સ્પોર્ટ્સ:ફિફા વર્લ્ડકપ પ્રિવ્યૂ

17 દિવસ પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક
  • અગાઉ 21વાર વર્લ્ડકપ યોજાયેલા છે જેમાંથી સૌથી વધુ પાંચવાર બ્રાઝિલ વિજેતા બન્યું છે

આજથી ફિફા વર્લ્ડકપની કતારમાં શરૂઆત. એક મહિના સુધી 32 ટીમ ફૂટબોલમાં પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે સ્પર્ધા કરશે. નવેમ્બર 20થી ડિસેમ્બર 18 સુધી આઠ અલગ અલગ સ્ટેડિયમમાં રમાનાર 64 મેચ સાથે આ ગ્લોબલ ઇવેન્ટ પહેલેથી જ હ્યુમન રાઇટ્સના મુદ્દે ચર્ચામાં રહ્યો છે ત્યારે તેને કેવો પ્રતિસાદ મળશે તે જોવું રહ્યું. કતારના આઠ સ્ટેડિયમમાંથી લુસાઇલ આઇકોનિક સ્ટેડિયમની કેપેસીટી 80,000 અને અલ બેય્ત સ્ટેડિયમની કેપેસિટી 60,000 દર્શકોની છે તે સિવાય બાકીના છ સ્ટેડિયમ 40,000 દર્શકોનો સમાવેશ કરશે.ગ્રૂપ ગેમ્સ 2 ડિસેમ્બર સુધી રમાશે ત્યારબાદ રાઉન્ડ ઓફ 16 -ત્રીજી ડિસેમ્બરથી સાત ડિસેમ્બર સુધી, ક્વાર્ટર ફાઇનલ ડિસેમ્બર નવથી અગિયાર ડિસેમ્બર, સેમિફાઇનલ 14 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર, થર્ડ પ્લેસ પ્લે ઓફ 17 ડિસેમ્બર અને અંતે ફાઇનલ 18 ડિસેમ્બરે યોજાશે. મેચના સમય અલગ અલગ પાંચ સ્લોટમાં વહેંચાયા છે. ગ્રૂપવાઈઝ ટીમ ગ્રૂપ ‘એ’ - કતાર, ઇક્વાડોર, સેનેગલ-નેધરલેન્ડ ગ્રૂપ ‘બી’ - ઇંગ્લેન્ડ, ઈરાન, યુ.એસ.એ.-વેલ્સ ગ્રૂપ ‘સી’ - આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રૂપ ‘ડી’ - ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ટ્યુનિશિયા ગ્રૂપ ‘ઈ’ - સ્પેન, કોસ્ટારિકા, જર્મની, જાપાન ગ્રૂપ ‘એફ’ - બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રૂપ ‘જી’ - બ્રાઝિલ, સર્બિયા, સ્વિઝર્લેન્ડ, કેમેરૂન ગ્રૂપ ‘એચ’ - પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, સાઉથ કોરિયા અગાઉ 21વાર વર્લ્ડકપ યોજાયેલા છે જેમાંથી સૌથી વધુ પાંચવાર બ્રાઝિલ વિજેતા બન્યું છે. જર્મની અને ઇટાલી બંને ચારવાર, આર્જેન્ટિના, ઉરુગ્વે અને ફ્રાન્સ બેવાર તથા ઇંગ્લેન્ડ અને સ્પેને એક એકવાર વર્લ્ડકપ જીત્યા છે. વર્લ્ડકપ અંડરડોગ્સ ગત વર્લ્ડકપમાં ક્રોએશિયાએ ફાઇનલ સુધી પહોંચીને લોકોને અચંબિત કરી મૂક્યા હતા. આ વખતે પણ એવું જ કઈંક લાગી રહ્યું છે. એશિયાના સંદર્ભમાં છ એશિયન ટીમ-ઈરાન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, કતાર અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે, તેમને ગ્રૂપ સ્ટેજમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાંય કતાર, નેધરલેન્ડ અને સેનેગલવાળા ગ્રૂપમાં છે. જો તેઓ ઇક્વાડોર સામે સારું પ્રદર્શન નહીં કરે તો ટોપ 16 રાઉન્ડ સુધી પહોંચવું મુશ્કેલ બની જશે. સાઉદી અરેબિયાને પણ મુશ્કેલ ગ્રૂપમાં મૂકવામાં આવ્યું છે. આર્જેન્ટિના અને પોલેન્ડ બંને ટીમ સામે સાઉદી અરેબિયાનું જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે. ‘બી’ ગ્રૂપમાં ઇંગ્લેન્ડ ફેવરિટ લાગી રહ્યું છે પરંતુ ટીમનું કરન્ટ ફોર્મ ચિંતાજનક છે. ઈરાન સાથેનો તેમનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કેનેડા 36 વર્ષના લાંબા અંતરાલ પછી વર્લ્ડકપમાં રમી રહ્યું છે પરંતુ કોન્ફેડરેશન ઓફ નોર્થ, સેન્ટ્રલ એન્ડ કેરેબિયન એસોસિયેશન ફૂટબોલના ક્વોલિફાયિંગ કેમ્પેઇનમાં ટોપ પોઝિશન પ્રાપ્ત કરીને તેમણે ફેન્સને સુખદ આંચકો આપ્યો હતો. ડેન્માર્ક ગયા વર્ષના સમર યુરોપિયન ચેમ્પિયનશિપમાં અંડરડોગ તરીકે સેમિફાઇનલ સુધી પહોંચી ગયું હતું, ઇંગ્લેન્ડ સામે હેરી કેનની પેનલ્ટીને કારણે તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્લ્ડકપમાં તેઓ સેમિફાઇનલ સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે. યુ.એસ.એ. 2018ના વર્લ્ડકપમાં ક્વોલિફાય નહોતું થઇ શક્યું પરંતુ આ વર્ષે ચેલ્સીના સ્ટ્રાઈકર ક્રિસ્ટિયન પુલિસીચના ફોર્મને ધ્યાનમાં લઈએ તો ટીમ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે. ઉરુગ્વે હજુ સુધી વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શક્યું નથી પરંતુ આ વર્ષે તેમની લાઇનઅપ મજબૂત જણાઈ રહી છે. ડાર્વિન નૂનેઝ, લુઈસ સ્વારેઝ, એડિનસન કાવાની, ફીડી વૅલવર્ડે અને ડિએગો ગોડીન જેવા ખેલાડીઓ સાથે ઉરુગ્વે ક્વાર્ટર ફાઇનલ સુધી ન પહોંચે તો જ નવાઈ.⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...