સફળતાનો મંત્ર:ટ્વિટર અને લિન્કડઇન સહિત અનેક મોટી કંપનીઓના સ્થાપકોએ રિજેક્શનનો સામનો કર્યા બાદ સફળતા હાંસલ કરી છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ પણ નિષ્ફળતા જુસ્સાને ખતમ ન કરી શકે, સતત પ્રયાસ જારી રાખો

ભારતીય મૂળના બિઝનેસવુમન અંજલિ સુદ આજે વીડિયો પ્લેટફોર્મ, વીમિયોના CEO છે પરંતુ તેમને તે સ્થાન સુધી પહોંચવામાં અનેક રિજેક્શન તેમ જ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. 14 વર્ષની ઉંમરમાં અંજલિએ એક બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો, જ્યાં તેઓ પહેલા વર્ષે અનેક વાર ફેલ થયાં હતાં. પોતાની કારકિર્દીની શરૂઆતમાં અંજલિ બેન્કર બનવા માંગતાં હતાં, પરંતુ લગભગ દરેક પ્રતિષ્ઠિત બેન્કોએ તેમને રીજેક્ટ કર્યા હતાં, પરંતુ અંજલિએ હાર માનવાને બદલે તેમાંથી બોધપાઠ મેળવ્યો. જ્યારે તેઓ વીમિયોમાં જોડાયા ત્યારે એક નાની કંપની હતી, પરંતુ અંજલિએે કંપનીને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. આ જ મહેનતને કારણે કંપનીની વેલ્યૂએશન 6 અબજ ડોલરના આંકડાને પાર કરી ગઇ છે. અંજલિના દૃષ્ટાંતથી જાણી શકાય છે. સફળતા માટે સતત પ્રયાસોની જરૂર હોય છે. સફળ સાહસો પાછળ પણ પહેલાં નિષ્ફળતા જ હતી. ઉદાહરણ તરીકે ટ્વિટર, હફિગ્ટન પોસ્ટ, ઓયો રૂમ્સ અને લિન્ક્ડઇન જેવી સફળ કંપનીઓના સ્થાપકોએ અનેક નિષ્ફળતાનો સામનો કર્યો અને તેમાંથી બોધપાઠ લઇને આગળ વધ્યા છે. ન્યૂઝ વેબસાઇટ હફિન્ગટન પોસ્ટના સહસ્થાપક એરિયાના હફિન્ગટનનું પુસ્તક આફ્ટર રીઝનને લગભગ 37 પ્રકાશકોએ રિજેક્ટ કર્યું હતું. એટલું જ નહીં, એરિયાનાએ કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણી લડી ત્યારે 1%થી પણ ઓછા મત મળ્યા. પરંતુ હફિન્ગટને બંને નિષ્ફળતામાંથી બોધપાઠ લીધો. કેમ્પેઇનિંગ દરમિયાન એરિયાનાને ઇન્ટરનેટની તાકાત અંગે જાણવા મળ્યું અને પોતાની વેબસાઇટ હફિન્ગટન પોસ્ટ લોન્ચ કરી. તે પછી 15 પુસ્તકો લખવા ઉપરાંત એક પ્રસિદ્ધ પત્રકાર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું. એરિયાના કહે છે કે નિષ્ફળતા, સફળતાની વિપરીત નથી. પરંતુ તે સફળતા માટે માર્ગ જેવું કામ કરે છે. ઓયો રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલનું સ્ટાર્ટઅપ ઓરેવલ સ્ટેસ પણ મજબૂત ટીમ ન હોવાને કારણે નિષ્ફળ રહ્યું હતું. પરંતુ રિતેશે હાર ન માનતાં એક મજબૂત ટીમ બનાવવા પર ફોકસ કર્યું. 2013માં તેમણે ઓયો રૂમ્સની શરૂઆત કરી જે તેમનું સફળ વેન્ચર સાબિત થયું.

ગૂગલની નોકરી છોડીને નવા આઇડિયા પર કામ કર્યું ટ્વિટરના સહ સ્થાપક ઇવાન વિલિયમ્સને પણ સફળતા રાતોરાત મળી નથી. તેઓ 2003માં ગૂગલમાં નોકરી કરતા હતા, પરંતુ એક વર્ષ બાદ જ ઇવાને ગૂગલ છોડીને પોડકાસ્ટ કંપની ઓડિયો લોન્ચ કરી. તેના લોન્ચિંગ સાથે જ એપલનું પોડકાસ્ટ સેક્શન આઇટ્યૂન્સ માર્કેટમાં લોન્ચ થયું અને ઇવાનનું સ્ટાર્ટઅપ ફેલ ગયું. પરંતુ નિરાશ થવાને બદલે ઇવાને પોતાના બોર્ડના સભ્યો સાથે મળીને નવા આઇડિયાઝ પર કામ કર્યું જેમનું પરિણામ આગળ જઇને ટ્વિટર તરીકે દરેકની સામે આવ્યું.

આગામી પ્રયાસ માટે સ્ટ્રેટેજી બનાવો અને જોખમ લો આ ઉદાહરણોથી સ્પષ્ટ છે કે કારકિર્દીમાં નિષ્ફળતાથી સામનો થવો નક્કી છે, પરંતુ તેનાથી હાર માનવાને બદલે તેને એક નાની નિષ્ફળતા તરીકે જુઓ. યાદ રાખો નિષ્ફળતાના અનુભવ બાદ તમારું ફોકસ વધે છે. ગત નિષ્ફળતામાંથી શીખો. નિષ્ફળતા બાદ આગામી પ્રયાસ માટે સ્ટ્રેટેજી બનાવો. જોખમ લેવાથી ડરો નહીં, પરંતુ તેના પર વિચાર કરો, જોખમ તમને નવો માર્ગ દેખાડી શકે છે. એકવારમાં સફળતા ન પણ મળે પરંતુ નિષ્ફળતાને લઇને નિરાશ થવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...