તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનના હકારની કવિતા:ફુરસદ ઊજવતી ગઝલ

9 દિવસ પહેલાલેખક: અંકિત ત્રિવેદી
 • કૉપી લિંક

સાધો

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો, કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો

સમજ પડતી નથી તેથી બીડ્યા’તા હોઠ સમજીને બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો

તને નજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને, અમસ્તી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો

સિતમનો હક બને છે એમનો, શું થાય? સ્નેહી છે કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો

સમયને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો

- હરીશ મિનાશ્રુ

હેલી ફરિયાદ જ એ હોય છે કે સમય નથી મળતો. ફુરસદ મળે તો ઘણું કરવાનું છે. ફુરસદ નથી મળતી એટલે તો જીવવાનું પણ બાજુમાં રહી જાય છે. જેને ફુરસદની રાહ જોવી છે એ રાહ જોતાં રહેવાનાં! જેને ફુરસદ શોધતાં આવડી એ કામમાં વ્યસ્ત હોવા છતાં રસમસ્ત રહેવાનાં! ફુરસદ મરણ પછી જ આવે એવું કેમ? બધું જ મૂકીને ફુરસદમાં મરી પરવારતાં આવડે એને સાચું જીવન જીવતાં આવડે. કબરની સાદગીમાં જે ચેન છે, આરામ છે એનાથી ખોળિયાને શણગારતાં આવડે! બધું જ ખંખેરીને જીવનમાં જ મોજ કરતાં ‘સાધો’ જોડેનો આ સ્વસંવાદ છે. સમજ પડતી નહોતી એટલે હોઠ સમજીને બીડેલાં હતા. હવે સમજાઈ ગયું છે એટલે બીડેલાં રાખવા છે. ઉચ્ચારવાનું નથી રહ્યું. મૌન અણસમજનું હતું પણ મૌનમાં જ સમજણ છુપાયેલી નીકળી. મોજા ગણવા બેઠાં એમાં દરિયો સમજાઈ ગયો. ગણવાનું બાજુ પર રહ્યું અને ગણગણવાનું શરૂ થયું–એ પણ મૌનમાં જ. રડવાની ક્ષણ બધી નજરે મળવાની જ છે. આંસુ આનંદમાં પણ નિતરે છે. ગણતરી રાખીને આંસુ સારવાનો અર્થ નથી. આજે રડ્યા એટલે કાલે હસવાનું હશે જ એવું જરૂરી નથી. ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને આંખો મીંચીને ધારી લેવું. સપનામાં પણ સપનું આવતું જ હોય છે. આપણી આંખોને એની ખબર ત્યારે પડે જ્યારે થોડા બેફિકર થઈને દુનિયાની સ્થિરતા અનુભવીએ! સ્નેહીને હક છે સિતમ આપવાનો, દુઃખ સ્નેહીઓ નહીં આપે તો બીજું કોણ આપશે? આપણને ગુસ્સો આવે તો ફૂલ મારવાનું! એમને જે દર્દ આપવા હોય એ આપે. આપણા દર્દમાં મુલાયમપણું જ હોવું જોઈએ જ્યારે એ બીજાને આપવાનું હોય! સમય અને સ્થળ સ્થિર થઈ ગયાં છે. જવા ને આવવાનો અર્થ જ નથી. સરનામે પહોંચી ગયા પછી સરનામું અને રસ્તો ભુલાઈ જવા જોઈએ. કવિ પાસે બચ્યો છે શબ્દ જેનાથી એ સમય અને સ્થળને શાશ્વત કરે છે. હરીશ મિનાશ્રુ ગુજરાતી કવિતાના ભાવજગતનો નાભિશ્વાસ છે. એમની કવિતામાં ગેબનો મલક ભાવકને ન્યાલ કરે છે. ‘જીવનના હકારની કવિતા’માં ભીતરની શાંતિનો અહેવાલ છે. ફુરસદ ઊજવતી ગઝલ! ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો