સ્ટોરી પોઈન્ટ:દિલ! એ કઈ ચીજ છે?

માવજી મહેશ્વરી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફટફટ કરતી ટ્યૂબલાઈટે આખા ઓરડાને અજવાળાથી ભરી દીધું. અજવાળાથી ડરી ગયેલી કામિની અરીસા સામે ઊભી પોતાને જોઈ રહી. તેને છુટ્ટા મોંએ રડવું હતું, પણ આંખો નાદાર થઈને ઊભી રહી. જ્યારે ખરેખર રડવું હતું ત્યારે જ કોરીધાકોર થઈને જોયા કરે છે. તેના કાનમાં હજુય વીણાના સ્વર ગૂંજતા હતા. હોલથી ઘર પહોંચતાં સુધીમાં મન કલ્પાંતથી ભરાઈ ગયું. થયું કે ઘરે પહોંચતાં જ આંખો વહી નીકળશે, છાતીમાં ભરાયેલો ડૂમો હળવો થશે, પણ પોતાનું અંગત એકાંત જ વેરી બની ગયું. રહીરહીને મીઠા સ્વરે કહેવાયેલા બે-ત્રણ વાક્યો તેને હવામાં ફંગોળીને ભોંય પર પછાડી દેતા હતા. જતી વખતે તો કેટલું વિચારેલું હતું. જાણે પોતાના કોઈ અંગત જણનો પ્રોગ્રામ હોય એમ હકથી ગયેલી. કોઈને કશું કહ્યું નહીં કે પોતે બિરેનને ઓળખે છે. એટલું જ નહીં, બિરેન પોતાનો પડોશી હતો, અરે! પાડોશી શા માટે? પોતાનો દીવાનો હતો. એ બધાંને ચોંકાવી દેવા માગતી હતી. લોકોને આશ્ચર્યમાં નાખી દેવા માગતી હતી કે બિરેન ભલે હવે ચાહે એટલો મોટો સંગીતકાર થઈ ગયો હોય, પણ આ એ જ બિરેન છે, જે ક્યારેક એના માટે ફૂલ લઇ આવતો. મોપેડ સાફ કરી દેતો. હંમેશાં ઝૂકીને વાત કરતો. લોકો ભલે ને બિરેનની વીણાના મધુર સ્વર ઉપર ઘેલાં બનતાં હોય, પણ એ બિરેન પોતાના ઉપર ઓળઘોળ હતો. ત્યારે યૌવનના દરિયામાં ભરતી ચડી હતી. જેનાં મોજાંની થપાટમાં કંઈક મછવા ડૂબી ગયા હતા એવી કામિનીની આંખોમાં ડૂબી જવા મથતો. એ આંખોમાં તો ડૂબી જવા બાહોશ તરવૈયા છલાંગ લગાવવા તૈયાર ઊભા હતા. બિચારો બિરેન હંમેશાં આંખો ઝુકાવી વાત કરનારો, લેંઘો અને કફની પહેરનારો, બોલવામાં તતફફ થતો એક સામાન્ય યુવાન. બિરેનને પોતાની સ્થિતિની ખબર છતાં કામિની મોહક આંખો ભૂલી શકતો નહીં. કામિનીને મજા આવતી. આગળ-પાછળ ફરતા, મસ્કા મારતા છોકરાઓને પોતાની આંખોમાં ડુબાડી દેવા, અધમૂઆ કરી દેવાની એને મજા આવતી. કામિનીને એક દિવસ બિરેન ઉપર ગુસ્સો આવ્યો. વાવાઝોડાંની જેમ એ શબ્દો વહી આવ્યા, ‘પહેલાં તું કપડાં પહેરતાં શીખ. તું એમ સમજે છે કે તારા લેંઘાના નાડા ઉપર છોકરીઓ મોહિત થઇ જાય? તે પણ આ કામિની? અરે, મૂર્ખ! જોતો નથી કેવા કેવા છોકરાઓ નિસાસા નાખતા ફરે છે અને તું ઉદાસીનાં ગીત ગાઈશ તો હું તારી થઈ જઈશ?’ બાજુમાં ઊભેલી ચારેક છોકરીઓના ખીખિયાટા સાથે જાણે ગુલમહોરનું આખું વૃક્ષ ધરાશાયી થઈ ગયું! ઉદાસીનાં ગીતો ગાતો બિરેન દુનિયાની ભીડમાં ખોવાઈ ગયો. અનેકોનાં દિલ પર રાજ કરતી આંખો નીચે પણ ઉંમરે બે-ત્રણ લસરકા માર્યા. ઉદાસીની ગર્તામાં ખોવાયેલા સ્વર ટેરવાં વાટે નીકળ્યા. શાસ્ત્રીય સંગીતમાં એક વીણાવાદક આવ્યો, જે બિરેનના નામે જાહેર થયો. વધુ એક દાયકો પસાર થઈ ગયો. બિરેનને ઓળખનારા યુવાનોએ પોતાના સહપાઠીના હકથી તેને પોતાના શહેરમાં લઈ આવ્યા. જે શહેરને બિરેને રડતી આંખે છોડ્યું હતું, એ જ શહેર એના આગમન માટે આંખો પાથરી રહ્યું હતું. શહેરના ટાઉનહોલમાં પગ મૂકવાની જગ્યા નહોતી. કોલેજકાળમાં ઘાયલ કરી દેતી પોતાના સંગીતમાં ખોવાઈ ગયેલો એક જણ જે રીતે વીણાના તાર છેડી રહ્યો હતો, કામિનીને લાગ્યું, જાણે કોઈ એની નસો ખેંચી રહ્યું છે. તાળીઓના ગડગડાટથી હોલની દીવાલો ધ્રૂજતી હતી. કામિનીનું શરીર કંપતું હતું. મધરાતે વીણાની સૂરાવલિની મજા માણીને સૌ છૂટા પડ્યાં, ત્યારે કામિની જે ક્ષણને ઝડપવા તૈયારી કરીને આવી હતી તે સામે આવી. ‘ઓળખાણ પડે છે?’ કામિની અપલક નેત્રે જોઈ રહી. ‘સોરી! તમે જ કહો. શું નામ આપનું?’ ‘અરે, મને ઓળખી નહીં? હું કામિની. તમારી સાથે જ કોલેજમાં હતી.’ ‘સોરી! હશો, પણ મને યાદ નથી આવતું.’ ‘ઓકે. બધું યાદ આવશે, પણ તમે અદ્્ભુત સાધના કરી છે. દિલ બાગ-બાગ થઈ ગયું.’ ‘દિલ? એ કઈ ચીજ છે મેમ? અને દિલ ક્યાં હોય છે?’ બિરેને અદબ વાળી કામિની સામે જોતાં કહ્યું. આસપાસ ઊભેલા હસી પડ્યા. કોઈએ તમાચો ઝીંકી દીધો હોય તેમ કામિનીના ગાલ ચચરી ઊઠ્યા. દૂર ચાલ્યા જતા બિરેનનો અવાજ સંભળાયો, ‘ભાઈ, મારી ટિકિટ રેડી છે ને? મારે જલદી નીકળી જવું છે હોં.’ કામિનીએ રડવા ધાર્યું, પણ આંસુ વહી ન શક્યાં. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...