રાગ બિન્દાસ:હાય, હાય, તેરી બિંદિયા રે: હાયલા, હવે ચાંદલા પર પણ વિવાદ?

22 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • પત્રકાર બહેનને સમજાયું નહીં કે એમના કપાળે ચાંદલો હોય કે નહીં એનાથી ભીડેસાહેબ શું કામ જવાબ ના આપે અને આખી વાતમાં પૂ. ભારતમાતાની વાત ક્યાં આવી?

ટાઇટલ્સ ધાન ને વિધાનને બહુ કૂટવું નહીં. (છેલવાણી) ખરેખર તો દરેક સમાચાર, એ વ્યંગનો કાચો માલ છે. જ્યારે અખબારમાં કૉલમ લખવા માટે દર સપ્તાહે કંઇ ના સૂઝે ત્યારે કૉલમનો મજેદાર મસાલો ખુદ અખબારોમાંથી જ મળી આવે છે. હમણાં મુંબઇમાં અજીબ ઘટના બની ગઇ. મહારાષ્ટ્રની લોકપ્રિય સંસ્થા, ‘સંભાજી બ્રિગેડ’ના વડીલ અને આદરણીય નેતા ગુરુજી સંભાજી ભીડે, નવા મુખ્યમંત્રી શિંદેસાહેબને મળવા મુબંઇના મંત્રાલય ગયા ને ત્યારે એક મહિલા પત્રકારે એ મુલાકાત વિશે ભીડેજીને કારણ પૂછ્યું. ત્યારે ભીડેસાહેબે મહિલાને ધમકાવીને કહ્યું, ‘જા, પહેલાં તું જઇને માથાં પર ચાંદલો લગાડીને આવ પછી આવા સવાલ પૂછ! દરેક સ્ત્રી ભારતમાતાનો અવતાર છે ને ભારતમાતા કંઇ ચાંદલા વિનાની વિધવા નહોતી!’ પેલા પત્રકારબહેનને સમજાયું નહીં કે એમના કપાળે ચાંદલો હોય કે નહીં એનાથી ભીડેસાહેબ શું કામ જવાબ ના આપે અને આખી વાતમાં પૂ. ભારતમાતાની વાત ક્યાં આવી? પછી તો આખો મુદ્દો ખૂબ ચગ્યો અને રાજ્યની અનેક સ્ત્રી સંસ્થાઓ અને અનેક પ્રગતિશીલ લોકોએ ભીડેજીનો વિરોધ કર્યો કે એમણે જો જવાબ નહોતો આપવો તો ના આપત પણ આવું કહીને મહિલાપત્રકારનું અપમાન શા માટે કર્યું? ઇવન, મહારાષ્ટ્રના માજી મુ.મંત્રી અને ઉપ-મુ.મંત્રી દેવેન્દ્ર ફડનવીસના પત્ની અમૃતાજીએ પણ નમ્ર સ્વરમાં આનો વિરોધ કર્યો. મૂળે વાત એ છે કે ચાંદલો કરવો કે ના કરવો એ પેલી મહિલાની મરજીનો સવાલ છે અને એમાં આમ ભડકવા જેવું શું છે? અને ધારો કે જો એ મહિલા ખરેખર વિધવા હોત તો શું એ એનો ગુનો કહેવાય? માત્ર ચાંદલો ન કરવાને લીધે એમનો સવાલ પૂછવાનો અધિકાર મટી જાય? અથવા ધારો કે કોઇ મહિલા ફેશન ખાતર કોઇ ડ્રેસ સાથે ચાંદલો ના કરે તો શું એને આવો જવાબ આપવાનો? પેલાં મહિલાપત્રકારે તો વડીલ ભીડેજીની સામે કશું કહ્યું નહીં પણ કમસેકમ જાગૃત મરાઠી સમાજના દરેક અખબારમાં ને ન્યૂઝ ચેનલમાં આ વિશે ઉગ્ર ચર્ચાઓ થઇ ખરી. જોકે ભીડેસાહેબ, ગુરુજીને નામે જાણીતા સામાજિક કાર્યકર ગણાય છે, મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા પર હજારો યુવાનો પાસે વ્યસન-મુક્તિની શપથ લેવડાવવાં જેવાં અનેક સારાં કામ એમણે કર્યાં છે. દેશના તેમ જ મહારાષ્ટ્રના દરેક પાર્ટીના અનેક મોટા મોટા નેતાઓ એમને સામાજિક કે ખાસ તો રાજકીય કારણસર ખૂબ આદર આપે છે. પરંતુ ગુરુજી એમના અમુક ચુસ્ત વિચારોને લીધે વારે વારે અમુક વિધાનો આપીને કારણ વિના વિવાદમાં ફસાઇ જાય છે. વળી, આ જ સંભાજી ભીડેસાહેબે 2018માં એવો પણ દાવો કરેલો કે એમના ખેતરના આંબાની કેરી ખાઈને ઘણી સ્ત્રીઓએ ‘પુત્ર’ને જન્મ આપ્યા છે! નવાઇની વાત તો એ છે કે આ ભીડેસાહેબ પોતે અગાઉ ફિઝિક્સના પ્રોફેસર હતા એટલે જો વિજ્ઞાનના અભ્યાસુ આવો ‘આંબા દ્વારા દીકરો જણો ’વાળો દાવો કરે ત્યારે શું કહેવું? યાદ રહે, ભીડેસાહેબે માત્ર એમ નહોતું કહ્યું કે એમની કેરી ખાવાથી સંતાન જન્મે છે પણ એમણે કહ્યું હતુંકે ‘પુત્ર’ જ જન્મે છે! ઇન્ટરવલ બરબાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ, હર શાખ પે ઉલ્લુ બૈઠા હૈ, અંજામે ગુલિસ્તાં ક્યા હોગા? (શૌક બહરેચી) કદાચ ‘આંબો’ શબ્દ પુલ્લિંગ હશે એટલે ભીડેજીએ આમ કહ્યું હશે? જોકે એમ તો આપણે કેરી પણ બોલીએ છીએ ને ‘કેરી’ સ્ત્રીલ્લિંગ શબ્દ છે. આ ન્યૂઝ વાંચ્યા બાદ અમને કેરી ખાવામાં ડર લાગવા માંડેલો છે કે રખેને ભીડેસાહેબની વાડીમાં ઊગેલા આંબાની કેરીઓ અમે ખાઈ બેસીશું ને પ્રેગ્નેન્ટ થઈ જવાશે તો? પણ ‘કેરી ખાઇને દીકરો જણો’વાળી વાતથી મનમાં એક બીજો સવાલ ઊઠેલો છે. જો કોઈ સ્ત્રી, એક કેરી ખાય તો એક દીકરો જન્મે એ રીતે બે કેરી ખાય તો જોડકાં કે ટ્વિન્સ જન્મે? ‘કર્મ કરો, ફળની અપેક્ષા ના રાખો'-વાળી વાત ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહી છે પણ ભીડેસાહેબે એનાથી ઊલટી જ વાત કરી છે કે ‘ફળ ખાઓ અને જરૂર પરિણામની અપેક્ષા રાખો- ને પરિણામરૂપે દીકરો જ આવશે!’ જો કે, કદાચ આમાં સારી વાત એ પણ જોઈ શકાય છે કે આંબાના ફળથી દીકરો જણી શકાતા હોત તો આ દેશમાં કન્યા ભ્રૂણહત્યા કેવી આસાનીથી અટકાવી શકાયને? જેને દીકરો જોઈતો હોય એ માત્ર ભીડેજીના ફાર્મના આંબાની કેરીઓ જ ખાય એટલે દીકરીનો ગર્ભ રહેવાની ચિંતા નહીં, ગર્ભવતીની ગેરકાયદે પ્રેગ્નન્સી ટેસ્ટ કે પરાણે ગર્ભપાત વગેરે બધાની ઝંઝટ જ નહીં! ખરેખર, હવે તો કાલે કોઇ એમ કહેશે કે કેળાં ખાવાથી દીકરી જન્મી શકે છે તોયે નવાઈ નહીં લાગે! જોકે ભીડેસાહેબે, કેરી ખાવાથી દીકરાનો દાવો તો કર્યો પણ કઈ જાતની કેરી ખાવાથી પુત્રરત્ન જન્મશે એ કહ્યું નથી. કહેવાય છે કે આફુસ કેરી સ્વભાવે ગરમ હોય છે તો શું જે પુત્ર જન્મશે એ ગરમ મિજાજનો પાકશે? અમે તો આવનારા સંતાનને આર્યપુત્રની જેમ ‘આમ્રપુત્ર’ કે પછી ‘આંબાલાલ’ જેવાં નામ પણ સૂચવી શકીએ છીએ. આજકાલ સમાજ એ આંધળી ઝડપભેર દિશામાં જઇ રહ્યો છે કે આવા નેતાઓના આવાં વિચિત્ર વિધાનો વિશે શું કહેવું કે ના કહેવું કે ચૂપ રહેવું એ પણ હવે તો સમજાતું નથી! એન્ડ-ટાઇટલ્સ આદમ: સમાચાર વાંચ્યા? ઇવ: હસી પણ લીધું. { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...