તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગ બિન્દાસ:ગુડબાય અરવિંદ જોષી: વાચિક-સાત્ત્વિક અભિનયના બાદશાહ!

એક મહિનો પહેલાલેખક: સંજય છેલ
 • કૉપી લિંક
 • એક ઇમોશનલ પળમાં અરવિંદભાઇ ઘેઘૂર સ્વરથી કહેતા: ‘આજે તો વાચા ખડક થઇ ગઇ છે ને શબ્દો જડ બની ગયા છે!’

હું ‘ફ્લોપસેસફૂલ’ માણસ છું! (અરવિંદ જોષીના નાટકનો સંવાદ) સ્ટેજ પર એક કલાકાર બીજા અભિનેતા માટે ગરમાગરમ ચાનો કપ લાવે છે.પેલો અભિનેતા મોં પર માંડે છે અને જુએ છે કે કપમાં સિગારેટના ઠૂંઠાનો ધુમાડો હતો! ધુમાડાને લીધે ખાંસી આવે છે અને સામેનો કલાકાર આવી મજાક માટે મૂછમાં હસે છે. એ મૂછમાં હસતો કલાકાર એટલે ગુજરાતી રંગભૂમિનો ક્લાસિક અભિનેતા અરવિંદ જોષી અને સામે હતા, અરવિંદ જોષીના સગા મોટા ભાઇ- સુપરસ્ટાર એક્ટર ડિરેક્ટર પ્રવીણ જોષી. નાટકની ગંભીર ક્ષણે પણ સહજતાથી આવી મજાક કરી શકનારા અરવિંદભાઇ,ચાના કપમાંના ધુમાડાની જેમ 29 જાન્યુઆરી 2021માં ધુમાડો થઇને જતા રહ્યાં. 1960 બાદ ગુજરાતી નવા નાટકોમાં પ્રવીણ જોષી ને કાંતિ મડિયા જેવા દિગ્ગજ કલાકારોના સુવર્ણકાળ દરમિયાન પણ અરવિંદ જોષીએ પોતાની અલગ જ આભા નિર્માણ કરેલી.એક આગવી અદાથી ડાયલોગ ડિલીવરી કરનારા વાચિક અભિનયના બેતાજ બાદશાહ! પ્રવીણ જોષીના નામે લોકો ટિકિટ લેવા લાઇનો લગાડતાં પણ અભિનયના જાણકારો અરવિંદ જોષીને પ્રવીણ જેટલા જ કે વધુ ક્લાસિક એક્ટર માનતાં. પ્રવીણ જોષી સ્ટાર હતા સ્ટાઇલિશ હતા, એમની એક મોહિની હતી પણ અરવિંદ જોષી પાસે પોતાનું ઊંડાણ, ઘૂંટેલો સ્વર હતો.બંને જોશીબંધુઓએ અને સરિતાબેન જોષીએ, આઇ. એન. ટી. જેવી સંસ્થામાંથી ‘શરત’, ‘સળગ્યા સૂરજમુખી’, ‘મીનપિયાસી’, ‘કોઇનો લાડકવાયો’, ‘ખેલંદો’ જેવા અનેક યાદગાર નાટકો આપ્યા ને એક ખૂબ મોટો ચાહક-વર્ગ ઊભો કર્યો. એમાંયે ‘રાહુ-કેતુ’ અને ‘ખેલંદો’ જેવા થ્રિલરમાં એ અરવિંદ-પ્રવીણ જોષીની જુગલબંધી જોનારા આફ્રિન પોકારી જતા. અરવિંદભાઈની આગવી ઓળખ તો સંજીવકુમાર સામે દીકરાના રૉલમાં ‘કોઇનો લાડકવાયો’ નાટકમાં જ થઇ ગઈ હતી(પછી એ જ સંજીવકુમારના પુત્રનો રોલ ‘શોલે’ જેવી યાદગાર ફિલ્મમાંયે કરેલો) વળી ભરજુવાનીમાં મનમોજી વૃદ્ધની ભૂમિકા ‘મીનપિયાસી’ નાટકમાં ભજવીને લોકોને આંજી દીધેલા... પણ બહુ લાંબો સમય સ્ટાર પ્રવીણ જોષીની છાયામાં એમણે જીવવું પડ્યું ને પછી પોતાની નાટ્યસંસ્થા ઊભી કરી: ‘પ્રસ્થાન!’ જેમાં અરવિંદજીએ કલાકાર-નિર્માતા-નિર્દેશક તરીકે ‘કાચનો ચંદ્ર’, ‘લેડીલાલ કુંવર’, ‘દૈયા રે દૈયા બિછુઆ’ ‘બરફના ચહેરા’ જેવા અનેક સુપર-કૂલ નાટકો આપ્યાં. એમાંયે ‘એની સુગંધનો દરિયો’ નાટકમાં તો લેખક-અભિનેતા-નિર્દેશક તરીકે એમણે સમરકંદ બુખારા ઓવારી જવાય એવું સર્જન કરેલું. જરાયે મેલોડ્રામા કે ગલગલિયાં કર્યાં વિના, હસાવી-રડાવીને, રોમરોમને શુદ્ધ સાત્ત્વિક મનોરંજન આપે એવું એ ક્લાસિક નાટક હતું. એમણે લખેલા એ નાટકના સંવાદો કવિતાની કક્ષાના હતા. મને યાદ છે એમાં અરવિંદભાઇ કવિતા લલકારતા-’હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે!’ અને પ્રેક્ષકો ‘ભૈ માણસ છે’ કહીને ઝીલી લેતા. એક ઇમોશનલ પળમાં અરવિંદભાઇ ઘેઘૂર સ્વરથી કહેતા: ‘આજે તો વાચા ખડક થઇ ગઇ છે ને શબ્દો જડ બની ગયા છે!’ આજે અરવિંદ જોષીના ગયા બાદ એમના ચાહકોની વાચા પણ ખરેખર ખડક થઇ ગઈ છે! ઇન્ટરવલ આંગિકં ભુવનં યસ્ય,વાચિકં સર્વ વાંગ્મયં આહાર્યં ચંદ્ર તારાદિ,તં નમ: સાત્વિકં શિવં (નાટ્યદેવ નટરાજની પ્રાર્થના) ગંભીર નાટકોમાં અરવિંદજી જેટલા ખીલતા એટલા જ કૉમેડી નાટકમાં ફટકાબાજી કરતા. ‘રન ફોર યોર વાઇફ’ના ગુજરાતી રૂપાંતરમાં બે પત્ની-બે ઘર વચ્ચે ફસાયેલા હીરોની ભૂમિકામાં સ્ટેજ પર જે ધમાચકડી બોલાવતા તે જોઇને ભલભલા છક થઇ જતા. મારા સદ્્નસીબે કોલેજકાળમાં એમના હાથ નીચે ‘ફાગણ ફોર્યો’ નાટકમાં કામ કરવાનો મોકો મળેલો. જરાયે ભાર વિના હસતા હસતા હાથમાં સ્ક્રિપ્ટ મૂકેલી અને કહેલું:’ ડાયલોગ્સ યાદ કરીને શો પર આવજે. રિલેક્સ રહેજે,દોસ્ત!’ આપણે તો નવસવા નર્વસ અને તેઓ સ્ટાર એટલે સ્ટેજ પર લોચો મરાઇ જાય ત્યારે ચાલુ નાટકે ચહેરાની એક બાજુએ પ્રેક્ષકોને ના દેખાય એમ હસી લેતાં. પ્રેક્ષકોને એમના ચહેરાની એક જ બાજુ દેખાતી પણ શરારતી અરવિંદ જોષી ઉર્ફ ‘બાવજી’નો બીજી બાજુ અમને દેખાતી! એ જ રીતે એમના વ્યક્તિત્વની બીજી એક બાજુની વાત આજે નહીં કરું તો ફરી ક્યારેય નહીં કરી શકું. ત્યારે મારા જેવા નવા કલાકારને 50રૂ માંડ મળતા. પણ શો બાદ મેં મારું કવર જોયું તો એમાં 150 રૂ. હતા, જે મારી ઔકાત કરતા ઘણાં વધુ હતા. બીજા શોમાં ડરતા ડરતા મેં એમનું ધ્યાન દોર્યું ત્યારે એમણે કહ્યું’તારી અગાઉ જેણે રોલ કરેલો એ સિનિયર કલાકાર હતો એટલે એને આપતા હતા એ જ રકમ ભૂલથી તને પણ અપાઇ ગઇ છે!પણ જા, જલસા કર, તુંયે ઘરનો જ છેને, દોસ્ત!’(અરવિંદભાઇના અવાજમાં એ ‘દોસ્ત’ શબ્દનો રણકો સાંભળીએ તો બ્રોડ-વે થિએટરના કોઇ બ્રિટિશ અદાકારને મળતા હોઇએ એમ લાગે!) આમ તો મારા પપ્પા છેલ (કલાનિર્દેશક છેલ-પરેશ)ના એ ખૂબ સારા અને અંગત મિત્ર. છેલ-પરેશે જ એમના બધાં નાટકોના સેટ્સ ડિઝાઇન કરેલા,અનેક ગુજરાતી ફિલ્મો સાથે કરેલી, એટલે પણ મારા માટે વિશેષ લાગણી હોઇ શકે પણ રંગભૂમિના લોકો એમની દિલદારી, એમની પાર્ટીઓ અને એવરગ્રીન યંગ મિજાજને આજે યાદ કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે યશ ચોપરાની ફિલ્મ ‘ઇત્તેફાક’માં રાજેશ ખન્નાને અરવિંદભાઇએ ટ્રેઇન કરેલા કારણ એ ફિલ્મ ‘ધુમ્મસ’ નામના નાટક પરથી બનેલી અને ખન્નાવાળો રોલ અરવિંદભાઇએ સ્ટેજ પર ભજવેલો. ‘શોલે’ ઉપરાંત મહેશ ભટ્ટની ‘નામ’ ફિલ્માં પણ એમણે સરસ રોલ કરેલો. લેખક પન્નાલાલ પટેલની અદ્્ભુત રચના પરથી બનેલ અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝ જીતેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ (1969)માં અરવિંદભાઇએ સરસ કામ કરેલું પણ પછી ગુજરાતી કમર્શિયલ ફિલ્મોમાં વિલન તરીકે અરવિંદભાઇની ટેલેન્ટ લિમિટેડ સ્વરૂપે જ બહાર આવી. યોગાનુયોગ જુઓ કે અરવિંદભાઇ ગુજરાતી ફિલ્મોમાં વિલન અને એમના અભિનેતા પુત્ર શર્મન જોષીએ લગ્ન પણ હિંદી ફિલ્મોના વિલન પ્રેમ ચોપરાની દીકરી સાથે કર્યાં! પ્રવીણ જોશી- અરવિંદ જોષીના કટ્ટર પ્રતિસ્પર્ધી કાંતિ મડિયા જ્યારે અરવિંદ જોષીની અભિનય પ્રતિભાની વાત કરતા ત્યારે એમની આંખોમાં ગજબ ચમક આવી જતી અને એટલે જ ‘બાણશૈયા’ નામના નાટકમાં કાંતિ મડિયાએ અરવિંદભાઇને એક એવી ભૂમિકા આપી કે એ માત્ર ને માત્ર ‘ધ અરવિંદ જોષી’ જ કરી શકે.એનાટકમાં ગળાથી પગના અંગૂઠા સુધી પેરેલેસિસ પામેલો એક શિલ્પકાર સતત ઈચ્છા મૃત્યુ માગે છે. પગથી છાતી સુધી ચાદરમાં ઢંકાઇને માત્ર સંવાદો દ્વારા અરવિંભાઇએ જે વાચિક અભિનય આપેલો એ જોવા રંગભૂમિના કલાકારો પણ ફરીફરીને આવતાં. તે સમયે અરવિંદભાઇ ગુજ્જુ ફિલ્મોમાં બિઝી હતા માટે માત્ર દસ જ દિવસના રીહર્સલમાં તૈયાર થયેલી એ ‘બાણશૈયા’ની ભૂમિકાએ અરવિંદભાઇને ગુજરાતી રંગમંચ અમર કરી દીધા! એ નાટકના અંતમાં મૃત્ય તરફ જઇ રહેલો લાચાર શિલ્પકાર જે રીતે મા જગદંબાના શિલ્પનું શબ્દોમાં વર્ણન કરે છે એનું શબ્દોમાં વર્ણન કરવું અસંભવ છે. અરવિંદભાઇ ઉર્ફે ‘બાવજી’ અસંભવને સંભવ કરનારા અદાકાર હતા! એન્ડ ટાઇટલ્સ ઇવ : કલાકારને અંજલિ કઇ રીતે અપાય? આદમ : બે નાટક વધારે જોઇને sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો