તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્તી-અમસ્તી:‘અમારા જમાનાના બાપા’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલાંના જમાનાના બાપા મુગલે આઝમ જેવા હતા, જ્યારે આજના બાપા બહાદુરશાહ ઝફર જેવા નબળા રાજા છે

- રઈશ મનીઆર

સોસાયટીમાં એક ટોક શોનું આયોજન થયું. વિષય હતો, ‘અમારા જમાનાના બાપા!’ આશય એવો હતો કે જૂની જનરેશન ટોક કરે અને નવી સાંભળે. ધનશંકરે પ્રસ્તાવના બાંધી, ‘આજકાલ પરિવારમાં પિતાનું સ્થાન દયનીય છે. નાગરિકશાસ્ત્રમાંથી ઉપમા વિચારીએ તો ઘરમાં પિતા રબરસ્ટેમ્પ જેવા રાષ્ટ્રપતિ છે. માતા પ્રધાનમંત્રી બનીને સરકાર ચલાવે છે અને દીકરા-દીકરીનો પાવર સંઘ કે દળ જેટલો છે. એમને નારાજ રાખી ઘરબાર ન ચલાવાય.’ હસુભાઈએ કહ્યું, ‘ઈતિહાસમાંથી ઉપમા વિચારીએ તો અમારા સમયે પિતાજીઓનો મુગલે આઝમ જેવો દબદબો હતો. સલીમ એની સામે ચૂં કે ચાં કરી શકતો નહોતો અને હવે અમે આજકાલના બાપાઓ બહાદુરશાહ ઝફર જેવા નબળા રાજાઓ છીએ.’

બાબુએ કહ્યું, ‘ઘરની ભૂગોલની દૃષ્ટિએ વિચારીએ ટો, અસ્સલના ટાઈમમાં ઘરમાં બે ડરવાજા રહેતા, આગલું બાન્નું(બારણું) અને પાછલું બાન્નું(બારણું). એક બાન્ને(બારણે)થી બાપા પધારે, ટો પોયરું (બાળક) બીજા બાન્ને(બારણે)થી બહાર સિઢારે. માટા બે સિટારાનું મિલન જ ન ઠવા ડેતી, જેથી ચકમક જ ન ઝરે!’ શાંતિલાલે વેદના વ્યક્ત કરી, ‘આજકાલ તો ‘ફાધર્સ ડે’ના દિવસે કાર્ડ મળે ત્યારે જ ખબર પડે છે કે બાપ હું છું. અમારા જમાનામાં બાપા નેતર કે પટ્ટો હાથમાં લે એટલે દીકરાને ખબર પડી જતી કે બાપ કોણ છે?’ ‘પહેલાં ધોતિયાવાળા બાપના ઘરમાં પણ પટ્ટો જોવા મળતો, કેમ કે પટ્ટો કમરને ટાઈટ રાખવા નહીં, બાળકોને ટાઈટ રાખવા વપરાતો.’ બાબુએ કહ્યું, ‘આજનો ડેડી ટો બિચાળો એવો ઢીલોપોચકો છે કે એના ટાબરિયાં હો એને ડેડી, ડેડુ કે ડેડો કહીને તું-તાં-તડાક કરી એને માટે મન ફાવે તે જાટિ વાપરે છે!’ ‘આજકાલ પુત્રોના મગજમાં વાયુ રહે છે, અમારા જમાનાના બાપાના પેટમાં વાયુ રહેતો. એની પણ ફડક રહેતી.’ ધનશંકરે યુવાનોને પૂછ્યું, ‘બોલો! તમને તમારા પિતાશ્રીઓ સામે શું ફરિયાદ છે?’ ‘તમે બાપાઓ બહુ બડબડ કરો છો!’ યંગ જનરેશન એકસૂરે બોલી.

‘હા, અમારા જમાનાના બાપા ઓછાબોલા હતા. એમની સોટી જ બોલતી!’ હસુભાઈએ જવાબ આપ્યો. પ્રેરણાડી સંમત થઈ, ‘સાચી વાત છે, આજના પિતાજીઓ માટે કહી શકાય કે ભસતાં કૂતરા કરડે નહીં!’ હસુભાઈ પણ સંમત થયા, ‘અમારા જમાનાના બાપને હાથમાં ચળ આવતી, આજના બાપને જીભમાં ચળ આવે છે તેથી અમે સંવાદ કરવા જઈએ છીએ એ અમારી ભૂલ?’ ‘શું સંવાદ કર્યો તમે અમારી સાથે?’ હેમિશે ડાયલોગ માર્યો! હસુભાઈએ પોતે સંતાન સાથે કરેલા સંવાદને યાદ કર્યો, ‘અમારા જમાનાના બાપા સંતાનો સાથે સેક્સ વિશે વાત નહોતા કરી શકતા!’ પછી એક નિસાસો નાખી ઉમેર્યું, ‘મેં એક મોડર્ન પિતા બનવા માટે અનેક ચોપડીઓ વાંચી-વાંચીને, તૈયારી કરીને, હિંમત કરીને તેર વર્ષના હેમિશને કહ્યું, ‘ચાલ દીકરા, આપણે સેક્સ વિશે વાત કરીએ!’ તો એ બોલ્યો, ‘વેલકમ! બોલો ડેડ! તમારે શું જાણવું છે સેક્સ વિશે?’ સભામાં હાસ્યની છોળ વ્યાપી ગઈ.

ધનશંકર બોલ્યા, ‘આજે મનરેગાના કાયદા પ્રમાણે મજૂરનું લઘુત્તમ દૈનિક વેતન છે એના કરતાં ઓછી માસિક ખિસ્સાખર્ચી અમને 18 વર્ષે મળતી.’ ‘તે ઉપરની આવક હશે ને?’ પ્રેરણાડીએ પૂછ્યું. ‘આવક આવટી! મહેમાન અમને પોયરાઓના કંઈ આપી જટા, પણ એ ઝાંપે પહોંચે ટ્યાં હુધીમાં માબાપ ઓકાવી લાખતાં!’ ‘અમે મૂર્ખ તે 14 વર્ષની ઉંમરે તમને લેપટોપ, આઈફોન બધું અપાવ્યું.’ હસુભાઈ બોલ્યા. હેમિશ સામો થયો, ‘ઉપકાર! ગર્લફ્રેંડ સિવાય બધું તમે જ અપાવ્યું છે! એનું શું છે?’ ‘બસ એ સમજો કે બે પેઢીના બાપાઓ વચ્ચે ફરક શું છે!’ ‘ફરક એ જ છે કે તમારા બાપાઓ ગરીબ હતા, એ તમારું કમનસીબ! અમારા બાપા ગરીબ નથી!’ હેમિશના મનમાં ક્લેરિટી હતી. ‘તમે તમારી કમનસીબીના પેથેટિક કિસ્સાઓ અમને ન સંભળાવો!’ પ્રેરણાડી બોલી. ‘એ સિંચન છે..’ હસુભાઈએ ખોટો અંગ્રેજી શબ્દ વાપરી કહ્યું, ‘સંસ્કારનું ઈરિગેશન!’ ‘ઈરિટેશન લાગે છે.’ હેમિશ બોલ્યો.

મેં કહ્યું,‘ખલિલ જિબ્રાને જે કહ્યું છે એ આપણે સમજવાની જરૂર છે, બાળક પાસે પોતાના વિચારો છે, તમે એને ફક્ત તમારો પ્રેમ આપો!’ ‘અંકલ, તમારા એ ઝિબ્રાભાઈને કહેજો, પ્રેમની બાબતમાં અમારી જનરેશન સ્વાવલંબી છે!’ બાબુડિયો બોલ્યો, ‘એ ઝિબ્રાભાઈના ક્વોટેશનમાં જરા સુઢારો કરી શકાય, ‘ટમે ટમારા બાળકનું માત્ર ખિસ્સાનું કાટરિયું ભરેલું રાખો, મગજનું કાટરિયું ટો એ જાટે જ ભરી લેહે!’ ધનશંકરે વેદના વહાવી, ‘આજકાલના બાળકો પાંચ વર્ષની ઉમર સુધી જ માબાપને પ્રેમ કરે છે, પછી સમાન વયના વિજાતીય પાત્રને પ્રેમ કરવાનું વિચારવા માંડે છે.’ હેમિશે કહ્યું, ‘એનું કારણ છે. 5 વર્ષનો હતો ત્યારે પપ્પાએ મને કહ્યું, ‘તું મને પ્રેમ કરે છે એનું પ્રૂફ શું?’ તો મેં સ્ક્રૂ-ડ્રાઈવરથી પપ્પાના બજાજ સ્કૂટર પર કોતરી દીધું, ‘I love you Dead!’ તો પપ્પા કહે, એક તો સ્કૂટર બગાડ્યું, ઉપરથી ‘Dad’ બદલે ‘Dead’ લખ્યું. મને માર પડ્યો. ત્યારથી મેં નક્કી કર્યું કે love you લખીને માર જ ખાવાનો હોય, તો છોકરીના બાપનો માર ખાવો, પોતાના બાપનો શું કામ ખાવો?’ ‘ખબર નહીં, આ જનરેશન ક્યાં જઈ અટકશે!’ બાબુ બોલ્યો, ‘જેમાં ડશરથને ચૌદ વરહનો વનવાસ થાય એવું રામાયણ લખાહે, ત્યાં જઈને અટકહે!’ amiraeesh@yahoo.co.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser