તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનનો મોનોલોગ:શું તમે ક્યારેય ‘ઈમોશનલ લેબર’ કરી છે ?

ડો. નિમિત્ત ઓઝા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈનો સ્વીકાર મેળવવા માટે આપણે એ બનવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, જે આપણે છીએ જ નહીં. સંબંધ બાંધવા કે ટકાવી રાખવા માટે આદરેલી આ આખી મથામણ આપણને આપણી ‘ઓરિજિનલ સેલ્ફ’થી દૂર લઈ જાય છે

હમે ક્યારેય એર-હોસ્ટેસના ભાવવિશ્વનો વિચાર કર્યો છે? પરાણે સ્માઈલ કરીને દરેક પેસેન્જરને કૃત્રિમ ઉમળકા અને ઉષ્મા સાથે આવકાર આપવાનું કામ ઘણો પરિશ્રમ માગી લે છે. સામેવાળી વ્યક્તિ ગમે તેટલી અપ્રિય લાગે કે પછી ઉદ્ધતાઈથી વર્તે, છતાં પણ આપણી કુદરતી પ્રતિક્રિયાઓ અને ભાવનાઓ પર નિયંત્રણ રાખીને જાતને ‘મહેનતપૂર્વક’ સારી, સ્વીકાર્ય કે સંસ્કૃત દેખાડવાની પ્રક્રિયા એટલે ‘ઈમોશનલ લેબર’. આપણી અંદર કુદરતી રીતે અનુભવાતી લાગણીઓનું દમન કરીને અથવા તો આપણે જે નથી અનુભવતા એવી લાગણીને પરાણે કૃત્રિમ રીતે ચહેરા પર લાવીને વર્તવું એટલે ઈમોશનલ લેબર. આ શબ્દ સૌપ્રથમ વાર સોશિયોલોજિસ્ટ આર્લી હોચશીલ્ડે પોતાના પુસ્તક ‘ધ મેનેજ્ડ હાર્ટ’માં વાપર્યો હતો. ત્યાર પછી આ શબ્દ થોડો વધારે પ્રચલિત બન્યો. સમયની સાથે આ શબ્દનો ફક્ત પ્રયોગ જ નહીં, તેનો અર્થ પણ વ્યાપક બનતો ગયો છે. મૂળભૂત રીતે હોચશીલ્ડ દ્વારા આ શબ્દનો પ્રયોગ કામના સ્થળે કે ઓફિસ માટે કરવામાં આવેલો. તેમણે કરેલી ઈમોશનલ લેબરની વ્યાખ્યા આ પ્રમાણે છે. ‘જે કામ માટે તમને રૂપિયા આપવામાં આવે છે, એ કામ કરતી વખતે એ કામને લગતી જરૂરી લાગણીઓ અનુભવવાનો કૃત્રિમ પ્રયત્ન.’ આનો અર્થ થાય ‘ફીલિંગ્સ ઓન ડિમાન્ડ’ એટલે કે અમુક સ્થળે આપણી ફરજના ભાગ રૂપે આપણે અમુક પ્રકારનું ઈચ્છનીય વર્તન કરવું પડે અથવા તો એવી લાગણીઓ દર્શાવવી પડે જે ‘જરૂરી’ છે. ‘એક્શન’ કહેતાંની સાથે જ કેમેરા સામે લાગણીશીલ થઈ જતા કલાકારો, દરેક વખતે સલામ કરીને આપણને પરાણે આદર આપતો ચોકીદાર, ગુસ્સો આવતો હોવા છતાં પણ બોસની સાથે વિનમ્રતાથી વાત કરતો કર્મચારી. આ બધાં વ્યાવસાયિક ક્ષેત્રમાં કરવી પડતી ‘ઈમોશનલ લેબર’ના ઉદાહરણો છે. એમાં કશું જ ખોટું નથી. ઈન ફેક્ટ, રોજગાર ટકાવી રાખવા માટે એ જરૂરી છે. આ શબ્દ વધારે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે વ્યાવસાયિક ક્ષેત્ર પૂરતો મર્યાદિત ન રહેતા, તેનો ઉપયોગ વ્યક્તિગત સંબંધોમાં થવા લાગ્યો. ઈમોશનલ લેબરે દરેક રિલેશનશિપને એક એવો વળાંક આપ્યો, જ્યાંથી સંબંધોમાં રહેલા ભાવનાત્મક લગાવનું સત્ય સ્પષ્ટ દેખાવા લાગ્યુ. લાંબા સમયથી ‘રિલેશનશિપ’માં રહેલાં યુગલો માટે ઈમોશનલ લેબર એવો એસિડ ટેસ્ટ બની ગયો, જેના આધારે તેઓ નિર્ણય કરી શકતાં કે કોઈ ચોક્કસ સંબંધને આગળ વધારવો કે તેમાંથી સમયસર નીકળી જવું! આ એક એવો ‘સેલ્ફ-એસેસમેન્ટ ટેસ્ટ’ છે, જેમાં દરેક વ્યક્તિ જાતતપાસ કરીને પોતાના સંબંધનું સત્ય જાણી શકે છે. સામેવાળા પાત્ર દ્વારા સ્વીકાર મેળવવાની ઝંખના કે અપેક્ષા સાથે કરેલું લાગણીઓનું કૃત્રિમ પ્રદર્શન, લાંબા ગાળે જોખમી પુરવાર થાય છે. એની ‘સીલી’ જોક્સ પર પરાણે હસવું, હર્ટ થયા હોવા છતાં પણ નોર્મલ હોવાનો દેખાડો કરવો, ઉદાસી છુપાવીને પ્લાસ્ટિકિયું સ્માઈલ પહેરી રાખવું, એને વહાલા થવા એની ખોટી પ્રશંસા કરવી. ટૂંકમાં, કોઈ વ્યક્તિની સાથે રહેવા અથવા તો તેના પ્રિય બનવા માટે, રેડીમેડ લાગણીઓનું એક એવું માસ્ક પહેરીને ફરવું, જે આપણે લાંબો સમય પહેરી શકવાના નથી. એક રીતે જોઈએ તો, સાથી મેળવવા કે ટકાવી રાખવા માટેની આ એક વ્યર્થ ઈમોશનલ કસરત છે. ઈમોશનલ લેબર વ્યક્તિગત સંબંધોના સ્વાસ્થ્ય માટે શું કામ હાનિકારક છે? એ જાણવું જરૂરી છે. પહેલી વાત તો એ કે આ એક ખૂબ થકવી દેનારી કસરત છે. ઊર્જા એ આપણો મર્યાદિત સ્ત્રોત છે. જો આપણા પર સતત કોઈ ચોક્કસ લાગણીઓ ‘પરફોર્મ’ કરવાનું દબાણ હોય, તો એ પ્રક્રિયામાં આપણે વધારાની ઊર્જાનો વ્યય કરીએ છીએ. પારદર્શક અને આત્મીય સંબંધ કરતાં ઈમોશનલ લેબર દરમિયાન આપણે ગુમાવેલી ઊર્જા અનેકગણી વધારે હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણે એ લાગણીઓ અભિવ્યક્ત કરવાની કોશિશ કરતા હોઈએ છીએ, જે હકીકતમાં આપણે અનુભવતાં નથી હોતાં. કોઈનો સ્વીકાર મેળવવા માટે આપણે એ બનવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ, જે આપણે છીએ જ નહીં. સંબંધ બાંધવા કે ટકાવી રાખવા માટે આદરેલી આ આખી મથામણ આપણને આપણી ‘ઓરિજિનલ સેલ્ફ’થી દૂર લઈ જાય છે. કોઈના પ્રિય બનવામાં, આપણે પોતાની નજરોમાં અપ્રિય બનવા લાગીએ છીએ અને એક્ઝેક્ટલી ત્યાંથી જ સમસ્યાઓની શરૂઆત થાય છે. સુગર કોટેડ આડંબરનો ભાર લઈને સતત ઈચ્છનીય વર્તન કરતાં રહેવાનું દબાણ, માનસિક સ્વાસ્થ્યનો વિનાશ નોંતરે છે. કૃત્રિમ લાગણીઓનું ઉત્પાદન કરીને થાકી ગયેલું મન કાં તો ધીમે ધીમે પોતાના મૂળ સ્વભાવ તરફ પાછું ફરે છે ને કાં તો પ્રાકૃતિક ભાવાવેશનો ભોગ આપીને ઈમોશનલ મજૂરી ચાલુ રાખે છે. જો કોઈ સંબંધમાં આપણે ઈમોશનલ લેબર કરવી પડતી હોય, તો એના બે જ પરિણામો શક્ય છે. કાં તો એ સંબંધનું સ્વાસ્થ્ય લાંબા ગાળે સારું નથી રહેતું અથવા તો આપણું માનસિક સ્વાસ્થ્ય. જે રિલેશનશિપમાં આપણી ઓરિજિનલ અને પ્રાકૃતિક જાત અભિવ્યક્ત કરવાની મોકળાશ નથી, એ જોડાણ અલ્પાયુ જ રહેવાનું. લાગણી અને વ્યવહારના પ્રયત્નપૂર્વક કરેલા મિથ્યા વ્યાયામથી, બહુ જલ્દી થાક લાગે છે. દરેક સંબંધમાં વહેલા કે મોડા, આપણે સૌ કોઈ ‘ઈમોશનલ ફટિગ’ અનુભવીએ છીએ. જરૂર કરતાં વધારે પડતી ખર્ચેલી ઊર્જા, આપણને કોઈ એક ચોક્કસ સંબંધ પ્રત્યે ઠંડા, ઉદાસીન અને નિષ્ક્રિય બનાવી દે છે. લગાવ કે સ્નેહમાં આવેલી આ ઓટને આપણે સમજી નથી શકતાં. આપણે ઈમોશનલ લેબર કરીએ છીએ કે નહીં? એનો સાદો જવાબ ‘કરવું પડશે’ કે ‘કરવું છે’ વચ્ચેના તફાવતમાં રહેલો છે. ⬛vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...