સોશિયલ નેટવર્ક:કરાંચી કે રાવી નામ રાખવું સાંસ્કૃતિક ઓળખ છે!

10 દિવસ પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં મુંબઈમાં ‘કરાંચી સ્વીટ માર્ટ’ નામની દુકાનના માલિકને એક શિવસૈનિકે દુકાનનું નામ બદલવા માટે ધમકાવ્યો. તેના મતે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે છે એટલા માટે ‘કરાંચી’ નામ ન હોવું જોઈએ. પેલા દુકાનમાલિકે પણ નામ બદલવાની વાત સ્વીકારી સંઘર્ષ ટાળ્યો. એ સમાચાર વાંચી તે શિવસૈનિકોની યુદ્ધ મનોદશા, ઈતિહાસબોધનો અભાવ અને સત્તાના મદ ચડેલો હતો તેની દયા આવી. જો તેને ઈતિહાસ વિશે થોડું ઘણું પણ જ્ઞાન હોત તો તે પેલા દુકાનદારના પૂર્વજો કેવી પરિસ્થિતિમાં પોતાની માતૃભૂમિના શહેર કરાંચીમાંથી પોતાનો તમામ વ્યવસાય-ઘરબાર છોડી ભારત આવવા મજબૂર બન્યા તેનું જ્ઞાન તેને હોત! કરાંચી અખંડ ભારતનું જ એક શહેર છે એટલી સામાન્ય સમજણ પેલા શિવસૈનિકને હોત! આજે પણ આપણે રાષ્ટ્રગીતમાં ગાઇએ છીએ- ‘પંજાબ સિંધ ગુજરાત મરાઠા….’ કારણ સિંધ અને કરાંચી વિના ભારત આજે ય અધૂરું છે. હિંદુ સમાજ અને તે સમયના ભારતના નેતૃત્વની કમજોરી કે મજબૂરીને કારણે તેઓને પોતાનાજ દેશમાં શરણાર્થી બની મુંબઈ આવવું પડ્યું. કોઈ ખોટો રસ્તો અપનાવ્યા વગર આ એમણે પોતાની મહેનતથી નવા રોજગાર નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપ્યું. સિંધ કે પંજાબથી આવેલા આવાં લોકોએ અનેક કષ્ટ સહન આ દેશના ભંડાર સમૃદ્ધ કર્યા છે. અનેક શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાનો–પ્રતિષ્ઠાનો ઊભાં કર્યાં છે, જેનો લાભ આજે દેશનાં તમામ વર્ગના લોકો લઈ રહ્યાં છે. આપણી જન્મભૂમિને યાદ રાખવી દરેક પેઢીની જવાબદારી છે, જેથી સમય અને સામર્થ્ય આવે ત્યારે તે પુનઃ ત્યાં પાછા જઈ વસી શકે. ફરી ભારત એક-એકાત્મ અને અખંડ બને એવું સપનું આ દેશને માતૃભૂમિ માનનાર દરેક ભારતીય જોઇ રહ્યો છે.

ભારતમાં જ 14 ઑગસ્ટનો દિવસ અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે, તે દિવસે ભારત વિભાજનની દુઃખદ યાદો-વાતોને યાદ કરવામાં આવે છે અને પુનઃ અખંડ ભારતના સંકલ્પનું પુનરાવર્તન કરવામાં આવે છે. યોગી અરવિંદજીએ ભારત વિભાજન સમયે જ કહી દીધું હતું કે, આ વિભાજન કૃત્રિમ છે અને કૃત્રિમ બાબતો સ્થાયી નથી હોતી. એકના એક દિવસે ભારત ફરી અખંડ બનીને જ રહેશે. ત્યારે આપણે કરાચીથી આવ્યા. અમે કરાચીથી આવ્યા છીએ અને અમારે અહીં મજબૂરીવશ આવવું પડ્યું છે અને અમે ફરી કરાચી જઈશું એવો સંકલ્પ રાખવો કાંઈ ગુન્હો નથી. આવનારા પેઢીઓને પણ આ સંકલ્પ યાદ રહે માટે કરાચી નામ રાખવું ખોટું નથી. ઈઝરાયેલના લોકો 1800 વર્ષો સુધી પોતાની માતૃભૂમિથી દૂર રહ્યાં હતાં અને દર નવા વર્ષ પછી જેરુસલેમ જવાનો સંકલ્પ તેઓ 1800 વર્ષ સુધી દોહરાવતા રહ્યાં. આજે ઈઝરાયેલ એક શક્તિશાળી દેશ છે.

પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓ અને જેહાદી તત્ત્વોનું સમર્થન કરનારાં રાષ્ટ્રવિરોધી ષડયંત્રોને છૂપી રીતે સહાયતા કરતી અનેક સંસ્થાઓ ભારતમાં અને મુંબઈમાં જ છે, ત્યારે તેમનાં કૃત્યો જોઈને કોઈ પણ દેશભક્તનું માથું છટકવું જોઈએ. યાદ કરો મુંબઈમાં રઝા અકાદમીના લોકો દ્વારા શહીદ સ્મારકને લાતો મારી નુકસાન પહોંચાડવાની ઘટના. તેની સામે કોઈ શિવસૈનિકે પગલાં લીધાં હોય એવું તો સાંભળવામાં આવ્યું નથી. અખંડ ભારતની વાત સાંભળી કેટલાક લોકોનાં ભવાં તણાઈ જાય છે. અખંડ ભારતની વાત કરવી એ રાજકીય કે વિસ્તારવાદની બાબત નથી, આવી વાત કરવી એ સાંસ્કૃતિક પુન: પ્રતિષ્ઠાનની વાત છે.

કર્ણાટકનો એક પરિવાર ગુજરાતમાં રહેતો હતો. તેમણે પોતાની બે દીકરીઓનાં નામ સિંધુ અને સરયૂ રાખ્યાં હતાં. હવે સરયૂ નદી તો કર્ણાટકમાં નથી અને સિંધુ નદીનો ઘણો ખરો ભાગ પાકિસ્તાનમાં વહે છે. આ પ્રકારની સંસ્કૃતિ આપણે ત્યાં સહજતાથી ફૂલીફાલી છે તે આપણી ભૂ-સાંસ્કૃતિક એકતાની ભાવનાને કારણે છે. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...