સહજ સંવાદ:ગિરનાર, ગોરખનાથ અને ચેત મચ્છંદર!

20 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • ગિરનાર પર મત્સ્યેન્દ્રનાથ કંઇક ભક્તિમાં સુસ્ત થઈ ગયા હશે તો છેક ગોરખપુરથી ચીપિયો પછાડતા ગોરખનાથ આવ્યા

કેટલાંક સ્થાનો જ એવાં હોય કે ત્યાં કાન માંડો, કે નજરે નિહાળો ય તેના વિષે જાણકારી મેળવો તો વર્તમાન સુધીના બોધપાઠ મળે! એવો એક પર્વત ગિરનાર છે. અલામા ઈકબાલે ભલે કહ્યું હિમાલય વિશે કે ‘સબ સે ઊંચા’, પણ સૌથી પુરાણા પર્વત વિશે કહેવાનું થયું હોત તો ગિરનારનું નામ લેવું પડ્યું હોત! વૈદિક પંચાંગ પ્રમાણે પ્રાગ ઇતિહાસનો પ્રાચીન અશ્મ યુગ 14થી 20 લાખ વર્ષ પહેલાંના ખડકો, ખીણોમાં જ્યારે મનુષ્ય વસવાટ કરતો ત્યારના ઓજારો મળી આવ્યાં છે. લોથલ-ધોળા વીરા-સુરકોટડા જેવાં મહાનગરો, સિંધુ-સરસ્વતીના સુમેળથી હડપ્પા સંસ્કૃતિનું નામકરણ પામી તેનેય 5000 વર્ષ થઈ ગયાં! સરસ્વતી સંસ્કૃતિએ 10000 વર્ષ પૂર્વે ઋક-વેનો ગુંજારવ કર્યો હતો. સાબરમતી નદીના ઉત્તર કિનારે ઋગ્વેદનો મહાન ગ્રંથ ‘ઐતરેય બ્રાહ્મણ’ રચાયો તેના રચયિતા મહિદાસ ઐતરેય મહીસાગરના કિનારે રહેતા. જેના આઠે અંગ વિક્ષિપ્ત હતા તે અષ્ટાવક્રની ‘અષ્ટાવક્ર ગીતા’ વિશ્વના ફિલોસોફી ગ્રંથોમાં સ્થાન ધરાવે છે. આ મુનિ પ્રભાસપાટણના હતા. પ્રથમ તબીબો અશ્વિની કુમારો મોઢેરાનાં, છોટા ઉદેપુરના વનમાં નિવાસી વિશ્વામિત્ર, તે વિશ્વામૈત્રી નદીના કિનારે પ્રથમ સૂર્યવંદનાનું સ્તોત્ર રચ્યું હતું, ‘ૐ ભૂર્ભુવસ્વ તત સવિતુર વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યોન: પ્રચોદયાત્.…’ વેદકાલીન ગુજરાતે સમાજ માટે કેટલું બધું અર્પિત કર્યું, ત્યાં સુધી કે દધિચી જેવા મહાઋષિએ તો પોતાનાં હાડચામ, જ્ઞાન સર્વત્ર અર્પિત કરી દીધું. વેદ સાહિત્ય પછીનો યુગ કર્મનો હતો. ભૃગુ આવ્યા, શાર્યાત આવ્યા અને શ્રીકૃષ્ણ. વિશાળ રાજ્ય રચ્યું, શાસન કર્યું અને અંતિમ શ્વાસ પણ અહીં લીધો. ઈસુના જન્મથી પણ 3000 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રમાં તેણે ગીતાનું પ્રબોધન કર્યું હતું, આવા સંપ્રદાય-મુક્ત જ્ઞાન શાળાનાં બાળકો ભણે તેનો વિરોધ સેક્યુલરો કરી રહ્યા છે! અને ગિરનાર? ભારતીય પંચાંગ પ્રમાણે પાંચ મન્વંતર હતા, એક પછી એક આવ્યા. એક મન્વંતરમાં ચાર યુગ આવે, સત્ય, ત્રેતા, દ્વાપર, અને કલિ યુગ. અત્યારે આપણે વૈવસ્ત મન્વંતરમાં જીવી રહ્યા છીએ. પાંચમા મન્વંતરનો મહાનાયક હતો સ્વયંભૂ મનુનો પુત્ર રૈવતક. ગિરનારનું નામ પણ રૈવતક હતું! અહીં સિદ્ધો, મહંતો, સાધુ, સાધ્વીઓ, ભગવાન અને અવતાર કાર્યના દેવતાઓ, રાજવીઓ અને પ્રજાનું આ પ્રિય સ્થાન રહ્યું. અહીં જેમ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અભિલેખ બનાવ્યો તેમ પ્રજાપ્રિય રુદ્રદમનનો અભિલેખ પણ છે, અશોક શિલાલેખમાં તો માત્ર ઉપદેશ છે, (હવે તો સંશોધન થયું છે કે કલિંગના વિજય પછી કોઈ પશ્ચાતાપ નહોતો થયો, અશોકે તે પછી પણ અનેકોની હત્યા કરી હતી.) સુદર્શન તળાવ જ્યારે ભારે વરસાદથી ફાટ્યું ત્યારે રુદ્રદમનના પ્રતિનિધિએ રાતોરાત અપાર પરિશ્રમથી તેનું સમારકામ કરીને પ્રજાજીવનને બચાવી લીધું હતું. આચાર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને સલાહ આપી હતી કે ગિરનારની પાસે ‘સમુદય સ્થાન’ (રાજ્યધિકાર સ્થાન) સ્થાપિત કરજે. એમ જ તે પાટનગર બન્યું. જો ઐતિહાસિક રીતે વિચારીએ તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર નહીં, જૂનાગઢ હોવું જોઈએ. સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે તો રાજકોટને બદલે જૂનાગઢને પસંદ કરાયું હોત તો ભારતીય આઝાદીના અંતિમ સંગ્રામ આરઝી હકૂમતનો આદર થયો હોત... રાણકદેવીએ સિદ્ધરાજની અપહરણ કરવાની માનસિકતાને પડકારી તેને સાહિત્યના ઈતિહાસકારો માથું ધૂણાવીને એવું કશું થયું જ નથી એવું કહે છે, પણ અમારો કાઠિયાવાડી તો રાણકના દુહાને જીવંત રાખીને બેઠો છે અને ગિરનારનું એક શિખર તેના અગ્નિશિખા જેવા દુહાથી ખળભળીને ધસી પડ્યું ત્યારે રાણકમાં રહેલી દયામયી માતાએ બીજો દુહો કહ્યો: ‘માં પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે?’ ને ગિરનારની શિલા થોભી ગઈ, તે આજે ય રાણકના થાપા નામે ઓળખાય છે. એ સમયની ભૂગોળને પણ એક દુહામાં આ તેજસ્વિનીએ દર્શાવી હતી: ‘બાળું પાટણ દેશ, પાણી વિના પુરા મરે, સરવો સોરઠ દેશ, સાવજડાં સેંજળ પીએ!’ ગિરનાર અત્યારે 16 કરોડ વર્ષથી અડીખમ છે એમ ઈતિહાસપ્રિય નરોત્તમ પલાણે ક્યાંક લખ્યું હોવાનું યાદ છે. ત્રણ મોટા મેળા અહીં થાય છે, કાર્તિકી પૂર્ણિમા, મહા શિવરાત્રી, અને ભાદરવી અમાસે. પાંચ દિવસ ચાલતા ‘શિવરાતના મેળા’માં છેક હિમાલયથી નાગા બાવાઓ આવે છે, કહે છે કે ગુરુ દત્તાત્રેય, અશ્વત્થામાં અને રાજા ભરથરી કે ગોપીચંદ પણ સદ્દભાગીને મળી આવે! પરકમ્મા અર્થાત્ પરિક્રમા. આ શબ્દ વિના ગિરનાર ગાથા અને ગિરનાર- યાત્રા બંને અધૂરાં છે. કાર્તિક મહિનામાં તે આગિયારસથી પૂનમ સુધી યોજાય છે. 36 કિલોમીટર ઝીણા બાવાની મઢીથી બોરદેવી સુધી. આ અંદાજ તો વર્ષો જૂનો છે કે અહીં 33 કરોડ દેવી- દેવતાઓ, 9 નાથ, 64 જોગણી, 84 સિદ્ધોનો નિવાસ છે. અત્યારે ગોરખ સંપ્રદાયના આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, ગિરનારમાં તેમના ગુરુ ગોરખનાથનો ધૂણો છે. રસપ્રદ કથા તો એ છે કે ગિરનાર પર મત્સ્યેન્દ્રનાથ કંઇક ભક્તિમાં સુસ્ત થઈ ગયા હશે તો છેક ગોરખપુરથી ચીપિયો પછાડતા ગોરખનાથ આવ્યા, ‘ચેત મછંદર ગોરખ આયા!’ 1950ના દશકમાં એક અડીખમ પત્રકાર અને કાર્ટૂનિસ્ટ કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી ઉર્ફે ‘શનિ’એ એક સાપ્તાહિક શરૂ કર્યું હતું, નામ ‘ચેત મછંદર!’ તત્કાલીન સત્તાધીશ રાજકારણીઓ સામે વિરોધ પક્ષનું કામ આ સાપ્તાહિકે કર્યું અને તેમાં જેલવાસી પણ થવું પડ્યું. પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં શુક્રવારે લોકો આતુરતા સાથે રાહ જોતા અને તેમાં આપા- મેપાની જોડી ‘હાયલ ઘોડી, હામે પાર’ની કાર્ટૂનકથા જોવા તલસતા.! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...