મનનો મોનોલોગ:સુખ, સફળતા કે સર્જનાત્મકતાનો આધાર કંટાળા સાથેની દોસ્તી પર રહેલો છે

ડો. નિમિત્ત ઓઝા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંટાળો એટલે એવી અવસ્થા જેમાં વ્યક્તિની આસપાસ ઉત્તેજક, પ્રેરક, રસપ્રદ કે મનોરંજક પ્રવૃત્તિનો અભાવ હોવાથી એ નાખુશ રહે છે

‘કંટાળો આવે છે’, આ વાક્ય આપણે દરેક બાળકના મોઢે અવારનવાર સાંભળ્યું હશે. બાળકને પ્રવૃત્તિમય કે ઈન્ટરેસ્ટેડ રાખી શકે, એવી એક પણ ઘટના એની આસપાસ બનતી ન હોય, તો બાળકને કંટાળો આવે છે. પહેલાંના સમયમાં બાળકને કંટાળો આવતો, ત્યારે તેને કોઈ રમકડું, વાર્તા કે રમતના માધ્યમથી વ્યસ્ત કરી દેવામાં આવતું. હવે એના હાથમાં ફોન પકડાવી દેવામાં આવે છે. એની વે, તો આ કંટાળાની વચ્ચે આપણે સૌ મોટા થઈએ છીએ અને આપણી સાથે સાથે પેલો કંટાળો પણ વૃદ્ધિ પામે છે. હવે ‘કંટાળો આવે છે’ એવી ફરિયાદ કરવાને બદલે, આપણે સ્વબળે એમાંથી બહાર નીકળવાના ઉપાયો શોધવા લાગીએ છીએ. એ મોબાઈલ હોય, લેપટોપ કે ટીવી, એ વાત તો આપણે સ્વીકારવી જ પડે કે કંટાળામાંથી મુક્તિ મેળવવા માટે આપણે સૌથી વધારે ‘સ્ક્રીન’નો સહારો લેતા હોઈએ છીએ. એ કેવી વક્રતા છે કે આટલા ટૂંકા દિવસો અને એનાથીય ટૂંકી જિંદગી હોવા છતાં ક્યારેક આપણો સમય પસાર નથી થતો! એની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન હોવા છતાં કંટાળો એટલે એક એવી અવસ્થા કે જેમાં વ્યક્તિની આસપાસના વાતાવરણમાં ઉત્તેજક, પ્રેરક, રસપ્રદ કે મનોરંજક પ્રવૃત્તિનો અભાવ હોવાથી વ્યક્તિ નાખુશ રહે છે. એની પાસે કરવા જેવું કશું જ ન હોવાથી અથવા તો કરવા જેવું હોવા છતાં એ કરવામાં આનંદ ન આવતો હોવાથી તેને ઘેરી વળતી એક શુષ્ક કે નીરસ અવસ્થા એટલે કંટાળો. ટૂંકમાં, કંટાળો એટલે ઉત્સાહ, ઊર્જા અને ઉત્તેજનાનો અભાવ. ક્યારેક કામ કે પ્રવૃત્તિ ન હોવાથી કંટાળો આવે છે, તો ક્યારેક એકનું એક કામ વારંવાર કરવું પડતું હોવાથી પણ કંટાળો આવે છે. જર્મન ફિલોસોફર આર્થર શોપેનહોઅરે કહેલું, ‘જિંદગીનું લોલક પીડા અને કંટાળા વચ્ચે ઝૂલતું રહે છે.’ અને કેટલી સાચી વાત! પીડા અને રાહત, દુઃખ અને પ્રસન્નતા, નિષ્ફળતા અને સફળતા, મહેફિલ અને એકલતા વચ્ચે રહેલી કોઈ પરિચિત અને કાયમી અવસ્થા એટલે કંટાળો. જ્યારે આપણે કોઈ જ લાગણી નથી અનુભવતા, ત્યારે કંટાળો અનુભવીએ છીએ. મનુષ્ય માત્ર ‘નાવીન્ય’ માટે એટલો બધો તરસતો હોય છે કે એક દુઃખી વ્યક્તિ પોતાના જીવનમાં જે બદલાવ ઝંખે છે, સુખી વ્યક્તિ પણ એટલી જ માત્રામાં બદલાવ ઝંખતી હોય છે. એ સંબંધ હોય કે સંજોગો, પ્રેમ હોય કે પરિસ્થિતિ, વાત હોય કે વાતાવરણ, સ્થાયી થઈ ગયેલું કશુંય આપણને માફક નથી આવતું. સ્થિરતા, સાતત્ય અને નિયમિતતા કંટાળાજનક હોય છે, અને એટલે જ આપણે તેનાથી દૂર ભાગીએ છીએ. પણ રહસ્યની વાત એ છે કે જીવનમાં કશુંય નોંધપાત્ર મેળવવા માટે કંટાળો અનિવાર્ય છે. લેખક જેમ્સ ક્લીઅરે પુસ્તક ‘એટોમિક હેબીટ્સ’માં લખ્યું છે કે, ‘સફળતા સામે સૌથી મોટું જોખમ નિષ્ફળતાનું નહીં, પણ કંટાળાનું રહેલું છે. આપણને સારી આદતો બહુ જલ્દી કંટાળો અપાવે છે કારણકે પુનરાવર્તન નીરસતા જન્માવે છે.’ પણ જેઓ એ કંટાળા સાથે દોસ્તી કરી શકે છે, એ જ લોકો સફળ થઈ શકે છે. બોરડમના બે પ્રકાર હોય છે : માઈક્રો-બોરડમ અને મેક્રો-બોરડમ. આપણી રોજબરોજની ક્રિયાઓ કરવામાં આપણે જે અનુભવીએ છીએ, એ માઈક્રો-બોરડમ છે. લેસન કરવું, જીમમાં જવું, કસરત કરવી, કોઈ વ્યાવસાયિક કામ કરવું વગેરે જેવી પ્રવૃતિઓ જે આપણે દરરોજ કરવી ‘પડે’ છે, એમાં કંટાળો આવી શકે છે. કારણ? નાવીન્યનો અભાવ. પુનરાવર્તન એટલે નીરસતા. આ માઈક્રો-બોરડમ આપણને નિયમિત કસરત કરતા, પુસ્તક વાંચતા, મેડિટેશન કરતા કે પછી આપણું લક્ષ્ય પ્રાપ્ત કરતા અટકાવે છે. મેક્રો-બોરડમ એવી કોઈ પ્રવૃત્તિમાં આવી શકે છે જે તમે લાંબા સમયથી કરી રહ્યા છો, પણ એમાં તમને કોઈ અપેક્ષિત પરિણામ, પુરસ્કાર, પ્રશંસા કે પ્રમોશન નથી મળી રહ્યું. આ મેક્રો-બોરડમને કારણે જ કેટલાક લોકો દર બે વર્ષે નોકરી બદલે છે, નવા સંબંધો બાંધે છે અથવા તો હાથ પર લીધેલું કામ અધૂરું છોડીને કશું નવું કરવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં, માઈક્રો અને મેક્રો આ બંને બોરડમ આપણા ‘લોંગ ટર્મ ગોલ’ સુધી પહોંચવામાં અવરોધક બને છે. આ કંટાળાનો એક જ ઉપાય છે. એનાથી ભાગવાને બદલે, એમાં ડૂબકી લગાવી દેવી. એ સમજવું બહુ જરૂરી છે કે કંટાળો કોઈ જોખમી કે જીવલેણ અવસ્થા નથી. માટે ‘કંટાળાજનક’ અવસ્થામાં રહેવું સ્વાસ્થ્ય માટે બિનહાનિકારક છે. ઈન ફેક્ટ, દીર્ઘકાલીન સફળતા માટેની એ પૂર્વશરત છે. કંટાળાથી ત્રસ્ત થયા વગર અને કોઈ પણ ઉત્તેજક માધ્યમની મદદ લીધા વગર આપણે એ અવસ્થામાં કેટલો સમય પસાર કરી શકીએ છીએ, એના પર આપણી સફળતાનો આધાર રહેલો છે. ફક્ત સફળતા જ નહીં, સર્જનાત્મકતા માટે પણ કંટાળો જરૂરી છે. એવું કહેવાય છે કે ‘Boredom is the precursor of creativity.’ જ્યારે આપણે કંટાળેલા હોઈએ છીએ, ત્યારે આપણું મન મુક્ત રીતે વિહરતું હોય છે. એ જ સમયે અચાનક ક્યાંકથી કોઈ સર્જનાત્મક વિચાર, યુક્તિ કે યોજનાનો જન્મ થતો હોય છે. આ દુનિયાને અચંબિત કરનારી કાલ્પનિક કથાઓ, વૈજ્ઞાનિક પ્રયોગો કે સંશોધનો કંટાળામાંથી જ જન્મે છે. ક્રિએટિવ લોકો માટે કંટાળો સૌથી ફળદ્રુપ નીવડે છે. અને છેવટે સુખ. પ્રવૃત્તિના અભાવમાં શાંત ચિત્તે બેસી રહેવું, એ આધ્યાત્મિક ગતિ તરફની પૂર્વશરત છે. જેને આપણે કંટાળો કહીએ છીએ, એ જ અવસ્થા અમુક ઉંમર પછી ધ્યાનમાં પરિણમે છે. કોઈ પણ જાતના અસંતોષ, અપેક્ષા કે ફરિયાદ વગર જો આપણે વર્તમાન ક્ષણ સાથે શાંતિ સમાધાન કરી શકીએ, તો એ સુખ છે. જો વર્તમાન ક્ષણમાં આપણી અંદર અજંપો, અધીરાઈ કે અસંતોષ હોય, તો આપણા માટે એ કંટાળો છે અને જો એ ક્ષણમાં સંતોષ, હાશકારો કે શાંતિ હોય, તો એ જ અવસ્થા આપણા માટે સુખ છે. છેવટે, અંતિમ ઉદેશ્ય તો એ સ્થાયી અવસ્થા સાથે મૈત્રી કેળવવાનો જ છે. vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...