તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માય સ્પેસ:‘મિર્ઝા ગાલિબ’થી ‘મિરઝાપુર’ સુધી...

2 મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક
  • ‘મિરઝાપુર’ જેવી સીરિઝને ભલે રેટિંગ્સ મળતા હોય, પણ ‘1992 સ્કેમ’ વધુ રેટિંગ લઈ જાય છે, કેમ કે સંસ્કારી પરિવારની સીરિઝ સાથે બેસીને પરિવાર જોઈ શકે છે

‘મીડિયાને કારણે લોકોમાં એક ડર ફેલાઈ ગયો છે. કોઈ પણ ક્ષેત્રની હસ્તીઓની પ્રાઈવસી હવે જોખમમાં છે. સમાચાર ચેનલો પોતાની ટીઆરપી વધારવા માટે પ્રસિદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરીને એમના અંગત જીવનની ચર્ચા જાહેરમાં કરે છે, જે યોગ્ય નથી.’ જસ્ટિસ રાજીવ શકધરની બેન્ચમાં તા. 9મી નવેમ્બરે આ કોમેન્ટ કરવામાં આવી. સાથે જ કેટલીક ચેનલ્સને ચેતવણી આપવામાં આવી કે એમણે કન્ટેન્ટ ઉપર કંટ્રોલ રાખવો. જસ્ટિસ રાજીવ શકધરે કહ્યું કે, ‘દૂરદર્શનનો યુગ ઘણો સારો હતો!’

આજે કેટલાય પરિવારોમાં આ વાત સાંભળવા મળે છે. ઓટીટીના પ્લેટફોર્મ પર અનેક દેશી-વિદેશી કંપનીઓ કાર્યરત છે. બધા પોતપોતાના કન્ટેન્ટ માટે યુદ્ધ કરી રહ્યા છે ત્યારે આજે પણ 1984માં દૂરદર્શન પર રજૂ થયેલી શ્રેણી ‘હમ લોગ’ને લોકો ભૂલી શકતા નથી. કોવિડના લોકડાઉનના સમયમાં ‘મહાભારત’ અને ‘રામાયણ’ ફરીથી રજૂ કરવામાં આવી, ત્યારે એની ટીઆરપી જરાય ઓછી નહોતી. અર્થ એ થાય છે કે આપણને હજી પણ સારું, ફેમિલી કન્ટેન્ટ જોવામાં રસ પડે છે. ‘મિરઝાપુર’ અને ‘પાતાલલોક’ જેવી સીરિઝને ભલે રેટિંગ્સ મળતા હોય, પણ એની સામે ‘1992 સ્કેમ’ વધુ રેટિંગ એટલા માટે લઈ જાય છે, કારણ કે એક સંસ્કારી ગુજરાતી પરિવારની સીરિઝ સાથે બેસીને આખો પરિવાર જોઈ શકે છે. સાચું પૂછો તો થિયેટર બંધ થયા પછી આખો પરિવાર સાથે બેસીને માણી શકે એવા મનોરંજનની ખોટ ઊભી થઈ છે. લગભગ દરેક ઓરડામાં પોતપોતાના ટીવી છે, યુવાન અથવા ટીનએજ બાળકો પોતાના લેપટોપ કે આઈપેડ પર ઓટીટીના પ્લેટફોર્મ સુધી પહોંચે છે. ઘરના વડીલો સમાચાર કે સ્ત્રીઓ ‘સિરિયલ’ (સોપ ઓપેરા) જુએ છે... પરંતુ ટેલિવિઝન ધીમે ધીમે રિગ્રેસિવ એટલે કે પછાત થતું જાય છે. એની સામે વધુ ને વધુ વિદેશી શો ભારતીય કન્ટેન્ટ ઉપર અસર કરતા થઈ ગયા છે. સોશિયલ મીડિયા ધીરે ધીરે ભારતીય ટેલિવિઝનને ખાઈ જશે એવો ભય સેવવામાં આવે છે, પરંતુ એની સામે આંકડા મૂકીને વિચારીએ તો સમજાય કે ઓટીટીના પ્લેટફોર્મ તો માત્ર ઈન્ટરનેટ અને સબસ્ક્રિપ્શન ચૂકવી શકતા લોકો માટે જ છે. દૂરદર્શન સૌને માટે, સૌના ઘર સુધી પહોંચતું એક પારિવારિક મનોરંજન છે.

ડીડી તરીકે ઓળખાતું આ એક સ્વાયત્ત પબ્લિક સેક્ટર બ્રોડકાસ્ટર છે. એની સ્થાપના ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાએ કરી હતી. પ્રસાર ભારતીના બે ડિવિઝનમાંથી આ એક છે. સ્ટુડિયો અને ટ્રાન્સમિશનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસારણમંત્રાલયની માલિકીના છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે 15મી સપ્ટેમ્બર, 1959માં દૂરદર્શનની સ્થાપના કરવામાં આવી. એક નાના ટ્રાન્સમિશન સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય એવા મેકશિફ્ટ સ્ટુડિયો દ્વારા શરૂઆતના કાર્યક્રમો રેકોર્ડ અને ગણતરીના ટીવી સેટ પર પ્રસારિત કરવામાં આવ્યા. 1965માં ઓલ ઈન્ડિયા રેડિયોના ભાગ તરીકે રેગ્યુલર ડેઈલી ટ્રાન્સમિશન શરૂ કરવામાં આવ્યું. એ વખતે પ્રતિમા પુરી અને સલમા સુલતાન દૂરદર્શન સાથે જોડાયાં. 1967માં નિયમિત સમાચાર પ્રકાશિત થવાના શરૂ થયા. ‘કૃષિદર્શન’ 26 જાન્યુઆરી, 1967ના દિવસે (ભારતીય ટેલિવિઝનનો સૌથી લાંબો ચાલેલો કાર્યક્રમ) રજૂ કરવામાં આવ્યો. જે આજે પણ ચાલે છે. 1972માં મુંબઈ અને અમૃતસરના સ્ટેશન શરૂ કરવામાં આવ્યા. 1975 સુધી ભારતના ફક્ત 7 શહેરોમાં ટેલિવિઝન સર્વિસ હતી અને દૂરદર્શન આ દેશનું એક માત્ર ટેલિવિઝન બ્રોડકાસ્ટર અથવા પ્રોવાઈડર હતું. 1લી એપ્રિલ, 1976ના દિવસે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનને એકબીજાથી અલગ કરવામાં આવ્યા અને બંને માટે અલગ ડિરેક્ટર જનરલની પોસ્ટ ઊભી કરવામાં આવી. 1982માં કલર ટેલિવિઝન ઘર ઘર સુધી પહોંચ્યું.

અત્યારે 46 સ્ટુડિયો અને 21 ચેનલ સાથે 17 રિજિઓનલ સેટેલાઈટ ચેનલ, 11 સ્ટેટ નેટવર્ક અને એક ઈન્ટરનેશનલ ચેનલ સ્પોર્ટ્સ ચેનલ, ભારતી ઉર્દૂ, કિસાન અને ડીડી નેશનલ જેવી અનેક ચેનલ સાથે દૂરદર્શન 24 કલાક ન્યૂઝ અને મનોરંજન પહોંચાડી રહ્યું છે. 13 એપ્રિલ, 2020ના દિવસે (કોરોનાને કારણે) ડીડી રેટ્રો લોન્ચ કરવામાં આવ્યું. જેમાં જૂના ક્લાસિક શો દૂરદર્શન પર ફરીથી રજૂ થવાના શરૂ થયા. ગુજરાતી દૂરદર્શનની વાત કરીએ તો 1977માં એક કિલોવોટનું એનીસી ટ્રાન્સમિશન પીજ (ખેડા જિલ્લા)માં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન યુનિટ (ઈસરો) દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું. 19 નવેમ્બર, 1983ના દિવસે અમદાવાદમાં આવેલું અત્યારનું (થલતેજ) દૂરદર્શન કેન્દ્ર ખૂલ્યું. 1985માં એને 10 કિલોવોટ સુધી અપગ્રેડ કરવામાં આવ્યું અને અમદાવાદ કેન્દ્ર 2જી ઓક્ટોબર, 1987ના દિવસે અસ્તિત્વમાં આવ્યું. અત્યારનું કેન્દ્ર 99.4 ટકા ગુજરાત અને ગુજરાતીઓ સુધી પહોંચે છે!

એની સામે સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન (સેટ) 21 નવેમ્બર, 1995ના દિવસે અલગથી લોન્ચ કરવામાં આવ્યું. જે જાપાનીઝ કંપની સોનીની સબસિડરી કંપની છે. 2019ના એન્યુઅલ રિપોર્ટમાં સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનની આવકમાં 6309 કરોડનો નફો જાહેર કરવામાં આવ્યો છે. જે આગલા વર્ષ કરતા 136.36 ટકા વધારે છે. નેટફ્લિક્સ ઈનકોર્પોરેટ અમેરિકન ટેકનોલોજી અને મીડિયા સર્વિસ પ્રોવાઈડર છે. એનું હેડક્વાર્ટર લોસ ગેટોસ, કેલિફોર્નિયામાં છે. 1997માં એસ્ટાબ્લિશ થયેલી આ કંપની રીડ હેસ્ટિંગ્સ અને માર્ક રેન્ડોલ્ફ દ્વારા સ્થાપવામાં આવી. ઓક્ટોબર, 2018માં એમણે બે બિલિયનનું દેવું જાહેર કરીને નવું કન્ટેન્ટ ઊભું કરવા માટે ફંડની મદદ માગી અને 10 જુલાઈ, 2020માં નેટફ્લિક્સ વિશ્વની લાર્જેસ્ટ એન્ટરટેનમેન્ટ મીડિયા કંપની તરીકે બહાર આવી. મૂળ ડીવીડી ભાડે લેવાના સ્ટોર તરીકે 30 કર્મચારી અને 925 ટાઈટલ્સ સાથે શરૂ કરવામાં આવેલી આ કંપની આજે અબજો રૂપિયાની પ્રોપર્ટી અને સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. 2002માં સૌથી પહેલો આઈપીઓ બજારમાં આવ્યો. એક શેરના પંદર ડોલરના ભાવે બજારમાં મૂકાયેલો આ શેર આજે 8.99 ટકા નીચે ઊતર્યા પછી 470.50 અમેરિકન ડોલરનો છે! એના પછી વારો આવે છે સ્ટાર ટેલિવિઝન નેટવર્કનો. જેને આપણે હોટસ્ટાર તરીકે પણ ઓળખીએ છીએ. ઓર્લેન્ડ ઓફ ફ્લોરિડામાં એની હેડ ઓફિસ છે. સ્ટારકાસ્ટ અને પછી સ્ટાર ટેલિવિઝન નેટવર્ક, પછી સ્ટાર તરીકે શરૂ થયેલું આ નેટવર્ક 1950 અને 1960માં મૂવી અને ગેમ શો માટે અમેરિકામાં જાણીતું હતું. એનું સ્લોગન ‘ટીવી હેવન’ હતું. અમેરિકાના ઓક્ટોબર, 1987ના બ્લેક મન્ડેના સ્ટોક માર્કેટના ક્રેશ પછી મોટા ભાગના ઈન્વેસ્ટર્સે પોતાના પૈસા પાછા ખેંચી લીધા. એપ્રિલ, 1989માં ફરી એક વાર સ્ટાર ટેલિવિઝન નેટવર્કના નામે આ લોન્ચ કરવામાં આવ્યું. 2019માં ધી વોલ્ટ ડિઝની કંપની સાથે એક્વેઝિશન પૂરું કરીને સ્ટાર હવે વોલ્ટ ડિઝનીની માલિકીનું બન્યું છે. જેફ બેઝોસ જુલાઈ 1994ના દિવસે સીએટલમાં એમેઝોન નામની કંપની લોન્ચ કરે છે. માઈક્રોસોફ્ટ અહીંયા આવેલું છે એટલા માટે એણે સીએટલ પસંદ કર્યું. મે, 1997માં એનો પબ્લિક ઈશ્યુ બહાર પડ્યો અને 1998માં એમણે મ્યુઝિક અને વિડિયો વેચવાના શરૂ કર્યા. ચાર જ વર્ષમાં કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ અને 2002માં એમેઝોન વેબ સર્વિસ, એમેઝોન ડેટા પ્રોવાઈડર્સ, કોમ્પ્યુટ ક્લાઉડ, સિમ્પલ સ્ટોરેજ સર્વિસની સાથે સાથે 2017માં ફૂડ માર્કેટ અને એફએમસીજીની પ્રોડક્ટ ઘેર-ઘેર પહોંચાડવાની એક નવી જ સર્વિસ સાથે એ આંતરરાષ્ટ્રીય બજારમાં દાખલ થઈ.

ક્રિસ્ટોફર વિલિયમ્સનું એક પુસ્તક ‘બેટલ ફોર સ્કાય’ આવી મોટી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીના અંદરોઅંદરના યુદ્ધ અને એમની સ્ટ્રેટેજીઝ વિશે કરેલા કેટલાક જાણીતી વ્યક્તિઓના ઈન્ટરવ્યૂઝનું પુસ્તક છે. કન્ટેન્ટ અને ટીઆરપી માટે કેવા અને કેટલા પ્રકારના દાવ અજમાવવામાં આવે છે, રેવન્યૂ માટે આવી કંપનીઓ કઈ હદે જાય છે એ વિશેનું રસપ્રદ અને આંખ ઉઘાડી નાખે એ વિશેની વિગતો આ પુસ્તકમાં છે. આ બધા વિદેશી કન્ટેન્ટ ધરાવતા એવાં મોટાં નેટવર્ક છે, જેનો નફો અબજો રૂપિયામાં વિદેશી માલિકો પાસે જાય છે. ભારતીય નિર્માતા-દિગ્દર્શક-અભિનેતાઓ એમની સાથે કામ કરતા તલપાપડ છે, કારણ કે એમનું સર્જન ભારતમાં જ નહીં, વિશ્વભરના પ્રેક્ષકો સુધી પહોંચે છે. જેની સામે દૂરદર્શન ઘણું જૂનું, નિઃશુલ્ક અને વધુ સ્વચ્છ કોન્ટેન્ટ આપતું હોવા છતાં એના સરકારી રવૈયાને કારણે હજી સુધી ભારતીય દર્શકોને આકર્ષી શક્યું નથી.

‘હમ લોગ’, ‘ખાનદાન’, ‘સૈલાબ’, ‘શ્રીકાંત’, ‘નુક્કડ’, ‘કરમચંદ’ કે ‘મિર્ઝા ગાલિબ’ જેવી અદ્્ભુત સિરિયલો દૂરદર્શને એ સમયે રજૂ કરી છે, જ્યારે આ વિદેશી ટેલિવિઝન અને ઓટીટીના પ્લેટફોર્મ ભારત સુધી પહોંચ્યા નહોતા. ત્યારે ગુલઝાર, રવિ રાય અને બી.આર. ચોપરા જેવા મોટા નિર્માતા-દિગ્દર્શકોને આમંત્રિત કરીને દૂરદર્શન એમની પાસે સારું કન્ટેન્ટ તૈયાર કરાવવાની જહેમત ઉઠાવતું હતું. આજે જ્યારે વધુ પ્રેક્ષકો, વધુ મોટી રિચ અને વધુ સગવડ ઊભી થઈ છે ત્યારે આપણું પોતાનું પ્લેટફોર્મ પાછું પડે છે અને વિદેશી કોન્ટેન્ટ આપણા ઘરોમાં ઘૂસતું જાય છે. કોણ જવાબદાર છે? ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી? સરકાર? કે પછી આપણે પ્રેક્ષકો? kaajalozavaidya@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser