તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોરી પોઈન્ટ:નસીબના ખેલ

4 દિવસ પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક
  • કેટલાક માણસો તો દુ:ખ વેઠવા જ આવતા હોય છે. ધનાબાપાને જોઈને તો એમ થાય કે આવા વસ ભગવાન કોઈને ન આપે ભાઈ

ધનજીભાઈએ નીચા નમીને હતું એટલું બળ વાપરી દુકાનનું શટર ઊંચું ચડાવ્યું. તેમણે એકવાર ગીયરવાળું શટર નાખવાનું કહેલું ત્યારે જયેશે ના પાડતાં કહેલું, ‘તમારે ક્યાં ખોલવાનું છે?’ ધનજીભાઈ એક ક્ષણ આંખ મીંચી ગયા. લીમડા નીચે ચા ઊકાળતા યુવાને ધનજીભાઈની સામે સામે જોયું. ચા પીવા આવેલો એક ગ્રાહક દુકાન ખુલતી જોઈ એ તરફ ગયો, ‘કાકા બિસ્કીટનું એક પેકેટ આપો.’ કહીને તેણે સો રુપિયાની નોટ ધનજીભાઈ સામે ધરી. ધનજીભાઈ સોની નોટને જોઈ ધીમેથી બોલ્યા, ‘પાંચ રુપિયા છુટા આપોને ભાઈ.’ ગ્રાહકે ખિસ્સામાં હાથ નાખી આંગળીઓથી જાણી લીધું હોય તેમ કહી દીધું, ‘નથી કાકા.’ ધનજીભાઈએ બિસ્કીટનું પેકેટ થડા ઉપર મૂકતાં કહ્યું, ‘પછી આપી જજો.’

પેલા ગ્રાહકે જરા જુદા સ્વરે કહ્યું, ‘કાકા હું ગામડે રહું છું. એક સંબંધીને જોવા હોસ્પિટલમાં આવ્યો છું. એમ કરો સો રાખો, હું નીકળીશ ત્યારે બાકીના લેતો જઈશ.’ ધનજીભાઈએ માંદલા જેવું હસી દેતા કહી દીધું, ‘ભાઈ કાંઈ વાંધો નથી. લઈ જાવ તમતમારે. યાદ આવે તો આપજો’ કહીને અગરબત્તી કરવા ચાલ્યા ગયા. ગ્રાહકે અવઢવમાં બિસ્કીટનું પેકેટ ઉપાડ્યું અને ચાવાળાના બાંકડે આવી બેસતાં કહ્યું,‘ભાઈ ચા આપો. તમારી પાસે તો છુટ્ટા છે ને? મારે મફતના બિસ્કીટ નથી ખાવા યાર. ચાવાળા યુવાને પૂછ્યું, કેમ શું થયું?’

અરે યાર, પેલો કાકો કંટાળેલો લાગે છે. મારી પાસે છુટ્ટા નથી. મને બિસ્કીટનું પેકેટ પકડાવી દેતા કહી દીધું. તમતમારે યાદ આવે તો આપજો. એમ કંઈ મફતના લેવાતા હશે. ચાવાળાએ જવાબ આપવાના બદલે કાચના ગ્લાસમાં ચા ભરી અને ધનજીભાઈની દુકાને મૂકી આવ્યો. પેલા અજાણ્યા જણનું કૂતુહલ વધી ગયું. કશા કારણ વગર તેને રસ પડ્યો. રવિવારનો દિવસ હતો. હજુ શહેર જાગ્યું ન હતું. ચાની કેન્ટીન ઉપર ચાવાળો અને તે પોતે એમ બે જણ જ હતા. તેનાથી રહેવાયું નહીં. પૂછી જ નાખ્યું, ‘ભાઈ પેલા દુકાનવાળા કાકાને છોકરાં નથી તે વહેલી સવારે એને આવવું પડે છે?’ ‘કેટલાક માણસો દુ:ખ વેઠવા જ આવતા હોય છે. ધનાબાપાને જોઈને તો એમ થાય કે આવા દિવસ ભગવાન કોઈને ન આપે ભાઈ. એમનો દીકરો જયેશ મારો ખાસ ભાઈબંધ છે.’ ખાલી કપ બાંકડા પર રાખતા ગ્રાહકે ઉત્સુકતાથી પૂછ્યું, ‘ભાઈ મૂળ વાત શું છે? એમના દીકરાએ એમને કાઢી મૂક્યા છે કે પછી એમનો દીકરો જ હવે નથી?

ચાવાળાએ ઉદાસ અવાજે કહ્યું, ‘ના ભાઈ એવું કશું નથી. ધનાબાપા પીડબ્લ્યુડીમાં નોકરી કરતા. એમનો પગાર નાનો ને કુટુંબના વ્યવહાર મોટા. એમની ત્રણ દીકરી. સૌથી નાનો દીકરો. જયેશને કોલેજથી પણ આગળ ભણાવ્યો. તોય એને ક્યાંય નોકરી ન મળી. જયેશમાં દાદાની કારીગરી ઉતરી હતી. તેણે ઘેર ગાંઠિયા બનાવી વેપારીઓને વેચવાનું ચાલુ કર્યું. એનો ધંધો ચાલ્યો. એ ગાળામાં આ હોસ્પિટલ બની. મે ચાની કેન્ટીન કરી. હોસ્પિટલની નીચે બનેલી દુકાનો વેચાઈ રહી હતી. તે વખતે ધનાબાપાની નોકરીનું એક વર્ષ બાકી હતું. તેમણે પોતાની બચતની રકમ ઉપાડી આ દુકાન જયેશને લઈ આપી. પાંચેક વર્ષમાં હોસ્પિટલ પાછળ સોસાયટીઓ બની. આ તરફ વસ્તી આવી. જયેશની દુકાન બરાબર જામી ગઈ. થોડી ઉધારી હતી તે ચૂકતે થઈ ગઈ. ધનાબાપા રોજ સવાર-સાંજ દુકાને આવતા. ચા પીને અલક-મલકની વાતો કરતા, પણ બે વર્ષ પહેલાં અચાનક ધનાબાપા ઉપર પનોતી બેઠી. જયેશને ક્યારેક ચક્કર આવતા એવું એ કહેતો. ડોક્ટરે કહેલું કે મગજની નસ દબાય છે. સારવારથી બરોબર થઈ જશે. જયેશની સારવાર ચાલુ થઈ. છતાં દિવસે દિવસે બીમારી વધતી ગઈ. મુંબઈ લઈ ગયા, પણ કોઈ ફેર ન પડ્યો. ત્રણ વર્ષમાં ઘર ખાલી થઈ ગયું. હવે ધનાબાપા ઓપરેશનનું જોખમ લેવા તૈયાર નથી. એક વર્ષથી ધંધો બંધ પડ્યો છે. જીવતી લાશ જેવો જયેશ પોતાના હાથે પાણીય પી શકતો નથી. હવે ધનાબાપાએ દુકાને આવવાનું ચાલુ કર્યું છે. પરચૂરણ વસ્તુઓ વેચે છે. એમને નવેસરથી ઘર ચલાવવાની જવાબદારી આવી પડી છે. જયેશના છોકરાં હજુ નાના છે. હું ક્યારેક એમના ઘેર જાઉં છું. અહીં ધનાબાપાને ખોટા દિલાસા આપું છું કે જયેશ બરાબર થઈ જશે. આ દુકાન ફરી જામશે, પણ મને ખબર છે જયેશ ઝાઝા દિવસ નહીં કાઢે. મારી સામે બે જણ મરી રહ્યા છે. ચાવાળો એકાએક ચૂપ થઈ ગયો. ગ્રાહક પાસે બોલવા શબ્દો ન હતા. mavji018@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો