તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:ફરીથી જીવવા માટે સજ્જ થવું

3 મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક
  • જીવન હજી પણ જીવવા જેવું છે. ક્યાંય કશું ખરાબ થયું નથી. ખરાબ સમય પૂરો થશે પછી આપણી જિંદગી ફરીથી એની સામાન્ય રફતારમાં આવી જશે

ભૂતકાળમાં જાપાને ચીન પર આક્રમણ કર્યું, ત્યારે લોકો જીવ બચાવવા શું કરતા એની વાત ચીનની એક મા વર્ષો પછી દીકરીને કરે છે. તે વખતે એ પહાડોની વચ્ચે આવેલા ગામમાં રહેતી હતી. પહાડોમાં ઘણી ગુફાઓ હતી. યુદ્ધના ભયથી શહેરોના ઘણા લોકો જીવ બચાવવા એ ગામમાં આવી ગયા હતા. એ કારણે બધાંને ખૂબ અગવડ પડતી, છતાં સહન કરી લેતા. કોઈ પણ રીતે બચી જવું એ જ બધાંનું લક્ષ્ય હતું. જાપાનીઓ હવાઈહુમલો કરે ત્યારે ચેતવણી આપતી સાઇરન વાગતી. બધાં દોડતાં પહાડોની ગુફામાં ઘૂસી જતાં. ગુફામાં ખૂબ અંધારું હોય. મહિલાએ કહ્યું : ‘તમે લાંબો સમય ગાઢ અંધારામાં ગોંધાઈને રહી શકો નહીં. અજવાળા માટે તલસો. બહાર બોંબ પડવાના જોરદાર અવાજો સંભળાતા, ધરતી ધણધણતી, ભય લાગતો કે કોઈ પણ ઘડીએ ગુફાની છત ધસી પડશે અને અમે એની નીચે દટાઈ જશું. શ્વાસ રુંધાઈ જતા. એવા સમયે બહાર નીકળી શકાય નહીં અને ગુફામાં જીવ મૂંઝાય. નાસી છૂટવાની કોઈ જગ્યા બચી ન હોય. લડાકુ વિમાનો અને બોંબધડાકા દૂર જાય અને શાંતિ છવાય પછી અમે તાજાં જન્મેલાં બિલાડીનાં બચ્ચાંની જેમ ધીમેધીમે બહાર નીકળી ગામ બાજુ જતાં. હું થોડે આગળ જઈ પાછળ જોતી ત્યારે ખુલ્લા તડકામાં પ્રકાશિત પહાડો દેખાતા, જાણે કશું બન્યું જ ન હોય.’ અજવાળામાં ચળકતા પહાડો જોઈને એ મહિલામાં હિંમત આવતી. એને લાગતું કે જીવન હજી પણ જીવવા જેવું છે. ક્યાંય કશું ખરાબ થયું નથી. ખરાબ સમય પૂરો થશે પછી આપણી જિંદગી ફરીથી એની સામાન્ય રફતારમાં આવી જશે. મનોવૈજ્ઞાનિકો કહે છે તેમ ભયાનક પરિસ્થિતિમાં નકારાત્મક વિચારો આવે તે સ્વાભાવિક છે, પરંતુ એનાથી શક્ય એટલું બચવું જોઈએ. એ માટે ઘણાં સૂચન મળશે. કોઈ કહેશે કે નાની-નાની અર્થહીન પ્રવૃત્તિ કરવાથી મન બીજે વાળી શકાય. અત્યારના સંજોગોમાં એક પરિવાર સાથે મળીને બાળકોની જેમ ઘરમાં અષ્ટોપગડી જેવી રમત રમે છે. એથી ઘરમાં જ પુરાઈ રહેલાં બાળકોનો કંટાળો દૂર થાય છે. વાત તો આખરે વર્તમાનનો ઓથાર શક્ય તેટલો દૂર રાખવાની છે. અલબત્ત, આ કહેવું સહેલું છે, પાલન કરવું અઘરું છે. માનવજીવનમાં જાતજાતની કટોકટી આવે છે. દુનિયાના લોકો અલગ અલગ સમયે મહામારી, ધરતીકંપ, પૂર જેવી અનેક કુદરતી આપત્તિનો સામનો કરતા આવ્યા છે. માનવોનું રોજિંદું જીવન વેરણછેરણ થઈ જાય. આર્થિક કટોકટીથી માંડી રાજકીય અને સામાજિક ઉથલપાથલનો સામનો કરવો પડે. કશાય પર ભરોસો રહે નહીં. એવા સમયે માણસની દુષ્ટ વૃત્તિઓ બહાર આવે તેમ સારી વૃત્તિઓના પણ અનુભવ થાય છે. અંગત જીવનમાં આવતી કટોકટીઓ પણ માણસને અંદરથી હલબલાવી નાખે છે. દરેક માણસ જાણે હવાઈહુમલાથી બચવા અંધારી ગુફામાં ભરાઈ જતી પેલી મહિલાની જેમ અજવાળું શોધવાના પ્રયત્ન કરે છે. વિચારકો કહે છે કે જીવનને ઉપર-તળે કરી નાખતી કોઈ પણ વૈશ્વિક કે અંગત કટોકટીનો સમય આપણને અંદરથી અને બહારથી સંપૂર્ણપણે કચડી નાખે તે પહેલાં ચેતી જવું જોઈએ. બાહ્ય પડકારોનો સામનો કરવા માટે આપણામાં છુપાયેલી આંતરિક શક્તિને શોધી કાઢવી પડે છે. કોઈએ કહ્યું છે કે ગાઢ અંધકારની ઘડીઓમાં જ આપણી ભીતરનું અજવાળું પ્રગટ થાય છે અને એ અજવાળું કદીય આથમતું નથી. સકારાત્મક અભિગમ ધરાવતા લોકો તો અંધારી રાતમાંથી માર્ગ કાઢવા માટે દિવસ ઊગવાની રાહ જોતા બેસી રહેતા નથી. એ લોકો ટમટમતા તારાના આછા પ્રકાશની સહાયથી માર્ગ શોધવા સક્રિય બને છે. મહાભયાનક વિપત્તિમાં નાનકડી ઘટના પણ માણસને હતાશામાંથી બહાર નીકળવાની દિશા બતાવે છે. નદીકાંઠાનું એક ગામ વિનાશક પૂરમાં તારાજ થઈ ગયું હતું. પૂર ઓસર્યા પછી એક ખેડૂતદંપતી ગામમાં પાછું ફર્યું. એમના ખેતરનો પાક નષ્ટ થઈ ગયો હતો. ઘર મલબામાં ફેરવાઈ ગયું હતું. બધી ઘરવખરી તણાઈ ગઈ હતી. દંપતી માથે હાથ દઈ બેસી ગયું, પરંતુ એમની પાંચ વર્ષની દીકરી ઘરના કાદવમાંથી ગાંડાની જેમ એની ઢીંગલી શોધતી હતી. ઘણી વારે એને ઢીંગલી મળી ત્યારે એ કાદવવાળી ઢીંગલીને મીઠી કરવા લાગી. એ જોઈ ખેડૂતે એની રડતી પત્નીને કહ્યું : ‘દીકરી કાદવમાંથી ઢીંગલી શોધી શકી, તો આપણે પણ ગુમાવેલું બધું પાછું મેળવી શકશું.’ પત્ની કછોટો મારી જીવવા માટે ફરી સજ્જ થઈ. અત્યારે આપણે પણ તે રીતે જ સજ્જ થવાનું છે. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...