તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sci-લેન્ડ:ગેમિંગ : ડિજિટલ પેન્ડેમિકની બ્લ્યુ-પ્રિન્ટ!

પરખ ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇબર સિક્યોરિટીનાં મામલે આપણે ઘણા પછાત છીએ. કોઇ પણ

લખોટી, સંતાકૂકડી, નદી-પહાડ, ખો-ખો, ભમરડાંની રમતો યાદ છે? અત્યારે તો ક્લેશ ઓફ ક્લેન, પબ-જી, જીટીએ વાઇસ સિટી, કાઉન્ટર સ્ટ્રાઇક જેવી વિડીયો ગેમ જ વધુ ચલણમાં છે. જ્યાં જુઓ ત્યાં બાળકો સતત મોબાઇલ કે કમ્પ્યુટરની સ્ક્રીનમાં પરોવાયેલા છે. પોસ્ટ-કોરોનાકાળમાં બહારનું વિશ્વ તેમના માટે સદંતર નામશેષ થઈ ગયું હોય એવું લાગ્યા રાખે છે. સતત 40 કલાક સુધી સ્ક્રીન સામે બેસીને ઓનલાઇન ગેમ રમતાં રહેવાથી ચીનના 17 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હોવાથી ત્યાંના વડા શી જીનપિંગે હવે વિડીયો ગેમ કંપનીઓ પર ભીંસ લાદવાની શરૂ કરી દીધી છે. ત્યાંના મોટા ભાગનાં ટીનેજર્સનું ધ્યાન ભણતરમાંથી હટતું જાય છે, વાર્ષિક પરીક્ષામાં નાપાસ થવાનો રેશિયો સતત વધી રહ્યો છે... જેની પાછળનું એકમાત્ર કારણ વિડીયો ગેમ રમવાની આદત છે! ભારતમાં પણ સ્થિતિ સારી કહી શકાય તેવી નથી. ગયા વર્ષ સુધી ચીન ઓનલાઇન ગેમિંગ બાબતે પ્રથમ ક્રમાંક પર હતું, પરંતુ 2020ની સાલમાં લોકડાઉનને લીધે ભારતમાં ગેમ્સ-ઇન્સ્ટોલેશનનો આંકડો 7.3 અબજ સુધી પહોંચી ગયો હતો અને 17 ટકા માર્કેટ-શેર! ઓનલાઇન ગેમિંગ બાબતે સમગ્ર વિશ્વમાં આ પ્રકારનો ઉછાળો પ્રથમ વખત જોવા મળ્યો. ચિંતાજનક વાત એ છે કે આજે 40 કરોડથી પણ વધુ ભારતીય ઓનલાઇન ગેમર્સમાંથી 60 ટકા યુઝર્સની ઉંમર 25 વર્ષથી ઓછી છે! ગયા વર્ષે કેન્દ્ર સરકારે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ નહોતો મૂક્યો, ત્યારે દિવસમાં સાડા ત્રણ કરોડથી વધુ ગેમર્સ એકસાથે ‘પબજી’ રમતાં હોવાના આંકડા નોંધાયા છે! ખાસ તો યુદ્ધ સંબંધિત હિંસક ગેમ્સ વધુ ડાઉનલોડ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પ્રોફેશનલ ગેમર બનવા માટેના અભરખા ઘણા યુવાનો જોવા માંડ્યા છે, પરંતુ એમાંથી જૂજ યુવાનો જ ગેમિંગ ક્ષેત્રે નામના અને પૈસા કમાઈ શકે છે. પાછલાં 3 વર્ષોમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રી 60 ટકાની હરણફાળ ભરી ચૂકી છે. વાર્ષિક 13,000 કરોડ રૂપિયાની આ ધીકતી ઇન્ડસ્ટ્રી વર્ષ 2025 સુધીમાં 29,000 કરોડ રૂપિયાનું વટવૃક્ષ બનવા તરફ ધપી રહી છે! ગેમર્સની સંખ્યા પણ આગામી 4 વર્ષોમાં 65 કરોડને વટી જાય તેવી સંભાવના છે. ભારત અને ચીન બંને પોતાના યુવાધનને ઓનલાઇન ગેમિંગના અતિરેકથી બચાવવા માટે સરખા પ્રમાણમાં ચિંતાતુર છે. ભણતરમાં એકાગ્રતા ન આવવી, ચીડિયાપણું, ગુસ્સો-ક્રોધ, હિંસક માનસિકતાનો જન્મ વગેરે સહિતની અનેક સમસ્યાઓનો સામનો આપણા યુવાનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ છાપાંમાં સમાચાર છપાયા હતાં કે માતા-પિતાએ ઓનલાઇન ગેમ ન રમવા દીધી હોવાને લીધે બાળકે આપઘાત કરી લીધો! સાવ ક્ષુલ્લક કહી શકાય એવી બાબતો બાળકોને હવે આપઘાત તરફ દોરી રહી છે. ટેન્સેન્ટ કંપનીની મોસ્ટ પોપ્યુલર ગેમ ‘હોનર ઓફ કિંગ્સ’ને ચીનની પોલિટિકલ પાર્ટીએ યુવાનો માટે ઝેર સમાન ગણાવી હતી! ચીનની સરકારે તેમની પ્રચલિત ઓનલાઇન ગેમ ‘મોન્સ્ટર હન્ટર’ને બ્લોક કરી નાખી છે, જેના લીધે કંપનીનાં શેરમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ચીનની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, દેશની અડધા ભાગની વસ્તીને ચશ્માનાં નંબર છે! ચીનની ‘મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન’ દ્વારા ઓનલાઈન વિડીયો-ગેમનાં વિતરણ બાબતે કેટલાક કડક ધારાધોરણો બહાર પાડવામાં આવ્યા છે. અમુક પ્રકારની હિંસક રમતોને હવે માર્કેટમાં જેમ ફાવે એમ ફેલાવવામાં નહીં આવે. અમુક ઉંમર કરતાં નાની ઉંમરનાં બાળકોને ગેમ રમવા માટેનો સમય મર્યાદિત કરી દેવાયો છે. તદુપરાંત, ઉંમરનાં હિસાબે વિડીયો-ગેમને યોગ્ય રેન્કિંગ આપવામાં આવશે. ચોક્ક્સ વયમર્યાદાથી ઓછી વય ધરાવતાં લોકો એ ગેમ રમી જ નહીં શકે! ભારતમાં પણ આવા કડક નિયમો લાગુ પાડવાની તાતી જરૂરિયાત પેદા થઈ ચૂકી છે. એક બાજુ વિડીયો ગેમ પ્રત્યે નારાજગીનો દૌર ચાલી રહ્યો છે, તો બીજી બાજુ વિડીયો ગેમને ‘ઇ-સ્પોર્ટ્સ’ કેટેગરીમાં સામેલ કરી તેનો સમાવેશ ઓલિમ્પિક્સ રમતમાં કરવા બાબતે વિચારણા ચાલી રહી છે. આ બધાની વચ્ચે વાલી પણ મૂંઝાયાં છે કે, આખરે કરવું શું? બાળકોને વિડીયો ગેમ રમતાં રોકી દેવા કે પછી તેમને એમાં આગળ વધવા દઈને ઓલિમ્પિક્સમાં મોકલવા? ઓનલાઇન ગેમિંગનું ઘાતક સ્વરૂપ તો આપણે સૌ ત્રણ વર્ષ પહેલાં જોઈ જ ચૂક્યા છીએ. બ્લ્યુ વ્હેલ ચેલેન્જને ત્રણ વર્ષ પૂરાં થયાં. દુનિયાભરમાં ચકચાર મચાવી ચૂકેલી આ ખૂની રમતને લીધે ઘણા ટીનેજર્સનાં માતા-પિતાનાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. મોમો ચેલેન્જે પણ આવો જ હાહાકાર મચાવ્યો હતો. સાઇબર સિક્યોરિટીનાં મામલે આપણે ઘણા પછાત છીએ. કોઇ પણ બહારવટિયો હેકર આવીને આપણા સોશિયલ મીડિયાને ધંધે લગાડી શકે. જેમ જેમ ભારત ઓનલાઇન યુગના મધ્યાહ્્નકાળમાં પહોંચશે, એમ આ ‘ડિજિટલ પેન્ડેમિક’ માટે તૈયારી રાખવી પડશે. ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...