પ્રશ્ન વિશેષ:માતૃભાષાના નામે એક દિવસનો ગોકીરો?

5 મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક

ગઈ એકવીસમી તારીખે વિશ્વ માતૃભાષા દિવસ હતો… આ વાક્યમાં એક ‘હતો’ શબ્દ જ મહત્ત્વનો છે. ‘હતો’ એટલે ગયો, હવે વર્ષની નિરાંત!! માતૃભાષા અંગે આપણું ગંગાસ્નાન જેવું છે. ગંગામાં નહાઈ આવ્યા ને પાપ ધોઈ આવ્યા એટલે હવે નવા પાપ કરવાની જગ્યા થઈ, એવું કેટલાક લોકોનું માનવું હોય છે, એવું જ માતૃભાષા માટે છે. એટલે કે માતૃભાષાના નામે એક દિવસનો ગોકીરો કરવાનો ને પછી ‘ઈંગ્રેજી’નું શરણું સ્વીકારવાનું. એમાંય આ વર્ષે તો માતૃભાષાના નામે એક જ દિવસ ભારે ગોકીરો ગુજરાતમાં થયો. (હવે કોઈ ભાષણકાર એવું પણ કહેશે કે, ‘જુઓ, આ ‘ગોકીરો’નું અંગ્રેજી થાય?? તો પછી અંગ્રેજી કેટલી પાંગળી ભાષા છે!’ ...અને આ સાંભળીને તાળીઓના ગડગડાટ થશે ને સૌ રાજીના રેડ થશે...) આ વખતે સરકારે પણ એક નિર્ણય લીધો એટલે પણ સૌ પક્ષજીવીઓ ઉત્સાહમાં આવી ગયા અને એફ.એમ.ના આર.જે. શ્રેષ્ઠીઓએ તો આ સમાચાર ઉપર આખો દિવસ કાઢી નાખ્યો.. ‘તમે શું માનો?’ ‘તમને શું લાગે છે... પાટિયા ગુજરાતીમાં જ હોવા જોઈએ કે નહીં??’ બહુ ચાલ્યું. અરે, સરકારી ગુજરાતી સાહિત્ય અકાદમીએ તો એકાવન સ્થળોએ માતૃભાષા અંગે નાના-મોટા-જાડા-પાતળા કાર્યક્રમો એક જ દિવસે રાખ્યા અને સૌએ પેટભરીને માતૃભાષાનું મહિમાગાન કર્યું. કોઈને પ્રશ્ન થાય કે આ તમને ન ગમ્યું? ના રે, આપણો જીવ તો રાજી જ થાય ને, કારણ આપણા તો શ્વાસ અને ઉચ્છવાસ બંને માતૃભાષા ગુજરાતીમાં જ છે... આપણે ભણ્યા ગુજરાતીમાં, આપણાને ભણાવ્યા ગુજરાતીમાં અને કોઈ પૂછે કે ન પૂછે તોય આપણે તો કાયમના ગુજરાતીના વકીલ, પણ હા, એટલું ખરું કે માતૃભાષામાં ભણ્યા ત્યારે જ અંગ્રેજી એક ભાષા તરીકે સરસ શીખ્યા અને આપણાને ભણાવ્યા ત્યારેય માધ્યમ માતૃભાષા પણ, મક્કમ અંગ્રેજી ભણાવ્યું જ... એટલે તો પ્રશ્ન થયો કે આજકાલ ગુજરાતીના ગાણાં ગાનાર કેટલાંના સંતાનો આજે ગુજરાતી માધ્યમમાં ભણતા હશે?? સમાચાર એ છે કે છેલ્લા છ વર્ષોમાં ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં ભણવા બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પોણા ત્રણ લાખનો ઘટાડો થયો છે!! વર્ષ 2014માં ગુજરાતી માધ્યમમાં પોણા દસ લાખ વિદ્યાર્થી હતા તે 2020માં ઘટીને સાત લાખ થઇ ગયા! આ આંકડા દર્શાવે છે કે માતૃભાષાના નામે ગોકીરો કરીને ધરાઈ જનાર ગુજરાતમાં માધ્યમ તરીકે ગુજરાતીની સામે અંગ્રેજી કાઠું કાઢતી જાય છે. ટેક્નોલોજીના એક અગ્રણી પ્રાધ્યાપક ડો. મહેશ જીવાણીએ વ્યંગમાં સરસ લખ્યું : ‘સૌ વિશ્વ માતૃભાષા દિને કેટલીય વાર પેલા મેકોલેભાઈને યાદ કરશે અને ઇંગ્રેજીને પેટભરીને વખોડશે અને એટલા યાદ કરશે કે પેલાને ઉપર બેઠા બેઠા કોઈએ યાદ કર્યાના ઘચરકા આવશે ને એ હર વર્ષની જેમ નીચે આવી જશે અને પાછા સૌની વચ્ચે ગોઠવાઈ જશે... આજના દિવસે ભાષા બચાવવા માટે એટલો બધો કકળાટ થશે ને કે ઉજવણીની જગ્યાએ જાણે માતમ મનાવતા હોઈએ એવું લાગશે. ચામાં જેમ બિસ્કિટ અંદર ઊતરતાં બટકી જાય એમ ભાષા સંવર્ધન માટે પણ બને છે અને બનશે, એવું લાગે છે.’ જેને ગુજરાતી દુહા-છંદ-લોકસાહિત્ય ને સુગમ ગીતો સાંભળવાનું બહુ ગમે, જેને ‘મારી આંખનો અફીણી…’ ગીતને વન્સ મોર કહેવાનો ઉત્સાહ ચડે, જેને ‘સાંવરિયો રે મારો સાંવરિયો…’ ગીત પર ફિદા થવાનું હેત ઊભરાય અને જેને માતૃભાષા ગુજરાતીમાં દુકાન ને હોટલનાં પાટિયાં લખાય એ જાહેરાતથી ‘ખમ્મા સરકારને…’ કહેવાનું તાન ચડે એ જ પ્રજાને પોતાના સંતાનોને અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં પ્રવેશ લેવાની લાઈનમાં ઊભેલા ભળાય ને ત્યારે ખરો ચહેરો સામે આવે માતૃભાષા પ્રેમનો.. પરિણામે મમ્મીઓ તો ન સારું ગુજરાતી બોલે કે ન સાચું અંગ્રેજી બોલે!! સાચો રસ્તો એક જ છે કે સરકાર દુકાન ને હોટલ પર કાયદો કરવામાં જેટલી ઉત્સુક રહી તેટલી ફરી તત્પર બને અને કડક નિયમ બનાવે કે… (1) ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં, અંગ્રેજી એક વિષય તરીકે ધોરણ પહેલાથી જ ફ્ક્ક્ડ રીતે શીખવવું પડશે અને (2) ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં, ગુજરાતી એક ભાષા તરીકે પહેલા ધોરણથી જ ફાંકડી રીતે શીખવવાની રહેશે… આ નિયમનું પાલન ન કરે તે શાળાની માન્યતા રદ કરવામાં આવશે. અનેક ભાષાઓ જ્યાં બોલાય છે તે ભારત દેશમાં આવો નિયમ દરેક રાજ્યએ આજે નહીં તો કાલે કરવો જ પડશે અને બુદ્ધનો આ મધ્યમ માર્ગ જ આપણને માતૃભાષાને સદાકાળ જીવંત રાખવામાં આશીર્વાદરૂપ બની રહેશે. ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...