માયથોલોજી:પ્રાચીન ભારતની રમતો

2 વર્ષ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક
  • ઓલિમ્પિક ગેમ્સનું રૂપ પ્રાચીન ગ્રીસમાં રમાયેલી રમત પર આધારિત છે. ભારતમાં પણ પ્રાચીનકાળથી વિવિધ રમતો રમવામાં આવે છે

દુનિયામાં દર ચાર વર્ષે ઓલિમ્પિક યોજાય છે, ત્યારે ભારતમાં ક્રિકેટનો ક્રેઝ થોડો ઘટી જાય છે અને મોટાભાગનાં લોકો એવી ચર્ચા કરતાં હોય છે કે આપણો દેશ કેટલા મેડલ જીતશે? કમનસીબે ભારત દેશની વસ્તી જેટલી છે, તેના સંદર્ભમાં જેટલા મેડલ મેળવવાની અપેક્ષા રાખવામાં આવે છે, તેનાથી ઘણા ઓછા મેડલ દેશના ખેલાડીઓ જીતે છે. ઓલિમ્પિક ગેમ્સનું આધુનિક રૂપ પ્રાચીન ગ્રીસમાં રમાયેલી રમતગમત પર આધારિત છે. ત્યાં રમત મૃત હીરો અને નેતાઓનાં સન્માનમાં કરવામાં આવેલા અંતિમસંસ્કારનો એક ભાગ હતી. ભારતમાં પણ પ્રાચીનકાળથી વિવિધ રમતો રમવામાં આવે છે. હડપ્પામાં મળેલી મહોરો પરથી ખ્યાલ આવે છે કે ત્યાંનાં લોકો આખલા લડાવવાના અથવા તેના પર કૂદકો મારવાની રમતો રમતાં હતાં, જે સામાન્ય રીતે ખેડૂતો રમતા હતા. આ રમત થોડાઘણાં અંશે તામિલનાડુના જલ્લીકટ્ટૂ જેવી છે. હડપ્પાનાં રમકડાંમાં તેનાં પાસાં મળ્યાં છે. આપણાં વેદોમાં પણ રથ દોડાવવાની સ્પર્ધા અને જુગાર લોકપ્રિય રમત હતી. રામાયણ અને મહાભારતમાં યોદ્ધા રાજકુમાર ધનુર્વિદ્યા, ગદાયુદ્ધ, તલવારબાજી, કુશ્તી અને અન્ય સૈન્ય રમતોમાં નિપુણ હતા. આમ, એટલું તો ચોક્કસપણે કહી શકાય કે ભારતમાં રમતગમત રમવાની શરૂઆત ખેડૂત સમુદાયોની સાથોસાથ સૈન્યોમાં થઇ. શરૂઆતમાં બૌદ્ધ કલામાં આપણને સૂર્યદેવનાં એવાં ચિત્રો જોવા મળે છે, જેમાં સૂર્યદેવ રથ પર મહિલા ધનુર્ધરોથી ઘેરાયેલા હોય છે. આ ચિત્રો પરથી ખ્યાલ આવે છે કે પુરુષોની માફક મહિલાઓ પણ ધનુર્વિદ્યાનો આનંદ માણતી હતી અને ઘણી વાર શિકાર કરવા જતી હતી. મહાભારતમાં રેણુકાનો ઉલ્લેખ છે, જે એટલી ઝડપથી દોડતી હતી કે પોતાના પતિએ છોડેલું તીર તેના લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ પકડી શકતી હતી. તામિલ લોક મહાભારતમાં સિંહ અથવા હરણ જેવા પગવાળા પુરુષ-મૃદ નામનું પ્રાણી ભીમને દોડવા માટે પડકાર ફેંકે છે. આ ઉપરાંત, લોકકથા અનુસાર જે સ્પર્ધાત્મક રમતોમાં ડંડા (ગિલ્લી-ડંડા), શરીર (કબડ્ડી) અને દોરડા (દોરડાખેંચ)નો ઉપયોગ થાય છે, તેની શોધ શાશ્વત પ્રતિસ્પર્ધકો, પાંડવો અને કૌરવો દ્વારા કરવામાં આવી. ભારતને પૂંઠાંની રમતોની ભૂમિ માનવામાં આવે છે. લોકોને કર્મની માન્યતા શીખવવા માટે જૈન મુનિઓએ સાપ-સીડી જેવી રમતોની શોધ કરી હતી. ગંજીફા (પત્તાં)ની રમત ભારતીય રાજાઓ અને રાણીઓમાં લોકપ્રિય હતી. મંદિરના ફર્શ ઉપર આપણે ઘણી વાર લૂ઼ડો અને શતરંજ (ચેસ) જેવી વિવિધ રમતોનાં ચોકઠાં જોઇએ છીએ. છેલ્લે આ રમતોએ આધુનિક સમયના ચેસની રમતને જન્મ આપ્યો. પૌરાણિક કથાઓમાં વિષ્ણુ અને લક્ષ્મીની માફક શિવ અને પાર્વતી પણ સતત પાસાંથી રમત રમે છે. આથી પૂંઠાંની રમત અને પત્તાં રમવાં અનુષ્ઠાનોનો એક લોકપ્રિય ભાગ છે, ખાસ કરીને જન્માષ્ટમી અને દિવાળીમાં. ઘણાં મંદિરોમાં કુશ્તીનાં દૃશ્યોની કોતરણી કરેલી જોવા મળે છે. કૃષ્ણને કુશ્તી ગમતી હતી, પણ રામને નહીં. આમ, વિષ્ણુના બે અવતારોમાં તફાવત દર્શાવવામાં આવ્યો છે– ગોવાળિયાના પરિવાર અને શાહી પરિવારમાં જન્મ લેનારા અવતાર. ભીમ અને દુર્યોધન તો પાણીમાં તરવા અને ઘણા સમય સુધી શ્વાસ રોકીને પાણીમાં રહેવા માટે જાણીતા હતા. જૈન સાહિત્યમાં ભરત અને બાહુબલી બંને ભાઇઓ એકબીજા સાથે લડ્યા વિના (યુદ્ધ કર્યા વિના) વિજેતા બનવા માટે અનેક સ્પર્ધાત્મક રમતો રમતા હતા. જેમ કે, એકબીજા સામે આંખની પાંપણ ઝપકાવ્યાં વિના તાકી રહેવું અથવા તળાવમાં પોતાના ભાઇને પાણી સાથે મારી એને પાડી દેવો. કેરળમાં મોહિનીઅટ્ટમ નૃત્યના એક ભાગમાં મહિલાઓ દરિયાકિનારે દડાથી રમે છે. તેઓ માત્ર દડાને એકબીજા સામે ફેંકે છે કે પછી વોલીબોલ જેવી રમત રમી રહી હોય? આ અંગે આપણે તો માત્ર અનુમાન જ કરી શકીએ છીએ. જેમ, આપણું એક અનુમાન છે કે રાવણે કૈલાસ પર્વત ઊંચકેલો અથવા કૃષ્ણે ગોવર્ધન પર્વતને ઊંચકેલો વેઇટ-લિફ્ટિંગ માટે અને હનુમાનજીનો દરિયાને પેલે પાર કૂદકો મારવો એ લોંગ જમ્પનું પ્રતીક છે કે નહીં? ઇતિહાસવિદો અનુસાર, લગભગ 2000 વર્ષ પહેલાં મણિપુરમાં પોલોની રમત રમવામાં આવતી હતી. તેને સાગોલ (ઘોડા) પર બેસી કાંગજી (હોકી) કહેવામાં આવતી હતી. તુર્કી સરદારો અને મોગલ સૈનિકો આ રમત ભારતમાં લાવ્યા હતા. તેઓ દડાને સ્થાને મૃત ઘેટાનો ઉપયોગ કરતા હતા અને કેટલીક વાર ઘોડાને બદલે હાથી પર સવારી કરતા હતા. એક કિવદંતી અનુસાર, લગભગ 1500 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મ, માર્શલ આર્ટને કેરળથી ચીનના શાઓલિના મંદિરમાં લઇ ગયા હતા. ભારતના બૌદ્ધિક ઇતિહાસને કારણે રમત સંબંધિત આ ઇતિહાસને લોકો ભૂલી ગયાં છે. કદાચ એટલા માટે કે આપણે મનને શરીરનો એક હિસ્સો માની મનને વધારે મહત્ત્વ આપીએ છીએ. શું ઓલિમ્પિક ગેમ્સમાં આપણા ખરાબ દેખાવનું એક કારણ આ હોઇ શકે?⬛

અન્ય સમાચારો પણ છે...