ન્યુ રીલ્સ:ગુજરાતી ફિલ્મોમાં જ ગરબા ગાયબ?

વિનાયક વ્યાસ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘છેલ્લો દિવસ’ પછી રીલિઝ થયેલી આજ સુધીની 200-250 ફિલ્મોમાંથી માંડ અડધો ડઝન ગરબા પણ આવ્યા નથી

ફિલ્મ : રઇસ, જેનો હીરો અમદાવાદના અંડરવર્લ્ડનો ડોન છે, પોતે મુસ્લિમ છે. તેની પત્ની પણ મુસ્લિમ છે છતાં તેઓ ફિલ્મમાં સરસ મજાનો ગરબો ગાય છે, ‘ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય...’ ફિલ્મ : કાઇપો છે. જેના ત્રણ મુખ્ય પાત્રોમાંથી એક પ્રેમમાં પડે છે ત્યારે ફિલ્મમાં ગરબો આવે છે, ‘હે શુભારંભ, હો શુભારંભ, મંગલ બેલા આવી...’ વધુ એક હિંદી ફિલ્મ : ‘મેઇડ ઇન ચાઇના’ જેમાં અમદાવાદનો એક યુવાન વેપારી એની ગર્લફ્રેન્ડ સાથે ડ્રીમ સિક્વન્સમાં ગરબાના તાલે ડિસ્કો જેવું આઇટમ સોંગ ગાય છે,‘ઓઢની ઓઢું ઓઢું પર ઊડી જાય…’ હજી એક હિંદી ફિલ્મનું ફેમસ ગીત. ફિલ્મ ‘લવયાત્રી’, જે વિવિધ કારણોસર વિવાદમાં ફસાઇ હતી, જે નવરાત્રિ વખતે જ રીલિઝ થઇ હતી અને ખાસ ચાલી નહોતી. છતાં એનો રીમિક્સ ગરબો આજે પણ નવરાત્રિમાં ધૂમ મચાવે છે, ‘છોગાળા તારા…’ હમણાં થોડા જ સપ્તાહો પહેલાં આવી ગઇ, તે ફિલ્મ ‘ભુજ’ જેમાં હતું ગુજરાતભરમાં નવરાત્રિ વખતે સૌને નચાવતું ગીત, ‘ભાઇ ભાઇ!’ આ તો માત્ર થોડાં જ ઉદાહરણો છે. જેમાં સંજય લીલા ભણસાળીએ ગુજરાતના બેકગ્રાઉન્ડ ઉપર બનાવેલી ફિલ્મો ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘રામલીલા’ તો ગણી જ નથી. (જેમાં બે-બે ગરબા તો હતા જ અને આજે પણ નવરાત્રિ વખતે ધૂમ મચાવે છે.) આટલી ઝલક બતાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે જ્યારે જ્યારે હિંદી ફિલ્મોવાળા ગુજરાતનું બેકગ્રાઉન્ડ લઇને ફિલ્મ બનાવે છે, ત્યારે એકાદ ગરબો ઉમેરવાનું ચૂકતા નથી. એટલું જ નહીં, ઘણી વાર તો ગુજરાત સાથે કોઇ લેવાદેવા ન હોય, છતાં ગુજરાતની ટિકિટબારીને ધ્યાનમાં રાખીને ગરબા પિક્ચરાઇઝ કરવામાં આવ્યા છે. છતાં જોવા જેવી વાત એ છે કે આજની કહેવાતી ‘અર્બન’ ગુજરાતી ફિલ્મોમાંથી તો ગરબાનો સાવ છેદ જ ઊડી ગયો છે! કેમ ભાઇ? શું આપણી આ ગુજરાતી ફિલ્મનાં પાત્રો કદી ગરબા રમવા જતાં જ નથી? કે પછી આ ‘અર્બન’ વાર્તાઓ એટલી બધી ‘મોડર્ન’ થઇ ગઇ છે કે ગરબા જેવી ‘જૂનવાણી’ ચીજોનો એમાં કોઇ ‘સ્કોપ’ જ નથી? ‘જેસલ તોરલ’ પછી ગુજરાતી ફિલ્મોનો જે જુવાળ આવ્યો, એમાં તો ફક્ત ગરબા જ નહીં, લોકગીતો પણ ભરપૂર પ્રમાણમાં આવતાં હતાં. ‘અચકો મચકો કારેલી’, ‘લીંબુડા ઝૂલે તારા બાગમાં’, ‘છોરા ચ્યોં ચ્યોં જ્યો તો’ જેવાં મેળાગીતો હિટ થયાં. પછી એ પણ નવરાત્રિમાં ગવાતાં અને વાગતાં થયાં. એ ગાળામાં ભક્તિરસ અને શૌર્યરસથી ભરપૂર ફિલ્મો બનતી એટલે માતાજીની આરતીઓ તથા ગરબાઓ સાથે રાજાઓ તથા બહારવટિયાઓની ગાથાઓ કહેતાં લોકગીતો આવતાં હતાં. ચાલો, માની લઇએ કે હવે એ યુગ સમાપ્ત થઇ ગયો, પરંતુ એવું શી રીતે બન્યું કે ‘છેલ્લો દિવસ’ પછી રીલિઝ થયેલી આજ સુધીની 200થી 250 ફિલ્મોમાંથી માંડ અડધો ડઝન ગરબા પણ આવ્યા નથી? મજાની વાત એ પણ ખરી કે જે ગરબા આવ્યા છે, તે તો હિટ થયા જ છે. દાખલા તરીકે, ‘રોંગસાઇડ રાજુ’નો ગરબો ‘ગોરી રાધા ને કાળો કહાન’ કે પછી ‘પાસપોર્ટ’નો ગરબો ‘પરદેશી રાધા ને દેશી છે કાનજી’. ‘હેલ્લારો’ની તો વાત જ અલગ છે! એમાં તો આખી થીમ જ એ હતી કે એક કાલ્પનિક ગામમાં બહેનોને ગરબા રમવાની છૂટ નથી. છતાં પોતાની અભિવ્યક્તિને વાચા આપવા માટે ગામની સ્ત્રીઓ સીમમાં જઇને ગરબા રમે છે! બાય ધ વે, એ ફિલ્મના ચારે-ચાર ગરબા હિટ છે. સાથે સાથે ફિલ્મ પણ! ગુજરાતનો ગરબો માત્ર ભક્તિ અને પ્રણયના રંગો લઇને આવે છે, એવું નથી. એમાં ‘દાદા હો દીકરી’ અને ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ જેવો કરુણ રસ પણ છે જ! આપણી જ દ્વારકાના કૃષ્ણ અને રાધાને પ્રતીક રૂપે વણીને જો ‘લગાન’માં ‘રાધા કૈસે ન જલે’ જેવો ગરબો નોન-ગુજરાતી ગીતકાર અને સંગીતકાર સર્જી શકે છે, તો આપણે શેની ખોટ છે? ગુજરાતી ફિલ્મો તો આમેય નથી કમાતી, તો છેવટે યૂ-ટ્યૂબના વ્યૂમાંથી કે ગાયનનાં ડાઉનલોડ્ઝ તો કમાણી આપશે? કંઇ નહીં તો છેવટે દર વર્ષે છ-સાત નવા ગરબા તો મળશે, ગુજરાતને? ⬛

અન્ય સમાચારો પણ છે...