તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:પહેલાં કોરોના… અને હવે મોંઘવારીનો માર…

અજીતકુમાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક તરફ કોરોનાને કારણે અનેક લોકોની આજીવિકા છીનવાઇ ગઇ છે અથવા આવક ઘટી ગઇ છે, ત્યારે બીજી બાજુ જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો ‘પડ્યા ઉપર પાટું’ પુરવાર થઇ રહેલ છે

મોંઘવારીના દર (ડબ્લ્યૂપીઆઇ)માં જોરદાર ઉછાળો આવ્યો છે. એપ્રિલ 2021માં ફુગાવાનો દર રેકોર્ડ બ્રેક 10.49 ટકા સુધી પહોંચી ગયો. એ માર્ચ 2021માં 7.39 ટકા અને એપ્રિલ 2020માં શૂન્યથી 1.57 ટકા નીચે હતો. ફુગાવાના દરમાં સતત ચોથા મહિને વધારો થયો છે. શાકભાજી અને કેટલાક અનાજના ભાવની વાત ન કરીએ તો પણ મોટા ભાગની કોમોડિટીઝની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળે છે. એમાં પણ સૌથી વધારે મુશ્કેલી ખાદ્ય તેલ અને દાળના વધતા જતા ભાવથી પડી રહી છે, કેમ કે આ બંને એવી વસ્તુઓ છે, જે રોજિંદા ઉપયોગમાં આવતી હોવાથી ગ્રાહકને સીધી અસર કરી રહી છે.  દરેક જીવનજરૂરી વસ્તુ મોંઘી… : રાજ્ય નાગરિક આપૂર્તિ વિભાગના આંકડા અનુસાર, ફુગાવામાં વિવિધ તેલોની કિંમતોમાં છેલ્લા એક વર્ષમાં 20થી 60 ટકાનો વધારો નોંધાયો છે. ચણાની દાળ, તુવેર અને મસૂરની દાળની કિંમતોમાં પણ એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. ચાના ભાવમાં પણ 30 ટકાનો વધારો નોંધાયો છે. ચોખા, ખાંડ, મસાલાની કિંમતોમાં પણ છેલ્લા થોડા દિવસોમાં તેજી આવી છે. તે સાથે જ પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ ઉપરાંત, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સના વધતા ભાવ પણ લોકોને પરેશાન કરી રહ્યાં છે. સ્ટીલ, સીમેન્ટ અને પેઇન્ટની કિંમતો વધવાથી સામાન્ય લોકો માટે તો ઘરનું ઘર બનાવવાનું પણ મોંઘું બની ગયું છે. દરેક જીવનોપયોગી વસ્તુ મોંઘી થઇ છે.  સરકાર પાસે શો વિકલ્પ છે? : ભારત તેના ખર્ચના લગભગ 60 ટકા ખાદ્યતેલની આયાત કરે છે તેથી જો સરકાર ખાદ્યતેલો પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કાપ મૂકે તો કિંમત ઓછી થઇ શકે છે. કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સરકાર આ અંગે વિચાર પણ કરી રહી છે. સરકારે હાલ તો દાળની આયાત પરનો પ્રતિબંઘ ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેથી ભવિષ્યમાં દાળના ભાવ ઘટતા જોવા મળશે. રહી વાત પેટ્રોલ-ડીઝલની, તો કેન્દ્ર અને રાજ્ય સરકારો જો સાથે મળીને ટેક્સમાં ઘટાડો કરે તો ગ્રાહકોને થોડીઘણી રાહત મળી શકે છે.  સામાન્ય લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે? : સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના આંકડા અનુસાર, દેશમાં બેકારીનો દર આ વર્ષે એપ્રિલના 7.97 ટકાની સરખામણીએ મે મહિનામાં વધીને એક વર્ષના ઉચ્ચતમ સ્તર એટલે કે 11.9 ટકા સુધી પહોંચ્યો છે. સીએમઆઇઇના આંકડા તો એ પણ દર્શાવે છે કે કોવિડ મહામારીના આગમન પછી દેશના લગભગ એક કરોડથી પણ વધારે નોકરિયાત લોકોએ નોકરીઓ ગુમાવી છે. તે ઉપરાંત, ગત એક વર્ષમાં લગભગ 97 ટકા લોકોની આજીવિકાને પણ અસર થઇ છે. એવામાં મોંઘવારીમાં વધારો પડ્યા પર પાટું સમાન પુરવાર થઇ રહ્યો છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અનુસાર, એપ્રિલ મહિનામાં દેશમાં એકંદર વેચાણમાં વર્ષ 2019ના આ જ મહિનાની સરખામણીએ 49 ટકા ઓછું નોંધાયું છે. ક્રેડિટાસ સોલ્યુશન્સના આંકડા દર્શાવે છે કે લોન રીપેમેન્ટ માટે ચેક બાઉન્સ રેટ ગત વર્ષની સરખામણીએ વધીને બમણો એટલે કે 21 ટકા થઇ ગયો છે, જ્યારે ક્રેડિટ કાર્ડ માટે તે 10 ટકાથી વધીને 18 ટકા થઇ ગયો છે.  અર્થવ્યવસ્થા માટે મોંઘવારી કેમ જોખમી છે? : મોંઘવારીની હાલની પરિસ્થિતિમાં દેશમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ખૂબ નબળા હશે અને ગ્રાહકોની વેચાણ શક્તિ પણ ઘટશે જે ઘરેલુ અર્થવ્યવસ્થા માટે કોઇ પણ રીતે સારી નહીં ગણાય. વધતી જતી મોંઘવારીને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને પણ મુદ્રા નીચિ અંગે પોતાના હાલના વલણમાં પરિવર્તન કરવું પડશે. ⬛

અન્ય સમાચારો પણ છે...