સ્પોર્ટ્સ:જેન્ડર પે ગેપ-વોહ સુબહ કભી તો આયેગી!

એક મહિનો પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક
  • ભારતીય ક્રિકેટમાં નેશનલ ટીમના ખેલાડીઓની સેલરી બે ભાગમાં વિભાજિત છે. એક મેચ ફી થકી અને બીજી નેશનલ કોન્ટ્રાકટ થકી

ટી-20 વર્લ્ડકપના પડઘમ વચ્ચે એક સારા સમાચાર મળ્યા. બીસીસીઆઈની 15મી કાઉન્સિલ મિટિંગમાં તમામ મેમ્બર્સે મેન્સ અને વીમેન્સ ક્રિકેટર્સ માટે સમાન પે પોલિસી લાગુ કરવાનો નિર્ણય લઇ લીધો છે. બીસીસીઆઈ દ્વારા લેવાયેલો આ નિર્ણય ક્રિકેટમાં જાતીય ભેદભાવને દૂર કરવા માટે આવકારદાયક બની રહેશે. અગાઉ મેન્સ અને વીમેન્સ ક્રિકેટર્સને ચૂકવાતી મેચ ફીમાં ખાસું એવું અંતર હતું પરંતુ હવેથી તમામ ખેલાડીઓને એક સમાન મેચ ફી ચૂકવવામાં આવશે. અત્યાર સુધી વીમેન્સ ક્રિકેટર્સને એક ટેસ્ટ મેચ માટે ચાર લાખ, અને એક વન-ડે અને ટી-20 ઇન્ટરનેશનલ માટે એક લાખ મળવા પાત્ર હતા પરંતુ નવી પોલીસ મુજબ નવી પોલિસી મુજબ હવેથી વીમેન્સ ક્રિકેટર્સને દરેક ટેસ્ટ મેચ માટે 15 લાખ, દરેક વન-ડે માટે છ લાખ અને દરેક ટી-20 ઇન્ટરનેશનલ માટે ત્રણ લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે. શું સ્પોર્ટ્સમાં આ પહેલા જેન્ડર પે ગેપ લઈને કોઈ પગલાં લેવાયાં છે? 2022નું વર્ષ આ પોલિસીને લઈને લેન્ડમાર્ક રહ્યું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં પ્લેયર્સ એસોસિયેશને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક લેવલના વિમેન્સ પ્લેયર્સને તમામ ફોર્મેટમાં મેન્સ ખેલાડીઓ જેટલો સેલરી મળે તે માટે પાંચ વર્ષીય ડીલ સાઈન છે. આ ડીલ મુજબ મેન્સ અને વીમેન્સ ટીમને ટ્રાવેલ, એકોમોડેશન, ટ્રેનિંગ કિટ અને અન્ય મળવાપાત્ર લાભ શામેલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ વિમેન્સ ટીમને આગળ લાવવા માટે એજ ગ્રૂપ ક્રિકેટમાં 5-12 વર્ષની શ્રેણીમાં ચાર ગણા વધુ ખેલાડીઓ ઉમેરવાની પોલિસી બનાવી લીધી છે. આ સિવાય ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મે, 2022માં તમામ એજ ગ્રૂપ માટે નેશનલ ઝોનલ ટૂર્નામેન્ટ રમતા મેન્સ અને વીમેન્સ ખેલાડીઓ માટે એકસરખા પ્રાઈઝમની આપવાની ઘોષણા કરી દીધી છે. યુ. એસ. સોકર એસોસિયેશન ફોર મેન એન્ડ વીમેને પણ ઇકવલ પે માટેની ઘોષણા કરી દીધી છે. ઈક્વલ પેની બીજી બાજુ એ પણ છે કે મોટા ભાગની મેન્સ ઈવેન્ટ્સમાં એડ્્વર્ટાઈઝમેન્ટ રેવન્યુ, કોર્પોરેટ સ્પોન્સરશિપ અને વ્યૂઇંગ ઓડિયન્સની સંખ્યા વીમેન્સ ઈવેન્ટ્સની સરખામણીએ વધુ હોય છે પરંતુ જો વીમેન્સ એથ્લીટ્સનું સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેશન વધારવું હોય તો ઈક્વલ પે જેવાં પગલાં તેમને પ્રોત્સાહન આપી શકે તેમ છે. મેચ ફી તો વધારી પણ સેન્ટ્રલ કોન્ટ્રાકટનું શું? ભારતીય ક્રિકેટમાં નેશનલ ટીમના ખેલાડીઓની સેલરી બે અલગ ભાગમાં વિભાજિત છે. એક મેચ ફી થકી અને બીજી નેશનલ કોન્ટ્રાકટ થકી. બીસીસીઆઈએ અત્યારે માત્ર એકસરખી મેચ ફી ચૂકવવાનો નિર્ણય કર્યો છે, હજુ સુધી નેશનલ કોન્ટ્રાકટને મુદ્દે કોઈ ઘોષણા કરી નથી. મેન્સ ટીમના વાર્ષિક નેશનલ કોન્ટ્રાકટ ચાર કેટેગરીમાં વિભાજિત છે. એ પ્લસ ગ્રેડના ખેલાડીઓ માટે સાત કરોડ, ‘એ’ ગ્રેડ ખેલાડીઓ માટે છ કરોડ, ગ્રેડ ‘બી’ ખેલાડીઓ માટે ત્રણ કરોડ અને ‘સી’ ગ્રેડ ખેલાડીઓ માટે એક કરોડ રૂપિયા મળે છે. તેની સામે વીમેન્સ ક્રિકેટર્સના વાર્ષિક નેશનલ કોન્ટ્રાકટ ત્રણ ભાગમાં વિભાજિત છે. ગ્રેડ ‘એ’ના ખેલાડીઓ 50 લાખ, ગ્રેડ ‘બી’ના ખેલાડીઓ માટે 30 લાખ અને ગ્રેડ ‘સી’ના ખેલાડીઓ માટે 10 લાખ મળવાપાત્ર છે. આને સ્પષ્ટ રીતે સમજવામાં આવે તો હરમનપ્રીત કૌર કે પછી સ્મૃતિ મંધાનાનો નેશનલ કોન્ટ્રાકટ વોશિંગટન સુંદર કે પછી કુલદીપ યાદવ કરતાં પણ ઓછો છે. ઉલ્લેખનીય છે કે સુંદર અને યાદવ નેશનલ ટીમની પ્લેઈંગ ઇલેવનમાં અંદર બહાર થયા કરે છે જ્યારે કૌર અને મંધાના વીમેન્સ ટીમના આધારભૂત ખેલાડીઓ છે. પહેલી ઓક્ટોબર, 2021થી હરમનપ્રીત કૌરે 20 ટી-20 ઇન્ટરનેશનલ અને 17 વન-ડે રમી છે. જ્યારે કુલદીપ યાદવ એ જ સમયગાળામાં હરમનથી અડધી ગેમ્સ પણ રમ્યો નથી. જેન્ડર પે ગેપના આંકડાને જોઈએ તો બોર્ડની કુલ આવકના 26% ખેલાડીઓને સેલરી રૂપે ચૂકવવામાં આવે છે. જેમાંથી 13% મેન્સ, 10.3% ડોમેસ્ટિક ક્રિકેટર્સ અને 2.7% જુનિયર ક્રિકેટર્સ અને વીમેન્સ ક્રિકેટર્સને ચૂકવવામાં આવે છે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...