ન્યૂ રિલ્સ:શું ‘પઠાન’થી બોલિવૂડ તરી ગયું?

23 દિવસ પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક

રોના મહામારી પછી જ્યારે શહેરનાં થિયેટરોમાં કાગડા ઊડતા થઇ ગયા હતા, ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટ્રેડ પંડિતો વારંવાર લખતા હતા કે, ‘બોલિવૂડને ફરી સજીવન કરવા માટે એક મોટી હિટની જરૂર છે.’ શું એક જ હિટ વડે મલ્ટિપ્લેક્સોમાં પ્રાણ પુરાઇ જતા હશે? ‘પઠાન’નો જ દાખલો નજર સામે છે. 1000 કરોડના વકરાનો દાવો કરતી એ ફિલ્મનું વાવાઝોડું આવ્યું અને જતું પણ રહ્યું. ફરી સિનેમાહોલોની આસપાસ કાગડા-પસંદ સન્નાટા છવાઇ રહ્યા છે. અક્ષયકુમારની સળંગ પાંચમી ફિલ્મ ‘સેલ્ફી’ જાણે સેલ્ફના જ ઊંધા માથે પછડાઇ ગઇ છે. કાર્તિક આર્યન જેને ‘ભૂલભૂલૈયા-2’ પછી સૌએ માથે ચડાવી માર્યો હતો, એ યુવા ‘શહેઝાદા’ મામૂલી પ્રજાની માફક ફ્લોપ ફિલ્મોની ભીડમાં ખોવાઇ ગયા. મૂળ વાત તો એ છે કે હવે એકાદ સુપરહિટ ફિલ્મ તો ઠીક, વર્ષની ચાર-પાંચ હિટ ફિલ્મો પણ બોલિવૂડને ‘તારી’ શકે એવું રહ્યું નથી. ફિલ્મના ટ્રેડ પંડિતો એ વાત ભૂલી ગયા કે 2022માં સાઉથની ‘RRR’, ‘KGF-2’, ‘કંતારા’ અને હોલિવૂડની ‘અવતાર’ જેવી ચાર સુપરહિટ સાથે પાંચમી ‘ભૂલભૂલૈયા-2’ હતી. ટૂંકમાં, બાકીની 110 જેટલી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ટકી શકી નથી. કોઇ એક કે બે ફિલ્મો વડે આખા ઉદ્યોગને રિ-સ્ટાર્ટ મળે એ આખી વાત જ જૂના જમાનાની થઇ ગઇ છે કેમ કે એ જમાનામાં સિંગલ સ્ક્રીન થિયેટરો હતાં. યાદ કરો, 1994માં આવેલી ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન?’ વડે મરવા પડેલાં થિયેટરો ફરી સજીવન થયાં હતાં. એનું કારણ શું હતું? કારણ એક જ, કે હિટ થયેલી ફિલ્મો તે સમયે થિયેટરોમાં પંદર વીક, પચ્ચીસ વીક સુધી ટકી રહેતી હતી. આજે તો શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મની ટિકિટ લેવા માટે સોમવારે જાવ તો એવો જવાબ મળે છે કે, ‘શો કેન્સલ છે!’ આજે ‘પઠાન’ જેવી હજાર કરોડી ફિલ્મ પણ કોઇ મલ્ટિપ્લેક્સમાં જોવા જવું હોય તો નેટ ઉપર સર્ચ કરવું પડે છે કે ભાઇ, કયા મલ્ટિપ્લેક્સમાં કેટલા વાગ્યાનો શો છે! ‘પઠાન’ની સફળતા પછી બીજો મહત્ત્વનો સવાલ એ ઊઠે છે કે શું ફિલ્મને હિટ કરાવવાનો આ જ રસ્તો છે? ફિલ્મ રીલિઝ થતાં પહેલાં તેનો સખત વિરોધ થાય, એનાં ગાયન કે ટ્રેલર વિશે સોશિયલ મીડિયામાં કાગારોળ થાય, ફિલ્મના મુખ્ય સ્ટાર સામે અંગત તથા બદનક્ષીભર્યા આક્ષેપો થાય, ફિલ્મનો બહિષ્કાર કરવાનો આખો માહોલ સર્જાય... અને છેલ્લી ઘડીએ વિરોધનો વંટોળ નાનકડું સૂરસૂરિયું બનીને ગાયબ થઇ જાય! ત્યારે આખી હાઇપમાં ઉત્તેજિત અને ઉત્સુક થયેલા પ્રેક્ષકો થિયેટરોમાં ટિકિટો લેવા દોડી ગયા હોય! એ પછી તરત જ સાચા-ખોટા કલેક્શનોનાં આંકડાઓની ભરમાર થાય… અને એ ભ્રમજાળ ભાંગે એ પહેલાં લાખો લોકો મોંઘી ટિકિટો ખરીદીને એ ફિલ્મને ‘સુપરહિટ’ બનાવી ચૂક્યા હોય! અગાઉ પણ આ ‘કોન્ટ્રોવર્સી’ ફોર્મ્યૂલા કામ કરી ગઇ છે. આખી ફોર્મ્યૂલામાં ચાલાકી એ હોય કે જે મુદ્દે ફિલ્મનો સખત વિરોધ થતો હોય એ વાત ફિલ્મમાં હોય જ નહીં! જેમ કે, ‘પદ્માવત’નો કુપ્રચાર રાજપૂત પરંપરાને બદનામ કરનારી ફિલ્મ તરીકે થયો હોય, પણ ફિલ્મમાં તો રજપૂતોનાં ગુણગાન જ હોય! ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’નો વિરોધ રામવિરોધી અને રબારીવિરોધી તરીકે થયો હોય, પણ ફિલ્મમાં એ વાતનું કંઇ મહત્ત્વ જ ન હોય! ‘માય નેમ ઇઝ ખાન’ને ઇસ્લામિક ટેરરિઝમ સાથે જોડવામાં આવી હોય અને ફિલ્મમાં તો એક માનસિક વિકલાંગની લવસ્ટોરી નીકળે! આવું જ કંઇક ‘બ્રહ્માસ્ત્ર’માં પણ થયું. ફિલ્મના કલાકારોને હિન્દુ વિરોધી તરીકે ચીતર્યાં, પણ ફિલ્મ તો હિન્દુઓના પ્રાચીન ગ્રંથોની ઉપ-કથા જેવી નીકળી. ‘પઠાન’નો પણ આ જ ખેલ હતો. શાહરુખને દેશદ્રોહી તરીકે પ્રોજેક્ટ કર્યો અને ફિલ્મમાં તે દેશભક્તિનાં સૂત્રો લલકારે છે! ફરી એકવાર સવાલ એ છે કે ભારતના પ્રેક્ષકો ક્યાં સુધી આ રીતે ઉલ્લુ બનતાં રહેશે? શું આપણે કોન્ટ્રોવર્સિયલ ફિલ્મોને જ કરોડોનો વકરો કરાવી આપવાનો છે? હકીકત એ પણ છે કે ‘RRR’, ‘KGF-2’, ‘કંતારા’ કે ‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો વર્ડ ઓફ માઉથથી ચાલી છે. (‘કાશ્મીર ફાઇલ્સ’ વિવાદાસ્પદ જરૂર હતી, પરંતુ તેને એકસામટી 5000 સ્ક્રીન ઉપર રજૂ કરીને વિવાદનો ફાયદો લેવાના હેતુથી નહોતી બનાવી.) છતાં વિટંબણા એ છે કે વિવાદ વિના હિટ ગયેલી ફિલ્મો કરતાં ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘પઠાન’ના આંકડા બહુ મોટા છે. આની સાથે કરુણતા પણ એ છે કે ‘સારી’ ફિલ્મ કરતાં સાવ ‘એવરેજ’ ફિલ્મોની જ બોલબાલા મહિનાઓ સુધી થતી રહે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...