તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન વિશેષ:પોતાના શિષ્યના રથના સારથી થઇ શકે એવા ગુરુ ક્યારેય કલ્પ્યા છે?

ભદ્રાયુ વછરાજાનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાકુળતાવિહીન અને અનુકૂળતા સંપન્ન શ્રી કૃષ્ણ માનવજાતના ભવોભવના શિક્ષક છે

શ્રીમદ્ ભાગવતનો દશમસ્કંદ મસ્તીભર્યો છે. બાળકેળવણીના કેટલા મોટા સિદ્ધાંતો એમાં આપી દીધા છે. એકવાર કાનાએ માટી ખાધી, બળરામે જઈને ફરિયાદ કરી : ‘મા, આ કાનો માટી ખાય છે!’ મા કહે : ‘અહીં આવ, માટી ખાય છે? ઘરમાં દૂધ કે દહીં કે માખણ નથી? તે માટી ખાવા બેઠો!’ મા પરાણે મોઢું ખોલાવે છે અને ભાગવતકાર કહે છે કે તેણે મોઢું ખોલાવ્યું તે તેને ચૌદ બ્રહ્માંડ દેખાયાં!. અહીં લાલો બાળસ્વરૂપે શિક્ષક છે. એ બાળકની અંદ૨ પડેલી નિગૂઢ શક્તિનાં માતાને દર્શન કરાવે છે. ચૌદ બ્રહ્માંડ એટલે બાળકની અંદર રહેલાં અમીબાથી માંડીને મહાત્મા ગાંધી સુધીની શક્યતાના અંશો...! નાનકડા કૃષ્ણ જગતની દરેક માતાને કહે છે કે યશોદાએ જે નિહાળ્યું તે તમે પણ નિહાળો અને બાળકને માત્ર બાળક માની લેવાની ભૂલ ન કરો. મનુભાઈ પંચોળી ‘દર્શક’ સરસ પ્રસંગ ટાંકે છે : એક વાર કૃષ્ણને બાંધ્યા. તે ઉખળબંધનમાં તેના હાથ બાંધે છે અને કૃષ્ણ તો ભોળા છોકરાની જેમ ઊભા રહ્યા. દોરડું મંગાવ્યું તો તે ટૂંકું પડયું. બીજું મંગાવ્યું, ત્રીજું મંગાવ્યું, ઘરમાં જેટલાં દોરડાં હતાં તે મંગાવ્યાં, પણ તે ટૂંકાં પડયા. પ્રતીકાત્મક રીતે કૃષ્ણે મોટો સિદ્ધાંત આપ્યો : ‘બાળકને તમે નહીં બાંધી શકો. કૃપા કરીને એ ધંધો મૂકી દો.’ તમે શું બાળકને બાંધશો? તમે તેને પાટિયાં સામે બેસાડી, A = B અને B = C તો C = શું? એવું પૂછો છો ત્યારે એનું મન તો બહાર ‘ગાયની વાછરડી’ ને ચકલાં-પોપટ માં પરોવાયેલું છે. ‘છોકરાંને બાંધવાનું આયોજન તો ક્યારેય કરતા જ નહીં’ એવો સંદેશ કિશોરાવસ્થાના શિક્ષક કૃષ્ણ મને ને તમને આપે છે. કૃષ્ણ ૨મત રમતમાં કાળીનાગને નાથે ત્યારે મહર્ષિ અરવિંદ કહેતા તે યાદ આવે : ‘હું બાળકને કંઇકેટલુંય ભણાવી નાખું છું તે તો શિક્ષકનો ભ્રમ છે. તમે બાળકને કશું શીખવતા નથી, કારણ બાળકમાં પૂર્ણત્વ પડેલું જ છે.’ રમત રમતા કૃષ્ણ ભૂલથી દડાને તળાવમાં નથી જવા દેતા, તેને તો કાળીનાગને નાથીને જગવ્યથા દૂર કરવી છે એટલે ચાલાકીથી દડો લેવાનો ત્રાગડો રચે છે! ‘બાળકની મૌલિકત્તા આપણી સમજ બહારની છે, તેને વ્યક્ત થવા દો,’ની ઢાંકેલી શીખ ‘તરુણ-શિક્ષક શ્રી કૃષ્ણ’ આજના શિક્ષકોને આપી જાય છે ...! કૃષ્ણ જીવ્યા જ એવી રીતે કે જાણે પોતાનાં જીવનકાર્યોથી જ કશુંક શીખવતા રહ્યા.’ ‘વિદ્યાર્થી અખૂટ શક્તિનો ભંડાર છે’ આ વાતને તેમણે પોતાનાં જીવનથી જ પૂરવાર કરી ! તેરમે વર્ષે રાસલીલા રમે અને પંદરમે વર્ષે કંસને મારે! પંદરમે વર્ષે કોઈ છોકરો એમ કહે કે હું કંસને મારી શકું છું, એ કેટલો મોટો આત્મવિશ્વાસ કહેવાય ! ઉગ્રસેન કહે છે : ‘હવે તું ગાદીએ બેસ.’ ત્યારે કૃષ્ણ વાસુદેવની સામે જોઈ કહે છે : ‘પિતાજી, અમે અત્યાર સુધી ભણ્યા નથી. અમે નેસડામાં રહ્યા છીએ. ત્યાં અમને કોણ ભણાવે? તો અમને ભણવા મોકલો.’ પંદરમે વર્ષે સાંદીપનિનાં આશ્રમમાં કૃષ્ણ ભણવા જાય અને ૬૪ દિવસમાં ૬૪ કળા કૃષ્ણ શીખી ગયા!... કૃષ્ણ જગશિક્ષક બની અંગૂલિ નિર્દેશ કરે છે કે વિદ્યાર્થી બધું જ જલ્દી શીખી શકે છે, જો તે શેરી-મહોલ્લામાં રમી-ભમી; ઘર-કુટુંબમાં હળી-મળી અને નદી-નાળે રખડી-ભટકીને પછી ભણવા તરફ વળે તો! બાળકને બે છોડ ઉછેરવા દો, બે કૂતરાંનાં ગલુડિયાં માટે શિરો બનાવવા દો, ગાયની વાછરડીને તેડી ઘુમવા દો અને જીવનનું ચૈતન્ય માણ્યા પછી તેને શાસ્ત્રનાં થોથાં વચ્ચે લઈ જાઓ તો કશું જ વણસ્પર્શ્યું નહીં રહે! કૃષ્ણ જેવો શિક્ષક ક્યાં મળે? દોસ્તી - મૈત્રી-પ્રેમ-જય-પરાજય-દુઃખ-સુખ-વિરહ- સેવા-શાસન-યુદ્વ-વિષ્ટિ...આવા અનેક પ્રશ્નોના જવાબ આપણને કૃષ્ણના જીવનમાંથી મળે છે,...ના, એક ભગવાન તરીકે નહીં, પ્રશ્નો ખુદ જીવી બતાવનાર શિક્ષક તરીકે. પોતાના શિષ્યના રથના સારથી થઇ શકે એવા ગુરુ ક્યારેય કલ્પ્યા છે? વ્યાકુળતાવિહીન અને અનુકૂળતા સંપન્ન શ્રી કૃષ્ણ માનવજાતના ભવોભવના શિક્ષક છે. તેથી જ ‘કૃષ્ણ જૈસા શિક્ષક કભી સાધારણ નહીં હોતા…’ ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...