તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસ દર્શન:વિશ્વાસ અને પ્રેમ બંને અર્ધનારેશ્વર છે

મોરારિબાપુ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વાસ છે ત્યાં પ્રેમ હશે અને પ્રેમ હશે ત્યાં વિશ્વાસ હશે જ. વિશ્વાસ ક્યારેય છોડવો નહીં

‘શંકર’ શબ્દના સંસ્કૃત વાક્યમાં ઘણા અર્થ થાય છે. શંકર એટલે યજ્ઞ. ‘મેઘનાદ મખ કરહિ અપાવન’ મેઘનાદ અપવિત્ર યજ્ઞ કરી રહ્યો છે. એ ખલ છે, માયાવી છે, દેવતાઓને સતાવનારો છે. જો એ યજ્ઞ પૂરો થઈ જાય તો ઈન્દ્રજિતને મારવો બહુ મુશ્કેલ છે. એ વિચારે છે કે ઈન્દ્રજિતના યજ્ઞનો ધ્વંસ કરી દઈશ અને એને મારી નાખીશ. આજે જો રાવણના પુત્રની મદદ કરવા માટે શંકર આવ્યા, તો પણ હું ઈન્દ્રજિતને મારી નાખીશ. રામ, કૃષ્ણ, દશાવતાર કે ચોવીસ અવતાર સૌને જવું પડે છે. ભલે એ બ્રહ્મ છે, પરંતુ શિવ પરબ્રહ્મ છે. શંકર નામનો એક રાગ છે. શંકર નામનો રાગ મેઘમલ્હારનો પુત્ર છે. આપણે ત્યાં અઢાર પુરાણ છે એમાં ‘સ્કંદ પુરાણ’ છે. એનો એક ખંડ છે ‘કેદાર ખંડ,’ જે બૃહદ છે. કેદાર ખંડમાં રુદ્ર પ્રયાગમાં નારદે તપસ્યા કરી અને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાન શંકરે કહ્યું, ‘નારદ, હું તમને છ રાગ આપું છું.’ છ રાગ લેવા માટે નારદ વીણા આગળ કરે છે કે, ‘મારા હાથમાંથી કદાચ નીકળી પણ જાય, એટલે વીણામાં ભરી દો.’ નારદજીએ વીણા ફેલાવી અને શિવ છ રાગ આપે છે. પહેલો રાગ આપ્યો ભૈરવ; બીજો રાગ આપ્યો માલકૌંસ; ત્રીજો રાગ આપ્યો હિંડોલ; ચોથો દીપક; પાંચમો શ્રીરાગ અને છઠ્ઠો છે મેઘમલ્હાર. શંકરે છ રાગ આપ્યા તો નારદના હાથ કાંપવા લાગ્યા કેમ કે વીણામાં વજન થઈ ગયું! દરેક સાજ વજનદાર છે, એને હલકું ન બનાવો. તલગાજરડા શા માટે આ વિદ્યાઓને આવકાર આપે છે? કેમ કે એ બધી કૈલાસી વિદ્યા છે, જ્યાં ‘સકલ કલા ગુણધામ’ વિશ્વના સૌથી પરમતત્ત્વ નિવાસ કરે છે. દરેક રાગનો પોતાનો એક પરિવાર હોય છે. નારદે રુદ્રપ્રયાગમાં છ રાગ અને છત્રીસ રાગિણીઓ પ્રદાન કરી. પછી બધા રાગના સંતાન; એમાં મેઘમલ્હારના આઠ પુત્રો. શંકર છે મેઘમલ્હારના સુપુત્ર. પછી દક્ષિણી પદ્ધતિ જે છે રાગોની એમાં થોડો ફરક છે; બાકી મૂળમાં તો કેદાર ખંડ જ જોવો પડશે. નરસિંહ મહેતાની હારમાળાનું આખ્યાન પણ કેદારમાં છે. તુલસીએ રામકથા એવા રૂપમાં લખી છે કે એનાથી આધિભૌતિક દર્શન થાય છે, આધ્યાત્મિક અને આધિદૈવિક દર્શન પણ થાય છે. આ બધાં કથાનક જીવન આપે છે. ઈશ્વરને મળવું હોય તો પછી મળજો, પહેલાં બરાબર સંસારને સમજો. એક દીકરી પરણે છે ત્યારે એના કેન્દ્રમાં પતિ હોય છે. પાર્વતી શિવને મળવા જાય છે ત્યારે શણગાર કર્યા વિના નથી જતાં. સંન્યાસ આસાન છે; સંસારને કોઈ જીવી બતાવે! શંકર સંન્યાસી નથી, સંસારી છે. એના જીવનમાંથી શીખીએ. ‘રામચરિતમાનસ’માં લખ્યું છે, આખું જનકપુર ચિત્રકૂટ આવ્યું. લગ્ન પછી જાનકી પહેલી વાર પોતાની મા સુનયનાને મળ્યાં છે. સુનયના મુલાકાત બાદ કૌશલ્યાને કહે છે, ‘રામજનની, આપને તકલીફ ન હોય તો, જાનકી એના પિતાને મળી લે; થોડા સમય માટે હું મારી શિબિરમાં જાનકીને લઈ જઉં?’ કૌશલ્યાએ તરત અનુમતિ આપી દીધી અને એ જાય છે. જનકરાજ અયોધ્યાવાસીઓ સાથે મીટિંગમાં હતા કે અયોધ્યાના રાજ્યનું શું થશે? ભરત કહે, ‘હું ન લઉં; રામ કહે, હું ન લઉં.’ મોડી રાતે જનકજી આવે છે અને જાનકીજી બાપને મળે છે. આંખો ભીંજાઈ ગઈ અને જનક કેવળ એટલું જ બોલ્યા, ‘પુત્રી પવિત્ર કીએ કુલ દોહુ’ દીકરી, તેં બંને કુળને પવિત્ર કરી દીધાં. સાસરિયાંમાં તારું જીવન જે રીતે તું જીવી રહી છે, એ બધું સાંભળીને મને ગૌરવ થઈ રહ્યું છે. દીકરી, તારા પવિત્ર ચરિત્રની ધારાએ અનેક બ્રહ્માંડોએ પાવન કરી દીધાં છે.’ થોડો સમય વીત્યો તો મા-બાપને લાગ્યું કે દીકરીનું મન વાતચીતમાં નથી અને જનકે પૂછયું તો જાનકીએ કહ્યું, ‘મારાં સાસુ હોય ત્યારે હું અહીં ન રહી શકું.’ ઊંચાઈ પર આવીને સંન્યાસ શા માટે? વ્યવહાર નિભાવવો પડે છે. નરસિંહ મહેતાએ પુત્રના લગ્ન કરાવ્યાં; કુંવરબાઈના મામેરાના પ્રસંગમાં ભગવાન કૃષ્ણએ એને મદદ કરી. વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. ‘માનસ’ના આધારે કહું તો વિશ્વાસ અને પ્રેમ પર્યાય છે. મને કોઈ વાંધો નથી, તમે કહો કે હું ફલાણાંને પ્રેમ કરું છું, ફલાણાં પર વિશ્વાસ કરું છું. વિશ્વાસ છે ત્યાં પ્રેમ હશે અને પ્રેમ હશે ત્યાં વિશ્વાસ હશે જ. ‘બિનુ બિશ્વાસ ભક્તિ નહીં હોઈ.’ ભક્તિ એટલે પ્રેમ. વિશ્વાસ અને પ્રેમ બંને અર્ધનારેશ્વર છે. વિશ્વાસ તો વિશ્વાસ છે. શંકરવાળો વિશ્વાસ, ધ્રુવવાળો વિશ્વાસ, અંગદ ચરણવાળો વિશ્વાસ નહીં; મારો વિશ્વાસ છે અક્ષયવટવાળો વિશ્વાસ. પૃથ્વીનો પ્રલય થાય ત્યારે બધાંનો વિનાશ થાય છે. ભગવાનનાં ચરણોમાં પ્રયાગ છે. તુલસીને પૂછવામાં આવ્યું કે રામના ચરણને આપ પ્રયાગ કહો છો તો એમાં અક્ષયવટ કોણ? તો કહ્યું કે એમાં પ્રેમ અક્ષયવટ છે. એવી કથા છે કે શંકર પ્રલય કરે છે, પરંતુ અક્ષયવટનો પ્રલય શંકર પણ નથી કરતા કેમ કે શંકર સ્વયં વિશ્વાસરૂપ છે. પ્રેમ પ્રતિક્ષણ વધે છે. અક્ષયવટ હર્યોભર્યો રહે છે, એવી રીતે વિશ્વાસ અને પ્રેમનો સમન્વય થઈ જવો જોઈએ. શંકર સ્વયં પ્રેમનું શિખર છે પરંતુ એનો વ્યવહાર, સંસાર ગજબ છે. પીરસવા જાય છે તો પણ પાર્વતી શણગાર સજીને જાય છે, કેમ કે એ માને છે કે મારા દેવતા મહાદેવ છે. સોળ શણગારનું મૂળ કેદારખંડ છે. મહાવીરના જિનસૂત્રમાં જે બુદ્ધપુરુષનાં લક્ષણોની ચર્ચા છે એ મૂળમાં શંકરનાં લક્ષણો છે.⬛(સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...