મે 24 કલાક અને 365 દિવસ સંગીતથી ઘેરાયેલા રહો છો, એ અનુભવી શકો છો? હા, ક્યારેક એ સંગીત ઘોંઘાટ બની જાય છે, તો ક્યારેક સંવાદ! ક્યારેક કર્ણપ્રિય ધૂન તો ક્યારેક પ્રગાઢ મૌન! એકદમ શાંત અને માનવભીડથી દૂર એવી કોઈક જગ્યાએ જઈને આંખ બંધ કરી જોજો. એ સંપૂર્ણ શાંતિ વચ્ચે પણ કુદરતના ધબકારા સમાન પક્ષીનો કલબલાટ, ઝરણાંનું ખળખળ વહેતું જળ, વૃક્ષો પર કૂદાકૂદ કરતાં વાનરોનો ખખડાટ સંભળાયા વગર નહીં રહે! તમે લાખ કોશિશ કરી લો, પણ પ્રકૃતિના પમરાટ સામે હંમેશાં વામન જ પુરવાર થશો. ઋષિ-મુનિઓએ મહાસર્જનની આ શાશ્વતીને બહુ પહેલાં પારખી લીધી હતી. શબ્દોના ગર્ભમાં છુપાયેલી રહસ્યમય શક્તિને તેઓ આદિકાળમાં જ પિછાણી ચૂક્યા હતાં, જેના પરિણામસ્વરૂપ જન્મ્યું... મંત્રવિજ્ઞાન! પોતાના અંગ્રેજી પુસ્તક ‘ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર’માં શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક ઓમ સ્વામી લખે છે: ‘મંત્રવિજ્ઞાનનો પ્રાદુર્ભાવ અકસ્માતે નહોતો થયો. મંત્રયોગ વાસ્તવમાં બ્રહ્માંડઊર્જા સાથેના તમારા સંબંધને મજબૂત બનાવે છે!’ કરમની કઠણાઈ એ છે કે વાણી ઉપર આજકાલ માનવ સંયમ નથી રાખી શકતો! તમારા હોઠ પરથી સરી પડેલો એક શબ્દ પણ જો સામેવાળી વ્યક્તિના ચહેરા પર સ્મિત અથવા ઉશ્કેરાટ લાવવા માટે પૂરતો હોય, તો પછી વિધિવત્ રીતે ઉચ્ચારાયેલાં મંત્રોના પ્રભાવ અંગે કલ્પના કરી શકો છો? બીજાક્ષરો – ‘હ્રીં, ક્લીં, ઐં, ધ્રાં, ભ્રાં, ક્રાં, સૌ’ વગેરે– માટે એવું કહેવાય છે કે સૃષ્ટિની ઉત્પત્તિ વેળા દેવાધિદેવ જ્યારે આનંદતાંડવ કરી રહ્યા હતાં, ત્યારે એમના ડમરુમાંથી જે નાદ બ્રહ્માંડમાં પડઘાયો, એ જ બીજમંત્રોના સમન્વયથી અસ્તિત્વમાં આવી મંત્રસાધનાઓ! આદિગુરુ શિવએ જીવસૃષ્ટિને આ વિજ્ઞાન આપ્યું, ત્યારથી અસ્તિત્વમાં આવી ગુરુ-શિષ્ય પરંપરા! જેના વિશે આગામી કેટલાંક અઠવાડિયાંઓ સુધી આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. થોડા દિવસો પહેલાં વાચકમિત્ર સંવાદ ચાલી રહ્યો હતો, ત્યારે એવો મત સામે આવ્યો કે મંત્રસાધના માટે ગુરુની હાજરી આવશ્યક છે! આ વાત સાચી? જવાબ ‘હા’ અને ‘ના’ બંને છે. કઈ રીતે? આ વિશે ઊંડાણમાં ઉતરતાં પહેલાં ગુરુ-શિષ્ય પરંપરા પાછળનું વિજ્ઞાન ચકાસવું જરૂરી છે. મારા વ્યાખ્યાનોમાં હું એક ઉદાહરણ હંમેશાં આપું છું: ‘જો તમારા બાપ-દાદા પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય, તો તમારે જીવનભર સંઘર્ષ કરવાની જરૂરિયાત નહીં રહે. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચતર અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરળતાથી તમે પણ દર મહિને ધરખમ આવક મેળવતાં થઈ જશો. પરંતુ જે વ્યક્તિને બે ટંકના ભોજનના પણ સાંસા હોય, એને આપબળે અને લોહી-પરસેવો એક કરીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની નોબત આવે છે, જેના માટે વર્ષો લાગી જાય છે!’ બસ, ગુરુ-શિષ્ય પરંપરાનું પણ આવું જ કંઈક છે. સાધક આપબળે મંત્રઊર્જાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેની સાથે કોઈ સંપ્રદાય જોડાયેલો ન હોવાથી જે-તે મંત્રની અસરો દેખાવામાં સમય લાગે છે. બીજી બાજુ, મંત્રદીક્ષા મેળવી ચૂકેલો સાધક પોતાના સંપ્રદાય સાથે જોડાઈ ગયો હોવાને લીધે તેને પોતાના પૂર્વસૂરિઓની મંત્રમૂડી વારસામાં મળે છે! એક ગુરુ જ્યારે પોતાના શિષ્યના કાનમાં ગોપનીય મંત્ર આપે છે, ત્યારે તે ફક્ત ઉચ્ચારણ નથી કરતો પરંતુ સાથોસાથ સાધકને પોતાના સંપ્રદાય અર્થાત્ વંશ સાથે જોડવાનું કામ પણ કરે છે. આનો ફાયદો શું? ધારી લો કે, તમારા બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની મૂડી પડી છે, પરંતુ એટીએમ કાર્ડનો પાસવર્ડ ખબર નથી! અકાઉન્ટ તમારું જ છે, એ સાબિત કરવા માટે કોઈ કાયદાકીય કાગળિયાં પણ તમારી પાસે નથી. હવે શું થશે? બેંકના ધક્કા ખાઈ-ખાઈને ચપ્પલ ઘસાઈ જશે, પરંતુ એ સંપત્તિ તમારા હાથમાં આવશે કે નહીં એ ચોક્કસપણે ન કહી શકાય.ગુરુ જ્યારે શિષ્યને પોતાની પરંપરા સાથે જોડે છે, ત્યારે તેને મંત્રરૂપી પાસવર્ડ આપે છે, જેથી સાધક પોતાની મંત્રસાધનાનું ત્વરિત અને ઈચ્છાનુસાર ફળ પ્રાપ્ત કરી શકે! પરંતુ આજના સમયમાં જો યોગ્ય ગુરુ ન મળે તો શું કરવું? એનો જવાબ મેળવીશું આગામી મણકાઓમાં! (ક્રમશઃ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.