વિચારોના વૃંદાવનમાં:તમે કોઇ ગંગાસ્વરૂપ વિધુરને મળ્યા છો? બહાદુર વિધવાએ વૈધવ્યને મુક્તિદાતા માની લીધું!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે સંબંધમાં પ્રેમનું તત્ત્વ સદંતર ગેરહાજર હોય અને કેવળ રિવાજ કે કાયદાનું બંધન જ પવિત્ર હોય તેવો લગ્નસંબંધ અપવિત્ર ગણાવો જોઇએ

વીર નર્મદના જમાનામાં વિધવાવિવાહ ક્રાંતિકારી સુધારાનું સ્થાન પામીને સાર્થક થયો. રાંદેરમાં ઘરની સામે આવેલાં બધાં જ ઘરોમાં પાકટ ઉંમરની બ્રાહ્મણ વિધવા સ્ત્રીઓ રહેતી હતી. એ બધી જ માસીઓનાં નામ આજે પણ યાદ છે. જીવનમાં કોઇ રસ બચે નહીં અને નિર્મળ આનંદ જીવનનો શત્રુ બની જાય, તેને વૈધવ્યની શોભા ગણવામાં આવતી. શુષ્કતા પ્રતિષ્ઠામાં ખપે એવું એ જમાનાનું વૈધવ્ય હતું. જેમ જ્ઞાતિ ઊંચી, તેમ વિધવા હોવાની પીડા વધારે! આજે જમાનો બદલાયો છે. એક વિધવાએ તો કમાલ કરી! એનું સૌંદર્ય ઓછું ન હતું. એનો પતિ અતિશય વહેમીલો હતો. એનું કોઇ અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે પણ એની સુંદર પત્ની બે-ત્રણ પુરુષોની કંપનીમાં મગ્ન હતી. પતિનું મૃત્યુ થયું ત્યારે એ દેખાવ ખાતર રડી, પરંતુ આંખમાં આંસુનું ટીપું પણ જોવા ન મળ્યું! એ વિધવા સ્ત્રીએ નવું જીવન શરૂ કર્યું અને પોતાની કંપની શોધી લીધી. એ સ્ત્રીએ વૈધવ્યને વૈવિધ્યના આનંદમાં ઝબોળીને પોતાનું નવજીવન શરૂ કર્યું. થોડીક અતિશયતાને કારણે એ લગભગ ચાલુ સ્ત્રી બની ગઇ. એના બે દીકરાઓને મમ્મીના બધા જ પુરુષમિત્રોનો પરિચય હતો. બંને પુત્રોમાં જે નાનો હતો, તે આખાબોલો હતો. એણે પોતાની મોટી ભાભીની હાજરીમાં જ મમ્મીને ‘ગણિકા’ કહીને લડાઇ કરેલી. આજે પણ એ સ્ત્રી પુરુષોની કંપનીમાં સુખી છે. એ કંપનીમાં એ ફિલ્મો જોવા જાય છે અને જાતીય સુખ માણે છે. વૈધવ્ય છેક પાછળ રહી ગયું છે અને મજા કરવામાં પતિની યાદ એને કદીય સતાવતી નથી. પાત્રો બદલાતાં રહે છે, પરંતુ કંપનીમાં મળતી મજા અખંડ વહેતી રહે છે. હવે મૂળ પ્રશ્ન ઊભો જ રહે છે. સાવ જ નંખાઇ ગયેલી, અકાળે વૃદ્ધા બની ગયેલી, ઉપેક્ષાના ઉકરડામાં સડીસડીને માંડ જીવનારી એવી સમાજના ગંદા ચોકી પહેરામાં જીવન વેંઢારતી વિધવા ગણાતી સ્ત્રી એક બાજુ અને બીજી બાજુ પોતાનું સુખ શોધી લઇને બિન્દાસ રીતે મજા કરનારી સ્ત્રી વચ્ચે પસંદગી કરવી જ પડે, તો સમાજ કેવી સ્ત્રી પસંદ કરે? લોકો જેને ‘ચારિત્ર’ ગણે છે, તે ચારિત્ર આખરે શું છે? આ પ્રશ્ન સામાજિક નૈતિકતાનો નથી. એ પ્રશ્નનો ખરો સંબંધ સુખવિરોધી ધર્મભાવના સાથે સંકળાયેલો છે. સમાજ તો સુખને ચારિત્રવિરોધી ગણાવી દેવાની ઉતાવળમાં હોય છે. જે વિધવા સ્ત્રીની આગળ વાત કરી તે કેવળ રૂપસુંદરી જ ન હતી, એ ગુણસુંદરી પણ હતી. શું સમાજે માથે મારી દીધેલા એક ગંદા લેબલને કારણે એ સ્ત્રીએ એકલતાનું અને અવગણનાનું નરક વેઠવાનું? એ સ્ત્રી સમાજે માથે મારેલાં કેટલા નોર્મ્સ સ્વીકારે, તો પોતાને વળગેલા ‘વિધવા’ નામના લેબલથી સર્વથા મુક્ત થઇને જીવી શકે? આવું તર્કવિહીન, શાણપણવિહીન અને ધર્મવિહીન જીવન એ સ્ત્રી પર માથે મારવાનો અધિકાર કહેવાતા વડીલો અને ધર્મગુરુઓને કોણે આપ્યો? શું કોઇ વ્યક્તિને પોતાની પસંદગી મુજબ જીવવાનો અધિકાર ન હોઇ શકે? યુરોપમાં કે અમેરિકામાં કઇ વિધવાને ‘ગંગાસ્વરૂપ’ ગણાવીને પીડા પહોંચાડવામાં આવે છે? કઇ વ્યક્તિ સતત પીડાના પાથરણા પર જીવતા નરકનું ફરજિયાતપણું ભોગવે? તમે કદી કોઇ ગંગાસ્વરૂપ વિધુરને મળ્યા છો? પુરુષ વિધુર બને પછી પણ એને કોઇ કાયમી લેબલ નથી વળગતું. સમાજ નવચંડી યજ્ઞને તો પવિત્ર ગણે છે, પરંતુ એ જ સમાજ પ્રેમયજ્ઞને પાપ ગણે છે. સમાજને લગ્ન વિનાનો પ્રેમસંબંધ ન ખપે, પરંતુ પ્રેમસંબંધ વિનાનો લગ્નસંબંધ જરૂર ખપે! માનવીય જીવનની આ તે કેવી અક્ષમ્ય વિડંબના? હવે પછીના દિવસોમાં હઠપૂર્વક અને સમજપૂર્વક વિધવા સ્ત્રીને માટે નવો શબ્દપ્રયોગ શરૂ થવો જોઇએ. વિધવા સ્ત્રીને ‘સ્વયંસિદ્ધા’ કહેવાનું શરૂ થવું જોઇએ. હવેની વિધવા સ્ત્રી એકલતાના અરણ્યમાં રડતી રહીને જીવન શા માટે વેંઢારે? પ્રિયજનનો વિયોગ રડાવે એ જુદી વાત છે. વિયોગના દુ:ખનો સંબંધ પ્રેમની તીવ્રતા સાથે હોય છે, લગ્નમંડપ અને માંહ્યરા સાથે નથી હોતો. બાકી આંખમાંથી સરી પડેલાં આંસુ તો આધ્યાત્મિક ઘટના છે. સ્વામી કૃપાલુ સાચું કહે છે : રડવું એ ઉત્તમ કક્ષાનું ભક્તિ સંગીત છે. જે રડી જાણે છે, તે આધ્યાત્મિકતા શું તે જાણે છે. જો તમે શુદ્ધ હૃદયથી રડી શકો તો, એ પ્રાર્થનાની તોલે બીજી કોઇ પ્રાર્થના નહીં આવે. રડવામાં યોગના બધા જ સિદ્ધાંતો સમાઇ જાય છે. હિલેરી ક્લિન્ટને પુસ્તક લખ્યું છે : ‘It Takes a Village’. લેખિકા કહે છે : ‘અમેરિકનો છૂટાછેડા લેવામાં ખાસી ઉતાવળ કરે છે.’ આપણો સમાજ ખટપટ અને ઉતાવળથી ગોઠવાઇ ગયેલાં લગ્નને પવિત્ર ગણે છે. જે સંબંધમાં પ્રેમનું તત્ત્વ સદંતર ગેરહાજર હોય અને કેવળ રિવાજ કે કાયદાનું બંધન જ પવિત્ર હોય તેવો લગ્નસંબંધ અપવિત્ર ગણાવો જોઇએ. મૂળે વાત પ્રેમના વિસ્તારની છે, વ્યભિચારના વિસ્તારની નહીં. દર્દનો મધપૂડો પવિત્ર છે, કારણ કે એમાં પ્રેમમાધુર્યનો અંશ જીવંત હોય છે. કવિ ન્હાનાલાલ સાચું કહે છે : ‘પરમ પ્રેમ પરબ્રહ્મ.’ દર્દ અને આંસુનો સથવારો સદીઓ જૂનો છે. છૂટાછેડા વખતે લડવાનું ફરજિયાત નથી. વિચારપૂર્વક થયેલા છૂટાછેડા પણ પવિત્ર છે. અસભ્ય સમાજમાં કાયદેસરના લગ્નસંબંધ કરતાં પણ ગેરકાયદેસર ગણાતો ખાનગી લગ્નેતર સંબંધ પણ અધિક પવિત્ર હોઇ શકે છે. જે સમાજ પ્રેમને ગુનો ગણે એ સમાજે ગુનાને પ્રેમ કરવો જ પડે છે. જ્યારે દુ:ખનો રથ ધરતીથી વેંત ઊંચો ચાલે ત્યારે દુ:ખને દર્દનો દરજ્જો પ્રાપ્ત થાય છે. શાયર આવી અલૌકિક અક્રૂરતાનો સ્વામી છે અને તેથી વંદનીય છે.⬛ }}} પાઘડીનો વળ છેડે મને વસંત ગમે છે, પરંતુ એ વધારે પડતી યુવાન છે. મને ઉનાળો ગમે છે, પરંતુ એ વધારે પડતો અભિમાની છે. તેથી તો મને પાનખર ગમે છે. એનો કંઠ કર્ણપ્રિય હોય છે. એનો રંગ વૈભવશાળી હોય છે, અને એમાં થોડોક વિષાદ ભળેલો હોય છે. એની સોનેરી સમૃદ્ધિ વસંત જેવી નિર્દોષ અને ઉનાળા જેવી શક્તિશાળી નથી હોતી, પરંતુ એમાં પાછલી ઉંમરનું કોમળ કોમળ અને કરુણામય ડહાપણ ભરેલું હોય છે. એ જીવનની મર્યાદા અને વાસ્તવિકતા જાણે છે! - લિન યુટાંગ ચીનનો મહાન વિચારક Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...