મસ્તી-અમસ્તી:હસુભાઈના ઘરમાં અતિથિ!

3 મહિનો પહેલાલેખક: રઇશ મનીઆર
  • કૉપી લિંક
  • બહાર ટોળે વળેલાઓને અવાજ સંભળાયો પણ ‘ડાર્લિંગ’ કોણ છે એ ખ્યાલ ન આવ્યો. તેથી ઉશ્કેરાટ વ્યાપી ગયો

હેમાબહેન થોડા દિવસ માટે પિયર ગયા હતા. હેમાબેને હસુભાઈને ‘સમયસર’ ખાવા માટે ટિફિન બંધાવ્યું હતું અને ‘કસમયે’ ખાવા માટે ચણાનો મોટો ડબ્બો મૂકી ગયા હતા. એ મોટો ડબ્બો હસુભાઈથી આદતવશ ખુલ્લો રહી જવાથી ચણા હવાઈ ગયા. તેથી હસુભાઈએ આ હવાયેલા ‘ચણા’માંથી કાનો કાઢી એનું ‘ચણ’માં રૂપાંતર કરી કબૂતરોને ખવડાવવાનું શરૂ કર્યું. ધર્માદાની કડક જુવાર ખાઈને કંટાળેલા કબૂતરોને આ હસુ-ત્યકત પોચા ચણા ભાવી ગયા. તેથી અમુક કબૂતરો હસુભાઈની બારી બહાર છજા પર નિયમિત આવતાં થયાં. હેમાબહેનનો રોજ ફોન આવતો, ‘ચણા ખાધા?’ હસુભાઈ પણ કર્તા અધ્યાહાર રાખી જવાબ આપતાં, ‘ચણા ખાધા!’

‘अयं निजः परो वेति गणना लघु चेतसाम्’ આ મારું, આ બીજાનું એવી ગણના નાના મનવાળા રાખે છે, એમ ગણગણી હસુભાઈ કબૂતરોને ચણા ખવડાવતા રહ્યા. એમનો દયાભાવ ન ખૂટ્યો પણ ચણા ખૂટી ગયા. અનાયાસે ચાલુ થયેલી દાનપ્રવૃત્તિ બંધ ન પડે એ માટે હસુભાઈ નવા ચણા લાવ્યા. પણ આ ચણા હવાયેલા ન હતા. એટલે કબૂતરોને રસ ન પડ્યો. વળી ‘ધરમની ગાયના દાંત ન જોવાય’ એ ન્યાયે હસુભાઈ સસ્તા ચણા લઈ આવ્યા હતા. સસ્તા ચણા એટલા કડક હતા કે ખાધા પછી પોતાના જ દાંત ગણવા પડે. હસુભાઈએ જાણીજોઈને આ ચણાના ડબ્બાને ખુલ્લો રાખ્યો તોય ઑલ-વેધર પ્રૂફ ચણા હવાયા નહીં.

કબૂતરો તો રોજ આવે. એમને એ જ ચણા જોઈએ જે હસુભાઈ પાસે હતા નહીં. કબૂતર જાણે ચરસ સમજીને ચણાના વ્યસની થઈ ગયા હતાં. એક એડિક્ટેડ કબૂતરને થયું કે પેલા મનપસંદ પોચા ચણા ઘરમાં જ ક્યાંક સંતાડયા હશે. એટલે એ શાંતિનું દૂત અશાંત થઈ હસુભાઈની ગેરહાજરીમાં ભૂલથી ખુલ્લી રહી ગયેલી બારીમાંથી આવી તલાશી લેવા લાગતું. જેમ કનૈયાની ગેરહાજરીમાં મોરપિચ્છ જ એની નિશાની ગણાય એમ કબૂતર ન હોય પણ ઘરમાં પીંછા હોય એટલે હસુભાઈને ખ્યાલ આવી ગયો કે હું ઓફિસે હોઉં છું ત્યારે કબૂતરો પોતીકું-પરાયુંનો ભેદ ભૂલી ઘરમાં અવરજવર કરે છે. પોતાના પ્રેમના પ્રતીકરૂપે પીંછા મૂકી જાય છે. આટલે સુધી બરાબર હતું પણ એક દિવસ કબૂતરે હસુભાઈના ઘરમાં ઉપલબ્ધ ‘ગેસ્ટ ટોઇલેટ’ની સુવિધા વિશેના અજ્ઞાનને કારણે અથવા સંસ્કારના અભાવને કારણે ઘરને ‘ચરકાન્વિત’ કર્યું. હસુભાઈ જેવા પશુપંખીપ્રેમીને પણ પશુપંખી મરકે એ ગમતું પણ ચરકે એ જરા અજુગતું લાગતું. આમ કબૂતર ચણના વિરહમાં દુ:ખી હતા અને હસુભાઈ ધણિયાણીના વિરહમાં સુખી હતા.

પણ ન્યૂટને ચોથા નિયમમાં કહ્યું છે કે ભીંત પર ફેંકેલો દડો પરત આવે કે ન આવે પણ પિયર ગયેલી પત્ની (એટલા જ જોશથી) પરત આવે જ છે. એ ન્યાયે હેમાબહેન પરત આવ્યા. હસુભાઈ ઓફિસ પર હતા ત્યાં હેમાના નંબર પરથી પ્રેરણાડીનો ફોન આવ્યો, ‘કમ સૂન!’ ફોન કટ થઈ ગયો. હસુભાઈ મારતી ગાડીએ ભાગ્યા.

ઘરની નીચે એક એમ્બ્યુલંસ, એક અગ્નિશામક ગાડી અને એક પોલીસની વાન હતી. બધાને કોરીને ધ્રાસકો પામેલા હસુભાઈ છઠ્ઠા માળે પહોંચ્યા. ઘરે પહોંચતા જે અમંગળની આશા રાખેલી એવું કંઈ દેખાયું નહી, હેમાબહેન કુશળમંગળ અને કડેધડે હતાં. પણ ઘરની બહાર હતાં. મેઈન દરવાજો બંધ હતો.

એકાદ સાહસિક ફાયરમેન એન્ટ્રીના પેસેજની બારીમાંથી બહાર નીકળી પાળી ઉપર ડ્રોઇંગરૂમ વિન્ડો પાસે ઊભો હતો, હેમાબહેન એને શું કરવું એની સૂચના આપી રહ્યા હતા. મુખ્ય ફાયર ઓફિસર સમય વરતી ચૂપ હતા. ‘ઘરમાં કબૂતર ભરાઈ ગયું છે!’ લોકોએ ગણગણાટ શરૂ કર્યો. હસુભાઈ પહેલા સમજેલા કે ઘરમાં કોઈ આતંકવાદી ભરાયો લાગે છે. કબૂતરના ડરથી હેમાબહેન બહાર ભાગ્યા અને દરવાજો આપોઆપ લૉક થઈ ગયો હતો. ‘જબરું કબૂતર છે!’ પ્રેરણાડી બોલી. ‘કબૂતરી છે!’ હેમિશે પોતાના બર્ડવોચિંગના શોખને આધારે સ્પષ્ટતા કરી. ‘રસોડાના ડબ્બા ઉથલાવી ઉથલાવી ચાંચ મારે છે! હેમાઆંટીનું ઘર ખેદાનમેદાન કરી નાખ્યું.’ હેમાબહેને ઠૂઠવો મૂક્યો, ‘દસ દહાડા માટે પિયર શું ગઈ! કબૂતરીને ઘરમાં ઘાલી!’ કુમારી કુસુમબેન પસાર થતાં હતાં. એ સમજ્યા હસુભાઈએ કોઈ અફેર કર્યું, તેથી, ‘ઈટ્સ નોટ ફેયર હસુભાઈ!’ કહી મોં મચકોડી એમનું પ્રિય વિધાન કરવાં લાગ્યાં, ‘સ્ત્રી જાતિ જોઈ નથી કે પુરુષે દાણા નાખ્યા નથી!’ હસુભાઈએ ખુલાસો કર્યો, ‘મેં દાણા નાખ્યા એ કબૂલ, એ સ્ત્રી જાતિની છે એવી ખબર મને નહોતી.’ એટલી વારમાં ફાયરમેને ઘરમાં ઘૂસી અંદરથી દરવાજો ખોલ્યો. બને તેટલી અનુકંપા દાખવી હસુભાઈ કબૂતર સામે જોઈ બોલ્યા, ‘ડાર્લિંગ! અત્યારે બહાર ચાલી જા!’ બહાર ટોળે વળેલાઓને અવાજ સંભળાયો પણ ‘ડાર્લિંગ’ કોણ છે એ ખ્યાલ ન આવ્યો. તેથી ઉશ્કેરાટ વ્યાપી ગયો. પોતાને કાયમ ‘આવ આવ’ કરનારાએ પહેલીવાર ‘ચાલી જા’ કહ્યું તેથી કબૂતરે બેવફા હસુભાઈ સામે ફૂંફાડો કર્યો. ઊડીને ફાયર ઓફિસરના માથે ચરક્યું. અને સ્પ્લિટ એ.સી પર બેઠું. ફાયર ઓફિસરે ઉપલબ્ધ શસ્ત્રોથી એટલે કે પાણીના પાઈપથી કબૂતર ઉડાડવાનો હુકમ કર્યો. ઘરમાં રેલમછેલ થઈ ગઈ, કબૂતર ટપકતાં પાણીની નીચે સ્નાનનો આનંદ લેવા માંડ્યું. હસુભાઈ પરસેવે રેબઝેબ હતા. એમને ફાયરમેનને કહ્યું, ‘થોડીવાર પાણીની પાઈપ આ તરફ ફેરવ!’ ફાયર ઓફિસર અકળાયા, ‘મિસ્ટર! આ અમારું કામ નથી, નેચર ક્લબવાળાને બોલાવો.’ એમ કહી પાઈપના પ્રવાહની સામે ઊભા રહી પોતાનું ચરકવાળું માથું ધોવા લાગ્યા.⬛ amiraesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...