ડણક:વૈશ્વિકરણ ફેલાવે છે સામ્યતા અને ‘આઇડેન્ટિટી લોસ’

શ્યામ પારેખએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસે દિવસે વધુ મજબૂત થતી જ્ઞાતિવાદ અને ધર્મવાદ-કોમવાદની પક્કડ

વૈશ્વિકરણ એટલે કે ગ્લોબલાઈઝેશનની સૌથી મોટી આડઅસર હોય તો એ છે ‘આઇડેન્ટિટી લોસ’ એટલે કે પોતાના અસ્તિત્વની ઓળખ અને તેની વિશિષ્ટતા, મૌલિકતા કે તેનું અનોખાપણું ભૂંસાઈ જવું. છેલ્લા એક-બે મહિનામાં મારે અમદાવાદ, વડોદરા અને સુરતના અનેક નવા રહેણાંક - કોમર્શિયલ અને પરાં વિસ્તારોમાં ફરવાનું થયું. જેમ જેમ વધુ નવનિર્મિત વિસ્તારોના રસ્તાઓ ઉપર ફરવાનું થાય, તેમ તેમ થોડી વાર તો ભૂલી જવાય કે કયા શહેરમાં છીએ? સતત એવું જ લાગતું કે બધું એક જેવું જ છે અને આ વિસ્તાર અમદાવાદ, વડોદરા કે સુરતમાં કે પછી ગુજરાત બહારના કોઈ પણ શહેરમાં કે કદાચ ભારત બહાર પણ અન્ય કોઈ શહેરમાં હોઈ શકે. લગભગ એક જ પ્રકારનાં પ્રીફેબ, કોંક્રિટ અને કાચનાં મકાનો, દીવાલના એંગલોમાં થોડો ફરક જરૂર દેખાય, પરંતુ રૂપરંગે તો બધાં જ લગભગ એકસરખાં. આવાં મકાનો ગમે ત્યાં હોઈ શકે. જો તમે અન્ય દેશોનાં મોટાં શહેરોનો પ્રવાસ કર્યો હશે કે આપણા દેશમાં પણ 10 મુખ્ય શહેરોમાં ચક્કર લગાવ્યાં હશે, તો તમને જરૂર લાગ્યું હશે કે મુખ્ય રસ્તાઓ અને નવી ઇમારતોમાં કોઈ વિશિષ્ટ ફરક નથી રહ્યો, જેનાથી શહેરની ઓળખ બદલાઈ જાય. મોટા ભાગનાં ભારતીય શહેરોનાં નવા વિસ્તારોમાં ચક્કર લગાવીએ, તો મોટા ભાગનાં એકસરખાં જેવાં ભાસે છે. એ જ રીતે જો અનેક શહેરો અને દેશોના મોલ, મુખ્ય રસ્તાઓ, બંગલાઓ વગેરે જોશો તો ખ્યાલ આવશે કે સ્થાનિક આબોહવા અથવા સુરક્ષા જરૂરિયાતોને બાદ કરતાં મોટા ભાગની ડિઝાઇન અને ઓળખ લગભગ એક જેવી જ થવા માંડી હોય તેવું લાગે છે. આ જ પ્રમાણે પ્રોડક્ટ્સ, બ્રાન્ડ્સ અને ધંધાઓ, સ્થાનિક સ્તરથી આગળ વધી વૈશ્વિક સ્તરે ફેલાઈ ચૂક્યાં છે. આ જ રીતે, ધીરે ધીરે શહેરી લોકોનો પહેરવેશ, રહેણીકરણી, જીવનપદ્ધતિ, ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, ખાણીપીણીની ચોઇસ ધીમે ધીમે પોતાનું સ્થાનિક વૈવિધ્ય ગુમાવીને વૈશ્વિક સ્વરૂપ લઈ રહ્યાં છે. આ સારું કે ખરાબ, સાચું કે ખોટું, વગેરે ઉપર ચુકાદાઓ આપવા હાલમાં શક્ય નથી. ધીરે ધીરે વિશ્વભરમાં ફેલાઈ રહેલી આધુનિક જીવનની ‘સામ્યતા’ માટે આપણે વૈશ્વિકરણની પ્રક્રિયાને જવાબદાર ઠેરવી શકીએ. ઇન્ટરનેટને કારણે રાજકીય અને ભૌગોલિક સીમાડાઓ સાંસ્કૃતિક અને વૈચારિક આપ-લેમાં વિઘ્ન નથી બનતાં અને આદાન-પ્રદાનની પ્રક્રિયા ઝડપી બની છે. ધાર્મિક વિચાર અને વર્તનને લગતાં પરિવર્તન માટે હવે સૈકાઓ સુધી રાહ જોવાની જરૂર નથી. ઇન્ટરનેટ દ્વારા આવા વિચારો ક્ષણમાત્રમાં ફેલાઈ જાય છે અને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે વિશ્વના દરેક સંસ્કૃતિ, વિસ્તાર, સ્થળ, કોમ, જ્ઞાતિ કે વંશનાં લોકોને પોતાની મૌલિકતા છીનવાઈ જવાનો અને ઓળખ લુપ્ત થવાનો ડર લાગે. વૈશ્વિકરણનો પ્રભાવ વધુ મજબૂત થતો જશે તેમ તેમ લોકો અમુક અંશે અને અમુક બાબતે ભૂતકાળ ભણી નજર માંડી, પોતાની જૂની ઓળખને વધુ પ્રગાઢ બનાવવા મચેલા રહેશે. લગભગ એ જ રીતે કે જેમ આપણે કોઈ પણ શહેરની ઓળખ જાણવા કે સમજવા માટે તેના ‘ઓલ્ડ સિટી’ વિસ્તારોમાં જઈએ છીએ કે તેના ફોટો કે વીડિયો જોઈને શહેરની મૌલિકતા સમજવાની કોશિશ કરીએ છીએ. મતલબ કે ભલે આપણે ગલીઓ અને મકાનોને નવો ઓપ આપીએ, પરંતુ જે-તે શહેરની મૂળ ઓળખ તો એનો જૂનો વિસ્તાર જ બને છે, તેમ દરેક માનવીની સમાજની કે સભ્યતાની જૂની ઓળખ ભવિષ્યમાં પણ તેને સમજવા માટે માર્ગદર્શક બની રહે છે. પેઢી દર પેઢી માટે પોતાની ઓળખ આ એક ઐતિહાસિક મૂળમાંથી જ મળતી હોય છે, પરંતુ આમ કરવામાં ક્યારેક સારાં સાથે નરસું પણ આવી જતું હોય છે. અત્યારના યુગમાં અસ્વીકાર્ય કે અપ્રસ્તુત હોય તેવા વિચારો અને પ્રણાલીઓ અને ભય પણ ફરી જીવંત બનીને વ્યવહારમાં આવી જાય છે. આ જ કારણ છે કે વધુ વ્યાપી રહેલા વૈશ્વિકરણ સામે આપણી ભારતીય ઓળખ વધુ મજબૂત થશે. સાથે સાથે ગુજરાતમાં ગુજરાતી ઓળખ મજબૂત થશે. એટલે જ આપણે આપણા સમાજમાં સદીઓથી રહેલા અને વર્તમાન યુગમાં અપ્રસ્તુત લાગતા જ્ઞાતિવાદ, કોમવાદ વગેરે વાડાબંધી ફેલાવતા વિચારોને પણ ફરીથી વેગવંતા બનતા જોઈએ છીએ. કૂપમંડૂક રાજકારણીઓ અને અર્ધ પરિપક્વ વિચારકો માટે ભય અને સમજ કે નાસમજને વધુ વ્યાપક બનાવવામાં આવી પરિસ્થિતિ મદદરૂપ થાય છે. પરિણામે ગુજરાતી ભાષાની ઓળખને સર્વોચ્ચ માનીને રચાયેલા રાજ્ય ગુજરાતની રચના પછી, લગભગ દરેક દાયકામાં આપણે જ્ઞાતિવાદ, કોમવાદ જેવા ‘વાદ’ મજબૂત બન્યા છે. આ વિષય પર ચર્ચા-વિચારણા કરી, પૂરતી સમજ નહીં કેળવાય તો આપણો સમાજ વધુ ભૂતકાળ ભણી જશે અને અનેક અનિચ્છનીય પરિવર્તનો સ્વીકારવાં પડશે. આ વિષય પર આવતા અંકે ચર્ચા કરતાં પહેલાં તમારા વિચારો જાણવા ગમશે. ⬛ shyam@kakkomedia.com

અન્ય સમાચારો પણ છે...