રણમાં ખીલ્યું ગુલાબ:છુપે હૈં સાત પર્દોં મેં યે સબ કહને કી બાતેં હૈં ઉન્હેં મેરી નિગાહોં ને જહાઁ ઢૂઁઢા વહાઁ નિકલ

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

બંગલો કેટલામાં આપવો છે?’ નક્ષત્રે સીધો સવાલ ફેંક્યો. સમર્થ શેઠને આશ્ચર્ય થયું,‘તમે બંગલો ખરીદવાનો નિર્ણય કરી લીધો. આખો બંગલો જોયા વગર જ?’ ‘દાળ કેવી બની છે એ જાણવા માટે આખું તપેલું ગટગટાવી જવાની જરૂર નથી; એક ચમચી પીતાંની સાથે જ સમજાઇ જાય કે…’ ‘આ બંગલો છે, દાળનું તપેલું નથી. તમે ઝાંપાથી બંગલાના પ્રવેશદ્વાર સુધીનો ભાગ જ જોયો છે. ગાર્ડન છે. અત્યારે તમે મારા ડ્રોઇંગ રૂમમાં બેઠા છો. પણ હજી તો તમારે આઠ બેડરૂમ્સ, એક કિચન, ડાઇનિંગ હોલ, હોમ થિયેટર, બેઝમેન્ટ, બાર રૂમ આ બધું જ જોવાનું બાકી છે.’ ‘તમે બહુ જીદ કરશો તો હું આખો બંગલો જોઇ લઇશ. બાકી મને એવી જરૂર લાગતી નથી. જેટલું જોયું છે એના પરથી જ મને ખબર પડી ગઇ છે કે તમે શ્રેષ્ઠ પસંદગીના માણસ છો. આ બંગલામાં બધું ઉત્તમ જ હશે. દીવાલમાં મારેલી ખીલી પણ સોનાની હશે. તમે કિંમત બોલો એટલે કામ પતે!’ નક્ષત્ર અમેરિકામાં દસ વર્ષ રહીને આવ્યો હતો. ઇન્ડિયા પરત આવવા માટેનું એની પાસે મજબૂત, અંગત કારણ હતું માટે એ આવ્યો હતો. બાકી આ દેશમાં કોણ પાછું આવે? અમેરિકામાં એની પાસે શું ન હતું? નક્ષત્ર પેલેસ નામનો આલીશાન બંગલો હતો, ફાસ્ટ ફૂડના બાવીસ જેટલાં આઉટલેટ્સ હતાં જે વિવિધ સ્ટેટ્સમાં ફેલાયેલાં હતાં. બસોથી વધારે માણસોનો સ્ટાફ હતો. ધીકતી કમાણી હતી, નામ હતું, કામ હતું અને દામ પણ હતા. ટૂંકમાં, પ્લેટિનમનું ખેતર હતું, સોનાંનો વરસાદ હતો અને હીરાનો પાક હતો. પોતાનું આર્થિક સામ્રાજ્ય વ્યવસ્થિત રીતે ગોઠવીને, દરેક આઉટલેટનું સંચાલન ભરોસાપાત્ર મેનેજરને સોંપીને નક્ષત્ર કાયમ માટે ઇન્ડિયામાં સેટલ થવા માટે પાછો ફર્યો હતો. એ કોઇ ખાસ વ્યક્તિને કશુંક બતાવી આપવા માગતો હતો. જેનાં કારણે ભારત છોડવું પડ્યું હતું એને ‘કારણ’નું કારણ જણાવવા માગતો હતો. જેને જિંદગીમાંથી ખોઇ બેઠો હતો એને પાછી મેળવવા માગતો હતો. દસ વર્ષના આકરા સંઘર્ષના બદલામાં એ મરતાં સુધીનું સુખ ખરીદવા માગતો હતો. આ દિશામાં પ્રથમ પગલું એટલે શહેરનો શ્રેષ્ઠ બંગલો ખરીદીને પોતાના નામની ધાક જમાવી દેવાનો ઇરાદો હતું. ઇન્ડિયા આવ્યા પછી નક્ષત્રન જાણવા મળ્યું કે શહેરમાં સૌથી સારો બંગલો એક ઉદ્યોગપતિનો છે, જેનું નામ સમર્થ શેઠ છે. નક્ષત્રે એ માહિતી આપનારને પૂછ્યું હતું, ‘જે ઉદ્યોગપતિએ પોતાનો બંગલો દિલથી બનાવડાવ્યો હોય એ પોતાનું ડ્રીમ હાઉસ મને વેચવા માટે તૈયાર થશે ખરો?’ જવાબ મળ્યો હતો: ‘સામાન્ય સંજોગોમાં તો જ ન થાય પણ સાંભળ્યું છે કે સમર્થ શેઠને તાજેતરમાં બિઝનેસમાં ભારે મોટું નુકસાન થયું છે. સાડા ત્રણસો કરોડ રૂપિયાની ખોટ ખાધી છે. ચાર શૉ રૂમ્સ, ઘણાંબધાં શેર સર્ટિફિકેટ્સ અને છેલ્લે આ બંગલો કાઢી નાખવા સુધીની સ્થિતિ આવી ગઇ છે. આમ તો બંગલો ખૂબ મોંઘો છે પણ તમે જો બાર્ગેઇનિંગ કરશો તો ચાર-પાંચ કરોડ ઓછામાં પણ શેઠ માની જશે. આખો બંગલો જોવાની જરૂર જ ન લાગી. નક્ષત્ર પહેલી નજરે જ બંગલાના પ્રેમમાં પડી ગયો. લગભગ દસ હજાર ચોરસ વાર જમીન પર બંધાયેલા બંગલાનો મુખ્ય ઝાંપો જ એવો આલીશાન હતો કે એના બાંધકામમાં થયેલા ખર્ચમાં મિડલ ક્લાસ ફેમિલી માટેના બે ફ્લેટ્સ તૈયાર થઇ જાય. મુખ્ય ઝાંપાથી બંગલા સુધી લંબાતો લાલ માટીનો રસ્તો, જમણી બાજુ પર ખીલેલો મઘમઘતો બાગ, ડાબા હાથે આવેલા કર્મચારીઓ માટેના કોટેજીસ, કાર પાર્કિંગ, રંગીન ફાઉન્ટેન અને બરાબર સામે, પ્લોટના વચ્ચેના ભાગમાં શોભતો ગુલાબી રંગના ધોલપુરી પથ્થરથી બંધાયેલો બંગલો. બંગલામાં દાખલ થયા પછી તો નક્ષત્ર હોશહવાસ ગુમાવી બેઠો. શાંત, વિશાળ, એસ્થેટિકલ સેન્સથી મંત્રમુગ્ધ કરી દેતો રમ્ય ડ્રોઇંગ રૂમ જોઇને નક્ષત્ર એના અકાટ્ય આકર્ષણમાં અવાચક બની ગયો. સીધો સવાલ કરી બેઠો, ‘બંગલો કેટલામાં આપવો છે?’ માલિક સમર્થે આખો બંગલો જોઇ લેવાનું સૂચન કર્યું પણ નક્ષત્રે પોતાની જીદ પકડી રાખી,‘તમે કિંમત બોલોને!’ આખરે સમર્થે કહી દીધું, ‘આમ તો બંગલાની હાલની બજાર કિંમત પાંત્રીસ કરોડ રૂપિયા છે પણ હું તમને બત્રીસ કરોડમાં…’ ‘બત્રીસ નહીં, ત્રીસ કરોડમાં આપવો હોય તો બોલો. રાઉન્ડ ફિગર ઠીક રહેશે.’ સમર્થ હસ્યો, ‘જો રાઉન્ડ ફિગર જ રાખવો હોય તો ચાળીસ કરોડ આપજો. બાકી મેં જણાવેલી કિંમતથી એક રૂપિયો પણ ઓછો તો નહીં જ લઉં.’ ચર્ચા ચાલતી રહી. સમર્થે વાતવાતમાં પૂછી લીધું, ‘તમે પરણેલા છો? ફેમિલી મોટું છે? આવડો વિશાળ બંગલો ખરીદવાનું કારણ શું છે?’ ‘કારણ છે. હું પરણેલો તો નથી પણ આ બંગલો મારે પરણવા માટે જ ખરીદવો છે. આજથી દસ વર્ષ પહેલાં હું અત્યંત ગરીબ યુવાન હતો. કોલેજની ફી ભરવાની પણ મારી હેસિયત ન હતી. મારી ફી મારી સાથે ભણતી એક સંસ્કારી, સુંદર છોકરી ભરી આપતી હતી. એની સહાનુભૂતિને હું પ્રેમ સમજવાની ભૂલ કરી બેઠો. જ્યારે મેં એને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે એ ભડકી ઊઠી. પણ એ સંસ્કારી હતી એટલે એણે મને ધૂત્કારી કાઢવાને બદલે શાંતિથી સમજાવ્યું કે લગ્ન એ માત્ર હૃદયનો વિષય નથી, બે વ્યક્તિઓનું જીવનભરનું જોડાણ એ સામાજિક અને આર્થિક બાબત પણ છે. પૈસો ભલે બધું જ નથી, પૈસો ઘણુંબધું છે. હું મારા ભાવિ પતિ પાસે જીવન જીવવા માટેની બેઝિક સગવડો હોય એવી અપેક્ષા તો રાખું જ છું. એક આરામદાયક ઘર હોય, ભલે સસ્તી તો સસ્તી પણ એક ગાડી હોય, ખાવા માટે પૂરતું ધાન્ય અને ખર્ચવા માટે પૂરતું ધન હોય, સારવાર માટે કે સંતાનોનાં શિક્ષણ માટે નાણાંની ખેંચ ન હોય, આટલું તો હોવું જ જોઇએ. જે છોકરીઓ પ્રેમ નામની ઝાકળનું પાનેતર ઓઢીને સંસારના આકરા તાપમાં કૂદી પડે છે એમના પાનેતરનું બાષ્પીભવન થઇ જતાં વાર નથી લાગતી.’ ‘પછી શું થયું?તમારી પાસે આટલા બધા રૂપિયા કેવી રીતે આવી ગયા? એ પણ ફક્ત એક જ દાયકામાં?’ ‘રૂપિયા કમાવા માટે હું અમેરિકા ચાલ્યો ગયો હતો. ત્યાં જઇને મહેનત, સાહસ અને બુદ્ધિના ત્રિવેણી સંગમ વડે મેં મારું આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું. હવે હું પાછો ફર્યો છું. હું આ શહેરને મારી સમૃદ્ધિની ચમક બતાવીને મારી ખોવાયેલી પ્રેમિકાને…’ વાત ધીમે ધીમે ફરી પાછી બંગલાની કિંમત ઉપર આવી ગઇ. સમર્થને ધંધાની ખોટમાંથી ઊગરવા માટે વધારે નાણાંની જરૂર હતી. નક્ષત્રને લાગતું હતું કે બંગલો ત્રીસ કરોડથી વધુ કિંમતનો નથી. બંને વચ્ચે રકઝક ચાલી રહી હતી ત્યાં સ્ત્રી-સ્વર સંભળાયો, ‘સમર્થ સાંજે આપણે પાર્ટીમાં જવાનું છે એ યાદ છે ને તને? તને મળવા માટે કોઇ આવવાનું હતું એ…?’ નક્ષત્ર કાનમાં રેડાતા આ મધમીઠા અવાજને માણી રહ્યો. અવાજની પાછળ જ એની સ્વામિની પ્રગટ થઇ. બંનેની નજરો ટકરાઇ. નક્ષત્ર ઊભો થઇ ગયો: ‘રિદ્ધિમા, તું? તું અહીં?!’ ‘હા, હું અહીં જ. રિદ્ધિમાએ હસીને જવાબ આપ્યો, ‘સમર્થની વાઇફ સમર્થના ઘરમાં ન હોય તો બીજે ક્યાં હોય?સમર્થ ક્યારનો ય ઊંચો-નીચો થતો હતો. એણે ખુલાસો કર્યો, ‘તમે એકબીજાને ઓળખતાં હો એવું લાગે છે. એક કામ કરો; તમે બંને નિરાંતે બેસીને વાતો કરો. હું એક અગત્યનો બિઝનેસ કોલ પતાવીને આવું.’ સમર્થ બાજુના રૂમમાં ચાલ્યો ગયો. ‘બંગલો ખરીદવા આવ્યો છે?’ રિદ્ધિમાએ પૂછ્યું, ‘મબલખ રૂપિયા કમાયો લાગે છે.’ ‘રૂપિયા નહીં, ડોલર્સ કમાયો છું. એ પણ માત્ર તને પામવા માટે. મને શી ખબર કે ડોલરની કરન્સી મળતાં સુધીમાં ડોલરનું ફૂલ ચાલ્યું જશે! હવે આ ઇંટ-સિમેન્ટના મકાનનું મારે શું કામ છે? જો તારા સહિત આ બંગલો મળતો હોય તો પચાસ કરોડ ચૂકવવા તૈયાર છું.’ રિદ્ધિમા ફિક્કું હસી રહી, ‘જિંદગી ક્યારેક અતિ ક્રૂર રમત રમે છે. જ્યારે પ્રેમિકાને પામવાની તક હોય છે ત્યારે પુરુષ પાસે પૈસો નથી હોતો અને જ્યારે પૈસો આવે છે ત્યારે પ્રેમિકા ચાલી ગઇ હોય છે. તું દુ:ખી ન થતો. તું બધી રીતે સુયોગ્ય પુરુષ છે. સારી છોકરી જોઇને પરણી જજે. હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે તને સો રિદ્ધિમાના સરવાળા કરતાં યે ચડી જાય એવી પત્ની મળે!’

અન્ય સમાચારો પણ છે...