રાગ બિન્દાસ:કોઇ કકળાટને કાઢો રે લોલ..

એક મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • તેલના ભાવને જોતાં ‘વધુ તેલ વધારે બળે તો કકળાટ વધે’ એવી હાલત છે! જોકે કકળાટ દૂર થતો હોય તો છેક આરબ કન્ટ્રીના તેલના કૂવામાંથી, તેલ ઉધાર લઇને બાળવામાંયે વાંધો નથી!

ટાઇટલ્સ તહેવાર ને વહેવાર ક્યારેય નહીં બદલાય. (છેલવાણી) લાઇફમાં જેમ ‘સુખ' પહેલાં ‘દુ:ખ' આવે છે એમ દિવાળી પહેલાં કાળી-ચૌદશ પધારે છે, જેને નરક-ચતુર્દશી, રૂપ-ચૌદશ વગેરે પણ કહેવાય છે. એ દિવસે વહેલા ઊઠવા માટે વડીલો ખાસ કહે કે,‘મોડા ઊઠશો તો કાગડો તમારું રૂપ લઈ જશે ને એનું રૂપ તમને આપી જશે’ પણ અમને ઊંઘ એટલી પ્યારી છે કે ભલે કાગડો રૂપ લઈ જાય પણ અમે કદીયે વહેલા ઊઠ્યા નથી ને કોઇ કાગડો હજી સુધી અમારું રૂપ લઇને ‘લેખક' બની ગયો નથી! કહે છે કે કાળી ચૌદસે અમુક લોકો, સ્મશાનમાં મેલીવિદ્યાની સાધના કરે છે. ‘સાંસ-બહુ'ની સિરિયલોવાળી એક નિર્માત્રી, દર કાળી ચૌદશે સ્મશાનમાં જાય છે એવું અમે પોતે જોયું-જાણ્યું છે! એ પ્રોડ્યુસરના જીવનમાંથી કકળાટ ગયો કે નહીં ખબર નથી પણ એની સિરિયલોમાં તો કકળાટ કાયમ ચાલુ જ હોય છે! વળી, કાળી ચૌદશે પૂરી-ખીર–વડાં વગેરેનો ખાસ ‘કકળાટ' બનાવીને ચાર-રસ્તે મૂકવામાં આવે છે. કહે છે કે ‘જેટલું તેલ બળે એટલો કકળાટ ટળે!’ પણ તેલના ભાવને જોતાં ‘વધુ તેલ વધારે બળે તો કકળાટ વધે’ એવી હાલત છે! જોકે કકળાટ દૂર થતો હોય તો છેક આરબ કન્ટ્રીના તેલના કૂવામાંથી, તેલ ઉધાર લઇને બાળવામાંયે અમને વાંધો નથી! કહે છે- ‘કકળાટ'ને ચાર રસ્તે મૂક્યા પછી પાછા વળીને જોઇએ તો ‘કકળાટ' પાછો ઘરમાં આવે! પણ ચાર રસ્તે તો કેટકેટલાં ઘરોનાં, કેટકેટલા પ્રકારના કકળાટો ભેગા થતા હશેને? તો પછી જો પાછા વળીને આપણે જોઇએ તો આપણો જ ‘કકળાટ' પાછો આવે કે બીજાના કોઇ ઘરનો? વળી, ચાર-રસ્તે બધાં કકળાટો ભેગા થઈને કહેતા હશે, ‘હું સાસુ-વહુનો કકળાટ છું કે હું પતિ-પત્નીવાળો કકળાટ કે હું ભાઈ-ભાઈનો કકળાટ!’ વગરે..વગેરે.. જોકે ઘર ઉપરાંત બીજા ઘણાંયે કકળાટ સમાજમાં ચાલતા જ હોય છે, જેમ કે- મોંઘવારીનો કકળાટ: મોંઘવારીનો કકળાટ સતત ચાલુ રહે એ બાબતે આઝાદીથી આજ દી’ સુધી બધી પાર્ટી ને બધી સરકારોમાં કમાલનો સંપ છે. કોઇ પણ સરકાર આવે પણ પેટ્રોલ, ડીઝલના ભાવ વધે જ વધે ને પછી બીજી ચીજોનો ભાવ પણ વધે જ. મોંઘવારીના કકળાટનું કોરસ અનંતકાળથી ચાલ્યા જ કરે છે ને ચાલ્યા જ કરશે. ન્યૂઝચેનલોનો કકળાટ: આજકાલ ન્યૂઝ ચેનલો, એકના એક ન્યૂઝ વારંવાર ચલાવે, ન્યૂઝ-એન્કરો મોટે મોટેથી બૂમો પાડે, એનાં એ 4-5 લોકો ‘ચર્ચા'નાં નામે એકબીજા પર ગાળાગાળી કે બૂમાબૂમ કરેને લોકો પાછાં એ કકળાટ વધારેને વધારે જુએ પણ ખરાં! ન્યૂઝ-ચેનલ પર તો રોજ ‘કાળી ચૌદસ' ને હર પળ ‘કકળાટ'! ફિલ્મ લાઇનનો કકળાટ: આજકાલ થિયેટરમાં ફિલ્મો નથી ચાલતી પણ ફિલ્મો પરના કકળાટ વધુ ચાલે છે. કદી ફિલ્મના વિરોધને લઈનેકે ક્યારેક હીરો-હિરોઇનના લફડાં કે બ્રેક-અપને લઈને કે પછી કલાકારોના દાયકાઓ જૂના સ્ટેટમેન્ટને લઈને, કચકડાનો કકળાટ નિરંતર ચાલે જ રાખે છે .સરકાર, ફિલ્મી કકળાટ પર ‘મનોરંજન ટેક્સ' લગાવે તો નવાઇ નહીં લાગે. ઇન્ટરવલ બે દીવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે… (બેફામ) સોશિયલ મીડિયાનો કકળાટ: જ્યારથી ભગવાને અંગૂઠો આપ્યો છે અને સ્માર્ટ મોબાઈલ ફોન શોધાયો છે, વોટ્સએપ-ફેસબુક-ટ્વિટર વગેરે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ, ખોટા મેસેજીસ ફોર્વડ કરીને, રાજકીય પાર્ટીવાળાઓ દેશને અને આપણી બેરોજગાર જુવાનીને સતત બિઝી રાખે છે. ઘણીવાર તો વિજય માલ્યા જેવા મોટા ભાગેડુ ગુનેનારોને પકડી ના શકનાર આપણું પોલીસ ખાતું, કોઇ રાજકીય કટાક્ષ કરનારને તરત જ પકડી પાડે છે! ક્યારેક તો ફક્ત કોઇ રમૂજી મેસેજને ફોર્વર્ડ કરનારનીયે રાતોરાત ધરપકડ થઇ જાય છે! આમ સોશિયલ મીડિયાના કકળાટને લીધે પોલીસતંત્ર સદા સાવધ રહી શકે છે, એ ઊજળી એની બાજુ! ઉપરાંત ‘સોફા પર બેઠાં બેઠાં વજન કેમ વધારવું?' વગેરના વિચિત્ર વિડિયો કે અડધી રાતે ‘ગુડ-નાઇટ'ના અચાનક મેસેજો મોકલીમોકલીને, આપણે શાંત જીવનમાં અલગ જ કકળાટ આમંત્ર્યો જ છેને? એજ્યુકેશનનો કકળાટ: સ્કૂલ, કોલેજો એવાં સ્થળો છે જ્યાં ભણતર સિવાય પણ ઘણુંબધું શીખવવામાં આવે છે. હવે તો કોચિંગ ક્લાસમાં જવાનું પહેલું પગથિયું શાળા-કોલેજ છે. પણ ત્યાં પેપર લીક થવાનો, એડમિશનનો, ડોનેશનનો, મોંઘી ફીઝનો, બાળકો પર ‘વધુ પડતાં ભણતરના ભાર'નો કકળાટ સતત ચાલે જ રાખે છે. એ બધા કકળાટને ઓછો કરવા વિશે ‘સ્પે. કકળાટ કોર્સ' બનાવી શકાય એવું અમારું નમ્ર સૂચન છે. ટ્રાફિકનો કકળાટ: ટ્રાફિક આપણાં જીવનમાં એવું વણાઇ ગયું છે કે જો એ ના હોય તો આપણને ધ્રાસ્કો પડે કે ‘હાય હાય શહેરમાં કરફ્યૂ નખાયો?' કે ‘ફરી કોવિડનું લૉકડાઉન શરૂ થયું કે શું?' કારણ વગર હોર્ન વગાડીને કકળાટ કરવો એ તો દરેક ભારતીયનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે! હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટનો કકળાટ: મર્ડર-કિડનેપ કે જમીન-મિલકતના કેસો ઉપરાંત હવે રાજકીય કેસોને લઈને વકીલો, જજસાહેબો, સરકાર અને મીડિયા વચ્ચે સતત કકળાટ ચાલ્યા જ કરે છે. હાઈકોર્ટ-સુપ્રીમકોર્ટના જજની બદલી કે નિમણૂકનો કકળાટ હવે ‘ન્યૂઝ' નથી, ‘ન્યૂ-નોર્મલ' બાબત છે. વળી, કોર્ટની બહાર જો કકળાટ મૂકવાની સ્પે. પરવાનગી અપાય તો કદાચ ત્યાં એવી ધક્કામુક્કી થાય કે 100-200 લોકો નક્કી ચગદાઇ મરે! …. તો સૌને પોતપોતાના જીવતરના કકળાટ મુબારક. એન્ડ ટાઇટલ્સ આદમ: કકળાટ કાઢ્યો? ઈવ: વેઇટ, શરૂ કરું છું! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...