સહજ સંવાદ:ગગન, નિર્મલ અને ભીતર-બહારની કૈલાસ-યાત્રા

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

ગુજરાતી સાહિત્યમાં પોતપોતાના ચકડોળ ભલે ફરતા રહે, પણ તેની સાથે હિન્દી અને બીજી ભાષાઓમાં કેવું સર્જન થઈ રહ્યું છે તેનો પણ પરિચય થતો રહેવો જોઈએ. મારા ટેબલ પર એક પુસ્તક આવ્યું છે. શીર્ષક છે: ‘અવાક્’. ગગન ગિલની કૈલાસ-માનસરોવર યાત્રાની અભિવ્યક્તિ છે. યાત્રાઓ વિશે આમ તો ઘણું લખાતું આવ્યું છે. લેખો અને નિબંધો, પ્રવાસકથાઓ. ગુજરાતીમાં કાકાસાહેબથી ભોળાભાઈ પટેલ અને અમૃતલાલ વેગડ સુધીના લેખકોનાં પુસ્તકો અભ્યાસક્રમમાં ગોઠવાયેલા છે, અધ્યાપકો તેનું વર્તુળ બનાવીને શીખવે છે. તેમની સાથે રાહુલ સાંસ્કૃત્યાયન કે આચાર્ય રઘુવીરના સંશોધન પર આધારિત પરિભ્રમણની વાત કઈ રીતે શક્ય બને? ગગન ગિલના જીવનમિત્ર હતા નિર્મલ વર્મા. સાહિત્યના નોબલ સન્માન માટે તેમનું નામ સૂચિત કરાયું હતું. ઉત્તમ નિબંધો, નવલકથાઓ, દેશદેશાંતરની યાત્રા કથાઓ તેમણે આપી હિન્દી સાહિત્યમાં તેઓ અજ્ઞેયની સમકક્ષ સર્જક હતા. અહીં અમદાવાદમાં તેમનું વાર્તા-પઠન થયું ત્યારે આઈ. આઈ. એમ.ના અતિથિ ગૃહમાં તેમને મળવાનું બન્યું પછી વડોદરામાં એક રાષ્ટ્રીય પરિસંવાદમાં. ગગન ગિલ તો જાણીતા અંગ્રેજી અખબારોમાં પત્રકારત્વ ક્ષેત્રે ત્યારથી પરિચય. પછી મોટી વયે ગગન-નિર્મલનું સ્નેહબંધન રચાયું ત્યારે. તે સમયે હું એક સામયિકનો સંપાદક હતો, તો ગગન ગિલનાં હિન્દી કાવ્યો અનુવાદિત કરીને પ્રકાશિત કર્યાં, મારી પત્ની આરતીએ નિર્મલ વર્માની નવલકથા ‘વે દિન’નો આસ્વાદ-લેખ લખ્યો તે વાંચીને તેમણે કહ્યું કે ગુજરાતી ભાષામાં બીજા ઘણા લેખકોના અનુવાદ આવવા જોઈએ. મેં તેમનું ધ્યાન દોર્યું કે બંગાળના રવીન્દ્રનાથ, શરદબાબુ, વિમલ મિત્રના અનુવાદો બીજી ભાષાઓની પહેલાં ગુજરાતીમાં થયા છે. ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઇએ પણ શરદબાબુની વાર્તાઓનો અનુવાદ કર્યો હતો. આ જાણીને તેઓ રાજી થયા અને મેં આપેલી જેલ-સ્મૃતિકથાનો હિન્દી અનુવાદ થવો જોઈએ એવું સૂચવેલું! ગગન ગિલની ‘અવાક’ કૈલાસની એવી યાત્રા છે જેમાં તેનું ગદ્ય ટૂંકાં વાક્યો, સંવાદ અને પ્રસ્તુતિ સાવ અલગ દેશમાં લઈ જાય છે. મનુષ્યની અંતરતમ ખોજની અહીં લકીર છે. ભક્તિ ખરી પણ મનુષ્ય ચેતનામાં ગોપિત એક ધૂંધળા ગંતવ્ય તરફની આશા. કૈલાસ સુધીની આ કહાણી આપણે પોતે જ યાત્રિક કે ઘુમક્ક્ડ બનીને કરતાં હોઈએ એવું અનુભવાય. ટિકિટ કઢાવી, સાથે ખાખરા લીધા, મોજમજા કરી, કૃતકૃત્ય થયા, ફોટો પાડ્યા.. આવી આ યાત્રા પસંદ કરનારને માટે આ પુસ્તક નથી. નિતાંત સાહિત્ય, સૌંદર્ય, ચિંતન અને કશા જ ભાર વિનાની એક પછી એક ગઠરી છૂટતી જાય છે. મળે છે કેવાં અને કેટકેટલાં પાત્રો, જીવંત અને પેલી પાર ચાલ્યાં ગયેલાઓ. દરેકની પોતાની આભા છે, અતીત છે અને વર્તમાન પણ. 218 પાનાંઓમાં, એક લામા રિનપોછેને અર્પિત. દરેક પાને નિજી અનુભૂતિને વ્યક્ત કરતાં ચિત્રો અને રેખાંકનો ઉપરાંત અનુભવની દુર્ગમ કેડીને જ હાથ આપતા કાવ્ય-નવલકથા-લેખના અંશો. માત્ર આઠ પ્રકરણોમાં કૈલાસ ભીતર-બહારની સાહિત્યિક યાત્રાનો અહેસાસ થાય છે. કોઈ ઉત્તમ નવલકથા જેવો તેનું પૂર્વ-કથન છે, મહાશિવ પુરાણના મૃત્યુ પામેલી પ્રિય સતી પાર્વતીના મૃતદેહને હાથમાં લઈને નીકળી પડેલા મહાદેવનું વર્ણન છે. અને પછી- ‘મારી પાસે એક વસ્ત્ર છે, નિર્મલ કાયાએ પહેરેલું અંતિમ વસ્ત્ર. મેં સાંભળ્યુ છે કે ત્યાં એક સ્થાન છે ‘ડોલમા-લા’. તારા દેવીની જગ્યા. તિબેટિયન ત્યાં પોતાનાં પ્રિયજનોને તારા દેવીની સુરક્ષા મળે તે માટે પ્રદક્ષિણા કરે છે. કૈલાશ કોરા. પ્રિયજને ઉપયોગમાં લીધેલી કોઈ વસ્તુ, વસ્ત્ર, વાળ વગેરે અહીં છોડીને જાઓ તો દેવી તેની રક્ષા કરે છે. મારે કૈલાશ જવું છે. મારે નિર્મલ માટે આ યાત્રા કરવી છે. તેનાં વસ્ત્રો, મોજાં, ખમીસ, સ્વેટર.. જતાં જતાં તે મોટી જવાબદારી મારા પર છોડીને ગયા હતા. વિધિપૂર્વક જવું છે. કહેવા માટે તો હું મોટી આસ્થાવાન, પણ કોઈ ધર્મનું એકદમ સાચું જ્ઞાન નહીં, અંત્યેષ્ટિ કર્મની ચોપડી માગવીને બધી વિધિ કરી. ક્યાંય કશું રહી ના જાય. બસ, આ તીર્થ-યાત્રા બાકી રહી ગઈ હતી. નિર્મલે જીવતા હતા ત્યારે જ કહી દીધું હતું. મારી સખી વેલ્લીની સાથે જવાનું નક્કી હતું. નિર્મલે સ્વપ્નિલ આંખે હા પાડી હતી. પણ તે યાત્રા શક્ય ના બની, બીમારી આવી. ઘર અને હોસ્પિટલ. વેલ્લીએ કહ્યું, ‘ચિંતા ના કરતી, હું એકલી જઈશ. નિર્મલના નામની પરકમ્મા કરીશ.’ જ્યારે તે બીમારીના બિછાને હતા, વેલ્લી માનસરોવરના જળમાં અર્પણ કર્યું તે જળ બીમાર નિર્મલને પીવડાવ્યું હતું. ‘તમે ઠીક થઈ જશો એટલે હું પરિક્ર્મા કરવા જઈશ તમારી. તેમણે હસીને મસ્તક હલાવ્યું. એક બાળકની જેમ તે ખુશ થઈ જતા. બીજાને પણ ખુશ કરે. આ તાકાત પર અમે વિકટ યુદ્ધ લડી રહ્યા હતા. … એક રાતે અમે ઘરે પાછા ફર્યા, હું અને નિર્મલનો દેહ. સામાનમાં તેમનો પોશાક હતો તે મેં લઈ રાખ્યો. કોઈ એક દિવસે દેવીને હું કહીશ કે લો, આમાં તે હતા. હજુ પણ છે. હવે, તારે રક્ષા કરવાની છે.’ મારે કૈલાશ જવું છે .. આટલા વાક્યથી આ પ્રકરણ પૂરું થાય છે, ને પછી 35 આવાં જ પ્રકરણો, કોઈ ભાર નહીં. અનુભવો, અનુભૂતિ બંને સહજ. ટૂંકાં વાક્યો. નિબંધની આ શૈલી સહજ રીતે ગગને આકારિત કરી છે. યાત્રા ભલે કૈલાશની, પણ તેનું નિમિત્ત સ્વર્ગસ્થ સાથી નિર્મલ છે અને ભીતર બહારની સંવેદના. આમ તો તેનાં બીજાં પુસ્તકો પણ છે. દેશ-વિદેશમાં ફેલોશિપ મળતી રહી. વિદેશના પ્રવાસો નિરંતર. ‘એક દિન લૌટેગી લડકી’, અંધેરેમેં યુદ્ધ, ‘દિલ્લી મેં’, ‘ઉનીન્દે’, અનુવાદો અને સાહિત્યિક સન્માન, પણ અહીં જે ગગન છે તે તેનો બીજો અવતાર છે. જન્મે શીખ ગગન ગિલ દલાઇ લામાની ઉપસ્થિતિમાં બૌદ્ધ બન્યા છે. અત્યારે નજરે ચડતી પ્રતિક્રિયાની જેમ નહીં, ભીતર-બહારની અંતરયાત્રા સાથે. ⬛vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...