સહજ સંવાદ:પૂરાં પાંચ વર્ષનું સાહિત્યિક ગુજરાત…

18 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • સાહિત્યિક ગુજરાતનો અનુભવ એવી આશા જગાવે છે કે હજુ ઘણાં ક્ષેત્રો વિસ્તારવાનાં બાકી છે

વરસાદી મોસમમાં એક પંક્તિ હોઠે આવે છે, ‘આકાશ તો બરસેગા, આજ, કલ યા પરસો, યા ફિર બરસો કે બાદ. બીજ બોના ચાહિએ, મિટ્ટી સે ભી પ્યાર હોના ચાહિએ! નિમિત્ત તો ગુજરાતી, હિંદી, સંસ્કૃત, કચ્છી, ઉર્દૂ અને સિંધી ભાષા અને તેના સાહિત્ય માટે કાર્યરત ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષ તરીકે પાંચ વર્ષના હિસાબનું છે પણ એ નિમિત્તે સંપૂર્ણ ગુજરાત અને કવચિત્ કોલકાતા, હૈદરાબાદ, જયપુર, ઉદયપુર, ભોપાલ, વિજયવાડા, મુંબઈમાં સાહિત્યિક ગુજરાતની આબોહવાના સાક્ષી બનવાનું થયું તેની વાત. સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, તેમજ શાળા-મહાશાળાઓમાં ગુજરાતી માટેના પ્રયાસ ઉપરાંત છેક અંતરિયાળ વિસ્તારોમાં પણ લેખન માટેની તત્પરતા વધી છે. માધ્યમોએ તેને બળ આપ્યું. પરિણામે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ઉમેરાયા તે મહત્ત્વનો પ્રવાહ છે. કચ્છમાં સિંધી, હિંદી, ગુજરાતી અને કચ્છી સાહિત્ય રચાયું, તેના ઉત્સવોનો રંગ અનેરો હતો. હવે ત્યાંની યુનિવર્સિટીમાં સંસ્કૃત વિદ્વાન અને સ્વાતંત્ર્ય મહારથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અને લોકસાહિત્યકાર કારાણીની પ્રતિમા શોભે છે. એક ગણતરી પ્રમાણે 1000 પરિસંવાદ, વ્યાખ્યાન, વેબિનાર ને ગોષ્ઠી તેમજ શિબિરો થયાં. દરેક જગ્યાએ કોઈને કોઈ આશા પેદા કરે તેવી સર્જક્તા જોઈ. માત્ર સર્જક્તા નહીં, તેનો માહોલ પણ. તે ય વિવિધ પ્રવાહો સાથે. મદનમોહન માલવિયાથી પ્રેરિત કાશી યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રના અધ્યાપક ડો. રામદાસ ગૌડ હિંદુ દર્શનના વિશ્વકોશ જેવો ગ્રંથ લખે અને તે 70 વર્ષથી ઉપલબ્ધ ના હોય તેનું પુન:પ્રકાશન ગુજરાતમાં થાય અને આદરણીય રાજયપાલ લોકાર્પિત કરે, છેક ટંકારામાં બેસીને 80 વર્ષના, શાળા-કોલેજના શિક્ષણથી વંચિત દરજીકામ કરી ચૂકેલા દયાળજી પરમાર (હવે આર્યસમાજ દીક્ષિત મુનિ દયાળ નામે પરિચિત)નું તેમણે સમગ્ર વેદના ગ્રંથોનું ગુજરાતીમાં અવતરણ કર્યું તેને માટે અકાદમી તેમના ગામ ટંકારામાં જઈને એક લાખ રૂપિયાનું ગૌરવ સન્માન કરે તેમાં રાજભવન બીજા બે લાખ રૂપિયા ઉમેરે, છેક ઓડિશાના પદ્મશ્રીથી સન્માનિત વયોવૃદ્ધ કવિ રજતકુમાર કરનું જગન્નાથજીની સંવેદના આલેખતું પુસ્તક તેમની ભાષામાં કરે તેનો સુંદર ગુજરાતી અનુવાદ થાય અને તેના લોકાર્પણ માટે નાગપુરથી મોહનરાવ ભાગવત અમદાવાદ આવે, સાહિત્ય અને પત્રકારત્વમાં ઊંચાઈ પ્રાપ્ત સુરેશ જોશી અને કૃષ્ણલાલ શ્રીધરાણીની કાયમી સ્મૃતિની ‘ચેર’ (જ્ઞાનપીઠ) આંબેડકર અને ગુજરાત યુનિવર્સિટીમાં સ્થાપિત થાય… આ અનોખાં ઉદાહરણ આ વર્ષોમાં ઉમેરાયાં. તેનો વ્યાપ બીજા ઉત્સવોને ઉમેરતો રહ્યો. અમે ગયા હતા ત્રાપજ નામના ગામે, ભાવનગર જિલ્લાના આ નાનકડા ગામના કવિ ત્રાપજકરે સિત્તેર વર્ષ પૂર્વે નાટક કંપની અને નાટકો રચ્યાં તે જોવા વડોદરાથી મુંબઈ ખાસ ટ્રેનો જતી. તે પુસ્તકોનાં પ્રકાશન પછી અહીં, આ ગામડામાં ઉત્સવ થયો. 10000 ગ્રામજનો અને મોરારિબાપુની સાહિત્યકેન્દ્રી વાણી, ગામે બધાને હરખભેર જમાડ્યા અને ગ્રામજનોએ પોતાના કવિના નાટકનાં પુસ્તકો ખરીદ્યાં! કવિ નિરંજન ભગતે આ વર્ષોમાં વિદાય લીધી. ખરા અર્થમાં મોટા ગજાના સાહિત્યકાર. બીજા પણ કેટલાક આપણી વચ્ચે રહ્યા નહીં. ભગવતી કુમાર શર્મા સાહિત્યિક પત્રકાર પણ હતા. તેમને ગૌરવ સન્માન આપવા અમે સુરત ગયા ત્યારે હોસ્પિટલમાં હતા. ત્યાં જઈને જ્યારે આ ઍવોર્ડ એનાયત કર્યો ત્યારે પથારીમાં સૂતાં સૂતાં પાંચ મિનિટ બોલ્યા અને કહ્યું, ‘મેં તો તમને માત્ર શબ્દ આપ્યો, તમે સન્માન આપી રહ્યા છો.’ કાનજી ભુટા બારોટથી નવી પેઢી ક્યાંથી પરિચિત હોય? અમરેલીમાં આ સ્વર્ગસ્થ લોકવાર્તાકારને ભવ્ય રીતે યાદ કરાયા. સિંધ પાકિસ્તાનના રામસિંહ સોઢાએ તો "સિંધકા હિંદ’ આત્મકથા લખી, જેમાં થરપારકરનું જીવંત વર્ણન અને ભાગલા દરમિયાનના રાજકારણનું બયાન છે. એક વધુ અનુવાદિત નવલકથા ‘જે એન યુ મેં એક લડકી રહતી થી’ને ગુજરાતી વાચકોએ એટલી પસંદ કરી કે તેની ત્રણ આવૃત્તિ કરવી પડી. ઉર્દૂ-ગુજરાતી દળદાર શબ્દકોશ પ્રા. બોમ્બેવાલા અને કે. કા. શાસ્ત્રી દ્વારા તૈયાર થયો તેની મેઘાણી પુસ્તકમાળા જેટલી જ માગ રહી. હા, સર્જકનું સન્માન એ સાંસ્કૃતિક સમાજની સાચી પહેચાન છે. પ્રતિ વર્ષ અકાદમી અને પરિષદ બંને શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક આપે છે. નવોદિતોનો હાથ પકડીને સહયોગ આપે છે. 1000થી વધુ તેવાં પુસ્તકો પ્રકાશિત થયાં. સંસ્થાના સંવર્ધન માટે મકાન પણ જોઈએ. અકાદમીનું પોતાનું ભવન તૈયાર થઈ રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનું શિલારોપણ કર્યું અને ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં તેને ‘મેઘાણી ભવન’ નામ આપ્યું. ઇરાદો તો એવો સંકલ્પિત હતો કે તેને હેરિટેજ લિટરેચરનો આકાર આપવો. નવી પેઢી ગાંધીનગરમાં મહાત્મા મંદિર કે અક્ષરધામ જોવા આવે છે તેવી રીતે ગુજરાતનો કેવો ભવ્ય સાહિત્યિક વારસો છે તેનું ડિજિટલ સંગ્રહાલય જોવા મળે. સપનાને વાસ્તવિકતામાં બદલવા માટે વાતોનાં વડાં કે ઢોલ નગારા શરણાઈની જરૂર નથી, દૂરદૃષ્ટિ અને તેના ક્રિયાન્વયનનો પુરુષાર્થ જોઈએ. વીતેલાં પાંચ વર્ષનાં સાહિત્યિક ગુજરાતનો અનુભવ અને અનુભૂતિ એવી આશા જગાવે છે કે હજુ ઘણાં ક્ષેત્રો વિસ્તારવાનાં બાકી છે. અકાદમીએ સાહિત્ય, ઇતિહાસ અને પત્રકારત્વના દરવાજે દસ્તક દીધા, હમણાં અધ્યક્ષપદેથી મુક્ત થયો તો 25000થી વધુ સાહિત્યપ્રેમીઓના સંદેશા એક યા બીજી રીતે મળ્યા અને સાંસ્કૃતિક ગુજરાતને વંદના કરવાનું મન થયું! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...