તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોિશયલ નેટવર્ક:સમસ્યાઓને કોસવા કરતાં ઉકેલ શોધો!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજી સફળ થયા એનું એક માત્ર કારણ એમણે ચીલાચાલુ નહીં, પણ અલગ રસ્તો અપનાવ્યો

દુનિયામાં કોઇ પણ મહાપુરુષ ક્યારે પૂજાય છે? એ કંઇક અલગ રાહ અપનાવે ત્યારે અથવા લોકોના ભલા માટે કંઇક કરે છે ત્યારે. એ સ્વામી વિવેકાનંદ હોય કે અબ્રાહમ લિંકન હોય, ડો. આંબેડકર હોય કે મહાત્મા ગાંધી હોય, આ બધા મહામાનવોએ ‘સ્વ’ની હોળી કરી, ‘સર્વ’ માટે કંઇક કર્યું ત્યારે પૂજાયા. એમણે ચીલાચાલુ રસ્તો છોડી, સાવ અલગ વિચાર અને અલગ માર્ગે લોકકલ્યાણ માટે કામ કર્યું હતું. એમની સફળતા એમાં રહેલી હોય છે. એ સમસ્યાઓની માત્ર ટીકા નથી કરતા. એ સમસ્યાનો ઉકેલ શોધવાની મથામણ આદરે છે. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસા સ્વરૂપે શાશ્વત સત્યનો પરિચય દુનિયાને ફરી કરાવ્યો હતો. ગાંધીજીએ કહ્યું હતું કે, ‘શાંતિ કશું મેળવવાનો કે પ્રાપ્ત કરવાનું માધ્યમ નથી, પણ શાંતિમય જીવન એક સફર છે.’ તેમના કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસા અને યુદ્ધથી ક્યારેય કોઈ વ્યક્તિ કે સમાજને શાંતિ મળી નથી. ગાંધીજીનું નેતૃત્વ સંપૂર્ણપણે મૌલિક હતું, જે રોજિંદા જીવનમાં ‘સત્યના પ્રયોગો’ અને ‘શાશ્વત સત્ય’ના પડકારો ઝીલીને વિકસ્યું હતું. તેમની પાસે ન તો વ્યક્તિત્વ વિકાસની ચાવીઓ હતી. ન કોમ્યુનિકેશનનાં અત્યાધુનિક સાધનો હતાં, ન તો સંગઠન મેનેજમેન્ટ કે લીડરશિપના તૈયાર અભ્યાસક્રમો હતા. તેમનું વ્યક્તિત્વ આકર્ષક નહોતું. નહોતી લોકોને અભિભૂત કરે તેવી વાક્પટુતા કે વકતૃત્વશૈલી. તેમની તાકાત, તેમનું સામર્થ્ય ફક્ત તેમના ‘અંતરાત્મા અવાજમાં’ જ હતું. અંતરાત્માના અવાજે તેમને અનેક બાબતોનો સાક્ષાત્કાર પણ કરાવ્યો હતો : ‘સત્યના માર્ગે ચાલતી વ્યક્તિ એકલી હશે, તો પણ સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકી શકશે. વ્યક્તિની સાચી શક્તિ કે ક્ષમતા શરીરમાં નહીં, પણ તેના મનમાં રહેલી છે. સંકલ્પશક્તિ જ સાચી શક્તિ છે.’ ગાંધીજી પાસે જે કેટલાક ગુણો હતા, એમાં : દીર્ઘદૃષ્ટિ, ચરિત્ર અને સાહસ, કરુણા-સમર્પણભાવ અને દૃઢસંકલ્પ, પ્રચાર-પ્રસાર, સંગઠન કુશળતા અને ચમત્કારિક વ્યક્તિત્વ, રણનીતિ કુશળતા, મેનેજમેન્ટ માસ્ટર, ઉદારતા, આત્મવિશ્વાસ, આધ્યાત્મિકતા, દેશભક્તિ અને રાષ્ટ્રીયતા, વસુધૈવ કુટુંબકમ્, સત્યનો પથ, સર્વજન હિતાય... કહેવાય છે કે ગાંધીજી યુવાવસ્થામાં ગભરુ હતા. તેમણે સત્યરૂપી તલવાર અપનાવી અને અહિંસાને ઢાલ બનાવી, ત્યારે જ તેઓ નીડર અને સાહસિક બની શક્યા. ગરીબો અને વંચિતો સાથે પોતીકાપણું અનુભવવા અર્ધનગ્ન ફકીરની જેમ એક પોતડી ધારણ કરીને ગાંધી વિશ્વના મહાનાયક બની શક્યા. વિશ્વવિખ્યાત કંપની ‘એપલ કમ્પ્યૂટર્સે’ 1998માં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના જાહેરાત અભિયાનમાં પ્રાર્થનામાં બેઠેલા ગાંધીજીના ચિત્ર નીચે ફક્ત બે શબ્દોનું શીર્ષક આપ્યું હતું. આ બે શબ્દો હતા : ‘થિંક ડિફરન્ટ’ –‘અલગ વિચારો.’ ટાટા ફાઈનાન્સે તેની એક જાહેરાતમાં ગાંધીજીના એક ફોટોગ્રાફની સાથે આ શબ્દો લખ્યા હતા – ‘જીવનનું લક્ષ્ય શોધો. માર્ગ આપમેળે મળી જશે.’ ગાંધીજી સફળ થયા એનું એક માત્ર કારણ એમણે ચીલાચાલુ નહીં, પણ અલગ રસ્તો અપનાવ્યો. બધાં કરતાં અલગ વિચાર્યું. ગાંધીજીએ ભારપૂર્વક કહ્યું છે કે, ‘તમે દુનિયામાં જે પરિવર્તન કરવા ઈચ્છો છો, તેની શરૂઆત તમારી જાતથી કરો.’ મહાત્મા ગાંધી પાસે બંગાળના કોઈ સજ્જને સંદેશ માગ્યો, ત્યારે ગાંધીજીએ બાંગ્લા ભાષામાં ચાર શબ્દો કહ્યા : ‘આમાર જીબોન આમાર બાની’ (મારું જીવન એ જ મારો સંદેશ) આ ચાર શબ્દોમાં એમના સમગ્ર જીવનનો સંદેશ આવી જાય છે. વાણી-વ્યવહારમાં એમનું જીવન પડઘાય છે. 1904માં દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે ‘ઇન્ડિયન ઓપિનિયન’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. નાતાલ જતા હતા ત્યારે ટ્રેન પર મૂકવા આવેલા મિત્ર હેનરી પોલાકે જૉન રસ્કીનનું Unto This Last (અન ટૂ ધિસ લાસ્ટ) પુસ્તક વાંચવા આપ્યું. (અર્થનીતિ સંબંધ લેખો) એમણે એ પુસ્તક વાંચવા માંડ્યું – પૂરું કરીને જ મૂક્યું. આ પુસ્તકની એમના પર ખૂબ અસર થઈ. એમણે એનો 1908માં ‘સર્વોદય’ના નામે અનુવાદ કર્યો. એમણે એ સંદર્ભે લખ્યું : 1. બધાંના ભલામાં આપણું ભલું રહેલું છે. 2. વકીલ તેમ જ વાળંદ બંનેનાં કામની કિંમત એકસરખી હોવી જોઈએ. આજીવિકાનો હક બધાંને સરખો છે. સારું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. ગાંધીજીએ 1922માં 53 વર્ષની વયે શરીર પર ફક્ત એક પોતડી પહેરવાની શરૂઆત કરી હતી. તેમની દૃષ્ટિ હંમેશાં એક જ વાત પર કેન્દ્રિત રહેતી હતી કે વિવિધ સમસ્યાઓનું વ્યાવહારિક સમાધાન કેવી રીતે શોધવું જોઇએ. એ માટેની એમની મથામણ રહી અને દેશને આઝાદ કરવા અને ભારતીય સમાજનો પુનરુદ્ધાર કરવા દેશવાસીઓને કેવી રીતે પ્રેરિત કરી શકાય. ધર્મમાં ચાર મૂળભૂત તત્વ રહેલા છે – સત્ય, ન્યાય, પ્રેમ, સમદૃષ્ટિ અને શાંતિ. આ પાંચ સિદ્ધાંતોનું આચરણ જેટલું દેખાય છે તેટલું મુશ્કેલ નથી. આ માર્ગને અપનાવવાથી આપણામાંથી દરેક વ્યક્તિ ગાંધીની જેમ એક સાહસિક, નીડર અને વિશ્વસનીય નેતા બની શકશે. ભગવાન બુદ્ધે અષ્ટાંગ માર્ગ અને દસ પારમિતો દ્વારા પણ આ જ વાત કરી હતી. ‘તમે દુનિયામાં જે ફેરફાર લાવવા ઈચ્છો છો, તેની શરૂઆત તમારી જાતથી કરો.’ ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...