તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sci-લેન્ડ:જેન્ડર ફ્લુઇડ: લિંગનું ચોથું પરિમાણ!

પરખ ભટ્ટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેન્ડર ફ્લુઇડ એવી અવસ્થા છે, જેમાં વ્યક્તિ અમુક સમય માટે પૌરુષી આવેગોનો અનુભવ કરે અને કેટલોક સમય સ્ત્રી આવેગોનો!

મેલ, ફીમેલ અને અધર! અત્યાર સુધી સરકારી કચેરીઓ કે પછી પ્રાઇવેટ કંપનીઓના ફોર્મમાં આપણે ‘જાતિ’ સેક્શનમાં આ ત્રણ વિકલ્પો જ અપાતાં હતાં, પરંતુ ભવિષ્યમાં ચોથો વિકલ્પ ઉમેરાય તો નવાઈ નહીં. લિંગના એ ચોથા પરિમાણનું નામ છે : જેન્ડર ફ્લુઇડ (Gender Fluid)! મનોવૈજ્ઞાનિકો અને સંશોધકો પણ જેન્ડર ફ્લુઇડને હજુ સંપૂર્ણ સમજી શક્યા નથી. પાછલા એક દાયકાથી વધુ ચલણમાં આવેલી આ ‘સેક્સ્યુઅલ ટર્મ’ ભારત માટે તો સાવ એલિયન છે! આમ છતાં કેટલાક જાણીતાં ઉદાહરણો આપીને વાત શરૂ કરવી હોય, તો ‘મિસ્ટર ગે ઇન્ડિયા’નો ખિતાબ જીતી ચૂકેલા સુશાંત દિવ્ગીકર, બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહર અને એક્ટર રણવીર સિંહનું નામ આપી શકાય. મનોવિજ્ઞાનની આંટીઘૂંટીથી ભરપૂર એવી આ અવસ્થા ‘ટ્રાન્સજેન્ડર’ (કિન્નર) કેટેગરીમાં મૂકવા જેવી લાગે, પરંતુ હકીકત અલગ છે. વાસ્તવમાં ટ્રાન્સજેન્ડર અને જેન્ડર ફ્લુઇડ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. બાળક બે-ત્રણ વર્ષની ઉંમરથી જ પોતાના લિંગ બાબતે સભાન થતું જાય છે. 11-12 વર્ષની ઉંમરે પહોંચતાં તે પોતાના જાતીય આવેગોથી વાકેફ થઈ જાય છે. મોટા ભાગની કિશોરીઓ પોતાની શાળામાં ભણતાં કિશોર તરફ આકર્ષણ અનુભવે અને વાઇસ-એ-વર્સા. કેટલાક બાળકો સમલૈંગિક આકર્ષણ અનુભવે, જેને ગે અથવા લેસ્બિયન તરીકે ઓળખાવું પસંદ છે. જેઓ પોતાને સ્ત્રી અને પુરુષ બંને સ્વરૂપમાં સ્વીકારે, તેઓ ટ્રાન્સજેન્ડર. સેક્સ્યુઅલ ઓરિઅેન્ટેશનના આ મુખ્ય પ્રકારો સિવાય પણ ‘ક્વીર’, ‘બાયસેક્સ્યુઅલ’ અને ‘એસેક્સ્યુઅલ’ કેટેગરી અસ્તિત્વ ધરાવે છે. પરંતુ LGBTQA+ કમ્યુનિટીમાં હવે ‘જેન્ડર ફ્લુઇડ’ લોકોનો પણ સમાવેશ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જેન્ડર ફ્લુઇડ એવી અવસ્થા છે, જેમાં વ્યક્તિ અમુક સમય માટે પૌરુષી આવેગોનો અનુભવ કરે અને કેટલોક સમય સ્ત્રી આવેગોનો! પુરુષ-હોર્મોનનું સ્તર વધે ત્યારે ‘જેન્ડર ફ્લુઇડ’ વ્યક્તિને પુરુષોના કપડાં પહેરવાનું મન થાય, તેના વ્યક્તિત્વ અને વર્તનમાં પુરુષત્વ છલકાય. આનાથી ઊલ્ટું, જ્યારે સ્ત્રી-હોર્મોનનું સ્તર વધે ત્યારે વ્યક્તિમાં એ પ્રમાણેના વસ્ત્રો અને વર્તણૂંક જોવા મળે. પ્રશ્ન એ થાય કે ટ્રાન્સજેન્ડર અને જેન્ડર ફ્લુઇડ એકબીજાથી અલગ કઈ રીતે? જેન્ડર ફ્લુઇડ વ્યક્તિ જન્મથી પુરૂષ અથવા સ્ત્રી બેમાંથી કોઈ એક જ હોઈ શકે, પરંતુ ટ્રાન્સજેન્ડરના કિસ્સામાં એવું નથી હોતું. એમનું અવિકસિત ગુપ્તાંગ જ ટ્રાન્સજેન્ડરનું સેક્સ્યુઅલ ઓરિએેન્ટેશન નક્કી કરે છે. બીજી બાજુ, જેન્ડર ફ્લુઇડ વ્યક્તિ અગર સ્ત્રી હોય તો, થોડા સમય માટે પૌરુષી-આવેગ સાથે જીવવાનું પસંદ કરે એવું બને, પરંતુ થોડા સમય બાદ તે પૂર્વવત સ્ત્રીત્વનો સ્વીકાર કરી લે છે. જેન્ડર ફ્લુઇડની આ સમજને હજુ વધારે સરળતાથી સમજવા માટે સુશાંત દિવ્ગીકર ઉર્ફે ‘રાની કોહિનૂર’ (Rani ko-He-noor)નું ઉદાહરણ લઈએ. સુશાંતના શરીરમાં જ્યારે સ્ત્રી-હોર્મોનનું પ્રભુત્વ વધે ત્યારે તે ‘રાની કોહિનૂર’ બની જાય છે. તેના આ અવતારમાં તે વસ્ત્રો, બોલચાલ, હાવભાવ, બોડી-લેંગ્વેજ, પર્સનાલિટી સહિતના દરેક દૃષ્ટિકોણથી સંપૂર્ણ સ્ત્રી છે! આનો અર્થ એમ નથી કે તેનું પુરુષત્વ/ગુપ્તાંગ જતું રહ્યું. થોડા જ કલાકોમાં તેનો આવેગ શમી જતાં તે ફરી સુશાંત દિવ્ગીકરના-પુરુષ તરીકેના અવતારમાં પરત ફરી જાય છે. ઇનશોર્ટ, પ્રવાહી (ફ્લુઇડ)ને જે પાત્રમાં ઢાળો તેનો આકાર ધારણ કરી શકે, એવી જ રીતે વ્યક્તિનું મન પણ પુરુષ અને સ્ત્રી બંનેમાં એકસરખી પ્રવાહિતાનો અનુભવ કરી શકે! જેન્ડર ફ્લુઇડને ‘યુનિસેક્સ’ અને ‘નોન-બાઇનરી’ સાથે સરખાવવામાં આવે છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ હવે ‘જેન્ડર ફ્લુઇડ’ કોસ્ચ્યુમ્સ બનવા લાગ્યા છે. કોઈ સ્ત્રીને પોતાના વસ્ત્રોમાં પુરુષત્વ જોઈતું હોય અને પુરુષને પોતાના કપડાંમાં સ્ત્રીત્વની છાંટ જોઈતી હોય, એવા પ્રકારની માંગ વધવા લાગી છે. ગયા વર્ષના અંતે થયેલાં રીસર્ચ પ્રમાણે, અમેરિકામાં ‘જેન્ડર ફ્લુઇડ’ પ્રોડક્ટ્સમાં 109 ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો! 21મી સદીમાં જન્મેલી નવી પેઢીમાંથી 56 ટકા યુવાનોએ ‘જેન્ડર ફ્લુઇડ’ પ્રોડક્ટ્સ ખરીદી હોવાના સત્તાવાર આંકડા અમેરિકા પાસે છે! છતાં હજુ ‘જેન્ડર ફ્લુઇડ’ની સુનિશ્ચિત વ્યાખ્યા ન આપી શકાતી હોવાથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં દ્વિધા પ્રવર્તે છે. ફેશન-એક્સપર્ટ્સ માને છે કે વર્ષ ’60માં જેમ ‘યુનિસેક્સ’ લેબલ લોકો માટે નવું હતું, એવી જ રીતે ‘જેન્ડર ફ્લુઇડ’ પણ આજે સમજની પેલે પાર છે. સમયની સાથે આ ટર્મ અને તેનાથી હોર્મોન્સમાં થતાં ફેરફારોને વધુ ઊંડાણપૂર્વક સમજી શકાશે એવી સંભાવનાઓ સેવવામાં આવી રહી છે. સુશાંત દિવ્ગીકર તો થોડા સમય પહેલાં પોતાને ‘જેન્ડર ફ્લુઇડ’ જાહેર કરી ચૂક્યો છે. રણવીર સિંહ અને કરણ જોહર તરફથી આવી જાહેરાત નથી થઈ, પરંતુ એમના કોસ્ચ્યુમ્સમાં છાશવારે ‘જેન્ડર ફ્લુઇડ’ની ઝલક છલકાતી રહે છે. થોડા દિવસ પહેલાં જ રણવીર સિંહનો લેડીઝ-પર્સ સાથેનો અવતાર આ વાતની પુષ્ટિ કરે છે. લેખ સમાપ્ત કરતા પહેલાં હજુ એક ઘટસ્ફોટ : જાણીતાં ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી માર્વેલની નવીનક્કોર વેબસીરિઝ ‘લોકી’નું કેરેક્ટર ‘જેન્ડર ફ્લુઇડ’ છે! લોકીના પાત્રને માર્વેલ-કોમિક્સમાં પણ ‘જેન્ડર ફ્લુઇડ’ તરીકે જ આલેખવામાં આવ્યું છે. ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...