લક્ષ્યવેધ:સવારે ચાર વાગ્યે ઊઠીને, વાડીએ કામ કરતા, UPSC ક્રેક કરીને બન્યા IPS

22 દિવસ પહેલાલેખક: હેમેન ભટ્ટ
  • કૉપી લિંક

દોસ્તો, આજે એક એવા યુવાનની વાત કરવી છે કે, જે પોલીસ કોન્સ્ટેબલમાંથી આઇપીએસ બન્યા છે. આ યુવાન એટલે વિજય સિંહ ગુર્જર. અત્યારે તેઓ દાહોદ જિલ્લાના ઝાલોદ ગામે એએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિજય સિંહ મૂળ રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના નવલગઢ તાલુકાના દેવીપુરા ગામના વતની છે. તેમના પિતાનું નામ લક્ષ્મણ સિંહ. તેઓ ગામમાં ખેતી કરે છે. તેમના માતાનું નામ ચંદા દેવી છે. વિજય સિંહ પાંચ ભાઈબહેનોમાં ત્રીજા નંબરના પુત્ર છે. વિજય સિંહનું શિક્ષણ દેવીપુરા ગામમાં જ થયું. તેમણે ધોરણ-10માં 54.5 ટકા માર્ક્સ મેળ‌વ્યા હતા અને ધોરણ 12માં 63.23 ટકા માર્ક્સ મેળ‌વ્યા હતા. આ પછી તેમણે બી. કોમ., બી. એ., બી. એસસી., એમ. એસસી. કર્યું નહીં પરંતુ સરકારી સંસ્કૃત આચાર્ય કોલેજ-ચિરાના ગામમાંથી સંસ્કૃત ગ્રેજ્યુએટ થયા. સંસ્કૃત ગ્રેજ્યુએટને શાસ્ત્રી કહેવાય છે. વિજય સિંહના પરિવારમાં કોઈ વધુ ભણેલુંગણેલું નથી. 2010માં તેઓ દિલ્હી પોલીસમાં કોન્સટેબલ તરીકે પસંદગી પામ્યા પછી તેમને થયું કે હવે તેમણે દિલ્હી પોલીસમાં સબ ઇન્સપેક્ટર તરીકે તૈયારી કરવી જોઈ. એની તૈયારી કરી અને એમાં તેઓ સફળ થયા. વિજય સિંહ કહે છે, ‘મને ત્યારે એ વાત સમજાઇ કે વ્યક્તિ યોગ્ય લક્ષ્ય નક્કી કરે અને યોગ્ય મહેનત કરે તો એ જરૂર આગળ વધી શકે છે. મારા આ વિચારે જ મને આઇપીએસ સુધી પહોંચાડ્યો છે. મેં એક વાર નહીં પણ છ વાર સરકારી નોકરી કરી છે. 2012 માં મેં એસએસસી ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા આપી હતી. તેમાં મારી પસંદગી થતા સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમરમાં ઇન્સ્પેક્ટર બન્યો. આ પછી હું દિલ્હીમાં જ ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર પણ બન્યો. આ પછી મેં રાજસ્થાન જાહેર સેવા આયોગ (RAS)ની પરીક્ષા આપીને તેમાં પસંદગી પામ્યો. આ પછી મેં યુપીએસસી પરીક્ષા ક્રેક કરી હતી.’ ખેડૂતપુત્ર વિજય સિંહ સવારે ચાર વાગ્યે ઊઠીને વાડી એ કામ કરવા પણ જતા હતા. તેમના ગામમાં કે આસપાસના કોઈ પણ ગામમાં કોઈએ આવી રીતે યુપીએસસી પરીક્ષા પાસ કરી નથી! યુપીએસસી પરીક્ષાની તૈયારી અંગે વિજય સિંહ કહે છે, ‘હું નોકરી કરતો હતો. નોકરી કરતાં કરતાં દરરોજ ઓછામાં ઓછું છ કલાક તો વાંચનલેખન થતું હતું.’ ઈન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો વિશે વિજય સિંહ કહે છે, ‘મારો ઇન્ટરવ્યૂ એકંદરે સરળ હતો. મને એક સવાલ એવો પૂછ્યો હતો કે તમે તમારા ગ્રેજ્યુએશન ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ રાખી શકો છો ત્યારે તમે સિવિલ સર્વિસમાં શા માટે જોડાવા માગો છો? સામાજિક સેવા તો ખાનગી ક્ષેત્રમાંથી પણ કરી શકાય છે. તેના જવાબમાં મે કહ્યું હતું કે હું પહેલેથી જ એક સાર્વજનિક સેવક છું. સિવિલ સર્વિસ મને કામ માટે વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને મારી કારકિર્દીની પ્રગતિ પણ કરે છે. આ ઉપરાંત એક સવાલ એવો પૂછ્યો કે તમે ખૂબ મહેનતુ લાગો છો. કોન્સ્ટેબલથી શરૂઆત કરી અને હવે મારી સામે બેઠા છો. તમારી જીવનની ફિલોસોફી શું છે? એ સવાલના જવાબમાં મેં કહ્યું હતું કે મને શીખવું ગમે છે. મને હંમેશાં નવી વસ્તુઓ શીખવી, એકાગ્ર રહેવું ને સખત મહેનત કરવી ગમે છે. મને એક અનપેક્ષિત પ્રશ્ન પૂછવામાં પણ આવ્યો હતો કે તમે મહિલાઓ અને બાળકોની હેરફેર કેવી રીતે રોકશો? એના જવાબમાં મેં કહ્યું હતું કે રેલવે પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સંકલન વધારીને સર્વેલન્સમાં સુધારો કરી શકાય. પરંતુ મારા જવાબ સામે તેમણે મને પૂછ્યું કે ના એમ નહીં, તમે એમને કેવી રીતે પકડી શકો ? તમારી પાસે કયું મીકેનિઝમ છે? જવાબમાં મેં કહ્યું હતું કે તમામ પોલીસ બીટ સ્ટાફને તમામ પ્લેસમેન્ટ એજન્સીઓ પર નિયમિતપણે દેખરેખ રાખવા કહી શકીએ છીએ. જો કોઈ ફરિયાદ મળે તો કાર્યવાહી ઝડપી અને સંવેદનશીલ હોવી જોઈએ. હું સંસ્કૃત વિષયમાં શાસ્ત્રી છું.એટલે મને તેના વિશે પણ પૂછ્યું હતું કે તમે સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, હિંદીમાં વિદેશી ભાષાનો ઉપયોગ સંસ્કૃતને નુકસાન પહોંચાડે છે ? જવાબમાં મેં કહ્યું કે ના, સર. સંસ્કૃત શબ્દભંડોળ ખૂબ સમૃદ્ધ છે. તેથી આ હિંદી પર વૈશ્વિકરણની અસર છે જે સંસ્કૃતને અસર કરતી નથી. તેના વિશે મને બીજો સવાલ કર્યો કે ભારતમાં સંસ્કૃત સુધારવા માટે શું કરવું જોઈએ? તેનો જવાબ આપતા મેં કહ્યું કે આપણે ગોપાલ સ્વામીની કમિટીની ભલામણનો અમલ કરવો જોઈએ . સંસ્કૃત શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર જેવા કેટલાક વિચારો આપો, ઓનલાઈન પોર્ટલ જેમ કે ઈ-ગ્રંથાલય, સંસ્કૃત શિક્ષક અને અનુવાદકોની નિમણૂક, સંસ્કૃત વિદ્વાનો માટે વધુ નોકરી ઓ લાવવા માટે સંસ્કૃત આયુર્વેદ અને યોગનું મિશ્રણ કરીને, IPRS પર અમને મદદ કરવા માટે સંસ્કૃત સાહિત્ય પર સંશોધન અને વિકાસ માટે સંસ્કૃત પ્રયોગશાળા શરૂ કરો. એમ જ એમને પૂછ્યું કે તે તમને વહીવટમાં કેવી રીતે મદદ કરશે? જવાબમાં મેં કહ્યું કે તે મને પાત્ર નિર્માણ, ઇતિહાસ જ્ઞાન સુધારણા, કલા અને સંસ્કૃતિમાં મદદ કરશે.’ વિજય સિંહનાં પત્ની સુનિતાબહેન હાલમાં યુપીએસસી પરીક્ષાની તૈયારી કરે છે.⬛ hemennbhatt@gmail.com

અન્ય સમાચારો પણ છે...