વાસંતી પવનની મૃદુ આંગળી તો પ્રકૃતિની વીણાના તારને હળવેકથી છંછેડે, પણ આજકાલ એવું અનુભવાતું નથી. મોસમ પાસે જાણે કે તેનો પોતાનો કોઈ મિજાજ રહ્યો જ નથી. છતાં હોળી, ધુળેટી, ફાગણનો ચાંદ, આકાશે ધવલ વાદળાં અને રસ્તા પર -જો મૂર્ખ મનુષ્યની નજરથી બચી ગયેલું કોઈ ગુલમહોર અને કેસૂડાનું મસ્તીભર્યું સામ્રાજ્ય મોસમની મુલાકાત કરાવી દે એવું બને. અમદાવાદની ઉજવણીમાં ‘હું રીક્ષાવાળો...’ એવું ઘોંઘાટીયું ગીત સાંભળતાં કોઇકે કહ્યું પણ ખરું કે અહી ઇમારતોના જંગલ વચ્ચે વસંત જલદી આવે છે અને વહેલી જ ચાલી જાય છે. મુઘલ બાદશાહે કંટાળીને આ શહેરને ગર્દાબાદ કહ્યું હતું, આજે ધૂળ તો નથી પણ આબાદની વ્યાખ્યા પણ બદલાતી જાય છે. ગાંધીનગર જતાં રસ્તામાં ગુલમહોરના બે વૃક્ષો એકબીજાથી સાવ નજદીક જોવા મળતા, એક દિવસે ત્યાં સપાટ જમીન હતી. પૂછ્યું તો કહે કે અહીં મોટો મોલ અથવા એપાર્ટમેન્ટ થવાનું છે. એક કૃદ્ધ કવિ સઇજો યાસો કહે છે, ‘કોઈ મારા હાથમાં એક નાનકડું પરબીડિયું પકડાવી ગયું છે. જેમાં એક સંદેશો છે પૂનમની રાતનો. પહાડી દહેકી ઊઠશે, પણ મારું ચિત્ત એમ સળગવા તૈયાર નથી. ખૂબ ફૂંકો મારું છંુ, પણ માત્ર ધુમાડો જ થાય છે. મારી આંખોમાં અને કાનોમાં મુશળધાર અંધકાર વરસી રહ્યો છે. ક્યાંય રાતની મીઠાશ કે સવારની લાલિમા નથી. છે કેવળ સૂનકાર. ત્યાં ઘર નથી, ઘરની બહારનું ગુલમહોર નથી, સપનાં ભાગી છૂટ્યાં છે... એક્દમ બેસૂરું અને બેઢંગું અંધારિયું ગીત છે.’ પણ આ તો કવિનું હૃદય. તેને સમજવું અઘરું છે. પ્રકૃતિનો સંબંધ વસંત અને ફાગણ બંને સાથે રહ્યો છે. તેની શોધ માટે વળી કોઈ ટ્રાવેલ્સ કંપનીની જાહેરાત જોવી પડે. રસ્તાઓ પર સવારથી મોડી રાત સુધી વાહનોની ભીડ સાથે કોઈ સ્પર્ધા કરતું હોય તો તે મનુષ્ય માત્ર. આગમન, ગમન અને વળી પાછું આગમન, બોસ, ઇન્ક્રિમેન્ટ, ટેન્ડર, પાકો નફો, ટીએ-ડીએ, ઘર અને બહારના બજેટનું સંતુલન કરવાનો તરફડાટ, બજાર અને સેન્સેક્સ, મેગા-સુપર મેગા મોલ, કોર્ટ અને હોસ્પિટલોમાં નિરંતર કતાર, ઓફિસ કે દુકાનથી ઘર સુધીની સફર રૂટિન બની ગઈ છે. તેની વચ્ચે જ પોતાના ધૂંધળા સપનાંઓ અને ઈચ્છાઓની સુપર બજાર લાગી છે... શું પામવું છે તેને, એ ખબર પણ છે અને છતાં તે બે-ખબર છે. સવારના અખબાર કે ટીવી પરના બુલેટિનમાં તેના કોઈ ખબર મળતા નથી. એટલા બધાં આવરણ અને ધારી લીધેલા અભાવ વચ્ચે તે જીવે છે કે કોઈક અગવડ પડે ત્યારે તેને મોસમની ખબર પડે છે. જોશીમઠની જમીનમાં તિરાડ કે ક્યાંક ભૂકંપના એપીસેન્ટરને સમાચારથી વધુ મહત્ત્વ આપવું ગમતું નથી. બોબ ડાઈલોનના ઉદ્દામ સ્વરોનો ક્યારેક અનુભવ થયો તો હશે : ‘યૂ ડોન્ટ નો, વ્હોટ ઈઝ હેપનિંગ/ડુ યૂ મિસ્ટર જોન્સ?’ પછી ક્યાંક વાંચ્યું હોય કે એ તો અમેરિકન સાઇકેડે- લિકોનો વિદ્રોહ છે, આપણે શું? આપણી પાસે બીજું બધંુ છે. દેવદર્શન છે, વરઘોડો છે, બેન્ડ-વાજાંનો શોરબકોર છે, તૂટી પડતાં પૂલ અને દેશી શરાબથી મરેલા દેહોનો ઢગલો છે, રસ્તા પર અને બંધારણે ભેટ આપેલી સંસદના ગૃહોમાં ધાંધલ-ધમાલના દૃશ્યો છે, આંદોલનોનો જૂનો અસબાબ રહ્યો નથી, સાવ નવો ખેલ દેખાય છે. સાર્વજનિક જીવનમાં શબ્દોએ તેની મહત્તા ગુમાવી દીધી, કવિની કવિતા પણ અર્થ ગુમાવી બેઠી, ધર્માત્માઓ પાસેય કોઈ ઉકેલ નથી. આમાં આશાના કિરણો અને આશાના કારણોનો રસ્તો ગૂમ થઈ ગયો હોય ત્યાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, હેમંત, શિશિર, શરદ... આની અનુભૂતિ ક્યાંથી મળે? છતાં ખોજ તો મનુષ્યનો સ્વભાવ છે. દૈનંદિન વ્યવહારમાં નહીં તો ખલીલ જિબ્રાન જેવા કોઈ ઘેલા ફિલસૂફ કવિ પાસેથી કંઇક મળે આ શબ્દોમાં : ‘...અને જ્યારે તે તમારી જોડે બોલે તો તેમાં તમે શ્રદ્ધા મૂકજો...’ કોણ તે વળી? કોઈ નેતા? કોઈ દેવદૂત? કોઈ ભવિષ્યવેત્તા? કોઈ મઠાધિપતિ? ના. તે કહે છે: ‘હા, તરબતર પ્રેમ. ઉત્તર દિશાનો પવન બગીચાને બાળી નાખે તેમ તમારા સ્વપ્નોનો વિનાશ થઈ શકે, પણ તેથી ડરી જઈને કશું શોધતાં હો તો તમે તમારા ફોતરાનેે જ લપેટી લઈને પ્રેમના ખળામાંથી સહીસલામત બહાર નીકળી જજો. ઋતુઓ વિનાના જગતમાં પેસી જાઓ. ત્યાં તમારું ધરાર હાસ્ય તો હશે પણ પૂર્ણ હાસ્ય નહીં હોય. ના, સંપૂર્ણ રૂદન પણ નહીં હોય.’ આવું મેળવવા જિગર જોઈએ? ઇતિહાસ તો એવું કહે છે. આવા જ એક ગુલાલભર્યા દિવસે, ત્રણ યુવકો અંધારી ખોલીમાંથી બહાર નીકળી, હાથ-પગમાં બેડી હોવા છતાં, તેને સંગીતના તાલમાં બદલાવી તેઓ ગાતાં જાય છે : ‘મેરા રંગ દે બસંતી ચોલા...’ કઈ ફાગણી હોળી ખેલવા તેઓ નીકળ્યા હતા? લાહોરની ડિસ્ટ્રિક્ટ જેલની ઊંચી દીવાલો વચ્ચે એક પ્રેયસી તેમની રાહ જોઈ રહી છે, ખુલ્લા બાહુથી પ્રતિક્ષિત ફાંસીની રસ્સી! ત્યાં સુધી આ મસ્તમૌલા યુવકોના હોઠ પર ગીત - ‘મેરા રંગ દે બસંતી ચોલા!’ ફાંસીનો ઝૂલો ફાગણનો ઝૂલો બની ગયો. રાવી નદીનો કિનારો તેના મૃતદેહોને પોતાના પાલવમાં સમાવી લે છે. ઈતિહાસે એ ત્રણ મસ્તાનાઓના નામ જતનપૂર્વક સાચવી રાખ્યા છે : સરદાર ભગત સિંહ, શિવરામ હરિનારાયણ રાજગુરુ, સુખદેવ રામલાલ. ફાગણ વિશે ભલે કહેવાતું હોય કે ફાગુન કે દિન ચાર, પણ બલિદાન-અને તે પણ પૂરા સમાજને માટે, દેશ માટે- નો આવો ઘૂંટાયેલો રંગ તો ક્યારેક જ ઇતિહાસનાં પાનાં પર અર્પિત થતો હોય છે ને!⬛vpandya149@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.