ડૂબકી:નવા વર્ષના સંકલ્પો ભૂલી જવાની મજા

વીનેશ અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણે જે બાબતમાં બદલાવ લાવવા ખરેખર ઇચ્છતા હોઈએ એવા જ સંકલ્પ લેવા જોઈએ

દિવાળી પછીનો પ્રથમ દિવસ હોય કે પહેલી જાન્યુઆરી હોય, દરેક નવું વર્ષ માણસમાત્રમાં ઉત્સાહ જન્માવે છે, જાણે નવો જન્મ થયો હોય. ઘણા લોકો કેટલાય નવા સંકલ્પો સાથે નૂતન વર્ષનો આરંભ કરે છે, જીવનમાં નવો માર્ગ કંડારવાની યોજના બનાવે છે, બગડેલા સંબંધ સુધારવાના નિર્ણય લે છે. ટૂંકમાં દર નવા વર્ષની સવારે આપણે વીતેલા સમયની કાંચળી ઉતારી નવી કાંચળી ધારણ કરવાના મનસુબા ઘડીએ છીએ. ગુજરાતીના જાણીતા હાસ્યલેખક બકુલભાઈ ત્રિપાઠીનો એક લેખ છે – ‘નવા વર્ષના સંકલ્પો.’ એમણે લખ્યું છે: ‘જેમ શરદપૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષની હવા પણ સામાન્યજનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે. જીવનનાં વર્ષો નિરર્થક સરી જતાં લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું – કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. રસમીમાંસકો કહે છે કે ઉત્સાહના સ્થાયી ભાવનો સંચાર વીર રસ છે. એટલે જ કદાચ દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં ફેરવાઈ જાય છે.’ મોટે ભાગે તો નવા વર્ષે વીરતાપૂર્વક કરેલા સંકલ્પો આરંભે શૂરા જેવા સાબિત થાય છે. એ સંકલ્પો ગંભીરતાથી કર્યા હોય તો થોડા દિવસ ટકે છે. કોઈ શૂરવીર યોદ્ધાનું મસ્તક કપાય પછી પણ એનું ધડ લડતું રહે એમ આપણે પણ ટકી રહેવા તનતોડ મહેનત કરીએ છીએ. અંતે ‘હેમનું હેમ’ થઈ જાય છે. લેવા ખાતર લીધેલા નિર્ણય થોડા દિવસમાં ધૂળ ભેગા થઈ જાય છે. સંકલ્પોને સાકાર કરવા તકલાદી પ્રેરણાથી કામ બનતું નથી. એ માટે આપણે જાતે આપણી મર્યાદાઓને પ્રામાણિકતાથી તપાસી ખુદનું વ્યક્તિત્વ નવા રૂપે ઘડવું પડે છે. અન્ય લોકોના કહેવાથી કે કોઈની દેખાદેખીથી કરેલા સંકલ્પોને સક્રિયતામાં ઢાળવા દૃઢ મનોબળની આવશ્યકતા રહે છે. આપણે જે બાબતમાં બદલાવ લાવવા ખરેખર ઇચ્છતા હોઈએ એવા જ સંકલ્પ લેવા જોઈએ. બીજાના આગ્રહને વશ થઈને કોઈ નિર્ણય લેવા જોઈએ નહીં. બકુલભાઈએ સિગારેટ છોડવાના સંકલ્પનું ઉદાહરણ આપ્યું છે: ‘ઘણુંખરું અરસિક પત્નીઓના આગ્રહ અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે... સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પોને પણ વેરાઈ જતાં વાર નથી લાગતી.’ બકુલભાઈના મતે ‘નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢની ઝાકળ. બે ઘડીના સંતોષ પાછું ઊડી જવાનું. વૈશાખની બપોરની જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના કો’ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રમાડી-રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરી, તબલાની એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઊડી જાય છે.’ આમ જોઈએ દર નવું વર્ષ જ શા માટે, દરેક નવો દિવસ પણ નવી શરૂઆતની તક આપે છે. નવા દિવસે વીતેલા દિવસમાં મેળવેલી સફળતા કામ લાગતી નથી. એક મોટા શહેરનું રેસ્ટોરન્ટ ભોજન અને સર્વિશ માટે જાણીતું હતું. એના માલિકને દરરોજ સંતુષ્ટ ગ્રાહકોના ફોન આવતા અથવા ઈ મેઇલ આવતા. માલિક બીજે દિવસે એનું રેસ્ટોરન્ટ ગ્રાહકો માટે ઉઘાડતા પહેલાં સ્ટાફના સભ્યોની મીટિંગ કરતો અને એને આવેલા ફોન તથા ઈ મેઇલની ચર્ચા કરતો. પછી કહેતો: ‘આ બધી આપણે રાજી થવા જેવી બાબત છે, પરંતુ આ પ્રશંસા તમે આ ક્ષણે જ ભૂલી જજો. એ ગઈ કાલની વાત હતી, આજે નવો દિવસ છે. આજે આપણે વધારે સારો ફૂડ અને વધારે સારી સર્વિશ આપવાનો નિર્ણય કરવાનો છે. આપણો દરેક દિવસ નવી શરૂઆત છે.’ આપણે ભૂતકાળની સિદ્ધિ પર આધાર રાખીને આજની શરૂઆત કરી શકીએ નહીં. વર્તમાનમાં જીવવા માટે આપણને ગઈ કાલ અને આવતી કાલ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બંને પર નજર રાખવી જોઈએ. રોમની પ્રૌરાણિક કથામાં ‘જેનસ’ નામનો એક દેવ છે. એ દેવના બે ચહેરા વિરુદ્ધ દિશામાં જુએ છે. એ વીતેલો સમય અને આવનારો સમય એકસાથે જોઈ શકે છે. ખ્રિસ્તી નવા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીનું નામ આ ‘જેનસ’ પરથી પડ્યું છે. જાન્યુઆરી વીતેલા વર્ષમાંથી બહાર નીકળી નવા વર્ષમાં પ્રયાણ કરવાનો સમય છે, આપણે પણ આપણા નવા વર્ષના આરંભના સમયને જૂના અને નવા સમય વચ્ચેનો પુલ માનવો જોઈએ. નવા વર્ષના સંકલ્પોમાં એ પુલ નિષ્ઠા અને સજ્જતાપૂર્વક પાર કરવાનું ધ્યેય ઉમેરવું જોઈએ. અંગ્રેજીના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈને પહેલી જાન્યુઆરી, ૧૮૬૩ની સવારે એમની કોલમમાં લખ્યું હતું: ‘ગઈ રાતે આપણે છેલ્લી સિગારેટ પીધી હતી, છેલ્લું ડ્રિન્ક લીધું હતું અને નવા શપથ લીધા હતા. આજે સવારે આપણે સૌથી પવિત્ર સમાજના સભ્યો છીએ. એ વાત જુદી છે કે થોડા જ દિવસોમાં આપણે આપણા બધા શપથ – નવા સંકલ્પ ભૂલી જઈશું અને યાદ કરીશું કે એક વર્ષ પહેલાં આપણે આપણા સંકલ્પો ભૂલી જવાની કેવી મજા કરી હતી!’ ⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...