તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી-અમસ્તી:‘આ વરસે લગન કરી લે.. સસ્તામાં પતશે’

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘હવે લગ્નસરો આવશે, લોકો લિમિટનું પાલન કઈ રીતે કરશે?’ ધનશંકર ટપક્યા, ‘એક પત્નીની લિમિટ તો યોગ્ય જ છે!’

-રઈશ મનીઆર

બાબુ બાટલીએ વાત શરૂ કરી, ‘આ વરહે તો બાપાનો ટહેવાર ઢોલનગારા વગર ગિયો, માડીનો તહેવાર તાળી-દોઢિયા વગર ગિયો, ડીવાળીએ ડીવા ટો થિયા પણ પછી વાટ લાગી ગેઇ!’

‘કોરોનાના કાળની વચ્ચે દિવાળી તો ધામધૂમથી ઊજવી ને!’ સોસાયટીપ્રમુખ શાંતિલાલ ગર્વથી બોલ્યા. ‘થાળી માર્ચમાં ઠોકી લાખી, ડીવા એપ્રિલમાં કરી લાયખા! હવે જાન્યુઆરી હુધી માસ્કની પટંગ ચગાયવા કરો..! ટહેવારનો કોઈ વહેવાર બાકી ની મલે!’

મેં કહ્યું, ‘ઉત્સવના ઉત્સાહમાં તણાઈ જવું મોંઘું પડ્યું, મોદીજીએ સાવ નવુંનવું તાજુંતાજું જ કહ્યું હતું, ‘લોકડાઉન આપણી વચ્ચેથી ગયું પણ કોરોના વાઈરસ આપણી વચ્ચે જ છે!’…ત્યાં લોકડાઉન ફરી આવ્યું!’ ‘આવે જ ને! દિવાળી પછી હજારો લોકો ફરી પોઝિટિવ આવવા લાગ્યા!’ ધનશંકરે નેગેટિવ સૂર કાઢ્યો.

હસુભાઈ હોંશથી બોલ્યા, ‘માણસે ‘કોરોના પોઝિટિવ’ આ ભયાનક શબ્દ પર ધ્યાન આપવાને બદલે ‘કોરોના આપણને કેટલા પોઝિટિવ્સ આપી ગયું’ એ વિચારવું જોઈએ. કોરોનાની એક મોટી ભેટ એટલે ‘લિમિટ’! આ ‘લિમિટ’ શબ્દ આપણને ઘણું શીખવી જાય છે. 200 માણસની લિમિટ, છ ફૂટના અંતરની લિમિટ, મુખદર્શનની અને મુખપ્રદર્શનની લિમિટ!’

‘આ લિમિટ શબ્દ તો મારો બી ફેવળિટ છે. હું કાયમ જ કેં’વ, ગમ્મે ટેટલું પીઓ પન લિમિટમાં પીઓ.’ મેં પૂછ્યું, ‘હસુભાઈ, તમે કહો લિમિટનો ફાયદો શું? દિવાળી જશે પછી લગ્નસરો આવશે, તમને કંઈ અંદાજ છે, કે કેટલા લોકોને ઘરે લગન છે! લોકો લિમિટનું પાલન કઈ રીતે કરશે?’ ધનશંકર ટપક્યા, ‘એક પત્નીની લિમિટ તો યોગ્ય જ છે!’ ‘અરે 200 મહેમાનની લિમિટની વાત થાય છે!’ અશાંત શાંતિલાલ બોલ્યા. હસુભાઈએ પૂછ્યું, ‘પહેલા એ કહો કે લગ્ન એટલે શું?’ ‘આ તો બહુ કરુણ પ્રશ્ન છે.’ ધનશંકર બોલ્યા.

‘મારો કહેવાનો મતલબ એ છે કે લગ્ન એટલે મહેંદી, સંગીતસંધ્યા, હસ્તમેળાપ અને રિસેપ્શન! બરાબર? કોઈના પણ લગ્ન હોય, આ બધું સરખું જ હોય! લગ્નમાં ભૂલથી ખોટા પ્લોટમાં ઘૂસી જઈએ તો કંઈ ફરક પડે? એકસરખું સંગીત, ઉત્સાહી કઝીન્સોના એકસરખા શાહરૂખછાપ ડાંસ, બહેનોનો એકસરખો મેકઅપ અને ભાઈઓ ગમે તેટલો મેકઅપ કરે તોય કોઈ ફરક નહીં. એમાંય વરના પિતાના તો ખટારાને શણગાર્યો હોય એવાં મોંઘાં કપડાં!’ ગયા વરસે જ શાંતિલાલના દીકરાના લગ્ન ગયા હતા. સહુને એ યાદ આવી ગયા. બાબુ બોલ્યો, ‘આ શાંટિલાલની વીહ હજારની કોટી અને કેટરિંગવાળા માણસોની આઠહો રુપિયાવાલી કોટીની ડિઝાઈન લગભગ હરખી જ ઉટી. બલકે કેટરીંગવાલાની કોટી થોડી વધુ ઝગારા મારટી ઉટી. શાંતિલાલ કોટીથી વટ પાડવા ગિયા પન વટ ‘પડી’ ગિયો.’

ધનશંકર બોલ્યા, ‘હા મને સ્મરણ છે, શાંતિલાલ યજમાન તરીકે આગ્રહપૂર્વક પીરસવા જતાં ત્યાં બીજા ‘એય ગુલાબજાંબુ અહીં આવ!’ કહીને બૂમ પાડતાં.’ આ યાદગાર અવસરને કોટિકોટિ વંદન કરી હું બોલ્યો, ‘હસુભાઈ તમે અત્યારે કહેવા શું માંગો છો?’ ‘એ જ કે આ વરસે ભારતભરમાં લગ્નને નામે થતાં ખોટા ખરચા બચી જશે! દરવરસે એક કરોડ લગ્નો થાય છે. લગ્ન દીઠ સરેરાશ પાંચ લાખ પણ બચે તો પણ..’ ‘આનો ગુણાકાર તો મોડીજીએ કરવો જોઈએ અને મોડીફાઈડ રાહટ પેકેજમાં આ પૈહા બી ગની લેવા જોઈએ!’ ‘પણ પબ્લિક પૈસા બચાવે તો એમાં સરકારનો એમાં શું ફાળો?’ ‘ગનટરી કરી આપી, એ સરકારનો ફાળો!’

સહુને ચૂપ કરતાં હું બોલ્યો, ‘લગ્ન એક જ વાર હોય, એમાં પણ તમે કોરોનાને નામે કાપ મૂકવા માંગો છો?’ ‘હા, આ કોરોનાનું ભલું થાજો કે એણે આપણને વિચારવાની તક આપી કે લગ્નમાં બેફામ ખરચા ઓછા કરવા શું ઉપાય કરી શકાય?’ ‘લગ્ન ન કરવા એ એનો એક સરળ ઉપાય છે.’ મેં રાહુલ ગાંધીસૂચિત રસ્તો બતાવ્યો. ‘મેં તો હેમિશને કહી દીધું છે, આ વરસે લગ્ન કરી લે, સસ્તામાં પતી જશે!’ હસુભાઈની બુદ્ધિ પર અમને સૌને નવેસરથી માન થયું. ધનશંકર બોલ્યા, ‘અરે, લગ્ન એ તો અતિથિઓને આંગણે નિમંત્રવાની એક તક છે. આપણે પત્રિકામાં પણ લખીએ છીએ, ‘નહીં કવર, નહીં ફૂલહાર, આપની હાજરી જ ઉપહાર!’..’ હસુભાઈ બોલ્યા, ‘આ વરસે એના કરતા બિલકુલ ઉંધુ કરવાની જરૂર છે. કંકોત્રીમાં આવું લખી શકાયઃ

આપની હાજરીનો હતો ઈંતેજાર પણ કોરોના કરે છે ઈનકાર જો મોકલવો હોય ચાંદલો કે ઉપહાર મોકલજો કુરિયરથી, પ્રેમથી કરશું સ્વીકાર ‘તોય 200ને જમાડવાનો ખર્ચ તો કરવો જ પડશે!’ શાંતિલાલ બોલ્યા.

‘મારો નિયમ છે કાં તો તમામ બે હજાર પરિચિતો આવશે કાં તો વરવહુ બે જ મંદિરે જઈ પરણી આવશે. 200ની લિમિટમાં બોલાવું તો બાકીના અઢારસોને ખોટું ન લાગે?’ હસુભાઈએ 200ની લિમિટનો પણ ઉકેલ કાઢી નાખ્યો. અનલિમિટેડ ચાંદલો મેળવવાની ગણતરી સાથે દિવાળી પછી હેમિશના ઘડિયા લગ્ન લેવાનું પ્લાનિંગ કરવા લાગ્યા. ત્યાં જ હેમિશ આવ્યો. બાપાનો અકાળ ઉમળકો જોઈને બેટાના દિલમાં કાળઝાળ ભડકો થયો.

‘મને કોરોના થાય એ મંજૂર છે, પણ લગ્ન થાય એ મંજૂર નથી!’ ‘કેમ?’ અમે સહુ એકસાથે બોલ્યા. ‘કોરોના તમને 14 દિવસ ક્વોરન્ટાઈન કરે છે, લગ્ન લાઈફટાઈમનું ક્વોરન્ટાઈન છે, જીવનભરની જનમટીપ છે! લગ્ન જેટલા મોડા થાય તેટલું સારું!’ હેમિશ બોલ્યો. હસુભાઈના પાંચ લાખ કરોડવાળા ગુણાકારમાંથી એક રાહતદાયી ખરી પડ્યો. - amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...