બ્રિટિશ શાસન અને આંતરિક વિગ્રહોનો શિકાર રહ્યું છે. ત્યાં પણ ભારતની જેમ જ અનેક રાજવંશોએ રાજ કર્યું છે. ચીન પણ વસ્તી વિસ્ફોટ અને નિરક્ષરતા, ગરીબીનો શિકાર છે. ત્યાં પણ ભારતની જેમ જ પૈતૃક સંસ્કૃતિ અને પુરુષપ્રધાન સામાજિકતા અસ્તિત્વ ધરાવે છે. આ બધાની સાથે એક મહત્ત્વનો મુદ્દો એ છે કે ભારત પોતાની ‘વિશ્વ કુટુંબ’ અને લોકશાહીની ભાવનાને કારણે ક્યારેય દગાખોરી કે યુદ્ધની પહેલ કરતું નથી, પરંતુ ચીને શરૂઆતથી જ ભારત સાથે મીઠા સંબંધો રાખવાનો દાવો કરીને ભારતીય સીમામાં રહેલી જમીન હડપવાના પ્રયાસો કર્યા છે.

ચીને જ્યારે જાહેર કર્યું કે, એ તિબેટને પોતાના કબજામાં લઈ રહ્યું છે, ત્યારે ભારતે પ્રોટેસ્ટનો પત્ર લખીને સંવાદ કરવા આમંત્રણ આપ્યું હતું. એમણે સંવાદ કરવાની ના પાડી અને આક્સાઈ ચીન સીમા ઉપર પોતાની સેનાનો ખડકલો કરવા માંડ્યો. ભારત એ સમયે ચીની આક્રમણથી એટલું ચિંતીત હતું કે જાપાન સાથેના શાંતિ કરારમાં હાજર નહીં રહેવાનું નક્કી કરવામાં આવ્યું, કારણ કે ચીનને આમંત્રિત કરવામાં નહોતું આવ્યું. એ પછી ચીનને ઘણા સમય સુધી જગતના દેશોથી આઈસોલેટ કરવામાં આવ્યું, જેના કારણમાં ચીની દગાખોરી અને એમની જમીન હડપવાની ગેરરીતિ હતા. 1954માં પાંચ મુદ્દાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો, જેમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની વાત કરવામાં આવી. જવાહરલાલ નેહરુએ તિબેટમાં ચાઈનાની સત્તા સ્વીકારી અને એમણે ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નું સૂત્ર આપ્યું. જુલાઈ, 1954માં નેહરુએ ભારતીય નકશામાં પોતાની સીમા બતાવતો મેમો ચીનને મોકલ્યો, કારણ કે 1 લાખ 20 હજાર ચોરસ કિલોમીટર ભારતીય જમીનને ચીની ટેરીટરીમાં દર્શાવવામાં આવી હતી. જોઉ એન્લાય, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના પહેલા પ્રિમિયર પોતાના જીદ પર કાયમ રહ્યા. એમણે યુ. એન.ની ચેતવણી પછી કહ્યું કે, ‘નકશામાં ભૂલ હતી.’ માર્ચ, 1959માં દલાઈ લામા ભારત આવ્યા ત્યારે માઓ ઝેડોંગે વળી નવો મુદ્દો ઊભો કર્યો. એણે લ્હાસા બોર્ડર ઉપર સૈનિકો ખડકવાનું શરૂ કર્યું અને કહ્યું કે લ્હાસામાં થયેલા વિરોધનું કારણ ભારત છે. ચીનને હંમેશાં ભારતની બીક લાગતી રહી છે, કકારણ કે એમની નીતિ ખોટી અને લાલચુ રહી છે.

1962માં સિનો-ભારતીય યુદ્ધની શરૂઆત થઈ. નાના-મોટા છમકલાં પછી 1962ના ઉનાળામાં 350 ચીની ટ્રુપ્સ ભારતીય પોસ્ટની આજુબાજુ ગોઠવાઈ ગયા. એમણે ગોરખાઓને લાઉડ સ્પીકર ઉપર સંબોધિત કરીને કહ્યું કે, એમણે ભારત માટે ના લડવું જોઈએ. અંતે, ઈન્ડો-ચાઈના યુદ્ધ થયું. પીપલ્સ લિબરેશન આર્મી લડાખ તરફથી મેકમેહોન લાઈન ક્રોસ કરીને નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી પાસે થઈને ભારતમાં ઘૂસી. યુદ્ધ ખરેખર શરૂ નહોતું થયું ત્યાં સુધી ભારતીય સૈનિકો અને આર્મીના જનરલને લાગતું હતું કે આ ચાઈનાની ધમકી છે, પણ યુદ્ધ નહીં થાય. ભારતે માત્ર બે ડિવિઝનના ટ્રુપ્સ ત્યાં મોકલ્યા, પરંતુ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે ત્રણ રેજિમેન્ટ પોઝિશન લઈને ઊભી છે. ચાઈનીઝ સૈનિકોએ ભારતની ટેલિફોન લાઈન કાપી નાખી, એમના હથિયારો ચોર્યાં, આપણા અનેક સૈનિકો શહીદ થયા ને છતાં, ચાઈનીઝ ઓફિસિયલ મિલિટરી હિસ્ટ્રી મુજબ આ યુદ્ધ ચાઈનાની પશ્ચિમ તરફની સીમાને ‘સલામત રાખવા’ માટે કરવામાં આવ્યું હતું !!

એ પછી, નવેમ્બર, 2019માં કોરોનાનો પહેલો હુમલો થયો. જાન્યુઆરી સુધી વિશ્વને એનાથી અજાણ રાખવામાં આવ્યું. ફેબ્રુઆરી અને માર્ચ સુધીમાં તો આખી દુનિયા એ અજાણ્યા વાઈરસનો શિકાર બની ચૂકી હતી. મીડિયા અને ઉપલબ્ધ સૂત્રોના કહેવા મુજબ આ ચીનમાંથી લીક થયેલું જૈવિક હથિયાર હતું... જાણી જોઈને લીક કરવામાં આવ્યું કે ભૂલમાં થયું, એ વિશે હજી કોઈ માહિતી સત્તાવાર રીતે ઉપલબ્ધ થઈ નથી, છતાં હાર્વર્ડના એક ચાઈનીઝ પ્રોફેસરની અને ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા, કોલંબિયા યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોની ધરપકડ કરવામાં આવી. અમેરિકામાં વસતા કેટલાક ચાઈનીઝ વૈજ્ઞાનિકો રાતોરાત ગુમ થઈ ગયા... આમાંની કેટલીક વિગતો પ્રકાશિત થઈ, કેટલીક ગુપ્ત રાખવામાં આવી ! 2011માં બનેલી એક હોલિવૂડની ફિલ્મ ‘કન્ટેજીયન’માં સ્કોટ બર્ન્સ નામના લેખકે આવી જ રીતે જૈવિક વાઇરસ દ્વારા ફેલાતા એક ન સમજાય તેવા રોગચાળાની ફિલ્મ લખી, સ્ટીવન સોડરબર્ગ નામના દિગ્દર્શકે આ ફિલ્મમાં આજથી નવ વર્ષ પહેલાં આખા જગતમાં ફેલાઈ ગયેલા રોગને ચીનથી આવતો બતાવ્યો છે... આ કોઈ માહિતીના આધારે જ લખાયું હશે ને ?

કોરોના પછી આપણા દેશમાં બીજું કંઈ બદલાયું હોય કે નહીં, પરંતુ હવે ચીની દગાખોરી અને એમના ડુપ્લિકેટ ચહેરાઓ આપણી સામે ઊઘડી ગયા છે. નરેન્દ્ર મોદીએ જાહેર ભાષણમાં ચીન સાથેના આપણા વણસી ગયેલા સંબંધો વિશે વાત કરીને પ્રત્યેક ભારતીય નાગરિકને વિશ્વાસમાં લીધો છે. જવાહરલાલ નેહરુની જેમ ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’ કરીને પીઠમાં ખંજર ખાવાને બદલે આપણા વડાપ્રધાને યુદ્ધ માટેની તૈયારી દેખાડીને ભારતીય હિંમત અને ગૌરવનું પ્રદર્શન કર્યું છે. આવતીકાલે કદાચ ચીન સાથે યુદ્ધ થાય, તો દરેક ભારતીય નાગરિકે એટલું જાણી લેવું જોઈએ કે અત્યાર સુધી ચીનને આપણે જ આર્થિક મદદ કરતા રહ્યા છીએ...! ચીની માલ, ચીની એપ અને ચીન સાથેના વ્યાપાર દ્વારા આપણે ભારતીય હૂંડિયામણ ચીનને પહોંચાડતા રહ્યા છીએ. ભલે આપણે સીમા પર જઈને લડી ના શકીએ, પરંતુ આપણા દેશના સૈનિકો માઈનસ 20-25 ડિગ્રીમાં જ્યારે આપણું રક્ષણ કરવા ચીની સૈનિકો સામે ઊભા હોય ત્યારે ચીની માલ અને ચીની એપનો બહિષ્કાર કરીને આપણે એમને ચોક્કસ મોરલ સપોર્ટ આપી શકીએ. જો ભારતીય હોવું એ આપણે માટે ગૌરવની વાત હોય, તો આ દેશના રક્ષણની જવાબદારી માત્ર લશ્કરની નથી, આપણી પણ છે જ... kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો