ડૂબકી:ચેરાપૂંજીનો ચારસો પચાસ ઈંચ વરસાદ

21 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

કાળઝાળ ઉનાળામાં મેઘાલયના ચેરાપૂંજીનો ધોધમાર વરસાદ કિનફમ સિંગ નોનગ્કિનરિહની હજાર પાનાની અંગ્રેજી નવલકથા ‘ફ્યૂનરલ નાઇટ્સ’માંથી અચાનક મારા પર ખાબક્યો. લેખક ચેરાપૂંજીના વતની છે. એ કહે છે: ‘ચેરાપૂંજીનો પવિત્ર વરસાદ, ઘટાટોપ વાદળાં, દેવદૂત જેવું સોહામણું ધુમ્મસ નાનપણથી મારા આત્માનો હિસ્સો બની ગયાં છે.’ મેઘાલયનો અર્થ જ મેઘ – વાદળો – નું ઘર. એમાંય ચેરાપૂંજીનું નામ ચારસો પચાસ ઈંચ વરસાદ સાથે જોડાયેલું છે. ચોમાસું એપ્રિલથી શરૂ થાય તે છેક સપ્ટેંબર સુધી ચાલે. આમ તો જાન્યુઆરી-ફેબ્રુઆરીથી જ વરસાદ શરૂ થઈ જાય. વર્ષના આટલા બધા મહિના વરસાદની વચ્ચે જીવતી પ્રજાની દરેક પ્રવૃત્તિ વરસાદમય થઈ જાય. વરસાદમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. મોટા ભાગના કામધંધા ઠપ્પ થઈ જાય. એક સ્થાનિક માણસે કહ્યું તેમ ‘રોજનું કમાતા લોકો ચોમાસામાં ગુપ્તવાસની તૈયારી કરતી કીડીઓની જેમ આગોતરી વ્યવસ્થા કરવા માંડે છે.’ તેઓ જાણે છે કે વરસાદમાં ઘરની બહાર નીકળવું અસંભવ બની જશે. લોકો ઘર-ઝૂંપડીનાં સમારકામ કરી લે. સ્ત્રીઓ વાંસ અને પાંદડાંની મોટા ઘેરાવાની છત્રીઓ બનાવવા લાગે. ગયા ચોમાસામાંથી માંડ પરવાર્યા હોય ત્યાં તો નવું ચોમાસું બેસી જાય.

મેઘાલય-ચેરાપૂંજીની ખાસી જાતિના લોકોની બોલીમાં વરસાદનાં વિવિધ રૂપોની ઓળખાણ આપવા માટે અલગ-અલગ શબ્દો છે. આપણી જેમ મુશળધાર, ધોધમાર, ઝરમરિયોના અર્થ જેવા શબ્દો એમની બોલીમાં પણ છે, તો વરસાદનાં અલગ-અલગ સ્વરૂપો દર્શાવવા તેઓ વિશિષ્ટ શબ્દપ્રયોગો કરે છે. જેમકે ‘વાંસની પાઈપમાંથી વરસતો વરસાદ,’ ‘કાળો ડિબાંગિયો વરસાદ,’ ઘરોમાં અને ભીનાં કપડાંમાં ભરાઈ જતી વરસાદી ગંધ માટે ‘ભેજલિયો વરસાદ’. વરસાદ કેટલા દિવસ સળંગ વરસ્યો એ દર્શાવવા ‘ત્રણ દિવસિયો – છ દિવસિયો – નવ દિવસિયો’ જેવા શબ્દપ્રયોગો છે. ચેરાપૂંજીના લોકોએ બાર દિવસ અને બાર રાત એકધારો વરસેલો વરસાદ પણ જોયો છે. તો એને ‘બાર દિવસિયો વરસાદ’ કહે છે. પાણીની વાછંટ લોકોના વાળ અને કપડાં પર ચોંટી જાય તો એ વરસાદને તેઓ ‘જૂ-લીખ જેવો વરસાદ’ કહે છે. ‘માનવભક્ષી વરસાદ’ જેવી ઓળખ પણ છે કારણ કે દે-માર વરસતો ભયાનક વરસાદ એકાદ-બે જણનો ભોગ ન લે ત્યાં સુધી અટકતો નથી.

પહાડો પરથી ઊતરેલાં વાદળાં ત્રમઝટ વરસવા લાગે ત્યારે પતરાંનાં છાપરાંના ઘરોમાં રહેતા લોકો આખી રાત પ્રાર્થના કરતા રહે છે: ‘માબ બ્લેઈ, માબ બ્લેઈ...’ – ભગવાન, અમને માફ કરો, માફ કરો. શાંતિથી વરસતો વરસાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે છાપરાં ઊડવા લાગે, જંગલો આમથી તેમ ગાંડા લયમાં ફંગોળાય, વૃક્ષો તૂટીને નીચે પડે, પહાડો સાથે અફળાતી મેઘગર્જનાના પડઘા પડે, ભેખડો ધસી પડે, નદીમાં ઘોડાપૂર આવે, ચારે બાજુ વહેતા પાણીનો પ્રવાહ ધોધમાં ફેરવાઈ જાય. સૂરજ દિવસો સુધી વાદળાં પાછળથી નીકળે નહીં. એથી જ સ્થાનિક કવિઓ ત્યાંની વર્ષાઋતુને ‘ગાઢ અંધકારની ઋતુ’ કહે છે. રેપસોન્ગ નામના ચેરાપૂંજીના વતનીના શબ્દોમાં: ‘અમે આખો મહિનો સૂરજ જોયો ન હોય એવું પણ બને છે. ત્યાર પછી પણ સૂરજ થોડીક જ વાર માટે ડોકિયું કરે, જાણે જોવા આવ્યો હોય કે અમે જીવતા તો છીએને!’

વરસાદ રહી જાય અને આકાશ ચોખ્ખું થાય ત્યાં તો ચારે કોર ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે. બધે જાણે અલૌકિક અજવાળું પથરાઈ ગયું હોય. હવામાં તરતું ધુમ્મસ ઊડતી શેતરંજી જેવું લાગે. ધરતી પરથી ઊઠી આકાશ સુધી છવાતાં ધુમ્મસને ત્યાંના લોકો ‘ધરતીનાં વાદળ’ કહે છે. બારી-બારણાંની તિરાડોમાંથી ધુમ્મસ ઘરમાં ઘૂસી આવે અને બધું ભીનું અને ભેજલ બની જાય. ઘરના ખૂણામાં લટકતાં જાળાં પર ધુમ્મસ ચોંટવાથી હીરા ચળકતા હોય એવું દૃશ્ય ઊભું થાય. લોકોના વાળ અને ભમરો પર પણ ધુમ્મસની હીરાકણી ચોંટી જાય.

કોતરો, કંદરા, ખીણો, જંગલો ધુમ્મસમાં ઢંકાઈ જાય. નજીકનું પણ દેખાય નહીં. ક્યારેક ધુમ્મસ એટલું બધું ગાઢ હોય કે મોઢા સામે ધરેલો હાથ પણ દેખાય નહીં. રસ્તે હરતાંફરતાં માણસો ભૂતોના પડછાયા જેવા લાગે. એકમેકની સાથે ભટકાઈ જવાય. વરસાદની જેમ ધુમ્મસ વિશે પણ અલગ ઉંમરનાં લોકોની પ્રતિક્રિયા અલગ. બાળકો ક્યાંય સંતાયા વિના ધુમ્મસમાં સંતાકૂકડી રમે. યુવાનોને ધુમ્મસના પરદા પાછળ બધું છડેચોક કરવાની અણધારી સ્વતંત્રતા મળી જાય છે. મોટી ઉંમરનાં લોકોનાં હાડકાં કળે એથી તેઓ ધુમ્મસને ધિક્કારે.

ખાસી લોકોમાં ધુમ્મસ સાથે સંકળાયેલી એક દંતકથા: એક વાર મેદાનમાં આવેલા એક રાજ્યનો સંદેશાવાહક પહેલી વાર ચેરાપૂંજી આવ્યો. ભારે વરસાદમાં રોકાઈ જવું પડ્યું. એ બહુ તોછડો અને અભિમાની હતો. એના રાજા અને લોકોનાં વખાણ કરતો અને સ્થાનિક પ્રજાને ઉતારી પાડતો. ડંફાસો મારતો: ‘હું તો કેટલીય વિશાળ નદીઓ અને સમુદ્રો તરીને સામે પાર ગયો છું. તમારા જેવા પહાડ અને જંગલોમાં વસતા લોકોનું કામ નહીં.’ એક વૃદ્ધે એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ધુમ્મસના દિવસો હતા. વૃદ્ધ એને ઊંડી ખીણ પાસે લઈ ગયો. આખી ખીણમાં ઉપરથી નીચે ગાઢ ધુમ્મસ હતું. સંદેશાવાહકે પૂછ્યું: ‘આ શું છે?’ વૃદ્ધે કહ્યું: ‘આ ધરતીનાં વાદળોની નદી છે. તું ઘણાં નદી-સમુદ્રો આસાનીથી પાર કરી ગયો છે તો આ નદીમાં તરી શકે?’ ડંફાસિયા સંદેશાવાહકે જોયા-જાણ્યા-વિચાર્યા વગર ધુમ્મસથી છલોછલ ખીણમાં જંપલાવ્યું. હજી સુધી પાછો આવ્યો નથી

અન્ય સમાચારો પણ છે...