તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી-અમસ્તી:હકારાત્મક રહેવામાં ડકારાત્મક થઈ ગયેલા હસુભાઈ..

રઈશ મનીઆર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવિટીના પડીકાં રોજ ત્રણસો મેસેજ એવા મોકલે છે કે કોરોના સામે હકારાત્મકતા કેળવો. એ હકારાત્મક બનવાનો પ્રયાસ કરવામાં હું ડકારાત્મક થઈ ગયો

આજકાલ પેટમાં વાયુનું સામ્રાજ્ય છવાયેલું રહે છે.’ સાંધ્યસભામાં ચિંતિત દેખાતા હસુભાઈએ ડકાર સાથે એકરાર કર્યો. ‘ખાવામાં કંઈ આવી ગયું હશે!’ ધનશંકરે કહ્યું. બાબુ બોલ્યો, ‘વિચાળવામાં કંઈ આવી ગયું લાગે છે!’ મેં કહ્યું, ‘હા, માનસિક જ હશે. ટેન્શન આવે ત્યારે માણસના શ્વાસ ઝડપથી ચાલે અને હવા ફેફસાંમાં જવાને બદલે પેટમાં ભેગી થાય. એ ડકારરૂપે બહાર આવે.’ ઉદરશૂળથી પીડાતાં હસુભાઈએ પેટ ચોળી ત્રીજો ડકાર ખાધો, ‘અત્યારે દેશભરમાં ઓક્સિજનના સિલિન્ડર ભલે ખાલી હોય, પણ આ સિલિન્ડર ફાટફાટ થાય છે.’ ‘ઓક્સિજન સિલિન્ડર પર વાલ્વ હોય એવો વાલ્વ શરીળમાં ન હોવાઠી ઈશ્વળે શરીળનું પ્રેસળ રીલિઝ કળવા ડકારની વ્યવસ્ઠા આપેલી છે.’ હસુભાઈના પાડોશી તરીકે મેં અનુભવ શેર કર્યો, ‘ગીરમાં રાત રોકાયા હોય અને સાવજની ડણક સાંભળી હોય તો એ અનુભવ કદી ન ભૂલાય એમ જેણે હસુભાઈનો ડકાર સાંભળ્યો હોય એય કદી ન ભૂલાય. હસુભાઈને ટેન્શનના પ્રકાર અને તીવ્રતા પ્રમાણે વિવિધ અવાજવાળો ડકાર આવે. કોઈ વાર માત્ર ‘ડ્રક’ અવાજવાળી દ્રુતલયનો ડકાર આવે તો કોઈ વાર ‘ડ્રાં..આ..આ..ઉં’ એવો વિલંબિત ડકાર આવે, કોઈ વાર ‘ઓ...હિયા..’ જેવો આલાપમય અવાજ નીકળે!’ શરમિંદા હસુભાઈ બોલ્યા, ‘શું કરું?’ ‘સહી લો! ડકાર નિર્ડોશ ઉર્ઢ્વગામી ક્રિયા છે, ડકાર માત્ર કાનને પ્રડુસન કરે. ડકારને રોકવા જહો ટો એ અઢોગામી ઠહે ને લોકોના નાકને પણ પ્રડુસનનો અનુભવ કરાવહે!’ ‘ડકારનું કારણ શું?’ ‘1993માં ડકાર પ્લેગના કારણે હતો, 2003માં બર્ડ ફ્લુને કારણે હતો, 2006માં ચિકનગુન્યાને કારણે હતો, અત્યારે કોરોનાને કારણે છે!’ ‘બીમારી અલગ, લક્ષણ એક જ?’ ધનશંકરને નવાઈ લાગી. બાબુ બોલ્યો, ‘કોળોનાથી નહીં, કોળોનાના ભયઠી ડકાર આવે!’ હસુભાઈ બોલ્યા, ‘સાચું કહું, પહેલાં કોરોનાનો થોડો ડર હતો. પછી સાડી ત્રણસો દિવસથી રોજ સાડી ત્રણસો મેસેજ એવા આવ્યા કે કોરોનાનો ડર જરૂરી છે. એ વાંચી હું બિન્દાસ થઈ ગયો.’ ‘પછી શુંં?’ શાંતિલાલને ઈંતેજારી થઈ. ‘પછી છેલ્લા ત્રીસ દિવસથી તમારા જેવા પોઝિટિવિટીના પડીકાં રોજ ત્રણસો મેસેજ એવા મોકલે છે કે કોરોના સામે હકારાત્મકતા કેળવો. એ હકારાત્મક બનવાનો મરણિયો પ્રયાસ કરવામાં હું ડકારાત્મક થઈ ગયો. વોટ્સએપ યુનિવર્સિટી પર અભ્યાસ કરવાથી મને સમજાયું કે હકારાત્મકતા એટલે ‘ઓલ ઈઝ વેલ’ એમ 50 વાર બોલવાનું. ‘મને કંઈ જ થવાનું નથી’ એમ 100 વાર બોલવાનું. હાથમાં આયુષ્યરેખા જોવાની અને ‘હું સો વર્ષનો થઈશ’ એમ 200 વાર બોલવાનું.’ ‘અળે! કોઈએ ફોળવર્ડેડ મેસેજમાં એવું પણ લખ્યું હટું કે કંકોડાનો આકાળ વાઈળસ જેવો હોવાથી, એને કોરોના ટરીકે કલ્પી, એનો છૂંદો કરી નાખી, ‘શક્ટિમાન’ હોવાનો અનુભવ કરવાથી ઊળજા(ઉર્જા) પ્રાપ્ટ થાય છે.’ ‘કોઈએ જુગાડ કરીને જાતે વેંટિલેટર કેવી રીતે બનાવાય એનો વીડિયો પણ ફરતો કર્યો છે.’ ઓનલાઈન ઓર્ડર આપી ચૂકેલો મનસુખ બોલ્યો. શાંતિલાલે કહ્યું, ‘કોઈએ લખ્યું કે લાશની છબી જોઈને એમ વિચારવું કે ‘મરણ અનિવાર્ય છે. આ તો સર્જન-વિસર્જનનું ચક્ર ચાલે છે’ એટલે શાતા થાય!’ ‘બસ કરો!’ હસુભાઈએ ડકાર સાથે ત્રાડ નાખી, ‘જેટલા માણસો એટલી સલાહો? ધીરે ધીરે જગતમાં કોરોનાના જંતુ કરતાં આવા ફોરવર્ડેડ મેસેજની સંખ્યા વધી ગઈ છે! એટલે જ હું અને મારા જેવા ઘણાં લોકો, જે પહેલાં બિન્દાસ હતા, એ હકારાત્મક થવાની વેતરણમાં ડકારાત્મક થઈ ગયા.’ ‘એવું તે કંઈ હોય?’ હસુભાઈ બોલ્યા, ‘એવું જ છે! હે વોટ્સએપ વીરો! સાંભળો! ‘ઓલ ઈઝ વેલ’ બોલવાથી મને વેલ ફીલ થતું નથી, ફક્ત કૂવો દેખાય છે. ‘મને કંઈ થવાનું નથી’ બોલવાથી મારું અળવીતરું મન અંદરથી ઉમેરે ‘કોરોના સિવાય કંઈ નહીં થાય!’ આયુષ્યરેખા જોઈ ‘હું સો વર્ષનો થઈશ’ બોલવાથી અંદરથી જવાબ આવે છે કે અરે, તારો દીકરો હેમિશ તારી પાછળ પીરામિડ બનાવશે તો તું 5000 વર્ષનો થઇશ અને બાબુડિયા! પેલો કંકોડાવાળો મેસેજ તો મૂળ ચોમાસામાં લખાયેલો હતો, પણ હવે કંકોડા આ સિઝનમાં અપ્રાપ્ય હોવાથી એ રીતે ઊર્જા પ્રાપ્ત થવી સંભવ નથી અને 137 વૃક્ષો રોપવા માટે 13700 સ્કેવર ફૂટ જગ્યા ક્યાંથી લાવવી, એ વિચારું છું ત્યારે મરકટસમું મન કહે છે, અલ્યા હસુડા! ફિકર છોડ, ચિતા સળગાવવા માત્ર 6x4 ફૂટ જમીન જોઈએ અને એ પણ પોતાની માલિકીની હોવી જરૂરી નથી. હકારાત્મકતાના દરેક બાહ્ય પ્રયાસની સામે અંદરથી નકારાત્મકતા ડકાર રૂપે ઊથલો મારે છે! લાગે છે ડકાર જીવ સાથે જ જશે!’ શાંતિલાલ દૂરથી માસ્ક સરખું કરી ખરખરો કરવા લાગ્યા, ‘રામનામ લો!’ ‘તું તો બોલતો જ નહીં! મારી પેટની હવા તો હિંગ કે હરડેથી નીકળી જશે, પણ તારી મગજની હવા નીકળવાની નથી!’ ગુસ્સો નીકળી જતાં છેલ્લો ડકાર ‘ઓડકાર’ને બદલે ‘ઓમકાર’ જેવો નીકળ્યો. હસુભાઈ બોલ્યા, ‘હે હરિ! સર્જન અને વિસર્જનના ચક્કરનો વાંધો નથી. બસ, સર્જન અને ફિઝિશિયનના ચક્કરથી બચાવજે!’⬛amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...