તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખલીલ જિબ્રાન એક ઋષિતુલ્ય કવિ છે. મૂળ તો અરેબિક પણ અંગ્રેજીને કારણે એમની કૃતિઓની આખી દુનિયામાં બોલબાલા છે. એમના સંગ્રહ ‘ધ પ્રોફેટ’ પાછળ ભાવુકો પાગલ. અમેરિકામાં તો આ પુસ્તક એક પવિત્ર ગ્રંથ જેવું ગણાય છે. ખલીલ જિબ્રાન કલાકાર પણ ખરા. 1883થી 1931 સુધીનો એમનો આયુષ્યકાળ. એમણે રૂપકકથાઓ ઘણી લખી છે. પાગલ માણસ, એની દૃષ્ટાંતકથાઓ અને એમનાં થોડાંક કાવ્યોનો એમાં સમાવેશ છે. કહેવાય છે કે જિબ્રાન પર ટાગોરની પણ ભારે અસર હતી. રૂપકકથાની મજા એ છે કે તમારે તમારી રીતે, તમારી યથાશક્તિમતિ એનું અર્થઘટન કરવાનું. એમાં ઉખાણાનું તત્ત્વ નથી, પણ રહસ્યનું તત્ત્વ છે. એમની ‘દાડમ’ નામની એક રૂપકકથા જોઈએ. કહે છે કે એક વખત એવો હતો કે હું દાડમનાં હૃદયમાં રહેતો હતો. એક બીજને બોલતું સાંભળ્યું. ‘કહે કોઈક દિવસ તો હું વૃક્ષ થઈશ. મારી ડાળીઓમાં પવન ગાતો હશે અને મારે પાંદડે પાંદડે સૂરજ નર્તન કરતો હશે. મારી પાસે મારી તાકાત હશે અને પ્રત્યેક મોસમમાં હું સુંદર ને સુંદર થઈશ. ત્યાં બીજું બીજ બોલ્યું, ‘હું જ્યારે તમારા જેવું જુવાન હતું મારી પાસે પણ મારા આવા અભિપ્રાયો હતા. આવા દૃષ્ટિકોણ હતા, પણ જ્યારે આજે હું એ બધા વિશે વિચાર કરું છું અને બધાનો તોલમાપ કરું છું ત્યારે મને એમ લાગે છે કે મારી બધી જ આશાઓ નકામી અને ઠગારી નીવડી. ત્યાં ત્રીજું બીજ બોલ્યું, ‘મને તો મારામાં કશું જ લાગતું નથી અને મારું કોઈ મહાન ભવિષ્ય હોય એમ મનાતું નથી.’ ચોથા બીજે કહ્યું, મહાન ભવિષ્ય વિના જિંદગી એ બીજું શું છે, કેવળ મજા જ છે.’ પાંચમાં બીજે કહ્યું, ‘શા માટે બધી પંચાતમાં પડો છો ? શું થવાનું છે એની ચિંતા અને તકરાર શા માટે ? અત્યારે પણ આપણે જાણતા નથી કે આપણે હકીકતમાં કોણ છીએ ?’ છઠ્ઠા બીજે કહ્યું, ‘આપણે જે હોઈએ તે, જેવા છીએ તેવા, આપણે જે છીએ તે જ રહીશું.’ સાતમા બીજે કહ્યું, ‘મારી પાસે મારું સ્પષ્ટ દર્શન છે. શું થવાનું છે એ વિશેની મારી પાસે મારી પોતાની પારદર્શક પ્રતીતિ છે. ’ પછી તો આઠમું બીજ અને નવમું બીજ અને દસમું બીજ –અને આમ કેટકેટલાં બીજ માત્ર બોલવા જ માંડ્યાં. આટલાં બધાં બીજ બોલતાં હોય ત્યારે હું એમાંથી કશું પણ તારવી ન શક્યો અને એ જ દિવસે હું વૃક્ષનાં હૃદયમાં પેસી ગયો. જ્યાં બીજ લગભગ નહીંવત્ હતાં અને મૌનનો મલાજો પાળવાં હતાં. કથા માત્ર આટલી જ છે. દરેક માણસમાં પ્રતિભાનું બીજ હોય છે. કોઈકનો અભિગમ આશાવાદી હોય છે. કોઈકનો નિરાશાવાદી હોય છે. કોઈક તર્કની જંજાળમાં પડ્યું છે. કોઈકને ભવિષ્યની ચિંતા છે. કોઈકને કોઈ વાતમાં શ્રદ્ધા નથી. જે બહુ બોલે છે એ કશું કરી શકતા નથી. સૌથી મહત્ત્વની વાત તો પ્રથમ બીજની છે. એને ખબર છે કે મારામાં વૃક્ષ થવાની શક્યતા છે. મોસમો ઝીલી શકવાની તાકાત છે. મારાં મૂળિયાં ઊંડાં છે. મારું સૌંદર્ય નિખર્યાં વિના નહીં રહે. મારે પાંદડે પાંદડે મોતી હશે. આ શ્રદ્ધાની વાત છે. આવતીકાલ ઊજળી છે. કેટલાક ગઈ કાલની જ વાતો કર્યાં કરતા હોય છે. એ લોકો હારી ચૂકેલા હોય છે. કેટલાકને ભવિષ્ય દેખાતું નથી. કેટલાક પરિસ્થિતિની સ્વીકૃતિના માણસ છે. કેટલાક માત્ર નકારના જ માણસ હોય છે. એમને નકારમાં રસ હોય! બીજી એક નાનકડી રૂપકકથા છે. એક શિયાળ છે. સૂર્ય ઊગે છે ત્યારે એનો પડછાયો લંબાય છે. પોતાના પડછાયાને જોઈને કહે છે કે આજે મારે ખાવા માટે ઊંટ સિવાય કશું ન ખપે. આખો દિવસ ઊંટની તલાશમાં ગાળે છે. સાંજે પડછાયો ટૂંકો થઈ જાય છે અને ત્યારે એ કહે છે કે ઉંદર હશે તો પણ ચાલશે. આ બધા ભ્રમણાના અને સમાધાનના વેંતિયા માણસો છે. દુનિયામાં ત્રણ જ પ્રકારના માણસ હોય છે. એક પ્રકારના માણસો જીવનને નીંદે છે, શાપે છે, ધિક્કારે છે,ચોવીસે કલાક રાવ-ફરિયાદ કરે છે. જ્યાં જાય ત્યાં ઝગડો કરવો ન થાય તો ઊભો કરવો. એમને ગોઠતું પણ નથી અને ક્યાંય ગોઠવાતા પણ નથી. આવું કરનારાઓ દુઃખી છે અને એ લોકો દુઃખી છે એટલે હું એમનાં દુઃખને, એમની વેદનાને, વેદનાગ્રસ્ત મનુષ્યને પ્રેમ કરું છું. બીજા પ્રકારના માણસો જીવનને વરદાન માને છે, આશીર્વાદ માને છે. એમને જીવનનું પ્રયોજન મળ્યું છે. જીવનનું પ્રયોજન મળવું એ ઇશ્વરીય ઘટના છે. એટલા માટે એમને પ્રેમ કરું છું અને ત્રીજા પ્રકારના માણસો જીવન વિશે ચિંતા નહીં, પણ ચિંતન કરે છે. આ માણસો શાણપણના યોગી છે એટલે એમને પ્રેમ કરું છું. ખલીલ જિબ્રાન કહે છે : મારે સૂર્યાસ્તોને પચાવવા છે અને મેઘધનુષોને ય પીવાં છે namaskarkishore@gmail.com
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.