તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:હાઇલા! હાસ્યની પણ ફોર્મ્યૂલા?: રમૂજ- ક્યારે, ક્યાં, કોના પર….!!

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ હસવું એ સહજ યોગ છે. (છેલવાણી) પ્ર : ‘કબજિયાત ફિલ્મ’ વિશે તમે સાંભળ્યું છે? ઉ : હજુ બહાર આવી નથી. *** પ્ર: એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરને ‘આઇ લવ યુ’ કેવી રીતે કહે? ઉ : 0101010110010101 *** એક ડોક્ટરે દર્દીને કહ્યું કે તમે બીમાર છો. દર્દીએ કહ્યું : મારે બીજો ઓપિનિયન મેળવવો પડશે. ડોક્ટરે કહ્યું : તમે કદરૂપા પણ છો! આમ જોઇએ તો, આ સામાન્ય લાગતા જોકસ છે, પણ એ દરેક પાછળ સંકેત છે. કારમા કોરોનાકાળમાં, એકલતા અને ઉદાસીની વચ્ચે હાસ્ય પર અમથું-અમથું રિસર્ચ કરતાં સમજાયું કે માણસનું આખું જીવન જ હાસ્યની લેબોરેટરી છે! ખાસ તો જીવનમાં રહેલા દુ:ખી કોયડાઓ અને એના ઉકેલ વિનાનું અકળ જીવન! આંસુને લેબોરેટરીમાં મોકલી એનાલાઇઝ કરી શકાય પણ હાસ્યની ફોર્મ્યૂલા શું? આગળ ઉપર કહું… 2008માં મુંબઈ પર ટેરરિસ્ટ એટેક થયો. એ પછી ફિલ્મમેકર રામગોપાલ વર્મા સ્થળની મુલાકાત લેવા ગયા. મીડિયામાં ધમાલ મચી ગઈ ને સરકારે રાજીનામું આપવું પડ્યું. એ વખતે એક જોક ખૂબ પ્રચલિત થયો હતો : ‘રામુને દો સરકાર બનાઇ ઔર એક સરકાર ગિરાઇ.’ (રામુએ સરકાર-1 અને 2 નામની બે ફિલ્મો બનાવેલી) આમ, કોઈ પણ કરુણ ઘટના બને ત્યારે તેની ઉપર જોક્સ બનાવવાની કે આખી ઘટનાને હસી કાઢવાની માનવસહજ પ્રકૃતિ છે, પણ આવા હાસ્યની ફોર્મ્યૂલા પર વિદેશમાં ગંભીર અભ્યાસ થયા છે. અમેરિકામાં ડોક્ટર પીટર મેકગ્રા યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં ‘હ્યુમર રિસર્ચ લેબ’ના ડિરેક્ટર છે. તેમણે હાસ્યનો અભ્યાસ કરીને તારણો આપ્યાં છે કે કંઈ ખોટું થાય કે નિયમનો ભંગ થાય ત્યારે હાસ્ય ઊપજે છે. તેમણે ‘બેનિંગ વાયોલેશન’ થિયરી આપી છે જેનાથી દરેક પ્રકારના હાસ્યનું કારણ સમજી શકાય છે. ગ્રીસમાં પ્લેટો અને એરિસ્ટોટલ જેવા ચિંતકોએ 2500 વર્ષ પહેલાં હાસ્ય વિશેની ‘સુપિરિયોરિટી થિયરી’ આપી અને તેમાં કહ્યું કે લોકો બીજાની ભૂલો અને બદનસીબ પર હસે છે. 18મી સદીમાં જર્મન ફિલસૂફ ઇમેન્યુઅલ કાન્ટે ‘ઈન્કોન્ગ્રુઅન્ટ થિયરી’માં કહેલું કે આપણને સરપ્રાઈઝ-આશ્ચર્ય મળે ને આપણી ધારણાઓનો અચાનક ભંગ થાય ત્યારે આપણે હસીએ છીએ. જેમ કે, એક ટાલકાનાં માથા પર અચાનક પહેલા વરસાદનું ટીપું પડતું દર્શાવીને ફિલ્મમેકર સત્યજીત રેએ તરત હાસ્ય જન્માવેલું! ઇન્ટરવલ: મુજ હાસ્યને દીવાનગી લોકો ભલે સમજે, જ્યાં જઇને રડું એવી નથી કોઇ જગા યાદ! (મરીઝ) અગેઇન પીટર મેકગ્રાની થિયરી દરેક જાતના હાસ્ય ને સમજાવી શકે છે. આપણો મિત્ર દાદર પરથી પડી જાય ત્યારે (સુપિરિયોરિટી) સ્લેપસ્ટિક, (ઈન્કોન્ગ્રુઅન્ટી) ગંદા જોક્સ સાંભળવા (રાહતની લાગણી). હાસ્યની ફોર્મ્યૂલા શોધવા મેકગ્રાએ હ્યુમર રિસર્ચ લેબ શરૂ કરી 2009માં. તેને હાસ્યનું માળખું સમજવામાં વધારે રસ હતો. હાસ્યને લગતા પ્રશ્નો ઉકેલવા તેણે પ્રયત્ન કર્યો. કઈ વસ્તુના લીધે કોઈ પણ ચીજ હાસ્યાસ્પદ બની જાય છે? એ શું કામ હાસ્યાસ્પદ છે? એ કેમ બહુ મોડું કે બહુ વહેલું સૂઝે છે? કોમેડીમાં અંતર- distanceનું શું મહત્વ છે? વગેરે વગેરે. તેને ખબર હતી કે વાસ્તવિક અંતર મહત્ત્વનું છે. દુનિયાના બીજે છેડે ટ્રેજેડી - કરુણ પ્રસંગ બન્યો હોય તેની મજાક કરવી સહેલી છે, પણ બાજુમાં જ કરુણ પ્રસંગ બન્યો હોય તેની મજાક ન કરી શકાય. વળી, સંબંધનું અંતર પણ મહત્ત્વનું છે. ટ્રેજેડીનો ભોગ કોઈ અજાણ્યો બન્યો હોય, તો મજાક કરી શકાય, પણ આપણા પ્રિયજન કે મિત્ર તેનો ભોગ બને તો મજાક ન કરી શકાય. વળી, સમયનું અંતર એટલે કે જૂના સમયમાં બનેલી ઘટનાઓની મજાક ઉડાવી શકાય. એટલાન્ટિક મહાસાગરના કિનારે હરિકેન વાવાઝોડું આવ્યું ત્યારે પીટર મેકગ્રા અને એની ટીમે સો દિવસ સુધી ડેટા એકઠો કર્યો, એનો અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું. હાસ્ય=કરુણતા+સમય. લાફ્ટર=ટ્રેજેડી+ટાઈમ એટલે કે ટ્રેજેડીને કોમેડીમાં પરિવર્તિત થતાં સમય લાગે છે. બહુ વધારે પણ નહીં કે બહુ ઓછો પણ નહીં. કોઈ પણ કરુણ ઘટના બને એના અમુક સમય પછી એના પર જોક્સ બનવા માંડે છે, એટલે કે થોડું સમયનું અંતર જળવાય છે. પછી ટ્રેજેડી કોમેડીમાં તબદીલ થઈ જાય છે. કોઈ પણ દુર્ઘટના પર જોક્સ બનાવીને કદાચ સમાજ પ્રસંગની કરુણતા ઓછી કરવા માગતો હશે અથવા એને સહ્ય બનાવવા માગતો હશે. વચ્ચે જાપાનમાં દરિયાનું તોફાન આવ્યું અને હજારો માણસો મરી ગયા હતા. ત્યારે એક જોક અવેલો - યમરાજે યમદૂતને કહ્યું, ‘જા, પાન લઇ આવ.’ યમદૂત ઊંધું સમજ્યો અને ‘જાપાન’ લઈ આવ્યો! ડોક્ટર પીટર મેકગ્રાની થિયરી અહીં કામ કરે છે કે બીજા દેશની પ્રજા પર આપણે જોક્સ બનાવી શકીએ, પણ આપણા દેશની ટ્રેજેડી પર જોક બનતાં વાર લાગે છે. 2001માં 9/11ના રોજ અમેરિકામાં ટ્વિન ટાવરને તોડી પાડ્યા પછી અમુક સમય બાદ એના પર જોક્સ બનવાના શરૂ થયા, પણ બધા જોક્સ ટેરરિસ્ટને લગતા હતા. આમાં કોઈ પણ ગંભીર ઘટનાને હસી કાઢીને, હળવાશથી લેવાની અને એ રીતે દુઃખ ભુલાવી દેવાની સમાજની મનોવૃત્તિ છતી થાય છે. હાસ્યનો એકમેવ બાદશાહ ચાર્લી ચેપ્લિન કહે છે, ‘કોમેડી ઇઝ ટ્રેજેડી ઇન લોંગ શોટ.’ દૂર કોઇ કેળાની છાલ પર લપસે તો હસવું આવે. તમારી પાસે કોઇ લપસે તો તરત તમે હાથ આપશો. દૂરનું દુ:ખ રમૂજ છે, પાસેનું કે પોતાનું કરુણતા. એ જ રીતે ટેક્નિકલી જોઇએ તો ફિલ્મમાં લોંગ શોટ એટલે કે દૂરથી હાસ્યનો સીન દેખાડીશું તો મજા નહીં આવે કારણ કે કલાકારોના હાવભાવ દેખશે નહીં! તો વળી મનોવિજ્ઞાનનો ભીષ્મ પિતામાહ સિગ્મંડ ફ્રોઇડ કહે છે કે, ‘એવરી જોક ઇઝ અ હિંટ.’ દરેક જોકમાં એક ઇશારો-સંકેત છૂપાયેલો હોય છે. તમે કોઇને કેવાં ઉતારી પાડો છો કે એના પર હલકી મજાક કરો છો, ત્યારે તમારી માનસિકતા અને ઉછેર છતો થાય છે અથવા ઊંડાણ પણ દેખાઇ આવે છે. એલેકઝાન્ડર ડૂમા નામનો લેખક ખૂબ લખતો, લહિયાઓ રાખતો, બીજા પાસે પણ લખાવતો. એના દીકરાને એણે એક દિવસ પૂછ્યું : ‘તેં મારી લેટેસ્ટ નોવેલ વાંચી?’ દીકરાએ એટલું જ કહ્યું : ‘તમે વાંચી?’ યસ, એવરી જોક ઇઝ અ હિન્ટ! પણ હાસ્યની 100% પાકી ફોર્મ્યૂલા હજી મળી નથી. મળે તો મોકલજો! એન્ડ ટાઇટલ્સ : આદમ : તને જોઇને મને હસવું આવે છે. ઈવ : અને મને તને જોઇને રડવું આવે છે!⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...