આપણાં શાસ્ત્રોમાં, લોકકથાઓમાં, વાર્તાઓમાં, ઈતિહાસમાં જેની અપરંપાર મહત્તા દર્શાવવામાં આવી છે, જેનાં પૂજનનો મહિમા ગાવામાં આવે છે, જેને દેવી–માતા સ્વરૂપ ગણવામાં આવે છે, અને છતાં જેના પ્રત્યે સૌથી વધુ દુર્લક્ષ સેવવામાં આવે છે તે છે દીકરી અને ગાય. આમ તો આપણો દેશ ગાયનો મહિમા ગાતાં થાકતો નથી. ગાયના નામે દાન ઉઘરાવાય, તેના દૂધની પ્રોડક્ટ્સ ઊંચા ભાવે વેચાય, છૂટી મુકાયેલી ગાયને કતલખાને લઈ જવાતી હોય તો કાગારોળ મચે, પણ તેનો માલિક તેને રખડતી મૂકી દે ત્યારે તે કાગળના ડૂચા, પ્લાસ્ટિક વગેરે પેટમાં પધરાવે તે સમયે ચૂપ! તો દીકરીના હાલ પણ ક્યાં સુધર્યા છે? દીકરીએ શું ખાવું? શું પીવું? કેવી રીતે વર્તવું? કોની સાથે હસવું-બેસવું? શું ભણવું? કે ના ભણવું? કયો નિર્ણય તે જાતે લઈ શકે છે? તેની આજુબાજુ મર્યાદાની એટલી બધી લક્ષ્મણ રેખાઓ દોરી દેવામાં આવે છે કે તેને એક ડગ માંડવો હોય તો મા-બાપ, ભાઈને પૂછવું પડે. સમાજ શું કહેશે એમ કહી તેને કઠપૂતળી બનાવી દેવામાં આવે. તે જરા હસમુખી અને મળતાવડી હોય તો ‘ચાલુ’ અને બોલ્ડ હોય તો ‘ફોરવર્ડ’નું લેબલ લાગી જતાં વાર નથી લાગતી. વિકસિત શહેરમાં બેઠા હોઈએ તો ખ્યાલ ના આવે કે ‘દીકરી નથી જ જોઈતી’ માનસિકતાવાળા હજુ પણ છે અને દીકરી જન્મે તો નક્કી કરી લે છે કે ‘હું દોરું ત્યાં જ એ જાય’. હવે કરીએ આ કહેવતનું પોસ્ટ મોર્ટમ! શું દીકરીઓએ સ્વીકારી લીધું છે કે કોઈ દોરે ત્યાં જ જવું? ના, બિલકુલ નહીં! હવે તે ચાવીવાળું રમકડું નથી. તે કોઈના દોરે દોરવાય એમ પણ નથી. તેને પોતાનો મત છે, આકાંક્ષા છે અને તે પૂરી કરવાની શક્તિ છે. તેને માત્ર સૌંદર્યનું સાધન સમજનારા ફીફાં ખાંડે છે. ફેરનેસ ક્રીમને ધોબીપછાડ આપી તે આંતરિક શક્તિઓના બળે આગળ આવી રહી છે. રૂપરંગના ચોકઠામાંથી બહાર આવી આ દીકરીઓ સુનિતા, કલ્પના બની અવકાશમાં; મેરી, નિખત, સાઇના, સિંધુ બની ઓલિમ્પિક મેડલના પોડિયમ ઉપર પહોંચી છે. ફાલ્ગુની સ્વરૂપે તે સેન્સેક્સની નાઈકા બને છે. એસીપી શાહિદા બની તે ભલભલાનાં ઢીમ ઢાળી દે છે. તેની પાસે આત્મસન્માનના શિંગડાં છે. જે તેને દોરવા જશે, ઊતરતી ગણશે, અપમાનિત કરશે, છંછેડશે, તેની આઝાદી ઉપર રોક લગાવવા જશે તો તેને શિંગડે ભેરવી ફેંકી દેતાં વાર નહીં લગાડે. યાદ છે ને, પાકિસ્તાનનાં ફાડિયા કરી દેનાર, દુર્ગા કહેવાયેલી ઇન્ડિયાની દીકરી ઇન્દિરા! ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.