સ્ટોરી પોઇન્ટ:નસેનસમાં ઘૂઘવતાં પૂર

2 મહિનો પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક

અષાઢનો પહેલો દિવસ બેઠો. રેવાને અષાઢ બરોબર યાદ રહી ગયો હતો. પણ બાપાને સમજાવે કોણ? ઘટાટોપ જાંબુના ઝાડમાં કોયલ ટહુકી. રેવા ને થયું, ‘આ સ્ત્રીના અવતાર કરતાં પંખીનો અવતાર મળ્યો હોત તો કેવું સારું? મરજી પડે એ ઝાડ ઉપર બેસવાનું, મરજી પડે ત્યાં માળો બાંધવાનો. કોઈનો હુકમ નહીં. ન કોઈ મા-બાપ કે ન કોઈ ધણી.’ તેણે ફળફળતો નિસાસો મૂક્યો અને જાણે એનો ગરમ શ્વાસ અડ્યો હોય તેમ કોયલ ઊડી ગઇ! રેવાને થયું પોતે કોયલ બની જાય. બે ઘડીમાં ઊડીને આ નદીને પેલે પાર પહોંચી જાય. ‘રેવા જો પણે તારી સાસુનું તળાવ ફાટ્યું છે.’ રેવાની માએ જોરથી બૂમ મારી. બાપા બપોરે ગયા ત્યારે કહેતા ગયા હતા કે ચીકુને પાણી વાળવાનું છે. ફળિયા જેવા લાંબા ક્યારામાં કચરા વચ્ચે અટવાતું પાણી વહેતું રહ્યું. એને ખ્યાલ ન રહ્યો કે પાળો તૂટેલો છે. માની બૂમ સાંભળી તે પાવડો ખભે મૂકીને દોડી. તેણે ઝટપટ ક્યારાનો પાળો સરખો કર્યો. ગાય સારું ચારો વાઢીને આવતી માએ બળાપો કાઢ્યો, ‘તારું ધ્યાન ક્યાં છે, કેટલું પાણી વહી ગયું ભાન પડે છે કે નહીં? મા સામે જોયા વગર રેવા મનોમન બોલી, ‘મા તને પાણીની પડી છે. મારો ગુનો શું છે? તમારા વટમાં ને વટમાં મારે આમ પાણી વચ્ચે કોરા રહેવાનું? તેણે પથ્થર ઉપર પાવડો પછાડી કાદવ ખંખેરી જાણે ખીજ ઉતારી! તેની માએ આભ સામે મીટ માંડતા કહ્યું, ‘છોરી વાદળાં ચડે છે. જો છાંટા થશે તો બીજ સાચવવું પડશે. આ બે ક્યારા પી લે પછી જલદી પાછી આવ.’ રેવા ટેકરીઓની સામે જોઈ રહી. ટેકરીઓની પછવાડે ગામ હતું. ગામને અડીને એક નદી વહેતી હતી. એ નદીને સામે પાર બીજું નાનકડું ગામ હતું. રેવા એ ગામમાં દોઢ મહિનો રહી આવી હતી. ત્યાં પણ એક વાડી હતી. એ વાડીમાં આંબામાં બાંધેલા હીંચકામાં કોઈકે એને હિંચોળી હતી. રણવીરે એને જે હીંચકા નાખ્યા છે, જે હીંચકા નાખ્યા છે. રેવા રડી પડેલી. રણવીર હસતો રહેલો. પછી અચાનક હીંચકાના દોરડા પકડી લેતા કહ્યું, ‘ગાંડી, તું હીંચકાથી આટલી બીએ છે? બીકણ માના છોરાં કેવાં થાય? રેવાએ આમતેમ જોયું અને રણવીરને વળગી પડી હતી. જાણે છાતીમાં હેતનો પાતાળ કૂવો ફૂટ્યો. રણવીરને તેણે બચીઓથી નવરાવી નાખેલો. નાનાં બાળકની જેમ જોઈ રહેલા રણવીરે અચાનક પૂછેલું, ‘આ અમાસના તારા બાપા તેડવા આવશે. તારા વગર મને નહીં ગમે.’ ‘જઈશ તો અઠવાડિયામાં આવતી રહીશ. આપણે સાથે ને સાથે જ રહેશું. આ વાડીમાં વરસાદમાં ભીંજાશું.’ જેઠની અમાસ આવી. બાપા આવીને ઊભા રહ્યા. રેવાએ માવતરે નીકળતી વખતે રણવીર સામે જોયેલું. એ ચોમાસું કોરુંધાકોર રહ્યું. ધરતી સુકાતી રહી. એક ચોમાસું, બીજું ચોમાસું, ત્રીજું ચોમાસું આવીને ઊભું રહ્યું. વહેવારના વટે ચડેલી વાતનો વળ ન ઊતર્યો, તે ન જ ઊતર્યો. બાપા નમી દેવા તૈયાર ન હતા. રેવાને હવે રહીરહીને રણવીર પર ગુસ્સો આવતો હતો. તેને થતું, ‘કાયર મોઢું જોવાય ન આવ્યો. હવે તો એ આવશે તો જ જઇશ.’ પણ આગલા દિવસે જ રણવીરે મેસેજ કર્યો હતો. ‘તારા અને મારા બાપાને જે કરવું હોય તે કરી લે. કાલે સાંજે નદી કાંઠે આવી જજે. હું રાહ જોઈશ. આ ચોમાસાનો પહેલો વરસાદ જવા દેવો નથી.’ મા કહેતી હતી એવું જ થયું અચાનક વાવડો ફૂંકાયો. ઝાડ ધૂણવાં લાગ્યાં. લાઇટ ચાલી ગઈ. સૂરજ ઢંકાઈ ગયો. બબડાટ કરતી રેવાની મા બધું સમુંનમું કરવા આમતેમ દોડતી રહી. જાણે વાવડામાં ઊડીને ક્યાંય પહોંચી જવું હોય તેમ રેવા ખુલ્લામાં ઊભી રહી! તેણે આંખો આડે હાથ ધરી ટેકરીઓ સામે જોયું. વીજળીનો એક કડાકો થયો અને વાદળમાં તિરાડ પડી હોય તેમ વરસાદ તૂટી પડ્યો. તપતી ધરતીને ઠારી દેવી હોય તેમ દે માર વરસતા વરસાદે રેવાને સાનભાન ભુલાવી દીધું હતું. અચાનક તે બોલી, ‘મા હું જાઉં છું. રેવાની આંખોમાં ચમકતી વીજળી જોઇ બેબાકળી થઇ ગયેલી એની મા કરાંજી, ‘તે આવડા વરસાદમાં જાશ ક્યાં?’ ‘મારા ઘેર. મારા ધણી પાસે.’ રેવાની મા બહાર આવે તે પહેલા રેવા વાડીનો ઝાંપો વટાવી ગઇ. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...