તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીન-શોટ:સ્ક્રીન પર સોહામણા વરસાદી દૃશ્યોનું ફિલ્માંકન!

ઉમેશકુમાર ઉપાધ્યાય3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદનાં દૃશ્યો સ્ક્રીન પર આકર્ષક લાગે છે, તેનું ફિલ્માંકન મુશ્કેલ હોય છે. કેટલાક સ્ટાર્સે પોતાની સ્મૃતિઓ તાજી કરી

ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે આ વખતે વાત કરીએ ફિલ્મોમાં વરસાદનાં દૃશ્યો અને ગીતોની. આ દૃશ્યો સ્ક્રીન પર જેટલાં સોહામણાં લાગે છે, તેનું પિક્ચરાઇઝેશન એટલું જ મુશ્કેલીભર્યું હોય છે. નકલી વરસાદની વ્યવસ્થા કરવાથી લઇને કલાકારોએ કન્ટિન્યૂટી જાળવવા લાંબા સમય સુધી પાણીમાં પલળીને શૂટિંગ કરવાનું મુશ્કેલ હોય છે. અહીં કેટલાક સ્ટાર્સે પોતાના કેટલાક રસપ્રદ કિસ્સા જણાવ્યા છે. ગોવિંદા અને ફરાહ પર પિક્ચરાઇઝ થયેલું ગીત ‘છોડેંગે ના હમ તેરા સાથ…’ (‘મરતે દમ તક’)માં વરસાદનો સીન હતો. મુંબઇના કમાલિસ્તાન સ્ટુડિયોમાં પિક્ચરાઇઝ કરાયેલા આ ગીત અંગે મેહુલકુમાર જણાવે છે, ‘આ ગીત શૂટ કરતી વખતે ફરાહ ખરેખર ઠંડીથી ધ્રૂજતી હતી. એક સીન શૂટ કરીને એ ધાબળો અને ચાદર ઓઢીને બેસી જતી. વાસ્તવમાં, વરસાદનાં ગીતો પિક્ચરાઇઝ કરવાનું જ મુશ્કેલ હોય છે કેમ કે શૂટિંગ દરમિયાન કલાકારે ઘણા સમય સુધી ભીનાં કપડાં પહેરીને બેસી રહેવું પડે છે. તેથી હું બને ત્યાં સુધી વરસાદનાં દૃશ્યો મારી ફિલ્મોમાં એવોઇડ જ કરતો હતો.’ જોકે, ખરી મુશ્કેલી મનોજકુમારની ફિલ્મ ‘ક્રાંતિ’માં ‘લુઇ સમાસા લુઇ…’ ગીતનું શૂટિંગ કરતી વખતે થઇ. એ વખતે ટેન્કરનું પાણી પૂરું થઇ ગયું. આ ગીત મનોજકુમાર, દિલીપકુમાર અને હેમા માલિની પર પિક્ચરાઇઝ કરતાં સાંજના સાડા પાંચ થઇ ગયા અને શૂટ ઓકે થતાં પહેલાં ટેન્કરનું પાણી પૂરું થઇ ગયું. નવું ટેન્કર મગાવે ત્યાં સુધીમાં તો રાત થઇ જાય. પરિણામે નક્કી કરવામાં આવ્યું કે નજીકની ખાડીમાંથી પાણી લાવવામાં આવે, પણ એ પાણી ખૂબ ગંદું હતું. આ અંગે હેમા માલિનીને પૂછવામાં આવ્યું, ત્યારે એમણે કહ્યું, ‘જો શૂટિંગ અટક્યું, તો બીજા દિવસે ફરી આવવું પડશે. એટલે અહીંથી જ મગાવી લો.’ આખરે ખાડીનાં ગંદાં પાણીથી વરસાદ વરસાવવામાં આવ્યો અને એ ગંદાં પાણીમાં હેમા માલિની પલળતાં હતાં. હિમાની શિવપુરી પાસે આવા ઘણા કિસ્સા સાંભળવા મળે છે. વરસાદના એક સીનને યાદ કરતાં એમણે કહ્યું, ‘ફિલ્મ ‘ત્રિમૂર્તિ’નું શૂટિંગ કરી રહ્યાં હતાં. એમાં હું, શાહરુખ ખાન, જેકી શ્રોફ, અનિલ કપૂર, અંજલિ જઠાર, મોહન અગાશે, ટીનુ આનંદ વગેરે કલાકારો હતાં. સીનની સિકવન્સ હતી કે શાહરુખ ખાન વરસાદમાં યુવતીને લઇ ભાગી જાય છે. હું અને ટીનુ આનંદ એમનો પીછો કરીએ છીએ. સાચું કહું તો, રાતના સમયે શૂટિંગ કરતી વખતે ખૂબ ઠંડી લાગતી હતી. અમે રીતસર ધ્રૂજતાં હતાં. ઉપરથી ફેસ પર એક્સપ્રેશન પણ દર્શાવવાનાં હતાં. વરસાદનું એ શૂટિંગ આજેય યાદ છે.’ અભિનેત્રી શિલ્પા શિરોડકરના મતે પણ વરસાદનાં દૃશ્યોનું પિક્ચરાઇઝેશન મુશ્કેલ હોય છે. એમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘વરસાદનું શૂટિંગ કરવામાં હાલત ખરાબ થઇ જાય છે. મેકઅપ અને કપડાં સાચવવાનાં અને બીજું, શૂટિંગ પૂરું થાય તેની અમે રાહ જોતાં હોઇએ છીએ કે ક્યારે શૂટિંગ પૂરું થાય અને ઘરે જઇને સારી રીતે સ્નાન કરીએ? મનોરંજન માટે સારું છે, પણ પિક્ચરાઇઝેશન મુશ્કેલ હોય છે. વાસ્તવિક જીવનમાં પણ આપણને વરસાદ જોવાનું ગમે છે, પલળવાનું નહીં. જોકે અમે તો અમારું કામ હોવાથી પલળીએ છીએ.’ એ જ રીતે ધીરજકુમાર પણ વરસાદનું દૃશ્ય શૂટ કરવાને મુશ્કેલ માને છે. તેઓ એક કિસ્સો જણાવે છે, ‘જુગલ કિશોર નિર્મિત-નિર્દેશિત ફિલ્મ ‘દીદાર’નું શૂટિંગ કરવા હું, અંજના મુમતાઝ, પ્રેમેન્દ્ર વગેરે હિમાચલ પાસે પાલમપુર હિલ સ્ટેશન પર ગયાં હતાં. ત્યાં શૂટિંગ શરૂ થયું ત્યાં સુધી ફિલ્મમાં વરસાદવાળું કોઇ ગીત નહોતું. અચાનક વરસાદ વરસવા લાગ્યો ત્યારે મસ્ત મોસમ અને આસપાસનાં દૃશ્યો જોઇ ડિરેક્ટરે નક્કી કર્યું કે, ચાલો, વરસાદનું એક ગીત પિક્ચરાઇઝ કરીએ. પછી વરસાદની એકાદ પંક્તિ ડબ કરીને મૂકી દઇશું. અમે બે-ત્રણ શોટ લીધા, ત્યાં સુધીમાં તો વરસાદ બંધ થઇ ગયો. હવે મુશ્કેલી એ ઊભી થઇ કે પર્વતોમાં આર્ટિફિશિયલ વરસાદની વ્યવસ્થા કઇ રીતે કરવી? પછી લોકેશન બદલીને ઝરણાં પાસે ગયાં. ડિરેક્ટરની સૂચના અનુસાર હું અને અંજના મુમતાઝ અસલી ઝરણાંમાં ગયાં. ત્યાં પથ્થર પર પગ લપસી જતાં હતાં અને ઠંડાં પાણીમાં પલળવાથી અમે ધ્રૂજતાં હતાં. અંદર અમે ધ્રૂજતાં હતાં અને બહાર કેમેરા સામે છોડને પાણી રેડવાના ઝારાથી વરસાદ વરસાવતાં દૃશ્ય પિક્ચરાઇઝ કરતાં હતાં. જેમ તેમ ત્યાં બે અંતરા પિક્ચરાઇઝ થયા અને એક અંતરો કાપી નાખવામાં આવ્યો. જોકે, અમારી મહેનત સફળ થઇ અને ગીત હિટ નીવડ્યું.’ આવાં બીજાં પણ અનેક ગીતો છે, જેને પિક્ચરાઇઝ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય. આમ છતાં સિલ્વર સ્ક્રીન પર વરસાદમાં ભીંજાતા હીરો-હિરોઇનનાં દૃશ્યો સોહામણાં જ લાગે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...