તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નૂતન વર્ષના પ્રારંભે અનેક શુભકામનાઓ મળે છે: નવું વર્ષ સુખી નીવડે. શું છે આ સુખ? સુખી થવું એ મનુષ્યની આકાંક્ષા હોય છે. સુખી થવું અને સુખી હોવુંમાં મૂળગત ભેદ છે. હોવુંમાં સહજતા છે, થવામાં પ્રયત્ન છે. ઘણી વાર સુખી થવાના પ્રયત્નમાં જ માણસ દુઃખી થતો હોય છે. સુખ કે આનંદ સહજ હોય તો જ એનો અર્થ. આનંદ મનની સનાતન અવસ્થા છે. એમાં આરોહ-અવરોહ કે ભરતી-ઓટ ન હોય. દુઃખની વચ્ચે પણ માણસ સુખી થઈ શકે છે. એ એની પુરુષાર્થગાથા કહેવાય. દુઃખનો અભાવ એ હંમેશાં સુખ નથી હોતું. દુઃખ તો હજી કોઈક ને કોઈક રીતે બતાવી પણ શકાય છે. સુખનું વર્ણન થઈ શકતું નથી અને વર્ણન કરો તો પણ એ વર્ણન જ રહે છે, પણ સુખનો અનુભવ રહેતો નથી.
સામાન્ય રીતે માણસ સુખ કોને કહે છે? પોતાના જીવનમાં પોતે ધારેલી, પોતાના અહ્્મને પોષે એવી અનુકૂળ ઘટના બને એને માણસ સુખ કહે છે. હેપનિંગ અને હેપિનેસ એક રીતે એકમેક સાથે સંકળાયેલા છે. ઘટના તાત્કાલિક રાજીપો કહો કે આનંદ આપી શકે અથવા ચિરકાલીન આનંદ પણ આપી શકે. બધો આધાર માણસના સંતોષ અને સ્વભાવ પર છે. કેટલાક માણસો સતત કંઈક ને કંઈક ઝંખતા હોય છે. એમના જીવનમાં રોજ ને રોજ કંઈક ગમતી ઘટના બને તો રાજીરાજી. આવા માણસોનો રાજીપો હંમેશાં ક્ષણજીવી રહેવાનો. જેવી કોઈ ન ગમતી ઘટના બની એટલે એની મજા વરાળની જેમ ઊડી જાય. મજા હંમેશાં ક્ષણિક હોય છે. કેટલાંક સુખ એવાં હોય છે કે એની પાછળ દુઃખનાં છાયા-પડછાયા હોય છે. દુઃખ વિનાનું સુખ કે સુખ વિનાનું દુઃખ ઝાઝે ભાગે હોતું નથી.
જે માણસ પોતે સુખી હોય તે બીજાને સુખી કરી શકે. સુખ કદાચ બીજાને સુખી કરવામાં જ સમાયું છે. સુખી માણસ સ્વાર્થી થાય તો સુખ પાછલે દરવાજે નીકળી જાય. જોકે, સ્વાર્થી માણસ સુખી દેખાતો હોય છે, સુખી હોતો નથી. ચિંતામાં રઘવાયો થઈને ફર્યા કરે. ચિંતા ન કરવી એમ કહેવામાં આવ્યું છે. કેટલીક વાર એવી પરિસ્થિતિ હોય છે કે ચિંતા આપણે કરતા નથી હોતા, પણ એ આપમેળે થતી હોય છે. દયારામે ‘ચિત્ત, શું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ ગાયું હશે ત્યારે ચિંતાનો તણખો ક્યાંક મનમાં પડ્યો જ હશે, પણ આપણે તો એટલું જ ધ્યાન રાખવાનું કે તણખામાંથી ભડકો ન થાય. શાણાઓએ ચિંતાને ચિતા સાથે સરખાવી છે. ચિંતા આપણને વગર લાકડે બાળી શકે એમ છે. ચિંતા આપણા ભયમાંથી જન્મે છે. એક અંગત ભય છે અને એક સામાજિક ભય છે. અંગત ભયમાં આપણને એમ થયા કરે કે આપણું શું થશે? સામાજિક ભયમાં આપણને એમ થાય કે લોકો શું કહેશે? સમાજમાં કેવું લાગશે? સમાજ એ આપણી બહાર છે ને સમજ આપણી અંદર છે. બહારનો આધાર લઈએ તો ભીતરથી નિરાધાર થઈ જઈએ. સુખનું ય એવું છે. એ બહાર ફાંફા મારવાથી ન મળે, અંદર શોધવું પડે.
વિવિધ વિચારકો-ચિંતકો કહે છે કે સુખ એ ઉત્પાતિયું ગલૂડિયું છે, સુખ બિલાડી જેવું છે. બોલાવવા જશો તો દૂર ભાગશે અને કદી નહીં આવે, પણ એને પડતી મૂકશો તો એ તમારા પગ ચાટશે. તમારે આવી બિલાડી તરફ જોવાનું જ નહીં, માત્ર તમારે તમારું કામ કર્યા કરવાનું. સુખી થવું મનુષ્યનો કર્મસિદ્ધ અધિકાર છે. આમાં મહત્ત્વની વાત કામ કર્યા કરવાની છે. કાર્યના આનંદમાં જ સુખ સંતાયેલું હોય છે. નવરા હોઈએ છીએ ત્યારે તો સુખ કંતાતું જાય છે. સુખ કાચના વાસણ જેવું છે. એને સંભાળતાં આવડવું જોઈએ. સુખી થવું એ સહેલી વાત નથી.
કોઈકે કહ્યું હતું કે, મોટા ભાગના માણસોના મનમાં વસ્તુઓ હોય છે અને વસ્તુઓમાં એમનું મન હોય છે. બધાની ખરીદી થઈ શકે છે, સુખ ખરીદાતું નથી. અલબત્ત, કેટલાકને ખરીદીમાં જ ઈન્સ્ટન્ટ કોફી જેવું સુખ મળી રહે છે. સુખનો સંબંધ ઈન્સ્ટન્ટ સાથે નહીં, કોન્સ્ટન્ટ સાથે વિશેષ છે. એક જણે હસતાં હસતાં એવું પણ કહ્યું છે કે, જે લોકો એમ કહે છે કે સુખ ખરીદી શકાતું નથી. એમને બાપડાને સુખની દુકાનનું સરનામું જ મળ્યું નથી. સુખનું સરનામું બીજું કોઈ નહીં, પણ આપણે પોતે જ હોઈએ છીએ. આપણી આંખ જ બંધ હોય તો સૂરજ ક્યાંથી દેખાય? કંઇ નહીં બસ નવા વર્ષે ઉઘાડી આંખે આપણી પાસે જે છે એમાં સુખને માણીએ, તો લોકોની શુભકામના ફળે ય ખરી! namaskarkishore@gmail.com
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.