તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં ખીલ્યું ગુલાબ:બધીયે મજા હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવાર

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • વચનોની આપ-લે વસંતઋતુની જેમ મહોરી ઊઠી હતી અને એક યુવાન પુરુષ એની સામે બેઠેલી સૌંદર્યસમૃદ્ધ પ્રેમિકા સમક્ષ પોતાની દુન્યવી સમૃદ્ધિનું બયાન કરી રહ્યો હતો

ફિઝા મહેતા નવો પાર્ટી ડ્રેસ ખરીદવા માટે શહેરના ખ્યાતનામ બુટિકમાં દાખલ થઇ. 100થી પણ વધારે ડ્રેસિસ ઊથલાવી નાખ્યા. પછી જે ડ્રેસ પસંદ કર્યો તે સૌથી મોંઘો હતો અને સૌથી સુંદર હતો. સેલ્સ ગર્લ પણ દાદ આપ્યા વિના રહી ન શકી. ‘મેમ, તમારી ચોઇસ અદ્્ભુત છે.’ ‘હું પણ અદ્્ભુત જ છુંને?’ આટલું બોલીને, આછું હસીને, ગર્વિષ્ઠ અદામાં ચાલતી ફિઝા બિલ ચૂકવવાના કાઉન્ટર તરફ રવાના થઇ ગઇ. કાઉન્ટરની પાછળ રિવોલ્વિંગ ચેરમાં બુટિકનો યુવાન માલિક તનિષ્ક ડ્રેસવાલા બેઠો હતો. એણે ફિઝાનું છેલ્લું વાક્ય સાંભળી લીધું હતું. એ ક્યારનો ફિઝાના અકાટ્ય સૌંદર્યને નીરખી રહ્યો હતો. ફિઝાએ એની સામે જોઇને પૂછ્યું, ‘બિલ પ્લીઝ!’ તનિષ્કના હૃદયમાં છેલ્લા અડધા કલાકથી દબાવી રાખેલો રોમાન્સ ઊછળીને બહાર આવી ગયો. ‘જો બિલ આપવાનું હોય તો 21હજાર રૂપિયા અને...’ ‘અને ન આપવાનું હોય તો?’ ફિઝાએ બાણાકાર નેણપ્રદેશમાંથી કાતિલ નજરનું તીર છોડ્યું. તનિષ્ક કોઇ પણ યુવતીને મૂર્છિત કરી મૂકે એવું સ્મિત વેરીને બોલ્યો, ‘કાં બિલ આપો, કાં દિલ.’ ફિઝા ચમકીને તનિષ્કની સામે જોઇ રહી. આજની મોડર્ન યુવતીની આંખ અલ્ટ્રા મોર્ડન લેબોરેટરી જેવી હોય છે. એના મશીનમાં પુરુષ નામનું સેમ્પલ નાખવામાં આવે કે તરત જ એનો પૂરો રિપોર્ટ બહાર આવી જાય છે. ફિઝાએ ક્ષણમાત્રમાં તનિષ્કને પારખી લીધો. એના મનમાં જે ઊપસી આવ્યું તે કંઇક આવું હતું: ઉંમર 25ની આસપાસ હોવી જોઇએ. ચહેરો અત્યંત સોહામણો. વ્યક્તિત્વ સ્માર્ટ. શરીર હી-મેન જેવું. અવાજમાં લોહચુંબક. આંખોમાં વશીકરણ. ફિઝાના દિલની ધડકન તેજ થઇ ગઇ. હૈયામાંથી આદેશ છૂટ્યો: ‘આ પુરુષ શ્રેષ્ઠ છે. તમારી જોડી દુગ્ધશર્કરા યોગ જેવી બની રહેશે. એની બની જા. ભગવાન કામદેવ સગુણ સાકાર રૂપ ધરીને તારી સામે ઊભો છે. કપાળમાં એના નામનો ચાંદલો ધારણ કરી લે.’ ફિઝાએ પોપચાં ઢાળી દીધાં. લજ્જાભર્યા અવાજમાં ધીમેથી પૂછ્યું, ‘દિલ તો હું આપું, પણ તમે એની રિસિપ્ટ આપશો?’ ‘રિસિપ્ટ નહીં આપું. દિલના સાટામાં દિલ જ આપીશ. આવતીકાલે બપોરે ત્રણ વાગે. પિંક સિટી કેફે. કોર્નર ટેબલ. આવશોને? હું મારું દિલ લઇને ત્યાં બેઠો હોઇશ. તમારી પ્રતીક્ષામાં.’ બ્યૂટીફૂલ કેરી પેકમાં 21 હજાર રૂપિયાનો રમ્ય ડ્રેસ લઇને, કેબમાં બેસીને ઘર તરફ જઇ રહેલી ફિઝા મનોમન વિચારી રહી હતી. પ્રેમ એટલે શું? પ્રથમ નજરનો તણખો? સુંવાળી ત્વચાનું આકર્ષણ? મારકણી અદાઓનો માર? વસંતોત્સવ ઊજવવા માટે બિછાવેલી જાળ? કે પછી કંઇક જુદું જ? જેમ જેમ આગળ વિચારતી ગઇ તેમ તેમ ફિઝાને આ ‘કંઇક જુદું’માં રસ વધતો ગયો. કોલેજમાં ભણતી ફિઝાને પ્રેમ વિશેના આ તમામ સવાલોનો જાત અનુભવ હતો. છેલ્લાં બે વર્ષથી એ બિંદેશ નામના એક મધ્યમ વર્ગના યુવાન સાથે સ્ટેડી પણ હતી, પરંતુ આજે તનિષ્ક સાથે પહેલી નજરમાં જ એના અંગેઅંગમાં જે રોમાંચક તોફાન ઊઠ્યું હતું તેવું એણે આજ સુધી અનુભવ્યું ન હતું. જોવાની ખૂબી એ હતી કે ફિઝાએ તનિષ્કને એનું નામ પણ પૂછ્યું ન હતું અને એનાથી પણ વધારે મોટી વાત એ હતી કે તનિષ્કે ફિઝાનું નામ, સરનામું કે ફોન નંબર પૂછ્યાં ન હતાં. માત્ર પરસ્પર પ્રત્યેના વિશ્વાસના તરાપા પર બેસીને બે ખૂબસૂરત યુવાન હૈયાં પ્રેમના સમંદરમાં તરવાં અને ફરવાં નીકળી પડ્યાં હતાં. તનિષ્ક જાણતો જ હોવો જોઇએ કે નામ, સરનામાં કે મોબાઇલ નંબર વગરની આ યુવતી જો ધારે તો એને છેતરી શકતી હતી. આટલો કિંમતી ડ્રેસ લઇને એ ચંપત થઇ જાય તો આ મેગા સિટીમાં એ ફરીથી ક્યાં હાથમાં આવવાની હતી? હવે તો જે થવાનું હતું તેની ખબર આવતીકાલે બપોરે ત્રણ વાગે પડવાની હતી. બીજા દિવસે તનિષ્ક પોણા ત્રણ વાગે નિર્ધારીત સ્થાન પર પહોંચી ગયો. પ્રતીક્ષાની પંદર મિનિટ પંદર જન્મો જેવી બની ગઇ. આખરે ફિઝા આવી પહોંચી. એણે ગઇકાલવાળો ડ્રેસ ધારણ કર્યો હતો. તનિષ્કના મોંમાંથી અહોભાવયુક્ત પ્રંશસા-વાક્ય સરી પડ્યું, ‘વાઉ! યુ લુક સો બ્યૂટીફૂલ! અત્યાર સુધી હું એવું જ માનતો હતો કે અમે ડિઝાઇન કરેલો આ ડ્રેસ સર્વશ્રેષ્ઠ છે, પણ અત્યારે ખબર પડી કે આ ડ્રેસ કરતાં પણ વધારે ખૂબસૂરત તો સર્જનહારે બનાવેલું આ હેંગર છે.’ ‘એટલે? મારું શરીર તમને હેંગર લાગે છે?!’ ફિઝાએ મદમસ્ત આંખોમાંથી બનાવટી રીસનો જામ છલકાવ્યો. ‘શબ્દો પર ન જાઓ, મારા વાક્યનો અર્થ સમજો. તમારી ખૂબસૂરત કાયાની માયા ભલભલાની નજરનું હેંગર બની જાય તેવી છે. કોઇ પણ રસિક પુરુષના હૈયામાં ઊછળતાં તોફાનોને લટકાવવાની ખીંટી છે. વિશ્વના ગમે તેવા સંયમી યુવાનનાં જીવનભરનાં અરમાનોને આધાર આપવાનું ટેકણ છે. પુરુષના રોમરોમમાં પાંગરતી ઝંખનાઓનું સરનામું છે...’ ‘બસ, બસ! તમે એક કામ કરો. બુટિક બંધ કરીને કવિતાની દુકાન ચાલુ કરો. સારી ચાલશે.’ ફિઝાનાં ગળામાંથી કલકલ નાદ કરતું હાસ્યનું ઝરણું ફૂટ્યું. એ ઝરણાંના વેગવાન પ્રવાહમાં ‘તમે’ અને ‘આપ’ જેવાં ઔપચારિક સંબોધનો ક્યારે અને ક્યાં વહી ગયાં એની બેમાંથી કોઇને ખબર જ ન રહી. પંદર મિનિટ પછી બંનેના હાથ એકબીજાનાં હાથમાં હતાં અને બંને એકબીજાની આંખમાં ઓગળી રહ્યાં હતાં. પ્રેમનો સાગર ઊછળીને આસમાન સુધી પહોંચી રહ્યો હતો. વચનોની આપ-લે વસંતઋતુની જેમ મહોરી ઊઠી હતી અને એક યુવાન પુરુષ એની સામે બેઠેલી સૌંદર્યસમૃદ્ધ પ્રેમિકા સમક્ષ પોતાની દુન્યવી સમૃદ્ધિનું બયાન કરી રહ્યો હતો. ‘મારું બુટિક તો તેં જોયું જ છે. મારી માલિકીના બે બંગ્લોઝ છે. મારી પાસે ત્રણ ફાર્મહાઉસ છે. એક ઓડી કાર છે અને એક હોન્ડા સિટી, પણ તારા માટે નવીનકોર બીએમડબ્લ્યૂ

જશે. ડિસ્પોઝેબલ પેપર કપની જેમ એક વાર વાપરીને કોઇને આપી દેવાનો. તારાં ચાંદી જેવાં અંગોને હું સોનાંથી ઢાંકી દઇશ. હું તને...’ ફિઝા સાંભળતી રહી અને અંજાતી રહી, પણ અંદરખાને એનું હૈયું કોઇ અકળ આશંકાથી ફફડી રહ્યું હતું. બિંદેશ સાથેનું લવઅફેર એને પરેશાન કરી રહ્યું હતું. તનિષ્કને લગ્ન પછી આ વાતની જાણ થશે તો શું થશે? ફિઝાને પોતાના નિર્ણય ઉપર ગુસ્સો આવી ગયો. શી જરૂર હતી એ ફાલતુ યુવાન સાથે પ્રેમ કરવાની? એણે નક્કી કરી લીધું કે ભાવિ પતિ તનિષ્કથી એ કોઇ વાત છુપાવશે નહીં. એણે મનોમન શબ્દોની શૃંખલા ગોઠવી લીધી. ‘તનિષ્ક, મારે કન્ફેશન કરવું છે. હું આપણા સંબંધની શરૂઆત જૂઠું બોલીને કરવા નથી માગતી. હું તનથી અનાવૃત થતાં પહેલાં તારી સમક્ષ મનથી પણ અનાવૃત થઇ જવા માગું છું. મારે તને અંધારાંમાં રાખવો નથી.’ તનિષ્ક મોટેથી હસી પડ્યો, ‘કમ ઓન, જાન! એનિથિંગ સિરિયસ?’ ‘હા, હું બિંદેશ નામના યુવાન સાથે રિલેશનશિપમાં છું. અમે બોર્ડર ક્રોસ નથી કરી પણ અમારી વચ્ચે મેરેજનું કમિટમેન્ટ થઇ ગયું છે. એ એક દેખાવડો, સંસ્કારી, મિડલ ક્લાસ પર્સન છે. હું વિચારતી હતી કે અમારું લગ્નજીવન સંઘર્ષમય રહેશે તેમ છતાં દાંપત્યના રણમાં ખીલેલાં ગુલાબની સુગંધથી મહેકતું રહેશે, પણ આજે તને મળ્યાં પછી મને લાગે છે કે એ બધી આદર્શની વાતો છે. સુખી લગ્નજીવન માટે ધનવાન પતિ હોવો જરૂરી છે. ભાડાંના મકાનમાં રહીને વિશાળ બંગલાની ઇર્ષા કરતાં કરતાં નિસાસા નાખવા એના કરતાં વેલ ફર્નિશ્ડ બેડરૂમની મખમલી શૈયામાં યૌવનનો ઉત્સવ ઊજવવો એ વધુ સંતોષજનક બની રહેશે. હું આવતીકાલે બિંદેશને મળીને મારો નિર્ણય જણાવી દઇશ. તને પ્રોમિસ આપું છું કે ભવિષ્યમાં ક્યારેય હું એને યાદ પણ નહીં કરું.’ ફિઝાની ઇમોશનલ કબૂલાત સાંભળીને તનિષ્ક ખડખડાટ હસી પડ્યો, બસ! આટલી જ વાત હતી? આવું તો ચાલ્યાં કરે. તારા જેવી રૂપા‌‌‌ળી અપ્સરાનાં જીવનમાં આજ સુધી કોઇ ન આવ્યું હોય એવું તો બને જ નહીંને? સારું થયું કે તેં કહી દીધું. જો ન કહ્યું હોત તો પણ કોઇ ફરક ન પડ્યો હોત. કોઇ પણ સ્ત્રી-પુરુષની રિલેશનશિપમાં સૌથી મહત્ત્વની ચીજ પ્રેમ હોય છે, કોઇ ત્રીજી વ્યક્તિનું મહત્ત્વ નથી હોતું. મારી જ વાત કરીએ. હું ઓલરેડી મેરિડ છું. હેપીલી મેરિડ. મારી પત્ની અભિતા તારા જેવી જ ખૂબસૂરત છે. એ મને ગમે પણ છે. પણ એથી શું થઇ ગયું? કોઇને ગુલાબનું ફૂલ ગમતું હોય એટલે મોગરાનું ફૂલ ન ગમે એવું થોડું છે? ગઇ કાલે મેં તને જોઇ. તું મને ગમી ગઇ. મેં નિર્ણય કરી લીધો. હું તને એક સ્વતંત્ર બંગલામાં તમામ સુખસુવિધામાં આજીવન સાચવીશ. તને કોઇ વાતે ઓછું નહીં આવવા દઉં. અલબત્ત, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, પણ આપણે લિવ ઇન રિલેશનશિપમાં રહીશું...’ તનિષ્કની વાત સાંભળીને ફિઝાના ચહેરાનો રંગ બદલાઇ ગયો. એની આંખોમાંથી અંગારા ઝર્યા, ‘વોટ? આર યુ ઓલરેડી મેરિડ? ઘરમાં રૂપાળી પત્ની હોવા છતાં તું મને પ્રેમની જાળમાં લપેટવા નીકળ્યો છે? તારા કરતાં તો મારો બિંદેશ હજારગણો સારો. લિવ ઇન રિલેશનશિપ જેવા શબ્દો ભોળી યુવતીઓને ભરમાવવા માટે ઊપજાવી કાઢેલી કપટજાળ છે. આપણા વડીલો એના માટે રખાત જેવો શબ્દ વાપરતા હતા. તું સરનામું ભૂલ્યો તનિષ્ક. તારા જેવા પુરુષોને હું બરાબર ઓળછું છું. જેટલા બંગલાઓ એટલી સ્ત્રીઓ. તારા બંગલામાં રખાત બનીને રહેવાં કરતાં હું બિંદેશના ભાડાંના મકાનમાં રાણી બનીને જીવવાનું વધારે પસંદ કરીશ.’ અને ફિઝા ચાલી ગઇ. (શીર્ષકપંક્તિ: ‘મરીઝ’)drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો