વિચારોના વૃંદાવનમાં:અવાજોના જંગલથી દૂર દૂર જંગલના અવાજોની વચ્ચોવચ !

8 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • વિચારનિષ્ઠા જ્યારે આચારનિષ્ઠામાં પલટાઇ જાય ત્યારે ઘરને મંદિરનો દરજ્જો પ્રાપ્ત થાય છે અને પૂંછડા વિનાના વાનરને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્યત્વ તો દરેક પ્રાણીની જન્મસિદ્ધ જવાબદારી છે

આફ્રિકામાં ઝાંબિયા નામના દેશમાં પ્રવચનો કરવા માટે આમંત્રણ મળ્યું ત્યારે પૂરા બે મહિના માટે જંગલ કોને કહે તે વાત સમજમાં આવી હતી. ત્યાં વસેલા ગુજરાતી લોકો અતિથિને દેવની જેમ જાળવનારા અને પ્રેમથી જમાડનારા! પ્રવચનોના કાર્યક્રમમાંથી એક અઠવાડિયાનું ગાબડું પાડીને અમને લુઆંગ્વાના જંગલમાં ફરવાનો કાર્યક્રમ ગોઠવ્યો. વ્યારા પાસે આવેલા કપુરા ગામના વિઠ્ઠલભાઇ ભક્ત પાટીદાર હતા એટલે કે કબીરપંથી હતા. એ બધા પાટીદરો અન્યને મળે ત્યારે ‘રામકબીર’ કહીને અભિવાદન કરે. વિઠ્ઠલભાઇ મારા પ્રિય વાચક હતા અને ગુજરાતી સાહિત્યના જાણકાર હતા. વાતવાતમાં કવિ ઉમાશંકર અને સુંદરમ્્ની પંક્તિઓ ઉદ્્ગારે! એમણે લુઆંગ્વાના પ્રવાસની બધી ગોઠવણ પોતાના માથે ઉપાડી લીધી.

‘લુઆંગ્વા વૅલી પાર્ક’ એટલે દસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું અપ્રદૂષિત જંગલ. એ જંગલમાં કેટલોય વિસ્તાર એવો કે જ્યાં કદી કોઇ માનવીનાં પગલાં પડ્યાં ન હોય. આવા જંગલમાં પૂરા ત્રણ દિવસરાત ફરવાનું થયું. નગરોમાં સાંભળવા મળે એવો એક પણ અવાજ ત્યાં સાંભળવા નહીં મળે. આમ અવાજોના જંગલથી દૂર દૂર એવા જંગલના અવાજોની વચ્ચોવચ રહેવાનો લહાવો પ્રાપ્ત થયો. પોતાના પરિવાર સાથે બેઠેલા વનરાજને સાવ નજીકથી નિહાળવાાની તક મળી. સસલાં જોયાં, હાથીની ‘વપ્રક્રીડા’ જોવા મળી, શિયાળની લાળી જીવનમાં ક્યારેય સાંભળી ન હતી. હાથી, હિપોપોટેમસ જેવાં મહાકાય પ્રાણીઓ ક્યાંથી રહે? એક રાતે હોટેલના ઓરડાની ઓસરીમાં બેઠો હતો અને જળક્રીડાના અવાજો સાંભળી રહ્યો હતો ત્યારે વિઠ્ઠલભાઇએ કહ્યું, ‘આવી રાતે ક્યારેક હાથી સાવ નજીક આવે તેની ખબર પણ ન પડે!’ બંદા ઓસરીમાંથી ઊઠીને ઓરડામાં પેસી ગયા અને બારણું બંધ કરીને બેસી ગયા!

મન વિચારે ચઢી ગયું! એ જંગલ હતું કે વિસ્મયનું મહાકાવ્ય? હજી સુધી પૃથ્વી પર એક પણ શિયાળ એવું પેદા નથી થયું, જે લુચ્ચું હોય. હજી સુધી કોઇ બગલો એવો પેદા નથી થયો, જે દંભી હોય. હજી સુધી કોઇ હાથી એવો પેદા નથી થયો જે કેવળ એક હાથિણીને વફાદાર હોય. જંગલની સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં ભાગ્યે જ બ્રહ્મચર્ય જેવી કોઇ સંકલ્પનાનો અમલ થતો હોય. જંગલમાં કોઇ પણ સિંહને પોતે વનરાજ છે એવો ખયાલ સુધ્ધાં નથી હોતો. જંગલ માટે સંસ્કૃત શબ્દ ‘વિપિન’ છે અને વાંદરાને સંસ્કૃતમાં ‘વિપિનૌકસ્’ કહે છે. હજી સુધી કોઇ વ્યભિચારી વાનર પેદા થયો નથી. જંગલ એટલે શું? જંગલ એટલે સહજનું સામ્રાજ્ય અને પ્રકૃતિનું મહારાજ્ય! કોઇ વાઘ હરણનો શિકાર કરે ત્યારે પણ એ ક્રૂર નથી હોતો! તમે સફરજનને છરીથી કાપો છો, ત્યારે ખાટકી નથી હોતા. ખરી વાત? તમે મરઘીને કાપો ત્યારે જરૂર કસાઇ હો છો. ‘જંગલ’ એટલે શું? જંગલ એટલે એક એવી વિરાટ ઇકોસિસ્ટમ જેમાં શિકારી પ્રાણી પણ ક્રૂરતા વિના અન્ય પ્રાણીનો શિકાર કરે છે અને ખાય છે.

બાયોલોજીમાં પ્રાણીસૃષ્ટિને ‘એનિમલ કિંગ્ડમ’ કહેવાની પ્રથા છે. હવે આપણે નવો શબ્દપ્રયોગ શરૂ કરવો જોઇએ: ‘એનિમલ રીપબ્લિક.’ કોઇ પણ જંગલ વિશાળ ઇકોસિસ્ટમની દૃષ્ટિએ ‘એનિમલ રીપબ્લિક’ છે. લુઆંગ્વા જંગલમાં ક્યાંક પ્રવેશદ્વાર પર શબ્દો વાંચવા મળેલા. એક પોસ્ટર પર લખાયેલા શબ્દોમાં પ્રાણીઓ તરફથી પ્રવાસી મહેમાનોને વિનંતી કરવામાં આવી હતી:
તમે અમારા મહેમાન છો.
અમારા આ જંગલમાં
તમારું સ્વાગત છે.
કૃપા કરીને અમારો
શિકાર કરશો નહીં.
તમારી જેમ અમને પણ
અમારું જીવન વહાલું છે.
(શબ્દો યાદદાસ્તને આધારે)

ચુસ્ત વેજીટેરિયન હોવાને કારણે પ્રાણીઓ તરફથી કહેવાયેલા ઉપરોકત શબ્દો હૃદયને સ્પર્શી ગયા હતા. આપણી 21મી સદીમાં શિકાર પર પ્રતિબંધ મુકાયો છે. પરિણામે હાથીદાંતની કમાણી પણ ઘટી ગઇ છે. શિકાર હવે ચોરીછૂપીથી કરવો પડે છે. અંગ્રેજીમાં એને ‘poaching’ કહે છે. પશ્ચિમના દેશોમાં ઘણા લોકો શાકાહાર તરફ વળ્યા છે. સાક્ષરવર્ય સદ્્ગત વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શાકાહારને બદલે ‘અન્નાહાર’ શબ્દ પ્રયોજવાનું રાખતા. ધીમી ગતિએ લોકો ‘વેગનીઝમ’ તરફ વળી રહ્યા છે, જે વિચારધારામાં દૂધ, માખણ, દહીં અને ઘી પણ માંસાહાર જ ગણાય છે.
શેક્સપીયરના શબ્દો યાદ આવે છે:
જો કરવા યોગ્ય શું છે, તે
જાણવું જેટલું સરળ છે,
તેટલું જ કરવાનું પણ સરળ હોત,
તો
ઘરમંદિરો ચર્ચ બની રહેત
અને ગરીબ માણસોની ઝૂંપડીઓ
રાજમહેલ બની જાત!

સૌ માની જ લે છે કે પોતે ‘મનુષ્ય’ છે. વિચારનિષ્ઠા જ્યારે આચારનિષ્ઠામાં પલટાઇ જાય ત્યારે ઘરને મંદિરનો દરજ્જો પ્રાપ્ત થાય છે અને પૂંછડા વિનાના વાનરને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્યત્વ તો દરેક પ્રાણીની જન્મસિદ્ધ જવાબદારી છે. મહામાનવો આપણને આ જ વાત લગભગ શિક્ષકની માફક યુગે યુગે સમજાવે છે, પરંતુ માનવજાત લગભગ ઠોઠ નિશાળિયા જેવી જણાય છે. ઇસુના શબ્દોમાં કહીએ તો એમનાં ‘વિચારમૌક્તિકો ડુક્કર આગળ વેરાતાં હતાં.’ એમની ઊંચી વાતો લોકોને સમજાતી ન હતી. માણસ ટોઇલેટમાં દુર્ગંધ ન કનડે તે માટે એર-ફ્રેશનર (સુગંધપ્રસારક) ગોટી ભેરવી રાખે છે.

સહજનું સામ્રાજ્ય જોયું, જાણ્યું અને હૃદયને ધરવ થાય તેવા વિચારોનું વૃંદાવન સર્જાયું! હજી સુધી કોઇ ચારિત્ર્યહીન હાથી પેદા થયો હશે ખરો? પતંગિયું એક ફૂલ પરથી મધુ પામીને બીજા ફૂલ પર બેસે છે. એ પતંગિયું ‘ચારિત્ર્યહીન’ નથી. ઘરના બાગમાં જ્યારે હું પતંગિયાને ઊડતું જોઉં ત્યારે એની નાની અવકાશયાત્રા મનને વિસ્મયથી છલકાવી દે છે. શાણા માણસો કહે છે: ફિલસૂફીનો પ્રારંભ વિસ્મયથી થતો હોય છે. સાધુ થવાની પાત્રતા નથી અને તૈયારી પણ નથી, પરંતુ જો એમ થયું હોત, તો મારું નામ સ્વામી વિસ્મયાનંદ રાખ્યું હોત! વિસ્મય જ ખરું આધ્યાત્મ છે. જંગલમાં એક દૃશ્ય જોયું તેની વાત કરવી છે. લુઆંગ્વાના વિશાળ જંગલમાં લુઆંગ્વા નદી વહેતી રહે છે. બંને કાંઠે છલોછલ એવી એ નદીને કાંઠે અમે અમારી જીપ થંભાવીને સામે કાંઠે એક અદ્્ભુત દૃશ્ય ધરાઇને જોયું. તે કાંઠા પર 50-60 મગરમચ્છ નિરાંતે પડ્યા હતા. એમનાં જડબાં ખુલ્લાં હતાં અને તીક્ષ્ણ દાંત ડરામણા હતા. પાસે અનેક બગલા મગરમચ્છનાં ખુલ્લાં જડબાંમાં મોં ઘાલીને દાંતમાં ભરાયેલા માંસના ટુકડાની ઉજાણી કરી રહ્યાં હતાં! આવું દૃશ્ય જોવા માટે અમે લુઆંગ્વા નદીને કાંઠે જીપ થોભાવી રાખીને ‘વિશ્વાસ’ની વ્યાખ્યા જોવાનું રાખ્યું! મગરમચ્છ જો પોતાનું જડબું બંધ કરે તો બગલાની ડોક મુખવાસ બની જાય! સહજનું સામ્રાજ્ય એટલે વિસ્મયનું ગણરાજ્ય! ગીતાના અઢારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને ‘સહજ’નો મહિમા સમજાવે છે અને કહે છે: હે અર્જુન! સહજ કર્મમાં દોષ હોય તોયે ન છોડવું. સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિમાં (ગીતા, અધ્યાય 18, શ્લોક-48) (અનુવાદ: કિ. ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ) લુઆંગ્વાના વિશાળ જંગલમાં ત્રણ દિવસ માટે વન્ય પશુઓ સાથે જાણે ‘સત્સંગ’ થયો! એને સત્સંગ કહેવાનું યોગ્ય ગણાય, તે એટલા માટે કે જ્યાં સહજનું સામ્રાજ્ય હોય ત્યાં દોષ નથી હોતો. આવનારી સદીઓમાં ઇકોલોજીને આધ્યાત્મવિદ્યાનો દરજ્જો પ્રાપ્ત થશે અને વિસ્મયને ફિલસૂફીનો દરજ્જો પ્રાપ્ત થશે. ઇકોલોજી અને ફિલોસોફીના સમન્વયમાંથી એક નવો શબ્દ ધીરે ધીરે પ્રચલિત થતો જાય છે: ‘ઇકોસોફી.’ આ નવા શબ્દમાં કદાચ ચાર વેદોનો સાર આવી જાય છે. ⬛

અન્ય સમાચારો પણ છે...