મનનો મોનોલોગ:પ્રેમમાં પડી જવું, એ એકલતા દૂર કરવાનો ઉપાય ન હોઈ શકે

23 દિવસ પહેલાલેખક: ડો. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં હું હોસ્પિટલથી ઘરે આવી રહ્યો હતો ત્યારે મારી કારમાં વાગી રહેલા એક રેડિયો સ્ટેશન પરના એક સંવાદે મારું ધ્યાન ખેંચ્યું. એકલતાથી પીડાઈ રહેલો કોઈ યુવાન શ્રોતા પોતાની એકલતા દૂર કરવા માટે આર. જે. (રેડિયો જોકી) પાસે સલાહ માગી રહ્યો હતો. પહેલાં તો આર. જે.એ પેલા શ્રોતાને મ્યુઝિક સાંભળવાનું કહ્યું, ઓ. ટી. ટી. પર વેબસીરિઝ કે ફિલ્મ્સ જોવાનું કહ્યું અને છેલ્લે કહ્યું કે તમે ‘ડેટિંગ એપ્સ’ ડાઉનલોડ કરી લો ને! તમારા જીવનમાં કોઈ પાર્ટનર આવી જશે, તો આપોઆપ તમારી એકલતા દૂર થઈ જશે. આ સાંભળીને મારા મોઢામાંથી ‘ઓહ, નો’ નીકળી ગયું કારણ કે પાર્ટનર શોધવાથી, પ્રેમમાં પડવાથી કે ડેટ પર જવાથી તમારી એકલતા દૂર નહીં થાય એની હું તમને ખાતરી આપું છું. ઊલટું, કદાચ એવું બને કે એકલતા દૂર કરવાના પ્રયત્નો સ્વરૂપે કોઈ વ્યક્તિને મળ્યા પછી તમે વધુ એકલતા અનુભવવા લાગો. ઊંચી થયેલી ભમ્મર સાથે તમને થશે કે ‘હેં? શું? એવું થોડું હોય?’ થોડું વિચિત્ર લાગશે પણ હા, એ જ સત્ય છે.

તો એકલતા દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તો કયો? એવું જો તમે મને પૂછો, તો એનો જવાબ હું ફક્ત ત્રણ શબ્દોમાં આપીશ. એ ત્રણ શબ્દો એટલે તાજેતરમાં મારી નજરમાં આવેલું એક અફલાતૂન પુસ્તક, ‘Stop Being Lonely’. લેખિકા કિરા એસ્ટ્રાયન દ્વારા લખેલાં આ પુસ્તકમાં એકલતાનો ‘એન્ટિડોટ’ રહેલો છે. એમણે એકલતાની અદ્્ભુત વ્યાખ્યા કરી છે. અપેક્ષિત અને વાસ્તવિક સામાજિક સંબંધો વચ્ચે રહેલા અંતરને કારણે વ્યક્તિગત રીતે અનુભવાતી માનસિક પીડા કે તકલીફ એટલે એકલતા. એમના મતે એકલતાનું મુખ્ય કારણ આપણા વર્તમાન સંબંધોમાં રહેલો આત્મીયતા કે નિકટતાનો અભાવ છે (પ્લીઝ રીડ ધેટ અગેઈન). એનો અર્થ એમ થયો કે આપણા જીવનમાં સંબંધો ‘ઉમેરવાથી’ નહીં, પણ વર્તમાન સંબંધો સુધારવાથી કે નિકટતા વધારવાથી એકલતા દૂર થશે.

દસ લોકોની હાજરી કે ટોળામાં પણ જો આપણે એકલતા અનુભવી શકતા હોઈએ, તો ડેટિંગ એપ પર મળેલી કોઈ સાવ અજાણી વ્યક્તિ સાથે આપણને એકલતા નહીં લાગે, એની શું ગેરંટી છે? હવે તમે પૂછશો કે તો પછી એકલતાનું મારણ શું? તો એનો જવાબ હું એક જ શબ્દમાં આપું! એકલતા દૂર કરવાનો એકમાત્ર ઉપાય આત્મીયતા છે. The Antidote to Loneliness is Closeness. એનો અર્થ એ થયો કે કોઈ પણ જાતના દંભ, શો-ઓફ, કૃત્રિમતા કે ઈમોશનલ લેબર વગર જેમની સામે આપણે ‘જેવા છીએ તેવા’ દેખાઈ શકીએ, એવા સંબંધોની હાજરી. આત્મીયતા એટલે કોઈ પણ જાતના શાબ્દિક શણગાર કે બનાવટી વ્યવહાર વગર આપણે આપણા મૂળ સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણે વર્તી શકીએ અને સામેવાળી વ્યક્તિ એ જ સ્વરૂપમાં આપણને સ્વીકારે અને સમજે. અને એકલતા દૂર કરવા માટે આપણા જીવનમાં રહેલો આવો એકાદ ‘આત્મીય સંબંધ’ પર્યાપ્ત છે.

તો માય ડિયર ફ્રેન્ડ, એ વાત હંમેશાં યાદ રાખવી કે એકલતા સંખ્યાથી નહીં, ઊંડાણથી દૂર થાય છે. મિત્રો કે પ્રેમની માત્રાથી નહીં, એની ગુણવત્તાથી નક્કી થાય છે. નવાં જોડાણો ઉમેરવાથી નહીં, વર્તમાન જોડાણો મજબૂત બનાવવાથી થાય છે. ઘરમાં મમ્મી, પપ્પા, ભાઈ-બહેન કે પછી જીવનમાં મિત્રની હાજરી હોવા છતાં પણ જો તમને એકલતા લાગતી હોય, તો નવા બનાવેલા દસ બોયફ્રેન્ડ્સ કે ગર્લફ્રેન્ડ્સ પણ તમારી એકલતા દૂર નહીં જ કરી શકે. જીવનમાં નવા મિત્રો, પ્રેમસંબંધો કે સાથીઓ ઉમેરવાથી થોડોઘણો સમય પસાર થઈ શકે, એકલતા નહીં. કારણકે એકલતા દૂર કરવા માટે કોઈ એક સંબંધમાં ઊંડાણ વધારવું જરૂરી છે. અને એ કઈ રીતે વધારી શકાય? તો એના બે જવાબો છે ‘Knowing and Caring’. સામેવાળી વ્યક્તિને જાણવાથી અને એની કાળજી લેવાથી. તમે કહેશો એ જ તો પ્રેમ છે. તો મને એક સવાલનો જવાબ આપો. જો તમારી મમ્મી કે પપ્પા તમારી એકલતા દૂર ન કરી શક્યા હોય,

તો તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ કઈ રીતે કરી શકશે? જો તમને એવું લાગતું હોય કે પ્રેમ ‘કરી લેવાથી’ તમને સારું લાગશે તો બીલિવ મી, એ ‘લવ-સિકનેસ’ હોય શકે, એકલતા નહીં.

એકલતા દૂર કરવાનું પહેલું પગલું છે, જાત સાથેની રિલેશનશિપ સુધારવાનું. સાર્ત્રેનું એક અદભુત વિધાન છે, ‘If you are lonely when you’re alone, you are in bad company’. જ્યારે આપણને આપણી પોતાની કંપની નથી ગમતી, ત્યારે આપણે એકલતા અનુભવીએ છીએ. આ જાત જ્યારે અસહ્ય અને અપ્રિય લાગવા માંડે છે, ત્યારે આપણે એકલતા અનુભવીએ છીએ. આપણા મનમાં જ્યારે આપણી સાર્થકતા, અસ્તિત્વ, ઉપયોગિતા કે મહત્ત્વ વિશે શંકા ઉદ્્ભવે છે, ત્યારે આપણે એકલતા અનુભવીએ છીએ. માટે, એકલતા દૂર કરવાનો પહેલો પડાવ, જાત સાથેનો સંબંધ સુધારવાનો છે.

સો ટેક માય એડવાઈસ. જ્યાં સુધી તમે એકાંતમાં બેસીને કોઈ ગમતું પુસ્તક વાંચી ન શકો, એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, કોઈ બગીચા, રેસ્ટોરાં કે મલ્ટિપ્લેક્સમાં એકલા જઈને સમય પસાર ન કરી શકો, મમ્મી-પપ્પા કે કોઈ મિત્રની કંપની એન્જોય ન કરી શકો, ત્યાં સુધી વિવિધ ડેટિંગ એપ્સ પર ‘સ્વાઈપ રાઈટ’ કરવાનો કોઈ જ અર્થ નથી. કારણ કે એકલતા દૂર કરવાનો પહેલો નિયમ એ છે કે અન્ય કોઈ વ્યક્તિમાં ‘ઈન્ટરેસ્ટ’ બતાવતા પહેલાં, તમે તમારી જાત, સ્વજનો અને આસપાસના વાતાવરણમાં ‘ઈન્ટરેસ્ટેડ’ હોવા જોઇએ. જો આ ક્ષણે આસપાસ રહેલી વ્યક્તિઓ કે વાતાવરણ તમારી એકલતા દૂર નથી કરી શક્તા, તો આ જગત પર કોઈ એવી ‘રોમેન્ટિક રિલેશનશિપ’ નથી જે તમારી એકલતા દૂર કરી શકે.

અન્ય સમાચારો પણ છે...