તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:હિમાલયની નદીનાં પાણી, કચ્છ અને ગુજરાત

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: કીર્તિ ખત્રી
  • કૉપી લિંક
પ્રસ્તુત તસવીર રાજસ્થાન કેનાલની છે, જેતે વખતે અા જ કેનાલ મારફતે કચ્છ સુધી પાણી પહોંચાડવાની વાત હતી. રાજકીય ઇચ્છાશક્તિ હોય તો અા કેનાલ મારફતે અથવા પાઇપ લાઇન મારફતે ફરી કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પાણી પહોંચાડી શકાય છે. - Divya Bhaskar
પ્રસ્તુત તસવીર રાજસ્થાન કેનાલની છે, જેતે વખતે અા જ કેનાલ મારફતે કચ્છ સુધી પાણી પહોંચાડવાની વાત હતી. રાજકીય ઇચ્છાશક્તિ હોય તો અા કેનાલ મારફતે અથવા પાઇપ લાઇન મારફતે ફરી કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પાણી પહોંચાડી શકાય છે.
  • રાવી, બિયાસ, સતલજના પાકિસ્તાનમાં વહી જતાં પાણીનો ભારતમાં જ ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારની યોજનાનો લાભ કચ્છ, ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રને મળી શકે તેમ છે પણ સરકાર ચૂપ છે

આઝાદીના સાત-સાત દાયકા પછીયે કચ્છની પાણીની ગંભીર સમસ્યા ઉકેલાઇ નથી તેથી કેટલાયે કચ્છીઓને સતત એમ લાગે છે કે કચ્છનું અલગ રાજ્ય તરીકેનું અસ્તિત્વ જળવાઇ રહ્યું હોત તો પરિસ્થિતિ અલગ હોત. પાણી એટલે માત્ર પીવાનું નહીં, સિંચાઇનું યે ખરું જ કે જેથી કચ્છ બીજું પંજાબ બની શકે. આ દૃષ્ટિએ કચ્છ માટે બે શક્યતાઓ લાંબા સમયથી ચર્ચાતી રહી છે. પ્રથમ સિંધુનું પાણી અને બીજું નર્મદાનું પાણી. નર્મદાના પાણી અંગેની ચર્ચા અાપણે અહીં ત્રણ અઠવાડિયા પહેલા કરી ગયા છીઅે. અેનો સાર અે હતો કે નર્મદા યોજનાના અન્ય લાભાર્થી વિસ્તારોની તુલનાઅે કચ્છની ધરાર અવગણના કરવામાં અાવી હોવાથી પ્રજાની લાગણી ઘવાઇ છે. વળી નર્મદાના કુલ પાણીની ફાળવણી રાજ્યના ધોરણે ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે થઇ છે. તેથી જો કચ્છનું અલગ અસ્તિત્વ હોત તો રાજ્યના ધોરણે અેનેય પૂરતું પાણી મળ્યું હોત અેવી દલીલમાં તથ્ય છે.

ખેર, અાજે વાત કરવી છે સિંધુ નદીના પાણીની. કચ્છનો સિંધુ સંબંધ પ્રાચીન કાળથી છે. સિંધુ ખીણ સંસ્કૃતિના પાંચ હજાર વર્ષ જૂના અવશેષ કચ્છમાંથી મળ્યા છે અે અેનો જીવંત પુરાવો છે. અેક સમયે લખપત વિસ્તારમાં સિંધુ નદી પાણીથી ચોખાની ખેતી સુધ્ધા થતી. પણ 1819ના ધરતીકંપ વખતે કોરી નામે અોળખાતી અા નદીનું તળ ઊંચુ અાવ્યું (અાપણે અેને અલ્હા બંધ કહીઅે છીઅે) તેથી સિંધુનો પ્રવાહ કચ્છમાં અાવતો બંધ થયો. અામ છતાં રાજાશાહીના વખતમાં તેમ અાઝાદી પછી પણ સિંધ પ્રાંતમાંથી નહેર મારફત પાણી કચ્છ સુધી લઇ અાવવાના પ્રયાસો ચાલુ રહ્યા પણ સફળતા મળી નહીં. દરમિયાન 1960માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર થયા. હિમાલયની છ નદીઅો પૈકી પૂર્વની ત્રણ નદીઅો રાવી, બિયાસ અને સતલજના પાણીને સંપૂર્ણપણે ભારતને અને પશ્ચિમની ત્રણ નદીઅો સિંધુ, જેલમ અને ચિનાબના પાણી પાકિસ્તાનને ફાળવાયા. અે સમયે કેન્દ્ર સરકારે ભારતને ફાળવાયેલી ત્રણ નદીઅોના લાભાર્થી રાજ્યોમાં સિંધુ પ્રદેશનો ભાગ અેવા કચ્છને સામેલ ન કરીને હળાહળ અન્યાય કર્યો. સામે રાજસ્થાન અને હરિયાણા સિંધુ તટ પ્રદેશના ભાગ ન હોવા છતાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અેકતા અને અખંડિતતાની વાત કરી બંનેને ભરપૂર પાણી ફાળવ્યા. અેક તબક્કે રાજસ્થાન કેનાલ કચ્છ સુધી લંબાવવાનું અાશ્વાસન અપાયું હતું પણ 1964માં રાજસ્થાનના વિરોધના કારણે છેદ ઉડાડી દેવાયો. ગુજરાત સરકાર ચૂપ રહી. અહીં નર્મદા સંદર્ભે પણ અેક મુદ્દો ઊપસે છે અને તે અે કે રાજસ્થાન નર્મદા તટ પ્રદેશનો ભાગ ન હોવા છતાં તેને પાણી અપાયું છે.

ચાર દાયકા વીતી ગયા પછી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ના અેપ્રિલ મહિનામાં નેશનલ વોટર રિર્સોસિસ કાઉન્સિલની બેઠકમાં કચ્છનો સિંધુના પાણી પરનો અધિકાર છાતી ઠોકીને માગ્યો. લાંબા સમય પછી કચ્છમાં ચર્ચા થવા લાગી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ધારે તો રાવી, બિયાસ અને સતલજના પાણી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને અપાય છે તેમાં સામેલ કરવાનું અાજેય શક્ય છે. કચ્છને તેનો અધિકાર રાજસ્થાન કેનાલ કચ્છ સુધી લંબાવીને અાપી શકાય તેમ છે. કચ્છ માટે સિંધુનો અધિકાર માગનાર નરેન્દ્રભાઇ અાજે વડાપ્રધાન છે. અને 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય લશ્કરી છાવણી પરના નાપાક અાતંકી હુમલા પછી ઇંટનો જવાબ પથ્થરથી અાપવાની ચર્ચામાં હિમાલયી નદીના પાકિસ્તાનમાં વહેતા પાણી અટકાવી દેવાની માગે ઊઠી છે. ‘લોહી અને પાણી અેકસાથે ન વહે’ અે મતલબના નરેન્દ્રભાઇના નિવેદન પછી કેન્દ્ર સરકારે ભારતને ફાળવાયેલી ત્રણ નદીઅોના પાણી અાપણે પૂરેપૂરા વાપરી શકતા નથી અને પાકિસ્તાનમાં વહી જાય છે તેને અટકાવવાનો નિર્ણય કર્યો છે. બીજા અર્થમાં કહીઅે તો અેનો સંપૂર્ણ ઉપયોગ ભારતમાં જ થાય અેવૂં અાયોજન હાથ ધરાયું છે તેથી કચ્છ માટે અેક ઉજળી તક ઉભી થઇ શકે તેમ છે. ફરી, અે જ જૂની દરખાસ્ત મુજબ રાજસ્થાન કેનાલના પાણી કચ્છ સુધી પહોંચાડી શકાય. પ્રશ્ન રાજકીય ઇચ્છાશક્તિનો છે. નહેર અગર તો પાઇપલાઇનથીયે પાણી માત્ર કચ્છ નહિ, ઉત્તર ગુજરાત અને સાૈરાષ્ટ્ર સુધી પહોંચાડી શકાય તેમ છે.

અા વિચાર ફરી વહેતો મૂક્યો કચ્છના પાણીના પ્રશ્નના ઊંડા અભ્યાસુ અેવા ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ઠક્કરે. તેમણે 1988માં ‘સિંધુના પાણી અને કચ્છ’ નામે પુસ્તક લખ્યું હતું. જેમાં સિંધુના પાણી માટે કરાયેલા પ્રયાસોની વિગત અાધાર-પુરાવા સાથે અપાઇ હતી. 2016ના બનાવ પછી તેમણે સંબંધિત માહિતી અપડેટ કરીને સંવર્ધિત અાવૃત્તિ 2017ના નવેમ્બરમાં વિવેકગ્રામ પ્રકાશન મારફત પ્રસિદ્ધ કરાવી. વિજયરાજજી લાઇબ્રેરીના ઉપક્રમે અા પ્રશ્ને સેમિનાર યોજાયો જેમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાઅે પણ ભાગ લીધો અને તે પછીના દિવસોમાં જે તે વિભાગને પત્રોયે લખ્યા. મહેશભાઇ ઠક્કરે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને સંવર્ધિત પુસ્તક (બીજી અાવૃતિ) અને સિંધુ જળ માટે અાવેદન પાઠવ્યું. દરમિયાન 9-7-18ના રોજ ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલે સર્વાનુમત્તે કચ્છના અધિકાર અને સિંધુ જળ પ્રશ્ને ઠરાવ પસાર કરીને ગુજરાત સરકારને મોકલી અાપ્યો. પણ અફસોસ કે કોઇ કહેતાં કાંઇ પ્રતિભાવ સરકારે અાપ્યો નથી. અાવું શા માટે?

વડાપ્રધાન મોદીઅે મુખ્યપ્રધાન હતા ત્યારે ઉઠાવેલો મુદ્દો અાગળ ધપાવવામાં ગુજરાત સરકાર પહેલ કેમ કરતી નથી? અાખરે કચ્છ માટે વ્યૂહાત્મક રીતે ય પાણીની સમસ્યા હલ થવી જરૂરી છે. પછી અે નર્મદાનાં પાણી હોય કે હિમાલયની નદીનાં પાણી. - kirtikhatri@hotmail.co

અન્ય સમાચારો પણ છે...